ઑક્ટોબર 18, 2013

પ્રેમ એટલે.....

આજે સેટેલાઈટ ચેનલ પર ફિલ્મ 'તનુ વેડ્ઝ મનુ' જોઈ. અગાઉ પણ અનેકવાર આ ફિલ્મ જોઈ ચૂકી છું પણ જ્યારે પણ જોઉં ત્યારે શર્માજી(માધવન)નું પાત્ર દિલને ઝકઝોરી જાય છે. કેટલો નકાર, કેટલો તિરસ્કાર સહેવા છતાં હિંમત નથી હારતા શર્માજી.
બધી રીતે લાયક હોવા છતાં પ્રિયપાત્ર તરફથી નકાર સાંભળવા મળે છે તો નિરાશ થવાને બદલે એને સમયનો તકાજો સમજીને પરિસ્થિતિનો સ્વીકાર કરી લે છે, એટલું જ નહીં, પોતાના હરીફની મદદ કરવા પણ તૈયાર થઈ જાય છે. એવું યે નથી કે શર્માજી એકદમ જ સાફદિલ છે. અણીના સમયે, ધર્મરાજા યુધિષ્ઠિરે જેમ 'નરો વા કુંજરો વા' કહીને અશ્વત્થામાને હણવામાં મહત્વનો ભાગ ભજવેલો એમ શર્માજી પણ, નાનકડું અસત્ય બોલીને, ગમતી કન્યાને હરીફના હાથમાં જતી તત્ક્ષણ પૂરતી તો રોકી જ લે છે! પણ એટલો હક તો એક પ્રેમીને હોય જ ને.

ફિલ્મની વાર્તા આમ તો બહુ જ સીધી સાદી છે. લંડન સ્થિત ડોકટર મનોજ 'મનુ' શર્મા, ભારતીય કન્યા સાથે પરણવા માટે ભારત આવે છે. માતાપિતાએ પસંદ કરેલી કન્યા તનુજા 'તનુ'(કંગના રનૌત)ને જોતાવેંત તેને પસંદ કરી લે છે. જો કે, તનુ અન્યના પ્રેમમાં છે. તે શર્માજીને, પોતાને નકારવા માટે કહે છે. જેથી પોતે પોતાના પ્રેમી સાથે પરણી શકે.

તનુને મનોમન ચાહવા લાગેલા શર્માજીને હવે અન્ય કોઈ છોકરી ગમતી નથી. અન્ય એક મિત્રના લગ્નપ્રસંગે ફરી બંનેની મુલાકાત થાય છે. થોડા દિવસના સહવાસમાં બંને વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ રચાય છે. તેમ છતાં એક નાનકડી ગેરસમજને લઈને આ સંબંધમાં પણ ઓટ આવે છે. તેમ છતાં પણ શર્માજી શાલિનતાથી તનુના માતાપિતાને સમજાવીને તેના પ્રેમી સાથે લગ્ન નક્કી કરાવવામાં સહાયરૂપ થાય છે. અંતે સંજોગો એવા બને છે કે તનુને પોતાની ભૂલ સમજાય છે અને તનુ, મનુને પરણે છે.



ખેર, મૂળ વાત એ છે કે આજકાલની દુનિયામાં શર્માજી જેવા પાત્રો ક્યાં મળે છે? આજકાલની જનરેશન 'રિજેક્શન'નો સામનો કરવા માટે તૈયાર જ નથી હોતી. છાશવારે અખબારમાં, પ્રેમમાં નિષ્ફળ જઈને આપઘાત કરતાં લોકોના કિસ્સા વાંચવા મળે છે. તો એથીયે ઊલ્ટું,, પ્રેમપ્રસ્તાવ નકારી દેનાર સ્ત્રીપાત્ર પર એસિડ ફેંકીને તેને જીવતેજીવ દોઝખની યાતના ભોગવવા માટે યા તો મજબૂર થઈને આપઘાત કરવા માટે છોડી દેવામાં આવે છે. યા તો તેને ઊઠાવી જઈને બદહાલ કરવામાં આવે છે. શું આને આપણે પ્રેમ કહીશું? આજે જરૂર છે શર્માજીના જેવા પરિપક્વ વિચારોની. પ્રિયપાત્ર પોતાનું ન થઈ શકે એવી પરિસ્થિતિમાં કોઈ નકારાત્મક પગલાં લેવાને બદલે, એ વ્યક્તિ માટે વધુ સારા, સમજદાર અને સંવેદનશીલ બનવું એ જ શ્રેય છે.

ફિલ્મનું એક જમા પાસું તેનું સંગીત પણ છે. રાજશેખરે લખેલું આ ગીત સાંભળીને એમ થાય કે ગીતકારે જાણે શર્માજીના મનોભાવોને હૂબહૂ શબ્દદેહે ઢાળ્યા છે. સંગીતકાર ક્રિષ્નાએ વાંસળીની મધુર ધૂનથી સજાવેલા આ ગીતમાં, એકતરફી પ્રેમના દર્દને મોહિત ચૌહાણે ખૂબ જ સહજ રીતે પોતાના અવાજમાં ઊતાર્યું છે.

http://www.youtube.com/watch?v=apFY_W3wJsk

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો