મે 10, 2014

જય જય શિવ શંકર....






સ્થળ: કાશ્મીરના ગુલમર્ગનું શિવમંદિર. આ મંદિરમાં કોઈ એક સાંજે આરતીટાણે થતો ઘંટારવ સાંભળીને, દર્શન કરવા આવેલા બે મિત્રો પૈકી એકે ભાવવિભોર થઈને અસ્સલ લોકબોલીમાં, એક ખાસ લહેકાથી ભોલેનાથ શંકરનો જયજયકાર કર્યો અને સાથેના બીજા મિત્રને જણાવ્યું કે પોતે બહુ જ જલ્દી આ શબ્દો અને ઘંટારવ ની ધૂન પરથી ગીત તૈયાર કરીને પેલા મિત્રને ભેટ આપશે.
એક અરસા પછી આ ગીત બન્યું. એ ગીત ફિલ્મ ‘આપ કી કસમ’ નું  પ્રખ્યાત ગીત... “જય જય શિવ શંકર... કાંટા લગે ના કંકર...” અને આ બંને મિત્રો એટલે કોણ એ કહેવાની જરૂર ખરી? હીટ ગીતોની સુપરહીટ જોડી એટલે કે ‘કાકા’ ઉર્ફે રાજેશ ખન્ના અને  પંચમદા એટલે કે આર. ડી. બર્મન. ‘કાકા’ની અન્ય સુપરહીટ ફિલ્મોની જેમ ‘આપ કી કસમ’ની સફળતામાં પણ ફિલ્મના ગીત-સંગીતનો ફાળો મહત્વપૂર્ણ ગણી શકાય. લતાજી-કિશોર કુમારના અવાજમાં “કરવટે બદલતે રહે સારી રાત હમ” હોય કે “સુનો...સુના...” હોય કે પછી “પાસ નહીં આના, દૂર નહીં જાના...” હોય. કિશોર કુમારના એકલ સ્વરમાં “ઝીંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ” કે લતાજીએ ગાયેલું સુમધુર ગીત “ચોરી ચોરી ચૂપકે ચૂપકે...” હોય - આ બધા જ ગીતો સુપરહીટ રહ્યા અને હજુ આજેય આ બધા જ ગીતોનો જાદૂ યથાવત છે, એમાં કોઈ બેમત નથી. 

આ પાંચ ગીતો ઉપરાંત છઠ્ઠું ગીત કે જે આ ફિલ્મનું એક અનેરું આકર્ષણ કહી શકાય, જેને લતાજી-કિશોર કુમાર અને કોરસે ગાયું હતું. આ ગીત એટલે “જય જય શિવ શંકર...”. આ ગીતની સફળતાથી પ્રેરાઈને આ પ્રકારના ગીતો રચવાના ઘણા પ્રયાસો થયા, પણ આજ દિવસ સુધી અન્ય કોઈ જ ગીત, આ ગીતની તોલે આવી શકયું નથી.
ગીતનો ‘મૂડ’ આમ તો મોજ-મસ્તી ભર્યો અને ઉપરથી ભાંગના નશામાં ઝૂમતા, નાચતા, ઊછળકૂદ કરી રહેલા પાત્રો – આવી ‘સિચ્યુએશન’નાં ગીતો ગાવા એ લતાજીનાં સ્વભાવમાં ન હતું.  લતાજી તો એક આદર્શ ભારતીય નારીનો અવાજ! એઓ તો સદાય મુખ્ય અભિનેત્રી માટેના સાફસૂથરા ગીતો ગાય. જયારે ફિલ્મની સહઅભિનેત્રી કે ખલનાયિકા માટેના ગીતો તો આશાજી ગાય. અને આવા મસ્તીભર્યા ગીતો માટે તો આશાજીનો અવાજ અને અંદાઝ જ વધારે અનુકૂળ આવે. પરંતુ આ ગીત તો ફિલ્મની મુખ્ય અભિનેત્રી મુમતાઝ પર ફિલ્માવવાનું હતું. એટલા માટે લતાજી પાસે આ ગીત ગવડાવવું જરૂરી હતું. ગીતકાર આનંદ બક્ષીએ લતાજીને ખાતરી આપી કે તેમના ભાગે એવી કોઈ પંક્તિઓ નહીં આવે કે જેમાં ભાંગના નશાનો ઉલ્લેખ હોય કે કોઈ બેહૂદો, અશોભનીય શબ્દ હોય. અને સાચ્ચે જ, ગીત સાંભળીએ તો ખ્યાલ આવે કે ગીતકાર આનંદ બક્ષીએ કેટલી સિફતપૂર્વક શબ્દો લખ્યા છે કે જેથી લતાજીની ‘ઈમેજ’ જરા પણ ખરડાયા વિના ગીતનો ભાવ યથાવત રાખી શકાયો છે!

ગીતને ધ્યાનપૂર્વક, અંત સુધી સાંભળો તો ગીતના અંતે કિશોર કુમારના મસ્તીભર્યા અવાજમાં થોડા શબ્દો કાને પડે. મોટા ભાગના શ્રોતાઓએ આ પંક્તિના શબ્દો પર ધ્યાન ન આપ્યું હોય એ શક્ય છે.

“બજાઓ રે બજાઓ, ઈમાનદારી સે બજાઓ... પચાસ હઝાર ખર્ચ કર દિયે....હી હી હી” 

ગીતની પૃષ્ઠભૂમિ સાથે પણ આ શબ્દો મેળ ખાતા નથી. આમેય કિશોર કુમાર અવનવા ગતકડાં કરવા માટે જાણીતા હતા. એટલે એમની કોઈ મસ્તીના ભાગ તરીકે આ પંક્તિ એમણે ગાઈ નાખી હોય એમ લાગે. પણ હકીકત કૈક ઓર જ હતી. 

બન્યું એવું કે ફિલ્મના નિર્માતા જે. ઓમપ્રકાશે ફિલ્મના કુલ છ ગીતો માટે દોઢ લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરેલું. એટલે કે એક ગીત માટે અંદાજે પચીસ હજાર રૂપિયા. પંચમદા એ “જય જય શિવ શંકર” ગીત માટે ખાસ્સું મોટું કોરસ અને જરૂર કરતા કૈક વધારે સાજીંદાઓને બોલાવેલા. પંચમદાની ઈચ્છા હતી કે ગીતનાં સંગીત નિયોજનમાં ક્યાંય કોઈ કમી ન રહે. આખરે આ ગીત એમના મનગમતા કલાકાર રાજેશ ખન્ના પર ફિલ્માવવાનું હતું. રાજેશ ખન્ના માટે આમેય પંચમદાને વિશેષ પ્રીતિ હતી. (એક સમયે લંડનની પ્રખ્યાત ‘પ્રિન્સેસ ગ્રેસ હોસ્પિટલ’માં બાયપાસ સર્જરી માટે દાખલ થયેલા પંચમદાએ, ત્યાંના ડો. મુકેશ હરિયાવાલા પાસે એકરાર કરેલો કે અમિતાભ બચ્ચનની સરખામણીએ પણ એમને રાજેશ ખન્ના વધારે પસંદ હતા અને એઓ હંમેશા સારી સારી ધૂનો ‘કાકા’ માટે સંભાળીને રાખતા! પંચમ માનતા હતા કે અમિતાભ બચ્ચન ‘બોલીવૂડ લેજન્ડ’ તરીકે હંમેશા જનમાનસના દિમાગમાં રહેશે પરંતુ આગામી અનેક પેઢીઓ સુધી રાજેશ ખન્ના “પરમેનન્ટ સુપરસ્ટાર” તરીકે કરોડો ચાહકોના દિલમાં અમર રહેશે.)
ખેર... ગીતના ‘મૂડ’ માટે જેવી ‘ટ્રીટમેન્ટ’ જોઈએ એ માટે પંચમદાએ જરૂર કરતા વધુ ખર્ચ કરી નાખ્યો. એ માટે નિર્માતાની સહમતિ લેવાનું કદાચ એમણે જરૂરી નહીં સમજ્યું હોય. પણ એક દિવસ એવું બન્યું કે સાંજના સમયે ગીતનું રીહર્સલ ચાલતું હતું તે સમયે જે. ઓમપ્રકાશ સ્ટુડીઓ પર આવી પહોંચ્યા. આવતાવેંત જ સ્ટુડીઓ પરનો તામઝામ જોઇને એમની આંખો ચાર થઇ ગઈ! એમણે આવેલા જોઇને પંચમદાએ સહજ જ પૂછ્યું કે ગીત કેમ લાગે છે? ઓમપ્રકાશજીએ કચવાતે સ્વરે કહ્યું કે આટલું મોટું આયોજન... આમાં તો બહુ જ ખર્ચ લાગશે.. અને આટલા બધા સાજીંદા....એમના માટે તો પચાસ હજાર રૂપિયા જોઈ જશે... અને આમેય આ ગીતમાં ખાસ કંઈ મજા નથી આવતી.... 

પત્યું.... પંચમદાનો મૂડ ‘ઓફ’ થઇ ગયો. જે ઉત્સાહ અને ઉમંગથી તેઓ આ ગીત બનાવી રહ્યા હતા એ ગાયબ થઇ ગયા. કિશોર કુમારની ચકોર નજરે આ તફાવત પારખી લીધો. તેમણે પંચમદાને પૂછ્યું પણ ખરૂ કે વાત શું છે? થોડા ખચકાતા ખચકાતા પંચમદાએ કિશોર કુમારને બધી હકીકત જણાવી. કિશોર કુમારે પંચમદાને ધરપત આપી. અને જે. ઓમપ્રકાશને કોણ જાણે કઈ રીતે સમજાવ્યા કે તેઓએ ગીત માટે જરૂરી તમામ ખર્ચ માટે મંજૂરી આપી દીધી. રીહર્સલ પત્યું અને આખરે ગીત રેકોર્ડીંગ સ્ટુડીઓમાં પહોંચ્યું. 
પણ કિશોરદા જેનું નામ! પંચમદા જેવા સંગીતકારનો ઉતરેલો ચહેરો એમને કેમ ભૂલાય? પૂરેપૂરું ગીત જે રીતે નક્કી થયેલું એ મુજબ જ એમણે ગાયું પણ છેક છેલ્લે, ગીતના અંતભાગમાં જ્યાં ગીતનો લય એકદમ ઝડપી થઇ જાય છે, એ સમયે કિશોર કુમારે એટલા જ ઝડપભર્યા સ્વરે, એકદમ સાહજિક રીતે એક પંક્તિ ઉમેરી દીધી. કિશોર કુમારના આ ગતકડાં સાથે જ ગીત રેકોર્ડ થઇ ગયું અને ગીતની સફળતાએ ઈતિહાસ સર્જી દીધો! 

“બજાઓ રે બજાઓ, ઈમાનદારી સે બજાઓ... પચાસ હઝાર ખર્ચ કર દિયે....હી હી હી હી!!!!” 

http://www.youtube.com/watch?v=FwC_32YvJBY

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો