મે 14, 2014

'કેબરે ક્વિન' હેલન...




આજે મોટાભાગની ફિલ્મોમાં આઈટમ સોંગ જોવા મળે છે, ચાહે એની જરૂરત હોય કે ન હોય. ગંભીર વિષય પર ફિલ્મ બનાવનારા પ્રકાશ ઝા(ફિલ્મ: ગંગાજલ અને અપહરણ) તેમજ મધુર ભંડારકર(ફિલ્મ: હીરોઈન) જેવા ફિલ્મસર્જકો પણ આઈટમ સોંગનો ઉપયોગ પોતાની ફિલ્મોમાં કરવાનો મોહ ટાળી શક્યાં નથી. જોકે, સામાન્ય રીતે 'આઈટમ નંબર'ને જે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે મુજબ, કાન ફાડી નાંખે એવું સંગીત, અર્થવિહીન યા તો દ્વિઅર્થી શબ્દો અને અભદ્ર ભાવભંગિમાઓ સાથેનું વરવું નૃત્ય.
ક્યાંક મુન્ની બદનામ થઈ રહી છે તો ક્યાંક શીલા જવાન થઈ રહી છે. ક્યાંક દિલ મફતમાં મળી રહ્યું છે તો ક્યાંક જવાની હલકટ થઈ રહી છે.(આ બધાની વચ્ચે ક્યારેક ક્યારેક અપવાદ રૂપે 'જુબાં પે લાગા લાગા રે નમક ઈશ્ક કા' જેવા ગીતોમાં વિશાલ ભારદ્વાજના સંગીતમાં ગુલઝારસાહેબની કલમના ચમકારા જોવા મળી જાય!)


જો કે, આવા ગીતો આવે છે અને બહુ જ જલદીથી ભૂલાઈ પણ જાય છે. કોને યાદ હશે કે ફિલ્મ 'ગંગાજલ'માં ક્યું આઈટમ સોંગ હતું અને તે સંજય દત્તની પત્ની માન્યતા પર ફિલ્માવવામાં આવેલું! ફિલ્મ જેણે જોઈ હશે એણે પણ કદાચ આ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય. અથવા તો જેમને ખ્યાલ હશે તેમને પણ કદાચ  યાદ નહીં હોય. પણ  'મેરા નામ ચિન ચિન ચૂં', 'પિયા તુ અબ તો આ જા', 'ઓ હસીના ઝૂલ્ફોંવાલી જાને જહાં', 'યે મેરા દિલ પ્યાર કા દીવાના', ઇસ દુનિયામેં જીના હો તો', 'મહેબૂબા મહેબૂબા' જેવા ગીતોની વાત નીકળે તો જેમણે પણ આ ફિલ્મો જોઈ હશે તેમને હેલનનું નામ યાદ કરવા માટે દિમાગ પર જોર નહીં કરવું પડે! આ જ તો ફરક છે, આજના કઢંગા 'આઈટમ ગીતો' રજૂ કરનારી નાયિકાઓ અને હેલન વચ્ચે.

હેલનનો ખ્યાલ દિલમાં આવતાની સાથે જ એક એવી કેબરે ડાન્સરનું ચિત્ર દિમાગમાં ઊભરે છે, જેના શરીરમાં લચક, જેના અંગમરોડમાં લય અને જેની ભાવભંગિમાઓમાં રહસ્યમયી માદકતા જોવા મળે છે. ગીતની ગતિ તેજ હો કે સૌમ્ય, હેલનનું નૃત્ય ગીતને એક નવું જ પરિમાણ બક્ષે છે અને દર્શકોને રોમાંચની એક અનેરી દુનિયામાં લઈ જાય છે.     

યાદ કરો ફિલ્મ 'હાવડા બ્રિજ'નું ગીત 'મેરા નામ ચિન ચિન ચૂં....' જાપાની ગુડિયાની વેશભૂષામાં પડદા પર નાચતી, થિરકતી હેલન, બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મમાં પણ રંગીનીનો માહૌલ જમાવી દે છે! તો ફિલ્મ 'ડોન'નું ગીત 'યે મેરા દિલ યાર કા દીવાના' યાદ કરો... તદ્દન ટૂંકા વસ્ત્રોમાં માદક નૃત્ય દ્વારા અમિતાભ બચ્ચનને રિઝવવાની કોશિષ કરતી નૃત્યાંગના તરીકે દર્શકો પર પોતાના કામણનો જાદૂ ચલાવનારી હેલનની આંખોમાં જે ખુમાર, જે ખૂની ચમક અને કાતિલતા જોવા મળે છે... પોતાના ભાઈના મોતનો બદલો લેવા તડપતી એક વેર પિપાસુ બહેન પોતાના મનોભાવ આંખો વડે કઈ રીતે પ્રગટ કરે છે તેનો અદ્ભૂત અભિનય હેલને આ ગીતમાં કર્યો છે. તો પોતાના પ્રેમીના વિરહમાં તડપતી સ્ત્રીની મનોવ્યથા અને પ્રેમીના મિલનની ઉત્તેજના અને ઉલ્લાસની મનોસ્થિતિ - આ બંને લાગણીઓને કઈ રીતે એક જ ગીતમાં નૃત્યાત્મક રીતે હેલને રજૂ કરી છે તે જોવા માટે ફિલ્મ 'કારવાં'નું ગીત - 'પિયા તુ અબ તો આ જા' જોઈ લેવું. હેલનના નૃત્યના આવા એક બે નહીં પણ ડઝનબંધ ઉદાહરણ મળી આવે. અને આ જ તો હેલનની ખૂબી છે. અભિનયસહ નૃત્ય રજૂ કરવાની આ કુશળતા આજની આઈટમ ડાન્સરોમાં શોધી જડે એમ નથી. '૬૦ અને '૭૦ના દશકમાં હેલન પર ફિલ્માવાયેલા કેબરેનૃત્યો આજે પણ આંખ (કે કાન) સમક્ષ આવે તો પગ આપોઆપ થરકવા માંડે! જો કે, એ વાત પણ અહીં નજરઅંદાજ કરી ન શકાય કે આ બધા જ ગીતોની સફળતા પાછળ હેલનના નૃત્ય કૌશલ્ય ઉપરાંત ગીતકાર, સંગીતકાર અને નૃત્યનિર્દેશકનું પણ અમૂલ્ય યોગદાન રહેલું છે.

એમાં કોઈ બેમત નથી કે હેલને પોતાના સમયમાં ખૂબ જ ઓછા વસ્ત્રોમાં કેબરે અને બીજા પ્રકારના નૃત્યો રજૂ કર્યાં. પણ આની સાથે એ વાત પર પણ સૌ મિત્રો સહમત થશે કે હેલનના નૃત્યોમાં ક્યારેય કંઈ ભદ્દાપણું લાગતું ન હતું. ટૂંકા વસ્ત્રો અને ભારે મેકઅપના ઠઠારા વચ્ચે હેલન દ્વારા જે પાશ્ચાત્ય નૃત્યો રજૂ થતાં એમાં એક પ્રકારની ગરિમા રહેતી, એક નૃત્યાંગનાનું વિશિષ્ટ કૌશલ પ્રકટ થતું. નૃત્યને અત્યંત માદક રીતે રજૂ કરવાની જે કલા હેલન પાસે હતી એ આજપર્યંત કોઈ અભિનેત્રી પાસે જોવા મળી નથી. કેબરે હોય, લોકનૃત્ય હોય, મુજરો કે પછી શાસ્ત્રીય નૃત્ય - હેલન પોતાની 'બોડી લેંગ્વેજ' અને ચહેરા પરના ભાવથી દરેક પ્રકારના નૃત્યમાં જીવંતતા લાવી દેવામાં અત્યંત કુશળ હતી. જ્યારે કોઈ ગીતની ધૂન પર હેલનનું શરીર થરકતું તો એની લચક જોઈને એમ લાગે કે જાણે કોઈ રબ્બરની ઢીંગલી, ગીતના શબ્દોને તેના યોગ્ય અર્થ આપી રહી છે! અને આ જ કારણ હતું કે દર્શકોની નજર હેલનના ટૂંકા વસ્ત્રો કરતા તેની નૃત્યશૈલી પર વિશેષ રહેતી.

હેલને પોતાના પર ફિલ્માવાયેલા ગીતોને જે ભવ્યતાથી, માદકતાથી અને સુંદરતાથી રજૂ કર્યા છે, હેલન અને કેબરે એકબીજાના પર્યાય બની ગયા છે, એમ કહીએ તો ખોટું નહીં લેખાય. ૧૯૫૧માં ફિલ્મ 'શબિસ્તાન' અને 'આવારા'થી માત્ર બાર જ વર્ષની વયે ગ્રુપ ડાન્સર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર હેલને પોતાના સમયમાં એક પછી એક ડઝનબંધ ફિલ્મોમાં પોતાના કામણથી દર્શકોને રિઝવ્યાં. પાંચ દશક લાંબી કારકિર્દી દરમિયાન પાંચસો જેટલી ફિલ્મોમાં કામ કરનાર હેલનને '૭૯માં મહેશ ભટ્ટની ફિલ્મ 'લહૂ કે દો રંગ' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળેલો. ૨00૯માં હેલનને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલો. ૨00૬માં જેરી પિન્ટો નામના લેખકે, હેલન પર લખેલા પુસ્તક, 'ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ એન એચ-બોમ્બ' ને સાલ ૨00૭માં સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુસ્તક માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયેલો.

રિટાયરમેન્ટના વર્ષો વિત્યા છતાં લોકો તેમને 'કેબરે ક્વિન' તરીકે હજુ યે પ્રેમપૂર્વક યાદ કરે છે. વર્ષો બાદ, સાઠ વર્ષથી પણ વધુ ઉમરે હેલને ફિલ્મ 'મોહબ્બતેં'માં શાહરૂખ ખાન સાથે જે સ્ફૂર્તિથી ડાન્સ કર્યો છે એ જોવાલાયક છે. આ ગીતમાં હેલનની 'એનર્જી' સામે 'ડાયનેમિક' શાહરૂખ ખાન પણ ઝાંખો લાગે છે......

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો