જુલાઈ 23, 2014

'સૈયાં'ના ગીતો...



સંગીતકાર સજ્જાદ હુસૈન વિષે એમની પુણ્યતિથી નિમિતે થોડી વાતો.... 

સજ્જાદ હુસૈન એટલે સંગદિલ, દોસ્ત, ખેલ અને રુસ્તમ સોહરાબ જેવી ફિલ્મોના અત્યંત વિલક્ષણ પ્રતિભાવંત સંગીતકાર. ’૫૦ થી ’૬૦ના દશકમાં કેટલીક ગણતરીની જ ફિલ્મોમાં યાદગાર સંગીત આપનાર સજ્જાદ હુસૈને તેમના સંગીતબદ્ધ કરેલા મોટાભાગના ગીતો પર પોતાની એક વિશિષ્ટ શૈલીની આગવી છાપ છોડી છે. આમ જોઈએ તો દરેક સંગીતકારની પોતાની એક અલગ શૈલી હોય જ, જેનાથી તેમની બનાવેલી ધૂનો પરથી જ જે તે સંગીતકારની ઓળખ મળી જતી હોય છે પોતાની ધૂનોમાં દરબારી ઠાઠમાઠ અને રહસ્યાત્મકતાનો આભાસ ઊભો કરી શકવાની અદભૂત ક્ષમતા સજ્જાદ હુસૈન પાસે હતી. તેમની આ શૈલીનો સુંદર પરિચય ૧૯૫૧ની ફિલ્મ ‘સૈયાં’નાં ગીતોમાં સુપેરે થયેલો જોવા મળે છે. મધુબાલા, અજીત, લીલા ચીટનીસ, જયંત અને સજ્જનને ચમકાવતી નિર્માતા એમ. સાદિકની આ ફિલ્મમાં કુલ આઠ ગીતો પૈકી સાત તો લતાજીએ જ ગયેલા અને બાકીનું એક ગીત રફીસાહેબે ગાયું હતું.

એક મજાની વાત કરીએ... મિત્રો, આજનાં સમયમાં ઈન્ટરનેટની સહાયથી દુનિયાભરનું સંગીત આંગળીના ટેરવે એક નાનકડા મોબાઈલ ફોન પર પણ વગાડી શકાય છે. દેશદેશાવારના જૂના-નવા, ફિલ્મી-ગેરફિલ્મી ગીતસંગીતનો ખજાનો આજે યુટ્યુબ પર પ્રાપ્ય છે. મારા પિતાજીના જન્મસમય આસપાસ રીલીઝ થયેલી આ ફિલ્મ ‘સૈયાં’નાં ગીતો (અને એની સમકાલીન અને એનાથીયે કદાચ જૂની હોય એવી ફિલ્મોના ગીતો પણ) આજે યુટ્યુબ પર પ્રાપ્ય છે. આપણને જાણીને નવાઈ લાગે કે એક અરસા સુધી આ ગીતો ‘દુર્લભ’ ગણાતા હતા. ફિલ્મ ‘સૈયાં’ની જ વાત કરીએ તો, ૧૯૫૧મા આ ફિલ્મ બની અને પ્રદર્શિત પણ થઈ. પણ કોઈ કારણસર ફિલ્મના સંગીતની રેકોર્ડ બહાર ન પડી. એટલે ફિલ્મના ગીતો માત્ર સિનેમાના પડદે જ જોઈ-સાંભળી શકાયા. ફિલ્મ આવી ને ગઈ, અને સજ્જાદ હુસૈનનાં સદાબહાર સંગીતમઢ્યા આ ફિલ્મના કર્ણપ્રિય ગીતો, ફિલ્મની પ્રિન્ટ સાથે જ ડબ્બામાં પૂરાઈ ગયા. ૧૯૬૦મા ફિલ્મના નિર્માતા એમ. સાદિકનું અવસાન થયું અને ત્યારે તેમના એક મિત્રે રહસ્ય ખોલ્યું કે આ ફિલ્મના ગીતોની નમૂનાની રેકોર્ડનો એક સેટ બનાવાયો હતો, જે સાદિક સાહેબે તેમને હવાલે કર્યો હતો. એ સમયે જૂની ફિલ્મોનાં ગીતોના ચાહકો આવી દુર્લભ રેકોર્ડઝ કે જેની મૂળ કિંમત તો ચાર-છ આના જ રહેતી, તેને શોખથી  સો, બસો, પાંચસો રૂપિયા આપીને પણ ખરીદવા તૈયાર રહેતા.

સાદિક સાહેબના મિત્રે પોતાની પાસેના આ ‘ખજાના’ની કિંમત બસો, પાંચસો નહીં, પરંતુ હજારોમાં આંકી. જો કે, આટલા ઊંચા ભાવે કોઈ સંગીત શોખીન આ રેકોર્ડઝ ખરીદવા તૈયાર ન થયું. અને ફિલ્મની પ્રિન્ટની જેમ જ આ રેકોર્ડ ગેરવલ્લે થઈ ગઈ. જૂના ફિલ્મસંગીતના શોખીનો એક અરસા સુધી ‘સૈયાં’નાં ગીતો શોધતા રહ્યાં પણ છેક ૧૯૯૫મા કરાંચીથી આ ફિલ્મની તેમજ અન્ય કેટલીક ફિલ્મોની વિડીયો પ્રિન્ટ ભારતમાં આવી અને આપણી કેટલીક જૂની, દુર્લભ ફિલ્મો જોવાનો લાભ આપણને મળતો થયો. આપણે ત્યાં તો ’૫૦ થી ‘૬૦ના ગાળાની મોટાભાગની ફિલ્મોની પોઝિટિવ્ઝ થિયેટરમાં જ નાશ પામી છે. પરંતુ પાકિસ્તાનમાં ૧૯૬૫ પછી એકાએક ભારતીય ફિલ્મો પ્રદર્શિત કરવા સામે પ્રતિબંધ મૂકી દેવાતા થિયેટરોમાં ચાલતી ફિલ્મો પણ ઉતારી લેવી પડી હતી પણ જૂની ફિલ્મોના ચાહકોના સદ્દભાગ્યે ત્યાં આવી ઘણી બધી ફિલ્મની પોઝિટિવ્ઝ અકબંધ સચવાઈ હતી. જેના પરથી વિડીયો પ્રિન્ટ કાઢીને આપણો આ અણમોલ ખજાનો વર્ષો બાદ ઘરઆંગણે પરત ફર્યો છે.

*શ્રી યાસીન દલાલ લિખિત પુસ્તક ‘ફ્લેશબેક’માંથી પ્રાપ્ત માહિતીને આધારે આ પોસ્ટ મૂકી રહી છું.

ફિલ્મ 'સૈંયા'નું એક સુંદર ગીત અહી માણો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો