ફેબ્રુઆરી 26, 2018

'શાયર-એ-આઝમ' એસ. એચ. બિહારી



મૈં શાયદ તુમ્હારે લિએ અજનબી હૂં મગર ચાંદ તારે મુઝે જાનતે હૈ.....

સાચે જ, હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં જેનો સમાવેશ 'ક્લાસિક'ની શ્રેણીમાં થાય છે, એવા ગીતો લખનારા ગીતકારોના નામ ઈતિહાસ બનીને સમયની કો' એવી ગર્તામાં સમાઈ જાય છે કે સાચે જ એ નામો આપણા માટે અજનબી સમા ભાસે છે. વિધિની વિચિત્રતા કહો કે સમયની બલિહારી... જેમના નામ આજે વિસરાઈ ગયા છે તેમની કલમે અવતરેલા  ગીતો, કાળની સીમાઓને પાર કરીને એ જ જૂના સુમધુર સ્વરુપમાં કે પછી ક્યારેક 'રિમિક્સ'ના વરવા જામા પહેરીને પણ સંગીત ચાહકોના કાને પડતા રહે છે. આવું જ એક સ્મૃતિશેષ થઈ ગયેલું નામ એટલે સ્વ. શમસુલ હુદા બિહારી.

પચાસ અને સાઠના દશકની ડઝનબંધ ફિલ્મોમાં એકએકથી ચડિયાતા સુપ રહીટ ગીત લખનારા એસ. એચ. બિહારીનો જન્મ ૧૯૨૨માં બિહારના આરા જિલ્લામાં થયો. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી બીએની ડીગ્રી મેળવનાર બિહારી, હિંદી અને ઉર્દૂ ઉપરાંત બંગાળી ભાષા પર પણ પ્રભુત્વ મેળવવા ઉપરાંત ફૂટબોલની રમતમાં પણ એટલા પારંગત હતા કે સુવિખ્યાત મોહન બગાનની ટીમમાં પણ તેમનો સમાવેશ થયેલો! કોલેજકાળ દરમિયાન લાગેલા  સાહિત્ય અને શાયરીના શોખે તેમને ૧૯૪૭માં મોહમયી મુંબઈ નગરીના દ્વારે પહોંચાડી દીધા.

કાવ્યતત્વની અચ્છી સૂઝ ધરાવતા અનિલ બિશ્વાસે જ્યારે તેમની એક ગઝલ સાંભળી તો એનાથી પ્રભાવિત થઈને લાડલી(૧૯૪૯) માટે બે ગીતો લખવાનું કામ અપાવ્યું.  પણ બે ચાર  છૂટીછવાયી ફિલ્મોમાં ગીત લખવા સિવાય કોઈ નોંધપાત્ર સફળતા હાથ ન લાગી. પારાવાર સંઘર્ષના એ દિવસોમાં અનિલ બિશ્વાસ ઉપરાંત જ્ઞાન દત્ત, સી. રામચંદ્ર અને શ્યામસુંદર જેવા પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કરવાનો મોકો મળવા છતાંયે કેટલીયે વાર ભૂખ્યા પેટે પણ સૂવાનો વારો આવ્યો. ૧૯૫૩માં ભગવાન દાદાની ફિલ્મ 'રંગીલા'માં અગિયાર પૈકી નવ ગીતો લખવાનો મોકો બિહારીને મળ્યો. તેમ છતાં, સફળતા હજુ દૂર જ હતી. ૧૯૫૪માં આવેલી ફિલ્મ 'શર્ત'ના ગીત 'ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે, મગર હમ હમેશા તુમ્હારે રહેંગે...'એ બિહારીને એ સફળતાનો સ્વાદ ચખાડ્યો જેના માટે તેઓ ખરેખર લાયક હતા.

'શર્ત'ની સફળતા બાદ હેમંત કુમાર અને બિહારીની જોડીએ ત્રણ જ વર્ષના ટૂંકા ગાળામાં બાર ફિલ્મોમાં એંસી જેટલા ગીતો આપ્યા. એક બે અપવાદોને બાદ કરતાં બિહારીએ આ સમયગાળા દરમિયાન હેમંત કુમાર માટે જ ગીતો લખ્યાં. જો કે, પ્રથમ ફિલ્મ જેટલી સફળતા અન્ય કોઈ ફિલ્મ માટે આ જોડીને તો ન મળી, તેમ છતાં અનેક સફળ ગીતો આ જોડીએ આપ્યાં.  (૧૯૫૭માં આ જોડી તૂટ્યા બાદ છેક ૧૯૭૨માં બંનેએ ફરી એકવાર 'બીસ સાલ પેહલે' માં સાથે કામ કર્યું.)

હેમંત કુમાર બાદ બિહારીએ, એક સમયના તેમના સહાયક એવા રવિ સાથે જોડી જમાવી, અગિયાર ફિલ્મોમાં કુલ આડત્રીસ જેટલા ગીતો આપ્યાં. જેમાં એક તરફ 'ભલા કરને વાલે ભલાઈ કિયે જા' જેવું દાર્શનિક ગીત આપ્યું તો 'મુરલીરામ ઔર ભીંડીમલ કા નિકલ ગયા હૈ દીવાલા...'  સરીખું વ્યંગસભર ગીત પણ આપ્યું! જો કે, બિહારીની કારકિર્દીને વેગ મળ્યો સાઠના દશકમાં  ઓ. પી. નૈયર સાથે જોડાયા બાદ. આશા ભોંસલે- મોહમ્મદ રફી- ઓ. પી. નૈયર વત્તા  એસ. એચ. બિહારી એટલે ગીત-સંગીત જ નહીં, ફિલ્મની સફળતાની પણ ગેરંટી! એક મુસાફિર એક હસીના, યે રાત ફિર ન આયેગી, કિસ્મત, સાવન કી ઘટા, કશ્મીર કી કલી, પ્રાણ જાયે પર વચન ન જાયે, મુહબ્બત ઝીંદગી હૈ જેવી ફિલ્મોની સફળતા  આ વાતનો પુરાવો છે. નૈયર સાહેબ માટે બિહારીએ ચોવીસ ફિલ્મોમાં નેવ્યાસી જેટલાં ગીતો લખ્યાં.

નૈયર સાહેબે જેમને  'શાયર-એ-આઝમ'ના ખિતાબથી નવાજ્યા એ બિહારી,ફિલ્મીગીતોમાં  પ્રણયની અભિવ્યકતિની ઉત્કટતાને અપ્રતિમ ઊંચાઈએ લઈ ગયા. આ લખી રહી છું ત્યારે ફિલ્મ 'યે રાત ફિર ના આયેગી'નું ગીત, મેરા પ્યાર વો હૈ કે  મર કર ભી તુમકો...  કાનમાં ગૂંજી રહ્યું છે. ખુદા ભી અગર તુમસે આ કે મિલે તો, તુમ્હારી કસમ હૈ મેરા દિલ જલેગા...

વર્ષે ચૌદ ગીતની સરેરાશથી ટોપ ગિયરમાં દોડી રહેલી બિહારીની ગાડીને ૧૯૭૨માં જબ્બર બ્રેક લાગી ગઈ! આવનારા દસ વર્ષો માટે વર્ષે સરેરાશ પાંચથી યે ઓછા ગીત લખીને આ હોનહાર ગીતકાર ગુમનામીના અંધકારમાં ખોવાઈ જશે, એવી તો કોઈને કલ્પના ય ન હોય ને. પણ એંસીના દશકમાં બિહારીએ ફરી એકવાર પોતાના નામનો સિક્કો જમાવ્યો! ફિલ્મ   'પ્યાર ઝૂકતા નહીં' બનાવી રહેલા નિર્માતા કે. સી. બોકાડીયાએ ન કેવળ ગીતલેખન માટે, બલ્કે કથા-પટકથા-સંવાદલેખનની જવાબદારી પણ બિહારીને સોંપી. ૧૯૮૫માં રજૂ થયેલી આ ફિલ્મ ખૂબ જ સફળ રહી. લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂનો પર બિહારીએ લખેલાં મધુર ગીતો રાતોરાત લોકપ્રિય થઈ પડ્યાં. એ સમયે આનંદ બક્ષી જોડે જોડી જમાવીને કામ કરતા એલ પી માટે પણ બિહારીએ ત્રણેક વરસમાં સોળ જેટલી ફિલ્મો માટે ગીત લખ્યાં. જો કે, સફળતાના આ બીજા પડાવમાં, જિંદગીની સફર જ અણધારી સમાપ્ત થઈ જશે, એવી તો બિહારીને ખુદને પણ કલ્પના નહીં હોય. ૨૨ ફેબ્રુઆરી, ૧૯૮૭ના  રોજ હાર્ટએટેકથી બિહારી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો