નવેમ્બર 13, 2017

લખ ચોરાસી...


'જીવન-મરણના ફેરા.
કભી તેરા, કભી મેરા!'

પચાસેક કિલો વજન ભરેલું ખોખું લારીમાંથી ઉપાડીને સિત્તેરેક વર્ષના મજૂરે દુકાનના ત્રણ ફૂટ ઊંચા ઓટલા પર મહામહેનતે ચડાવ્યું. મેલાદાટ પહેરણથી કપાળ પરનો પરસેવો લૂછીને લેંઘાના ખિસ્સામાંથી ચલણ કાઢીને થડા પર બેઠેલા શેઠ સામે ધર્યુ.

"કેટલા દેવાના છે?" શેઠે ટિખળ કરતા હોય એમ પૂછયું.

"ચિઠ્ઠીમાં લયખુ છે. ઝટ સઈ કરો ને મને છૂટો કરો. હજુ આ ફેરો પતાવીને બીજા બે ફેરા નાખવાના છે."

મેલાઘેલા પહેરણની બાંય વડે કપાળ પરનો પરસેવો લૂછતા એણે જવાબ આપ્યો. લારીમાં એક પર એક ગોઠવેલા નાના મોટા પચીસ ત્રીસ ખોખા સામે જોતા જોતા શેઠે વીસની નોટ લંબાવી પણ મનોમન કશોક હિસાબ માંડી લીધો. ચલણમાં સહી કરતા એમણે પૂછી જ લીધું:

"રોજ કેટલા ફેરા થાય ?"

"કાંય નકકી નો 'ઓય! શેઠ જયાં લગી ક્યે ન્યાં લગી કયરા જ કરવાના...." વીસની નોટ અને ચલણને ગડી વાળીને ખિસ્સામાં મૂકતા, અર્ધા બોખા થઈ ગયેલા મોંએ જરા હસીને એણે લારી સામું ને પછી શેઠ સામું જોયું.

"આમ તો લખ ચોરાસી હોયને શેઠ... ખબર નૈ, કેટલા થ્યા ને કેટલા બાકી ર'યા.... બધી 'શેઠ'ને ખબર!"

ઉપર આકાશ તરફ હાથ કરી માથું હલાવતો એ લારી હંકારી ગયો!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો