નવેમ્બર 06, 2017

રામલાલ હીરા પન્ના...



કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે શું જોઈએ? આવડત, મહેનત, લગન અને કદાચ નસીબ પણ. વ્યક્તિમાં આવડત હોય, મહેનત કરવાની તૈયારી હોય, કશુક કરી બતાવવા માટેની લગની પણ હોય, તો યે ઘણીવાર સફળતા હાથતાળી દઈને છટકી જતી હોય છે. એને માણસની કમનસીબી નહીં તો બીજું શું કહીશું? સંગીતકાર રામલાલની જ વાત લઇ લો ને.. રામલાલ? એ કોણ? સંગીત શોખીન વડીલ મિત્રો કદાચ રામલાલ હીરા પન્ના ને ઓળખતા હશે. જે મિત્રોએ વ્હી, શાંતારામની ફિલ્મ 'સેહરા' જોઈ હશે તેમને લતાજીએ ગાયેલું આ ફિલ્મનું મશહૂર ગીત 'પંખ હોતે તો ઊડ આતી રે રસિયા ઓ જાલિમા....' યાદ હશે જ. શાંતારામજીની જ ઓર એક ફિલ્મ 'ગીત ગાયા પથ્થરોને' નું આશાજીએ ગાયેલું ગીત 'તેરે ખયાલો મેં હમ...' આજે પણ સાંભળીયે તો દિલનાં અરમાન જાગી ઉઠે છે! રામલાલ ચૌધરી ઉર્ફે રામલાલ હીરા પન્ના એ આ બંને ફિલ્મોના સંગીતકાર.

રામલાલ મૂળે શરણાઈ અને બાંસુરી વાદક. ઈ.સ. ૧૯૪૪માં તેમણે પૃથ્વી થિયેટર્સમાં જોડાઈને સંગીતકાર રામ ગાંગુલીના સહાયક તરીકે કારકીર્દીની શરૂઆત કરી. ફિલ્મ 'આગ'ના ગીતોમાં શરણાઈ અને બાંસુરીના સૂરો રેલાવીને તેમણે આ ગીતોને અવિસ્મરણીય બનાવી દીધા. નિર્માતા પી. એલ. સંતોષીએ તેમની પ્રતિભા પારખી અને ૧૯૫૦માં ફિલ્મ 'તાંગાવાલા'માં સૌપ્રથમવાર સ્વતંત્ર સંગીત નિર્દેશક તરીકે કામ કરવાનો મોકો આપ્યો. રાજ કપૂર અને વૈજયંતિમાલા જેવા કલાકારોને લઈને બની રહેલી આ ફિલ્મ માટે રામલાલે કુલ છ ગીતો બનાવ્યા. પણ કોઈ કારણવશ ફિલ્મ અધૂરી જ રહી અને ડબ્બામાં પૂરાઈ ગઈ. રામલાલ ફરી પાછા શરણાઈ અને બાંસુરીવાદન તરફ વળ્યા. ત્યારબાદ ૧૯૫૨મા 'હુસ્નાબાનો' નામની એક ફિલ્મમાં તેમણે સંગીત આપ્યું. ફિલ્મના બેએક ગીતો પણ પ્રસિદ્ધ થયા.

૧૯૫૯માં રિલીઝ થયેલી ફિલ્મ 'નવરંગ' રામલાલ માટે શુકનિયાળ સાબિત થઈ. આ ફિલ્મનું સંગીત ખૂબ વખણાયું. રામલાલે આ ફિલ્મમાં વગાડેલી શરણાઈના સૂર વ્હી. શાંતારામના ચિત્તતંત્રને ખળભળાવી ગયા. તેમણે આ પ્રતિભાશાળી સંગીતકારને પોતાની આગામી ફિલ્મ 'સેહરા'નું સંગીત આપવાનો મોકો આપ્યો. 'સેહરા'નું સંગીત ખૂબ વખણાયું. રામલાલને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી. પ્રસિદ્ધ સંતૂર વાદક શિવકુમાર શર્માએ પણ 'સેહરા'માં રામલાલના નિર્દેશનમાં કામ કર્યું. ત્યારબાદ વ્હી. શાંતારામની જ ફિલ્મ 'ગીત ગાયા પથ્થરોને' માટે પણ રામલાલે સંગીત આપ્યું. 'ગીત ગાયા....' પણ ખૂબ જ સફળ રહી. આ ફિલ્મનું શીર્ષક શ્રી કિશોરી આમોનકરે ગાયું હતું. તો સી. એચ. આત્માએ ગાયેલુ આ ફિલ્મનું એક ગીત 'મંડવે તલે ગરીબ કે....' પણ અત્યંત પ્રસિદ્ધ થયું હતું. આ ફિલ્મ માટે વિખ્યાત બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસિયાએ બાંસુરી વગાડી હતી. એમ તો લક્ષ્મી-પ્યારેએ 'માયા મચ્છીન્દર' અને કલ્યાણજી આનંદજીએ પણ 'નાગલોક' નામની ફિલ્મોમાં રામલાલના સહાયક તરીકે કામ કરેલું હતું. તદુપરાંત લતાજી, આશાજી, ઉષા મંગેશકર, રફી સાહેબ, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, કિશોરી આમોનકર, સી. એચ. આત્મા, એસ. પી. બાલાસુબ્રમણ્યમ, યેસુદાસ અને હેમંત કુમાર જેવા ગાયકોએ રામલાલના સંગીત નિર્દેશનમાં ગીતો ગાયાં છે.

પણ વિધિની વક્રતા જુઓ. આટલી ઉચ્ચ કક્ષાની પ્રતિભા ધરાવતા સંગીતકારને ન જાણે કેમ ત્યારબાદ અન્ય કોઈ સારા બેનરની ફિલ્મોમાં કામ કરવા મળ્યું જ નહીં. અકળાયેલા રામલાલે પોતાના એક મિત્રની ભાગીદારીમાં ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું અને પોતાના બેનર 'પન્ના પિક્ચર્સ'નાં નેજા હેઠળ 'ત્યાગી' નામની ફિલ્મનું નિર્માણ હાથ ધર્યું. પણ ફિલ્મ પૂરી યે નહોતી થઇ અને ભાગીદારેતેમનો સાથ છોડી દીધો. 'સેહરા' તેમજ 'ગીત ગાયા પથ્થરોને' માંથી કમાયેલા પૈસા સહિત જિંદગીભરની મૂડી આ ફિલ્મનાં નિર્માણમાં લગાવી ચૂકેલા રામલાલ પાયમાલ થઇ ગયા.
'તકદીર કા ફસાના, જા કર કિસે સૂનાયે, ઇસ દિલ મેં જલ રહી હૈ અરમાન કી ચિતાયેં....' મોહમ્મદ રફી સાહેબના અવાજમાં આ અવિસ્મરણીય ગીતને સ્વરબદ્ધ કરતી વખતે એના સંગીતકારને કલ્પના હશે કે એક દિવસ આ શબ્દો ભૂતાવળ બનીને એમની જિંદગીને વળગશે?? પણ હકીકતમાં એવું જ બન્યું. સાહ્યબીનાં દિવસોમાં દક્ષિણ મુંબઈના કોલાબા જેવા ધનાઢય વિસ્તારમાં રહેતા, કાયમ પન્નાની વીંટી પહેરતા એક સમયના આ મશહૂર સંગીતકારે પોતાની જિંદગીના પાછલા વર્ષો ખેતવાડી વિસ્તારના એક નાનકડા મકાનમાં, મહારાષ્ટ્ર સરકાર તરફથી અપાતા ૭૦૦ રૂ. નાં માસિક ભથ્થા પર કઈ રીતે કાઢ્યા હશે એ તો રામ(લાલ) જ જાણે. કહેવાય છે કે ઉમરમાં પોતાનાથી પંદર સોળ વર્ષ નાની બ્રિટીશ મૂળની રીટાને તેઓ પરણેલા. આ રીટાને પાછલા વર્ષોમાં ઘરનું ગુજરાન ચલાવવા માટે કોઈ સખાવતી સંસ્થામાં કામ કરવાની ફરજ પડી હતી.

થોડા વર્ષો પહેલા રામલાલ આ ફાની દુનિયાને હંમેશા માટે છોડી ગયા. બહુ ઓછા અખબારોના એકાદ ખૂણે એમના મૃત્યુની નોંધ લેવાઈ, એટલું જ. બાકી આ સંગીતકાર વિષે ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો