ઑગસ્ટ 05, 2018

દિયે જલતે હૈ...


દિયે જલતે હૈ... ફૂલ ખિલતે હૈ... બડી મુશ્કિલ સે મગર, દુનિયા મેં દોસ્ત મિલતે હૈ....

માણસ જ્યારથી સમુદાયમાં રહેતા શીખ્યો ત્યારથી સંબંધો બનાવતા અને નિભાવતા પણ શીખ્યો. કેટલાક સંબંધો માનવીના જન્મથી જ એની સાથે જોડાઈ જાય છે તો કેટલાક તે પોતાની સમજ અને જરૂરિયાતો મુજબ વિકસાવે છે. પણ મૈત્રી એ એવો એક સંબંધ હોય છે, જે સાવ સહજ રીતે, અનાયાસ જ બે વ્યક્તિ વચ્ચે ઉદ્દભવી જાય છે અને પછી ચિરકાળ સુધી પાંગરતો રહે છે. મૈત્રી ક્યા, ક્યારે, કોની સાથે થશે, એનું કોઈ ચોક્કસ ગણિત નથી હોતું. સાવ અજાણી એવી બે વ્યક્તિ મળે, બંનેના હૃદય એકબીજાના હૃદયની 'ફ્રિકવન્સી' ઝીલે, એ મેચ થાય તો ક્ષણમાં વીજળીના ઝબકારાની માફક આ ઓળખાણ આત્મીયતામાં પરિણમે ને રોટી, કપડા, મકાનની જેમ જ અનિવાર્ય એવા જિંદગીના આ મહામૂલા આયામની શરૂઆત થાય.

દોસ્તી, દુશ્મની અને પ્યાર - આ ત્રણ વિષયો પર આપણે ત્યાં મોટાભાગની ફિલ્મો બનતી હોય છે. એમાંયે મૈત્રી સંબંધોના તાણાવાણાઓને કહાણીમાં ગૂંથી લઈને અનેક સુંદર ફિલ્મો બની છે.  મોટાભાગના અદાકારોએ બે મિત્રની વાર્તા પર બની હોય એવી એકાદ ફિલ્મમાં તો કામ કર્યું જ હોય. પણ અમિતાભ બચ્ચન જ કદાચ એવા કલાકાર છે કે જેમણે સૌથી વધુ સહકલાકારો સાથે મિત્રની ભૂમિકા ભજવી હોય. પ્રાણ, શશિ કપૂર, શત્રુઘ્ન સિન્હા, વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, અમજદ ખાન જેવા કલાકારો સાથે એકથી વધુ ફિલ્મોમાં અમિતાભ બચ્ચને મિત્રની ભૂમિકા ભજવી છે. એમાંયે ધર્મેન્દ્ર સાથેની 'શોલે' ફિલ્મે તો સફળતાના આગલા તમામ રેકોર્ડ તોડી નાખેલા. જય અને વીરુ જેવા બે તદ્દન અલગ સ્વભાવના મિત્રોની આ રોમાંચક ફિલ્મનું ગીત 'યે દોસ્તી હમ નહીં તોડેંગે...' એ તો આજે પણ ગુરુમંત્રની માફક મિત્રોના હૃદયમાં ગૂંજતું રહેતું હોય છે.

'શોલે'ના જય-વીરુની યાદ ભલે આજે પણ જનમાનસમાં તાજી હોય, પણ અમિતાભ બચ્ચને મિત્ર તરીકેની શ્રેષ્ઠ ભૂમિકા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથેની 'નમક હરામ' ફિલ્મમાં ભજવી છે. 'નમક હરામ' માટે તો અમિતાભ બચ્ચનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર પણ એનાયત થયેલો. શું હતું આ ફિલ્મમાં? ટી. એસ. ઇલિયટની ખ્યાતનામ કૃતિ 'મર્ડર ઈન ધ કેથેડ્રલ' પરથી, હોલિવૂડની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં જેની ગણના થાય છે એવી ફિલ્મ 'બેકેટ' બની. ઈંગ્લેન્ડના રાજા અને તેના મિત્રની વાત રજૂ કરતી, સત્ય ઘટના પર આધારિત આ કૃતિ પરથી બનેલી 'બેકેટ' ફિલ્મ અત્યંત સફળ રહી હતી. હૃષિકેશ મુખર્જીએ 'બેકેટ' પરથી પ્રેરણા લઈને 'નમક હરામ' બનાવી. કિશોરકુમારે ગાયેલાં આનંદ બક્ષીના સુમધુર ગીતો, આર. ડી. બર્મનનું સૂરીલું સંગીત અને ગુલઝારે લખેલા ચુસ્ત સંવાદો અને પટકથા અને ઉપરથી હૃષિદા જેવા સમર્થ દિગ્દર્શક. ફિલ્મ સફળ ન થાય તો જ નવાઈ!

આ એ પહેલવહેલી ફિલ્મ હતી કે જેની રજૂઆત પછી રાજેશ ખન્નાને વાસ્તવમાં પોતાનું સુપર સ્ટારનું બિરુદ હાથમાંથી સરી જતું લાગ્યું. 'નમક હરામ'ની રજૂઆતના વર્ષો પછી કોઈ ફિલ્મ સામાયિકને આપેલા એક સાક્ષાત્કારમાં રાજેશ ખન્નાએ કબૂલ કર્યું કે લિબર્ટી સિનેમામાં આ ફિલ્મનો ટ્રાયલ શો જોયા બાદ એમને સમજાઈ ગયેલું કે પોતાનો યુગ હવે આથમી ચૂક્યો છે. તેમણે અમિતાભ બચ્ચન તરફ નિર્દેશ કરીને હૃષિદાને કહ્યું પણ ખરા કે "આ છે આવતીકાલનો સુપર સ્ટાર''

જો કે, મજાની વાત તો એ છે કે, જ્યારે 'નમક હરામ'ના શૂટિંગની શરૂઆત થઇ ત્યારે રાજેશ ખન્ના સુપર સ્ટાર હતા અને અમિતાભ બચ્ચન એક નિષ્ફળ કલાકાર. 'કાકા' પાસે શૂટિંગ માટે તારીખો ફાજલ નહોતી અને 'બિગ બી' પાસે સમય જ સમય હતો. તો થયું એવું કે ફિલ્મમાં અમિતાભના હિસ્સાનું મોટાભાગનું શૂટિંગ પહેલા જ નિપટાવી લેવાયું. જ્યારે ફિલ્મના રશીઝ વિતરકોને બતાવવામાં આવ્યા તો સૌને એવું લાગ્યું કે જાણે આ તો અમિતાભ બચ્ચનની ફિલ્મ છે અને રાજેશ ખન્ના આ ફિલ્મમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી રહ્યા છે. કોઈ વિતરકને અમિતાભ જેવા નિષ્ફળ કલાકારની ફિલ્મ ખરીદવામાં રસ ન હતો. જો કે, હૃષિકેશ મુખર્જી જેવા પીઢ અને આદરણીય ફિલ્મકારને સીધેસીધી ના કહેવાનું વિતરકો માટે શક્ય નહોતું. એટલે એક પછી એક વિતરક ફિલ્મમાં કંઇકને કંઈક ત્રુટી બતાવતા રહ્યા. છેલ્લે, કેટલાક વિતરકોએ અમિતાભની કાન ઢંકાઈ જાય એવી હેર સ્ટાઈલ પર નિશાન તાક્યું અને એકે તો હૃષિદાને એમ પણ કહ્યું કે ''આપનો હીરો વાનર જેવો લાગે છે, એને કહો કે કમ સે કમ વાળ તો ઢંગથી કપાવે તો અમને ખબર તો પડે કે એને કાન છે કે નહીં!!'' આ વાત પર બધા જ વિતરકો ખડખડાટ હસી પડ્યા.

આ ઘટના બની એના થોડા જ મહિનામાં 'જંજીર' રજૂ થઈ અને અમિતાભ 'એંગ્રી યંગ મેન' તરીકે યુવાનોમાં અત્યંત લોકપ્રિય બની ગયા. જ્યારે એ જ સમયે સળંગ પાંચ ફ્લોપ ફિલ્મો આપવાને કારણે રાજેશ ખન્નાનું સુપર સ્ટારનું સિંહાસન ડગમગી ઊઠ્યું. 'નમક હરામ'નું શૂટિંગ તો હજુયે ચાલી જ રહ્યું હતું. પણ કિસ્મતનો ખેલ જુઓ. એક સમયે અમિતાભનો વિરોધ કરનારા, એમની ભયંકર મજાક ઉડાવનારા એ જ વિતરકોએ હૃષિદાને ફોન કરી કરીને કહ્યું કે ફિલ્મમાં અમિતાભનો રોલ વધારો! ફિલ્મના પોસ્ટરો અને અન્ય પબ્લીસીટીમાં પણ અમિતાભ બચ્ચનને રાજેશ ખન્નાની જોડાજોડ સ્થાન આપવા માટે વિતરકો માંગ કરવા લાગ્યા! 'કાનને ઢાંકતી હેર સ્ટાઈલ' હવે ફેશન બની ચૂકી હતી. હિંદી ફિલ્મ જગતમાં એક નવી સત્તાનો ઉદય થઇ ચૂક્યો હતો. આ વિષે વિવિધ વર્તુળોમાં અનેક ટીકા ટીપ્પણીઓ થઇ હતી. પણ સૌથી વેધક ટિપ્પણી મુંબઈના હજામોએ કરી હતી. ફિલ્મની રજૂઆત બાદ મુંબઈના કેટલાય હેર કટિંગ સલૂનની બહાર નવું બોર્ડ મૂકવામાં આવેલું, જેમાં લખેલું હતું: "રાજેશ ખન્ના હેર કટ- રૂ. ૨; અમિતાભ બચ્ચન હેર કટ- રૂ. ૩.૫૦!!

1 ટિપ્પણી: