ઑગસ્ટ 10, 2018

સુરેશ દલાલ


સુરેશ દલાલ(૧૧-૧૦-૧૯૩૨, ૧૦-૮-૨૦૧૨)

સુરેશ દલાલ... ઈન્દ્રધનુષી વ્યક્તિત્વના માલિક.... સર્જક, સંપાદક, અધ્યાપક, વક્તા, સંચાલક, આયોજક અને પ્રકાશક સુરેશ દલાલ....આઠ દાયકાની જીંદગીમાં તેમણે ગુજરાતી સાહિત્યને સેંકડો પુસ્તકો, અનેક વાચકપ્રિયકટારો અને ગુજરાતી સુગમસંગીતને તરબતર કરી મૂકે એવાં ગીતો આપ્યાં. એટલું જ નહીં, ભારતભરની જ નહીં, જગતભરની કવિતાઓનો આપણી પોતાની ભાષામાં જ આસ્વાદ કરાવીને લોકોને ભાષાના પ્રેમમાં પડવા મજબૂર કર્યાં. કવિ મકરંદ દવે જેમને પોતાની કવિતામાં 'અત્તરિયા'નું ઉપનામ આપે છે, એવા સુરેશ દલાલનો આજે સ્મરણ દિવસ. આજે તેમની લખેલી આ સુંદર કવિતા માણીએ. મેઘરાજા તો આ વખતે તેમની મોસમમાં બરાબર વરસવાના મિજાજમાં નથી પણ સુરેશ દલાલની આ કવિતા આપણને પ્રેમની વર્ષામાં સરાબોળ ભીંજવ્યા વિના રહેતી નથી.

વૃક્ષોના ચ્હેરા પર પંખીના ટહુકાનો છલકે છે ઝીણો આનંદ.
વ્હેતી હવા પણ એવી નાજુક કે હળુહળુ મનભરી મ્હાલે છે મંદ.

ઝાકળના ઝાંઝરને બાજુએ મૂકયાં
કે નીરવતા નહીં નંદવાય
અણદીઠી સુંદરી થાળી લઈને
જાણે વસંતને વધાવવા જાય

કળીઓ ને ફૂલ ને ભમરા મશગૂલ ને પતંગિયાઓ વેરે છે રંગની સુગંધ
વૃક્ષોના ચ્હેરા પર પંખીના ટહુકાનો છલકે છે ઝીણો આનંદ.

આખી સૃષ્ટિ જાણે પ્રેમમાં પડી હોય એમ
ડાળીઓ ફૂલોમાં સંગોપાઈ ગઈ
શ્યામની ધરતીમાં રાધા તો બીજ થઈ
ઊંડે મૂળિયામાં રોપાઈ ગઈ

નરસિંહની કરતાલ ને મીરાંના મંજીરા ને તુકારામ ગાય છે અભંગ
વૃક્ષોના ચ્હેરા પર પંખીના ટહુકાનો છલકે છે ઝીણો આનંદ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો