મે 26, 2013

ખોબો માગું ને દઈ દે દરિયો... રમેશ પારેખ

 


સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો!

ભાગ્યે જ કોઈ ગુજરાતી કવિતા/સુગમસંગીત પ્રેમી હશે કે જેણે આ ગીત વાંચ્યુ/સાંભળ્યું ન હોય. કવિશ્રી રમેશ પારેખ પોતાની આ મશહૂર રચનાને 'હોનારતો અને વાવાઝોડાંનું ગીત' કહે છે. કારણ? બહુ મજેદાર કહાણી...



વાત '70ના દશકની... આકાશવાણી રાજકોટ તરફથી મોરબી મુકામે યોજાયેલા મુશાયરામાં ભાગ લેવા આગલે દિવસે જ રાજકોટ પહોંચી ગયેલા કવિને એક મિત્ર, મોરબીના કોઈ સજ્જનની ગુજરાતી ફિલ્મ માટે ગીત લખવા માટે પ્રેમભર્યો આગ્રહ કરે છે. અને સિચ્યુએશન સમજાવે છે. ર.પા. થોડી જ વારમાં ગીતનું મુખડું લખી કાઢે છે.

બીજે દિવસે મોરબીમાં ફિલ્મનિર્માતા જોડે બેઠક થાય છે. રોકડા રુપિયા સો ર.પા.ના હાથમાં મૂકાય છે - શુકનના ! ને થોડા દિવસોમાં કોન્ટ્રેકટ પેપર્સ મોકલવાની વાત થાય છે.

દિવસો નહીં, મહિનાઓ વિત્યા. પણ કોઈ જ પેપર્સ આવતાં નથી. ર.પા.ને થયું કે ફિલ્મનિર્માતાનો ઉત્સાહ ઠરી ગયો હશે. જો કે, ત્રણેક વરસ પછી ખબર મળ્યાં કે નિર્માતા, એની ઘરવખરી, કુટુંબ-બધું જ મોરબીની જળહોનારતમાં તારાજ થઈ ગયેલું.

એક સરસ મજાના ગીતનું મુખડું માત્ર લખાઈને ર.પા.ના દિલના એક ખૂણે સચવાઈને પડ્યું રહ્યું.

એક અરસા પછી આ અધૂરી કહાણીનો બીજો હિસ્સો શરુ થાય છે.

અમદાવાદના ટાઉનહોલ પાસે, હેવમોરમાં મિત્રો સાથે બેઠેલા ર.પા.ને મળવા નિમેષ દેસાઈ અને ગોપી દેસાઈ આવી પહોંચે છે. નિમેષ દેસાઈ પ્રસિદ્ધ દિગ્દર્શક અને તખ્તાના સમર્થ અભિનેતા છે તો ગોપી દેસાઈ તખ્તાના જાજરમાન અભિનેત્રી છે. આ કલાકાર દંપતિ મુંબઈમાં 'કોરસ' ગ્રુપ નામની નાટ્ય સંસ્થાનું સંચાલન કરે છે.

અચાનક આવી પહોંચેલા નિમેષભાઈ ર.પા. ને પોતાના દિગ્દર્શનમાં બનતી એક ફિલ્મ માટે ગીત લખી આપવા કહે છે. ર.પા. પેલું જૂનું મુખડું સંભળાવે છે. પોતાને જોઈએ તેવું જ ગીત મળી જતાં રોમાંચિત થઈ ઊઠેલા દેસાઈ દંપતિને ર.પા. બીજે દિવસે અમરેલી જઈને આખું ગીત પૂરું કરીને મોકલાવે છે.

ગૌરાંગ વ્યાસના સંગીત નિર્દેશનમાં આશા ભોંસલેએ ગાયેલા આ સુમધુર ગીતનું ચિત્રીકરણ થાય છે, નર્મદાના કાંઠે. ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે એવું અદ્ભૂત નૃત્ય ગોપી દેસાઈએ આ ગીત પર કર્યું છે. ફિલ્મનું નામ: 'નસીબની બલિહારી'.

અમરેલીના થિયેટરમાં જે દિવસે આ ફિલ્મ લાગી તે જ દિવસે છેલ્લા સો વર્ષમાં થયું ન હતું એવું વાવાઝોડું ત્રાટક્યું ને ભયંકર જળહોનારતથઈ. બે દિવસ સુધી અનરાધાર વરસાદમાં ફિલ્મના પાટિયાં પલળતા રહ્યાં. શું કરમની કઠણાઈ! આ ગીત પાંગર્યું મચ્છુના કાંઠે અને હોનારત થઈ. ચિત્રીકરણ નર્મદાના કાંઠે થયું અને નર્મદાને ક્યાં હોનારતોની નવાઈ છે?! ને અમરેલીમાં ફિલ્મ લાગી તો તેના સ્વાગતમાં વાવાઝોડું અનેજળહોનારત!

'નસીબની બલિહારી' - બીજું શું?!

પણ વાત અહીં પૂરી નથી થતી. હજુ એક વાવાઝોડું બાકી હતું. એક દિવસ ર.પા. છાપામાં એક એક સમાચાર વાંચે છે... ૧૯૮૨-૮૩ દરમિયાન ગુજરાત સરકારે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મો અને તેના કસબી-કલાકારોને પારિતોષિકો આપવાની જાહેરાત કરેલી. તેમાં 'નસીબની બલિહારી' ફિલ્મને 'શ્રેષ્ઠ ચલચિત્ર' તરીકેનું ઈનામ મળેલું અને એ ઉપરાંત વિવિધ કેટેગરીમાં કુલ આઠ ઈનામો આ ફિલ્મને હિસ્સે આવેલા. શ્રેષ્ઠ ગીતકાર તરીકે ર.પા.ને રૂ. ૧૦૦૦નું ઈનામ મળેલું. આઠ આઠ ઈનામોનું વાવાઝોડું અને લક્ષ્મી બંબાકાર! છે ને મજેદાર ! હોનારતો અને વાવાઝોડાંના ગીતોની આ કહાણી!

(માહિતી સૌજન્ય: 'હોંકારો આપો તો કહું'- રમેશ પારેખ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો