મે 25, 2013

શ્રી ધૈવત ત્રિવેદી સાથેની પ્રશ્નોત્તરી ભાગ - ૧




વર્ષો પહેલા સાવ મુગ્ધવયે 'અભિયાન' સામયિકમાં અશ્વિની ભટ્ટ સાહેબની 'આખેટ' નવલકથા હપ્તાવાર વાંચેલી. એ સમયે દર અઠવાડિયે નવા હપ્તાની રાહ જોયેલી અને અંક હાથમાં આવતાવેંત અત્યંત અધીરાઈથી આગળના બધા પાના વળોટીને નવલકથાના પાનાઓ પર નજર સ્થિર થઈ જતી! હપ્તાવાર છપાતી નવલકથા વાંચવા માટેનો એ ઉન્માદ, વર્ષો બાદ 'ગુજરાત સમાચાર'ની રવિવારીય પૂર્તિમાં 'લાઈટ હાઉસ' શરુ થઈ ત્યારે ફરી એકવાર પૂરબહારમાં છવાયો!
શ્રી ધૈવત ત્રિવેદીની સશક્ત કલમે લખાયેલી 'લાઈટ હાઉસ' તો લાખો લોકોએ સમાચારપત્રમાં વાંચી જ છે. ચીલાચાલુ વિષય કરતા કંઈક અલગ જ કથાવસ્તુ અને વિશિષ્ટ શૈલીમાં લખાયેલી આ નવલકથા ઉપરાંત વિવિધ વિષયોની જાણકારી લઈને આવતી તેમની સુપ્રસિદ્ધ કોલમ 'વિવર્તન' પણ વાંચનરસિયાઓને હજુયે યાદ છે. જોકે, નેટજગતના વાચકો, ધૈવત ત્રિવેદીને તેમના અમૂલ્ય પ્રદાન માટે વર્ષોના વર્ષો સુધી નહીં ભૂલી શકે. બે દિગ્ગજ સાહિત્યકારો, રમેશ પારેખ અને અશ્વિની ભટ્ટના - પોતાની કલમે કંડારાયેલા અવિસ્મરણીય શબ્દચિત્રો - 'રમેશાયણ' અને 'આકંઠ અશ્વિની' થી ધૈવત ત્રિવેદીએ ફેસબુક જેવા માધ્યમને એક અનોખી ગરિમા બક્ષી છે. અનન્ય સાહિત્યિક મૂલ્ય ધરાવતી જે કૃતિ પુસ્તકરૂપે પ્રકાશિત થાય, તો 'બેસ્ટ સેલર' સાબિત થાય, એ અનમોલ 'રમેશાયણ' તેમણે પોતાના બહોળા વાચકવર્ગમાં સહર્ષ 'ગમતાનો ગુલાલ' કરીને નેટ પર હર કોઈ વિનામૂલ્યે વાંચી શકે એમ પીરસી છે. એટલું જ નહીં, પોતાના વાચકોના મંતવ્યો/વિચારોને સહર્ષ આવકાર્યા છે, તો તેમની ટીકા-ટિપ્પણીઓને પણ ખેલદિલીપૂર્વક સ્વીકારી છે. આ જ કારણે તેમની નવલકથા 'લાઈટ હાઉસ' જ્યારે હપ્તાવાર પ્રકાશિત થતી હતી ત્યારે વાચકોમાં ખાસ્સી ચર્ચા જગાવી હતી. કદાચ ધૈવત ત્રિવેદી પહેલા જ એવા નવલકથાકાર હશે કે જેમની પહેલી જ નવલકથાએ વાચકોમાં આટલી ઉત્સુકતા જગાવી હોય. પહેલા હપ્તાથી શરુ કરીને છેક છેલ્લા એટલે કે પિસ્તાલીસમા હપ્તા સુધી, 'હવે પછી શું?' એવી ઉત્કંઠા જગાવી હોય. જેમના પાત્રો વાચકોની કલ્પનામાં રમતા થઈ ગયા હોય. દરેક વાચકને આમ તો બધા જ પાત્રો પોતીકા લાગતા હોય, પણ કોઈ એકાદ પાત્ર કોઈને જરા વધુ ગમી ગયું હોય. તો એ પાત્ર સાથેનું એમનું તાદાત્મય એવું હોય કે લેખક મહાશય પણ ક્યારેક મીઠી મૂંઝવણમાં મૂકાતા હોય! આનો દાખલો આપવો હોય, તો 'સુમરાને શું કામ માર્યો?' -નવલકથાના એક ખાસ્સા લોકપ્રિય પાત્ર માટે આવો સવાલ મારા સહિત કેટલાયે વાચકોના મનમાં આવ્યો હોય! (અને લેખકને પણ આ પ્રશ્નનો જવાબ આપતાં નાકે દમ આવ્યો હોય!) આ તો એક જ વાત થઈ, પણ એક ચાહક અને વાચક તરીકે કંઈ કેટલાયે પ્રશ્નો મારા યે મનમા કેટલાય સમયથી રમ્યા કરતા હતા. એક દિવસ હિંમત કરીને પ્રશ્નોનો એક ગુલદસ્તો સજાવીને ધૈવત ત્રિવેદીજીને એક મેઈલ મોકલી જ દીધો! અને મારા સાનંદાશ્ચર્ય વચ્ચે ગણતરીના કલાકોમાં એમનો જવાબ મળ્યો- 'તમારા પ્રશ્નોના જવાબ આપવાનું મને ગમશે, પણ થોડી ધીરજ ધરો!' એમની અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ આ જવાબ સુખદ આશ્ચર્ય જન્માવે એવો હતો! પછી શરુ થયો રાહ જોવાનો સિલસિલો! થોડા દિવસોની અધિરાઈભરી પ્રતિક્ષા પછી સાહેબનો મેઈલ મળ્યો તો મારે મન તો જાણે વિરલ કહી શકાય એવો ખજાનો સાંપડ્યો! એક વાચક તરીકે સહજ રીતે પૂછાયેલા મારા દરેક પ્રશ્નનો સાહેબે વિસ્તૃત રીતે જવાબ આપેલો! મારા માટે તો મારી જીંદગીનું આ અમૂલ્ય સંભારણું! આટલી સરસ વાત મારા મિત્રો સાથે શેર કરવાનું મને મન થઈ આવે તે સાહજિક હતું. થોડું અચકાતા અચકાતા પરવાનગી માંગી, 'સાહેબ, આ સવાલ-જવાબ મારી વોલ પર શેર કરું?' તો એમણે અત્યંત સરળ રીતે એક જ શબ્દમાં જવાબ આપ્યો..... ''હોવ્વે!'' અને પછી મને જે આનંદની લાગણી થઈ છે, એનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે.

મિત્રો, શ્રી ધૈવત ત્રિવેદી સાથેની એ રસપ્રદ પ્રશ્નોત્તરી સહર્ષ આપની સમક્ષ મૂકી રહી છું. આશા છે, આપને પણ એ જરૂર પસંદ આવશે.

૧. આપના બચપણ વિષે જણાવો.



અમરેલી જિલ્લાનું રાજુલા (સિટી) મારૂં ગામ.(કૌંસમાં લખેલું સિટી ફરજિયાત લખવું.. )  
બે બાજુ કાળમીંઢ ડુંગરા, એક તરફ ગીરનું જંગલ અને દક્ષિણની ચોથી દિશાએ દરિયો... એવા નૈસર્ગિક અસબાબ વચ્ચે વિતેલું મારૂં બાળપણ મારી જિંદગીની અણમોલ મૂડી છે. બાળપણ તો દરેકનું હોય એવું જ મારૂં ય હતું. તોફાન, મસ્તીથી પ્રચૂર. જરાક ફરક જો હોય તો એ એટલો જ કે બાળપણનું એ સ્મરણ મારા લોહીમાં થીજી ગયું છે. રાજુલાની પથરીલી શેરીઓમાં ઉઘાડા પગે દોડી જતાં શૈશવનો સાદ હજુ ય મને જ્યાં છું ત્યાં થંભીને, ગરદન ઘૂમાવીને પાછળ જોવા મજબૂર કરતો રહે છે. - અને મને લાગે છે કે એ સાદ જ્યાં સુધી મને સંભળાતો રહેશે ત્યાં સુધી મારામાં સંવેદનશીલતાની ભીનાશ જળવાશે.

૨. લેખક તરીકેની કારકિર્દી  ઉપર શાળાનો  શો પ્રભાવ રહ્યો?



હું જે નિશાળ(રાજુલા તાલુકા શાળા નં.2)માં ભણ્યો ત્યાં ફર્શ પર ટાઈલ્સ ન હતી. દિવાલ પર બ્લેકબોર્ડ પણ ન હતું. (કેટલાંક ઓરડામાં તો દિવાલે ય ન્હોતી). ધૂળમાં બેસીને પાટી પર લખીને અમે ભણતાં. હવે તો ઉદ્યોગો અને પીપાવાવ પોર્ટને લીધે રાજુલા જબ્બર વિકસી ચૂક્યું છે. પરંતુ આજથી ત્રણ દાયકા પહેલાં રાજુલા એ સૌરાષ્ટ્રના સૌથી વધુ પછાત જિલ્લાનું એટલું જ પછાત ગામ હતું. શાળા અમને શિક્ષણ આપવા ય સક્ષમ ન હતી, ત્યાં સાહિત્યની સમજ તો ક્યાંથી આપે?



૩. લેખક બનવાનો નિર્ણય ક્યારે લીધો? કોઈ ગણતરી હતી કે પહેલાથી જ આવું સપનું હતું?



ઘરમાં, પરિવારમાં, શેરીમાં, શાળામાં કે ગામમાં ક્યાંય એવું વાતાવરણ ન હતું એમ છતાં મને બાળપણથી વાચનનો નાદ વળગ્યો હતો. એ કેવી રીતે વળગ્યો તેનો મારી પાસે જવાબ નથી. આઠમા ધોરણથી ભાવનગર ભણવા ગયો. સંસ્કારનગરી ભાવનગરમાં શાળા કક્ષાએ વક્તૃત્વસ્પર્ધા, નિબંધસ્પર્ધા ભરચક પ્રમાણમાં થાય. બીજા સ્પર્ધકોને એમનાં વાલીઓ કે શિક્ષકો લખાણ તૈયાર કરી આપે. એ બધા નિબંધમાળામાંથી નિબંધો ગોખે. મારે કદી એવી જરૂર જ પડતી નહિ. હું જાતે જ લખતો.


કદાચ બહુ નાની ઉંમરથી શરૂ થઈ ગયેલી શિષ્ટ વાચનયાત્રા તેના માટે કારણભૂત હોય. લગભગ બીજા ધોરણમાં મેં મુનશી રચિત કૃષ્ણાવતાર વાંચી હતી. મેઘાણીની રસધાર, બહાવટિયાનો પરિચય પણ એ વખતનો જ. પાંચમા-છઠ્ઠા ધોરણમાં મુનશીની વિખ્યાત ટ્રિલોજી પછી તરત દર્શક, પન્નાલાલ, ગુણવંતરાય આચાર્ય. કવિતામાં (એજ ઉંમરે) મેઘાણી, કલાપિ, કાન્ત, ઉમાશંકર, સુંદરમ, બ.ક.ઠાકોર, ન.ભો.દિવેટિયા... શું વાંચવું એ કહેનાર કોઈ ન હતું. એટલે વાંચવાનો ક્રમ એ રીતે ઘડાયો કે જે ધોરણમાં ભણતો હોઉં તેનાંથી આગળના ચાર-પાંચ ધોરણનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક વાંચું. એમાં લેખક પરિચયમાં લેખકના પુસ્તકો કે અન્ય વિગતોના આધારે પાઠ્યપુસ્તકમાં આપેલ પાઠ-કવિતાથી આગળ જવાનું. જેમ કે, "રચો રચો અંબરચૂંબી મંદિરો..." પાઠ્યપુસ્તકમાં હોય પરંતું હું કવિ પરિચયમાંથી જાણીને ઉમાશંકરનો ગંગોત્રી કાવ્યસંગ્રહ પણ વાંચી નાંખું. વાચનભૂખ એટલી પ્રબળ હતી કે મને મારૂં નાનું ગામ, નિમ્ન મધ્યમવર્ગિય પરિવાર, પુસ્તકો માટે પૈસાની તંગી કે એવો એકપણ પ્રકારનો અવરોધ જરાક સરખો ય નડ્યો નથી. એટલે જ આજે કોઈ એવું કહે છે કે, નાનપણમાં કોઈએ કહ્યું નહિ એટલે ન વાંચ્યું, નાના ગામમાં રહેતાં હતાં એટલે સારી બુક્સ ન મળી,


પુસ્તકો ખરીદી શકાય એટલી આવક ન હતી એટલે ન વાંચ્યું એ બધુ જ મને બહાનાબાજી લાગે છે. હું મારી જાતને હંમેશા એક વાચક જ ગણું છું. (મજાકમાં કહું તો, પછી થયું એવું કે મને વાંચવું ગમે એવું કોઈ લખતું ન હતું એટલે પછી હું જ લેખક થઈ ગયો. પણ લેખક થયો છું તો વાંચવા માટે જ. આ મારા વાચકપણાની મહત્તા સૂચવતી હળવી મજાકમાત્ર છે.)



૪. લેખક બનવા ચાહતા નવોદિતોને શું સલાહ આપશો?



મારે સક્રિય લેખનમાં હજુ હમણાં પાંચ વર્ષ પૂરા થયા. 16 જાન્યુઆરી, 2008ના દિવસે દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં મારી કોલમ શરૂ થઈ હતી. એ હિસાબે હું પોતે જ હજુ નવોદિત છું. એટલે નામાંકિત લેખક તરીકે સલાહ આપવાની તો મારી પાત્રતા નથી પરંતુ મિત્રદાવે એવું જરૂર કહી શકું કે યાર, વાંચો... અઢળક વાંચો. હાથ લાગે એ બધું જ વાંચો. વિષય, લેખક, સાહિત્યપ્રકારના કોઈ છોછ વગર, કોઈ ખાના પાડ્યા વગર વાંચો. 1000 લીટી વાંચી હશે ત્યારે જ તમે લખેલી એક લીટીમાં વજન પેદા થશે. વાચન થકી જ લેખનની સમજ કેળવાય છે એવી મારી દૃઢ પ્રતીતિ છે.



૫. ગુજરાતી સાહિત્યમાં નવલકથા લેખન પુરા સમયના વ્યવસાય તરીકે કરવું શક્ય છે?



મારો જવાબ છે, ના. ગુજરાતીમાં લેખનની હાલત દયાજનક છે. નવલકથા માટે હપ્તાદીઠ મળતા પુરસ્કારનું ધોરણ 99 ટકા કિસ્સાઓમાં ગરીબીની રેખા હેઠળનું હોય છે. ધારાવાહિક પછી પુસ્તક તરીકે છપાતી નવલકથામાં ય રોયલ્ટીની રકમ તદ્દન પાંખી હોય, પ્રકાશકો દ્વારા વેચાતી નકલોની સંખ્યા વિશે ય લેખકે બાપડાં-બિચારા બનીને જે કહેવાય એ માની લેવાનું હોય એ સંજોગોમાં માત્ર નવલકથા લેખનમાંથી ઘર ચલાવવાનું કોઈના માટે ય શક્ય નથી. હું તો ત્યાં સુધી કહું છું કે, ચિક્કાર પ્રવાસો કરીને, સંદર્ભ પુસ્તકો વાંચીને કે સંશોધન કરીને નવલકથા લખવી હોય તો લેખકે પોતે જ અન્ય સ્રોતો વડે આર્થિક રીતે સધ્ધર હોવું જરૂરી છે. બાકી, મહિનાની પચ્ચીશમી તારીખે નાકના ફોયણાં ફૂલી જતાં હોય તો કોઈપણ સ્વમાની માણસે, લેખનમાંથી કમાણી થશે એવી આશાએ ભૂલથી ય લેખનના રવાડે ચડવા જેવું નથી. આકરૂં લાગે તો પણ આ મારૂં સ્પષ્ટ મંતવ્ય છે.



(મિત્રો, ઇન્ટરવ્યુનો બીજો ભાગ આવતા અંકે!)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો