મે 26, 2013

ટાંકા ભરી તું ઉછેરે છે ફૂલપાન..... રમેશ પારેખ



ઉનાળાના લાંબા દિવસોમાં, બપોરે ઘરનું કામ આટોપીને, શેરી કે પાડોશની સમવયસ્ક કન્યાઓ ટોળે વળીને ભરતગૂંથણ કરવા બેઠી હોય, તેમના ટોળટપ્પા અને હંસીમજાકો ચાલતાં હોય, કન્યાઓ જોડે મુગ્ધ નવોઢાઓ પણ ભરત ભરવા બેસી જતી હોય છે.
તેઓ પણ પોતાનાં ભરતગૂંથણ દ્વારા જાણેઅજાણે પોતાના ગૂઢ મનોભાવો અને સ્વપ્નતરંગોને અભિવ્યક્ત કરતી હોય છે. કસબી આંગળીઓ વિવિધ રંગોની ભાત અને વેલબુટ્ટાઓ કપડા પર ઉપસાવ્યે જતી હોય તેવાં નેત્રદીપક ભાતીગળ દ્રષ્યો હવે વિરલ થતાં જાય છે. આ ભરત ભરતી કન્યાઓ-મુગ્ધાઓને નિરખવી એ પણ લ્હાવો છે.

એના ભરતના રંગો, એની ભાતો અને એના ભરતના વાંકવળાંકો એના સમૃદ્ધ અને સ્વપ્નીલ ભાવવિશ્વને સંકેતિત કરતાં હોય છે, એ વાત તો બરોબર છે પણ ઝીણવટથી જુઓ તો પોતાના કાર્યમાં, કહો કે સર્જનમાં રત એવા આ કલાકારો પર કોઈ અદ્રષ્ટ સૌંદર્ય વરસી રહ્યું હોય એવો અનુભવ પણ થાય છે. એમની ફરતે રચાઈ ગયેલા આભામંડળની યે ઝાંખી થાય છે ને જોનારના મનમાં પ્રસન્નતાની શેરો ફૂટે છે. આ ક્ષણોમાં મુગ્ધાઓની તરંગિત બનેલી સર્જન ઊર્જા જોનારની ચેતનાને પણ ઝણઝણાવી મૂકતી હોય છે. જો કે આવા અનુભવ માટે દર્શકે પોતાની વિશિષ્ટ પાત્રતા પામવી પડે છે. સર્જનરત મુગ્ધ કલાકારોને જોતા હોઈએ છીએ એ ક્ષણે આપણે સૌંદર્ય, આલોક અને આનંદની સુભગ ત્રિવેણીમાં ડૂબકી મારીને જાણે કે આપણે અવ્યક્તેય એવો અનુભવ કરતાં હોઈએ છીએ.

અત્યંત સુંદર, ભાવવાહી એવા પોતાના જ આ ગીતનો ભાવાનુવાદ રમેશ પારેખે પોતે જ અત્યંત મધુર રીતે કરાવ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો