મે 25, 2013

શ્રી ધૈવત ત્રિવેદી સાથેની પ્રશ્નોત્તરી - ભાગ ૨



મિત્રો, આપણા સૌના પ્રિય એવા શ્રી  ધૈવત ત્રિવેદી સાથેની મારી પ્રશ્નોત્તરી નો બીજો ભાગ રજુ કરું છું.


૧. વિસ્મય, વિવર્તન, અલ્પવિરામ જેવી છાપાની કોલમો અને રમેશાયણ, આકંઠ અશ્વિની જેવી બે દિગ્ગજોની યશોગાથા વર્ણવતી શ્રેણીઓ પછી લાઈટ હાઉસ - એક નવું જ સાહસ - કેવી લાગણી થઈ હતી, જ્યારે પહેલી જ વાર નવલકથાનો વિચાર દિમાગમાં આવ્યો હતો?

અગાઉ કહ્યું તેમ, ૧૬ જાન્યુઆરી, ૨૦૦૮ના કળશમાં મારી કોલમ શરૂ થઈ, જેને ત્રણેક મહિના પછી વિસ્મય નામ આપ્યું. પ્રત્યેક સપ્તાહે વાચકની કસોટી પર ખરા ઉતરવાનો એ આરંભ. એ કોલમની સફળતા મારો આત્મવિશ્વાસ બાંધવામાં બહુ મહત્વની રહી. ભાસ્કર અને સંદેશ બંનેમાં વિસ્મય કોલમ અંતર્ગત લગભગ ૨૦૦ જેટલા આર્ટિકલ્સ લખાયા. જે-તે દિવસ કે કોઈ સાંપ્રત ઘટના સંબંધિત ઐતિહાસિક ઘટનાઓના વિસ્મયકારક પાસાંની છણાવટ કરતી એ કોલમમાં મેં લેખનો ચોથા ભાગનો હિસ્સો કથનાત્મક (વાર્તાના સ્વરૂપમાં) રાખવાનો પ્રયોગ કર્યો હતો. વિસ્મયની સફળતામાં એ કથનાત્મક શૈલીનો જ મુખ્ય ફાળો હોય તેમ મને લાગે છે. ભાસ્કર પછી સંદેશમાં પણ એ કોલમ ખાસ્સી લોકપ્રિય રહી. (હજુ પણ એ કોલમના જૂના આર્ટિકલ્સ ત્રણેક છાપામાં સાપ્તાહિક કોલમ તરીકે છપાય છે, મને મજેદાર પુરસ્કાર પણ મળે છે અને હજુય વાચકો વિસ્મયને યાદ કરે છે માટે મને લાગે છે કે એ કોલમ લોકપ્રિય હતી!)

પણ લોકપ્રિયતા વાઘની સવારી જેવી હોય છે. ત્રણ વર્ષ પછી વિસ્મયની સફળતા મારા હાથ બાંધતી હાથકડી લાગવા માંડી. ઈતિહાસ મારા પ્રચંડ રસનો વિષય છે જ પરંતુ માત્ર ઈતિહાસ મારા રસનો વિષય નથી. મારે તો કવિતા વિષે ય લખવું છે અને રાજકારણથી માંડીને ક્રાઈમ, શાસ્ત્રીય સંગીતથી માંડીને વિશ્વ સાહિત્ય વિશે લખવું છે. વિસ્મયની સફળતા, કમનસીબે મને બાંધવા માંડી હતી. એક વરસે મને ચાર સામયિકોના દિવાળી અંક માટે લખવાનું આમંત્રણ મળ્યું અને ચારે ય તંત્રીનું સૂચન હતું કે હું વિસ્મય જેવું કંઈક લખું. મારા માટે એ વોર્નિંગ સાઈન હતી. એ જ ઘડીએ મેં વિસ્મય પર પૂર્ણવિરામ મૂકવાનું નક્કી કરી લીધું. કારણ કે, લોકપ્રિયતા ખાતર હું મારી જાતને વિસ્મયના ચોકઠામાં બાંધી દેવા તૈયાર ન હતો.

વિસ્મય બંધ કરવાનો નિર્ણય અઘરો હતો. બીજા વિષયમાં મારી ક્ષમતા સાબિત કરવાની જીદ ખાતર હું જામી ગયેલી વિસ્મયની દુકાનને તાળા મારવા નીકળ્યો હતો. બીજા વિષય પર લખવાની મને તક મળશે ? તક ધારો મળી પણ ગઈ તો શું હું એમાં પણ વિસ્મયની માફક ચાલી જઈશ ? વાચકો મને સ્વીકારશે ? આ બધા સવાલો ઊભા જ હતા અને એમ છતાં ગુજરાત સમાચારમાં જોડાયા પછી, એ જ અઠવાડિયે વિસ્મય લખવા અંગે શ્રેયાંસભાઈની સૂચના છતાં, મેં વિસ્મય ન લખ્યું તો ન જ લખ્યું. એ માટે વાચકો, લેખકો, પરિચિતોમાં જાતભાતની કિંવદંતી ય ચાલી, "ધૈવતને ગુજરાત સમાચારમાં કોલમ ન મળી... સંદેશ-ભાસ્કરમાં આવું બધું ચાલે ભાઈ, ગુજરાત સમાચારમાં ધૈવત જેવાને ઊભા ય ન રહેવા દે... અહીં તો જામેલા લેખકોનું જ કામ..." એવું બધું ય ચૂપચાપ સાંભળી લીધું, કારણ કે મને મારામાં વિશ્વાસ હતો.

વિસ્મય નથી લખવું, ઓકે, તો શું લખવું છે ? તેનો જવાબ મારા મનમાં તૈયાર હતો, હવે એક નવલકથા લખવી છે... એક એવી નવલકથા લખવી છે જે રૂંવેરૂંવે રોમાંચનો ઝલઝલો દોડાવી દે અને બીજા અઠવાડિયાની રાહમાં અંગૂઠા પર ઊભા રાખી દે. નવલકથાના નામે કોઈ પ્લોટ ન હતો. ફક્ત લખવાની પ્રબળ ઈચ્છા હતી. અશ્વિની દાદા જ્યારે મળે ત્યારે ધક્કો મારતા હતા, "કંઈ લખ્યું ? ક્યારે લખવાનો છે ?" જવાબમાં હું ફક્ત સ્મિત આપતો, કારણ કે નવલકથાનું પ્રકરણ આપવામાં પસીનો વળતો હતો. ગુજરાત સમાચારની પાસે ચાની કિટલી પર રોજ સાંજની ગુફતગુમાં ઉર્વીશ કોઠારીએ પણ સમય-સંજોગ પારખીને, જૂના સ્ટવમાં ફ્યુઅલ જેટનો ફોર્સ વધારવા પીન મારવી પડતી તેમ, મને ભરચક પીન મારી છે. એવામાં અશ્વિની દાદાનો પંચોતેરમો જન્મદિન આવ્યો. મેં ફોન કર્યો ત્યારે તેમણે કહી દીધું, મારે પંચોતેર પૂરા થાય એ પહેલાં તારી નવલકથા લખાઈ જાય એ જ મારી ગિફ્ટ.. (એક ખાસ વાતઃ ગુજરાતીમાં લખાતું રહે તેના માટે અશ્વિની દાદા પ્રબળ આગ્રહી હતા એટલે દરેક લખનારાં, લખી શકનારાંને ચાનક ચડાવતા રહેવાની તેમની પ્રકૃતિ હતી. એ જ ક્રમમાં તેઓ મને પણ કહેતા હતા. આજે દાદા હાજર નથી ત્યારે (જાતે જ પીઠ થાબડી લેવાના પ્રચલિત રિવાજ મુજબ) તેમના નામે હું મારા બિલ ફાડતો રહું તો એ દાદાના નામે મેં મારો વેપલો કર્યો હોય એમ મને લાગે એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી છે.)

બસ, એ પછી તો જે થયું એ ફટાફટ થઈ ગયું. પ્લોટ સૂઝ્યો. બધા કહે કે, વાર્તાનો કાચો ઢાંચો હોવો જોઈએ. એટલે મેં એ પણ લખ્યો. પાત્રો ય બન્યા. પણ, એ જાણીને તાજુબી થશે કે, એ સિનોપ્સિસ અને હવે છપાવા જઈ રહેલી નવલકથા વચ્ચે વિરમ, રાજાવત અને બાબાજીના નામને બાદ કરતાં કશું જ સામ્ય નથી. આખી નવલકથા તેનાં નિર્ધારિત ઢાંચાની ક્યાંય બહાર નીકળી ગઈ છે. દરેક હપ્તો લખતી વખતે મારામાં જીવતા વાચકે જે માંગ્યું, એ વાચકને જે યોગ્ય લાગ્યું એ જ મેં લખ્યું છે. એટલે જ હું પૂરી સભાનતાથી કહું છું કે લાઈટહાઉસ એ એક વાચકે લખેલી નવલકથા છે.

૨. લાઈટ હાઉસના પાત્રો જેવાકે, સુમરો, રાવી, અભિ, વિરમ, રાજાવત... લોકોને ખૂબ જ ગમ્યાં છે.. કંઈક અલગ જ પ્રકારના નામો છે આ બધા... આવા નામ પાછળનો કોઈ હેતુ?

નવલકથાના નામ કેવા હોવા જોઈએ એ આમ જુઓ તો બહુ જ મહેનત માંગી લેતો મુદ્દો છે તો એ પણ એટલું જ સાચું છે કે માત્ર નામ રૂપાળા હોય એટલા માત્રથી નવલકથા સફળ નથી થતી. ટૂંકમાં, નામ એ પાત્રમાં વજન ઉમેરતું એક પરિબળ છે પરંતુ એકમાત્ર પરિબળ તો હરગિઝ નથી. પહેલાં આપણે નામના મહત્વની વાત કરીએ. નવલકથાના પાત્રો વિશે વિચારતી વખતે મેં નામ વિશે ખાસ્સી જફા કરી હતી. મારા અંગત મિત્રો, પરિવારજનોને ય પાત્રના વર્ણનના આધારે નામ શોધવામાં લગાડ્યા હતા. નામ અને અટકમાં એક ખાસ પ્રકારનાલાઘવ અને લય હોવાં જોઈએ જોઈએ એ વિશે હું સ્પષ્ટ હતો પરંતુ એ લાઘવ કેવી રીતે લાવી શકાય એ લાઈટહાઉસના સર્જન દરમિયાન વધુ સારી રીતે સમજ્યો. નામમાં જે શબ્દ પર ભાર હોય એ જ શબ્દ અટકમાં ય ક્યાંક હોવો જોઈએ. જેમ કે રાવી... એમાં "વ" પર વજન છે. તો અટકમાં પણ "વ" ક્યાંક હોય તો એ સળંગ ઉચ્ચારણ વજનદાર લાગે. સતત વંચાતું, બોલાતું રહે ત્યારે મનમાં ય તેની અસર પેદા થાય. આ ફોનેટિક્સની સાયકોલોજી (ધ્વનિશાસ્ત્રની માનસ પર થતી અસર) છે.

હવે, "નામ મેં ક્યા રખ્ખા હૈ યાર" ટાઈપની વાત... "નામની પસંદગીમાં જ ભયાનક છબરડા વાળ્યા છે... આવા તે કંઈ નામ હોતાં હશે... તારા નામ તદ્દન દેશી છે... નસિર ઈસ્માઈલી અને ડો. શરદ ઠાકરના પાત્રો જેવા ફેન્સી, લિસ્સા, સુંવાળા નામ હોવા જોઈએ..." આરંભના બે-ત્રણ હપ્તા પછી મને મળેલા કેટલાંક ખાસ દોસ્તોના પ્રતિભાવો આવા હતા. કેટલાંકને નામોમાં પુનરાવર્તન પણ ખૂંચતું હતું. જેમ કે રાવી અને અભિમન્યુ રાવ, અભરામ અને અભિમન્યુ, વિરમ રાજદેવ અને રાજાવત અને રાજિયો હરામી, સુમરા અને સાહા... "આમાં તો યાર, બધા ગોટે ચડી જશે અને વાચક એકવાર ગોટે ચડ્યો એટલે વાંચવાનું પડતું જ મૂકી દે" -આવી અનુભવવાણી પણ મને કહેવામાં આવી. અભિપ્રાય આપનારા તમામ મારા હિતેચ્છુઓ જ હતા અને એ દરેક પોતપોતાની સમજપૂર્વક મને કહી રહ્યા હતા. પરંતુ હું એક વાચક તરીકેના મારા અહેસાસમાં દૃઢ હતો. માટે જ હું કહું છું કે, નવલકથાની સફળતા એ લેખક ધૈવત ત્રિવેદીની નહિ પરંતુ વાચક ધૈવત ત્રિવેદીની સફળતા છે. મારામાંનો વાચક, તમામ નકારાત્મક અભિપ્રાય પછી પણ મને સધિયારો આપતો હતો કે, ડોન્ટ વરી...પાત્રાંકન જો મજબૂત હશે તો દરેક પાત્રનું એકસરખું નામ તું રાખીશ તોય વાચકો જોડાયેલા રહેશે. હવે એ સિધ્ધ થયું જ છે કે, એકપણ વાચક નામમાં ક્યાંય અટવાયો નથી, ગોટે ચડ્યો નથી અને નામ પણ મારી ધારણા કરતાં ય વધુ લોકપ્રિય થયા જ છે.

બીજી ય એક વાત, તમારા સવાલમાં નથી પણ, મને કહેવી રસપ્રદ લાગે છે. નવલકથા લખવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન મેં દરેક સ્તરના વાચકોનું એક જૂથ બનાવ્યું હતું. જેમાં ધારાવાહિકના રસિયા, શિષ્ટ સાહિત્યના અઠંગ વાચક, તદ્દન નવોદિત વાચક, પ્રૌઢ વયના વાચક, વાંકદેખા વાચક.. એ સઘળા મારા અંગત મિત્રો જ હતા. એવા દસેક વાચકોને હું નવલકથાનો દરેક હપ્તો શક્ય એટલો એડવાન્સમાં વાંચવા મોકલતો હતો. (જોકે એડવાન્સ એટલે છાપાના પાના પર ચડે તેની અડધી કલાક જેટલો જ એડવાન્સ. કારણ કે એથી વધુ એડવાન્સ મેં એક લીટી ય લખી નથી.) દરેક વાચકને એમની (મેં ધારેલી) ખાસિયત મુજબના જ સવાલ કરૂં. જેમ કે કોઈકને પૂછું, પ્રવાહિતા કેવી લાગી ? આખું પ્રકરણ સડસડાટ વંચાઈ જાય છે ? બીજાને પૂછું, ડાયલોગ્સમાં ડેપ્થ છે? વર્ણન તમે કુદાવી ગયા કે વાંચવામાં જકડાઈ રહ્યાં? ત્રીજાને પૂછું, આટલું વાંચીને તું આવતા હપ્તાની રાહ જોવા મજબૂર બનીશ કે કેમ ? એક-બે મિત્રો એવાં ય હતા જે દર દસ હપ્તા થાય એટલે આખી નવલકથા એકડે એક કરીને સળંગ વાંચતાં હતાં અને પછી કથાની પ્રવાહિતા, એકસૂત્રતા અને ગતિ વિશે મને અભિપ્રાય આપતાં હતાં. પૂછવાનું (પસંદ કરેલાં) સૌ કોઈને, કરવાનું છેવટે મને જે યોગ્ય લાગે તેમ. આ આખી એક્સર્સાઈઝ મને બહુ જ ઉપયોગી લાગી છે.

૩. વર્તમાન પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં લખાયેલી લાઈટ હાઉસમાં ઐતિહાસિક ઘટનાઓને સહજ રીતે સાંકળી લેવાઈ છે... એ પણ જરાયે રસક્ષતિ ન થાય એ રીતે...આવો કસબ તમે કઈ રીતે કરી શક્યાં?

મેં અગાઉ કહ્યું તેમ, અનેક વિષયો પૈકી ઈતિહાસ પણ મારા પ્રચંડ રસનો વિષય રહ્યો છે. વળી, નવલકથા એટલે જેમાં એકસાથે અનેક વિદ્યાઓનો સંગમ હોય એવું સાહિત્ય એવી મારી સમજ છે. દર્શકની "ઝેર તો પીધા જાણી જાણી" વાંચો... તેમાં ખેતીનો કસબ પણ છે અને વિશ્વ રાજકારણ પણ છે. એમાં ગ્રામ્ય ડહાપણ છે અને વૈશ્વિક દૃષ્ટિકોણ પણ છે. ઈતિહાસ અને તત્વજ્ઞાન પણ સમાંતરે વહે છે. અંગ્રેજી સાહિત્યમાં તો નવલકથાનો આધાર જ આ હોય છે. મારી નવલકથાનો વિસ્તાર લાંબો કે ટૂંકો હોઈ શકે પરંતુ તેનું ફલક તો વ્યાપક જ હશે એ વિશે હું સ્પષ્ટ અને આગ્રહી હતો. એટલે જ સાંપ્રત ઘટનાનો છેડો હું ૧૮૫૭ સુધી લઈ ગયો. નાનાસાહેબ પેશ્વાના ખજાના વિશે પૂર્વે મેં ભાસ્કર, સંદેશમાં ઘણું લખ્યું છે તેને પણ હું અહીં સાંકળી શક્યો. મરાઠા ઈતિહાસ વિશે મારો  અભ્યાસ હતો એ પણ અહીં ખપ લાગ્યો. એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે હું ત્રિકોણમીતિ ય લાવી શક્યો અને નકશાઓ વડે ખડી થતી પઝલ્સ પણ બનાવી શક્યો. આર્મી, વેપન્સ અને વોર ટેક્ટિક્સ વિશેના સઘન વાચનને લીધે સ્ટ્રેટેજિક મેપિંગ પણ લાવી શક્યો. બિહોલાની ચોટદાર લાગતી, આગ ભડકાવતી દલીલોમાં હું મારા રા.સ્વ.સંઘના બેકગ્રાઉન્ડના જોરે પ્રાણ પૂરી શક્યો તો બાબાજીના, તદ્દન સામા છેડાના તર્કમાં, સંઘની અસરમાંથી બહાર નીકળ્યા પછીનો મારો અંગત અહેસાસ એ અસરકારકતા નીપજાવી શક્યો. એટલે જ હું ભારપૂર્વક કહું છું કે, મારી નવલકથાનું પેકેજિંગ થ્રિલર તરીકેનું છે પણ એ માત્ર થ્રિલર નથી. જો માત્ર થ્રિલર નથી તો એ શું છે એ તો વાચક જ કહે એ વધુ યોગ્ય રહેશે.

૪. લાઈટ હાઉસના સર્જનની પ્રક્રિયા કેવી રહી? આઈમીન, મોટાભાગના લેખકોની જેમ, ઘણાખરા હપ્તા એક સાથે લખાઈ ગયેલા?

ના જી, પહેલો હપ્તો છપાયો ત્યારે બીજો લખવાનો બાકી હતો અને એ ક્રમ છેક ૪૫મા હપ્તા સુધી જારી રહ્યો. પ્લોટ તદ્દન યુ-ટર્ન લઈ ચૂક્યો હતો. પાત્રો એકેય મારા કહ્યામાં રહ્યા ન હતા અને સૌથી વધુ મહત્વની વાત એ કે, છેલ્લી ઘડી સુધી સુધારા-વધારા કર્યા વગર મને ચેન પડતું ન હતું. પરિણામે મેં કશું જ એડવાન્સ લખ્યું ન હતું. આપણે ત્યાં લેખકો સર્જનકળા વિશેના પોતાના અનુભવો વહેંચવામાં જરા સંકોચ રાખે છે એવું મેં અનુભવ્યું છે પરંતુ આ એક નવલકથાના અનુભવ પરથી મને લાગે છે કે એ વ્યાપક માત્રામાં થવું જોઈએ. નવલકથા લખવા ધારતા દરેકે પહેલાં પોતાની ક્ષમતા અને નબળાઈને પીછાણવી જોઈએ. બીજાના અનુભવોના આધારે પોતાને માફક આવે એવી સર્જન પ્રક્રિયા અપનાવવી જોઈએ અથવા તો ઉપજાવવી જોઈએ. લાઈટહાઉસના અનુભવથી મને સમજાયું છે કે હું કદી એડવાન્સમાં લખી નહિ શકું. હું એક જ રીતે નવલકથા લખી શકીશ... તદ્દન રેઢિયાળ રીતે!!!

૫. ફેસબુકના માધ્યમથી ઘણી મોટી સંખ્યામાં મિત્રોએ લાઈટ હાઉસ માટે પોતાના પ્રતિભાવો આપ્યા છે. એક લેખક તરીકે તમને કેવી લાગણી થતી હતી આ સમયે?

આફરિન... જસ્ટ આફરિન... ફેસબુક જો ન હોત તો કદાચ લાઈટહાઉસ પણ ન હોત અને નવલકથાકાર તરીકે મારી કોઈ ઓળખ ન હોત. લાઈટહાઉસ દરમિયાન સતત પ્રતિભાવો આપીને મને પાનો ચડાવનારા ફેસબુકના દરેક મિત્રોનો સદાય ઓશિંગણ રહીશ. આ મિત્રો મને સર્જનસફરના સંગાથી લાગ્યા છે. કેટલીક વાર મને ખબર હોય કે આ વાત તો વાચકને ગમશે જ. હું ગોળીઓની બૌછાર વરસાવું ત્યારે જતીન ત્રિવેદી તો ખુશ થવાનો જ પરંતુ શીલ્પા દેસાઈ શું કહે છે? સંવેદનશીલ વાત પર તો મેઘા જોષી ખુશ થશે જ પરંતુ લોહીયાળ ઘટના વખતે તેની શું પ્રતિક્રિયા હશે? હિતેશ જોષી, શીતલ, રીતુ દેસાઈ, નિકિતા પટેલ, ભાર્ગવ વ્યાસ જેવા અનેક વાચકો ફેસબુક પર શું કહે છે એ જાણવાની ઉત્સુકતાથી હું દર રવિવારે બેચેન રહ્યો છું. આ સૌ વાચકો સાથેના જીવંત સંવાદે મને આત્મવિશ્વાસ તો બંધાવ્યો જ છે, કેટલીક વાર લપસતો ય રોક્યો છે. મેં એક હપ્તામાં બ્રુફેનની ગોળી ૫૦૦ મિ.ગ્રા.ની લખી ત્યારે એક ડોક્ટરે કહ્યું કે ભાઈ, એ ૪૦૦ મિ.ગ્રા.ની જ આવે. એક હપ્તામાં અભિમન્યુ અને સુમરા રાજિયા હરામીને તેની ક્લબમાંથી ઊઠાવી જાય છે અને પછી બરાબરનો ધોકાવીને જોઈતી માહિતી કઢાવીને રેઢો મૂકી દે છે. એ વખતે મારા મનમાં એવી ગણતરી હતી કે અકારણ હિંસા મારે નથી કરાવવી.

બીજું કે છેવટે તો રાજિયો જીવતો જ હોવો જોઈએ અને ફાયદામાં જ હોવો જોઈએ. તો જ એનું હરામીપણું લાજે. પરંતુ મેં જે ન્હોતું વિચાર્યું એ જામનગરના નિલેશ જીવરાજાણી નામના મિત્રે વિચારી લીધું, ફેસબુક પર તેમણે લખ્યું કે, આ લોકોએ રાજિયાને છોડી દીધો તો હવે એ સાહા પાસે નહિ જાય ? એ સાહાને નહિ કહી દે કે આ લોકો બાવાપીરની દરગાહ તરફ નાસ્યા છે...?? માય ગોડ, તદ્દન સહજ લાગે તેવો આ મુદ્દો મારા ધ્યાનમાંથી છટકી જ ગયો હતો. એમનો તર્ક એકદમ સાચો હતો. રાજિયાની જગ્યાએ હું હોઉં તો હું પણ આમ જ કરૂં, પણ વિચારવામાં ગોથું ખાઈ જવાને લીધે મારો તો આખો પ્લાન જ તદ્દન જુદો હતો. નિલેશ જીવરાજાણીએ ઊઠાવેલો સવાલ મને એટલો તીવ્રતાથી ભોંકાયો કે હું દિવસો સુધી ઊંઘી શક્યો ન હતો. (સ્વાતિ અને શર્મિલી પટેલ એ અકળામણ-મથામણના સાક્ષી છે) એ પછી મેં આખો પ્લાન ફેરવ્યો. રાજિયાને રાજાવત પાસે મોકલ્યો અને બગડી જતી બાજી સાચવી લીધી. હવે કહો, ફેસબુક ન હોત, આવા હોંશીલા વાચકો ન હોત તો આ નવલકથા હોઈ શકત? અહીં નામ લખેલાં અને ન લખેલાં એ દરેક વાચકોને ખરા દિલથી સલામ.

૬. લાઈટ હાઉસમાં એક નવી જ તરેહની રજૂઆતે બહુ બધા વાચકોનું ધ્યાન ખેંચ્યું હતું, એ છે, ઘટનાસ્થળના વાસ્તવિક વર્ણનો અને તેને અનુરૂપ ચોક્કસ નકશા/આકૃતિઓ... આ વિશે વધુ વિગતો આપો.

ગોવા ઉપરાંત કોંકણ કાંઠામાં હું ખાસ્સું ફર્યો છું. અલબત્ત, ત્યારે એ બધું મને આમ કામ લાગશે એવો સ્હેજે ય અંદાજ ન હતો. નવલકથા લખતી વખતે જે કેટલીક બાબતોમાં હું સ્પષ્ટ હતો અને છેક સુધી એ સ્પષ્ટતાને વળગી પણ રહ્યો તેમાં કોંકણ પણ હતું. નવલકથાની ક્લાઈમેક્સ કોંકણમાં જ હશે એ નક્કી હતું. એ માટે મેં જોયેલા દુર્ગમ (સોરી, હું અહીં દુર્ગમ શબ્દ જ લખી શકું છું. બાકી, એ સ્થળો જેવી કરાલતા મેં અન્યત્ર ક્યાંય જોઈ નથી) સ્થળોને નકશા પર આંક્યા અને પછી ક્લાઈમેક્સ વિચારી હતી. એ દરેક સ્થળોના નામ પણ મેં એ જ રાખ્યા છે.

એ સિવાયના નકશાઓના ઉપયોગ વિશે તો, મેં અગાઉ કહ્યું તેમ, "વન્સ એન એન્જિનિયર, ઓલ્વેઝ એન એન્જિનિયર... દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે." લેખક કે પત્રકાર તરીકે કામ કરતી વખતે પણ વિચારવાની પધ્ધતિમાં તો એન્જિનિયરિંગની તાલીમ સહજતાથી આવી જાય. વળી, હું સફારી અને નગેન્દ્ર વિજયનો અઠંગ વાચક પણ ખરો. એટલે નકશા વડે સમજવા-સમજાવવાની હથોટી પણ ખરી. એમ છતાં, હવે મને લાગે છે કે, હું ઘણા નકશા આપવાનું ચૂકી ગયો છું. મારે તો અહીં એકે-૫૬નો આડછેદ પણ આપવો જોઈતો હતો. કોટાસની બંગલીની મૂઠભેડ પણ હું નકશા વડે વધુ તાદૃશ્ય કરી શક્ય હોત. ખૈર, હવે બીજી નવલકથા જોજો. ચિક્કાર નકશાઓ, આકૃતિઓના ઉપયોગથી રજૂ થતી ગુજરાતીની એ પહેલી નવલકથા હશે.

૭. આ ટ્રેઝર હન્ટ, નાનાસાહેબનો ખજાનો-વાસ્તવમાં આ ખજાનાની હકીકત શું છે?

ભાવનગર જિલ્લાના સિહોર ગામે રહેતા હર્ષદરાય મહેતા પાસેની કેટલાક ઐતિહાસિક દસ્તાવેજો નાનાસાહેબ પેશ્વાના હોવાનું કહેવાય છે. દારૂણ ગરીબીમાં જીવતા આ પરિવારને હું અનેકવાર મળ્યો છું. એમની પાસેના પત્રો, દસ્તાવેજો, ચીજ-વસ્તુઓ મેં જાતે જોઈ છે, ચકાસી છે. અંગત રીતે મને એવું લાગે છે કે, નાનાસાહેબના વંશજો હોવાનો દાવો કરતાં સિહોરના એ પરિવાર પાસેની વિગતોમાં તથ્ય છે. મેં એ વિશે ભાસ્કર અને સંદેશમાં પણ લખ્યું હતું. પરંતુ સરકારી સ્તરે તેના વિશે જાડી નિંભરતા પ્રવર્તે છે. એ મહેતા પરિવાર પાસેની અનેક ચીજો પૈકી એક પત્રમાં ઉલ્લેખાયેલું વાક્ય "આપલા ખજાના બદનૂર મધે મોડીરામ ચા હાતિ સલામત આહે" એ વાક્ય જ આ નવલકથાનો પાયો છે. જે-તે સમયે મેં જાતે કોંકણના સાવંતવાડી, કુડાળ, દેંગુર્લા, બદનૂર વગેરે સ્થળોએ ફરીને મોડીરામની તલાશ મેળવવા પ્રયાસો કર્યા હતા. એ વખતે જોકે નવલકથામાં તેનો આવી રીતે ઉપયોગ કરી શકાશે એવી ધારણા ન હતી. મોડીરામનું પગેરું મેળવવામાં મને નિષ્ફળતા મળી હતી. વિઠ્ઠલરાવ સાવંત, દત્તાજી સાવંત વગેરે સમગ્ર કથા કાલ્પનિક છે.

૮ અભરામ સુમરાને મારી કેમ દેવાયો? તમને એમ ન થયું કે કોઈ હિસાબે સુમરાને જીવંત રાખવો જોઈએ?

આહ્હ્... મને સખત ડર છે યાર, કે આ સવાલનો જવાબ દેવા કદીક મારે કોર્ટના કઠેડામાં ન ઊભા રહેવું પડે !! સુમરાને મેં કેમ માર્યો ? સુમરાના મોત પછી એટલા બધા વાચકોએ મારી બોચી ઝાલી હતી કે મારે સત્વરે એ વિશે મારી કેફિયત વર્ણવતી એક નોટ ફેસબુક પર મૂકવી પડી હતી. સુમરાનું પાત્ર મારા હાથમાંથી તદ્દન છટકીને પોતાની જાતે જ મોટું થઈ ગયેલું પાત્ર છે. તેના વિશે પહેલો ઉલ્લેખ કર્યો ત્યારે મારા મનમાં એ પાત્રના કોઈ જ રંગ-રૂપ-આકાર હતા નહિ. મને પણ ખબર ન પડી અને એ પાત્ર બળકટ બનવા માંડ્યું. સુમરાને મેં કેમ માર્યો એ સવાલની સમાંતરે બીજો ય સવાલ થવો જોઈએ કે વિરમને કેમ મેં કોમામાં રાખ્યો ? આ બંને સવાલોના જવાબ સમાન છે... કાયદો. હું એકવીસમી સદીની, આપણે જીવીએ છીએ એ વર્તમાનની વાત કરી રહ્યો છું, જ્યાં
કાનૂન અસ્તિત્વમાં છે. સુમરા કેવો ક્રિમિનલ હતો એ આપણે જાણીએ જ છીએ. આખરી સમયમાં એ ગમે તેટલો બદલાયો હોય તો પણ તેણે કરેલા કૃત્યોની, ખુનખરાબાની સજા તો એને મળવી જ જોઈએ. જો મેં એને જીવતો રાખ્યો હોત તો મારે તેને ફાંસીએ ચડાવવો પડે. તેના કરતાં હું સુમરા જેવા ભડભાદરને છાજે એવું મૃત્યુ આપું એ મને વધુ યોગ્ય લાગ્યું. વળી, આટલો તુમુલ સંઘર્ષ થાય ત્યારે બંને પક્ષે કંઈક ખુવારી તો થાય જ. બિહોલા પાર્ટી ખતમ થઈ જાય અને આ લોકોને ખરોચ પણ ન પડે એ તો ફિલ્મી ન લાગે ? વિરમ પણ જો હોશમાં હોય તો તેણે ય દેશદ્રોહના આરોપ સામે ઊભા રહેવું પડે. એ પણ કાયદાની દૃષ્ટિએ તો ગુનેગાર જ સાબિત થાય. પરિણામે મેં તેને પણ કોમામાં રાખીને આડકતરી રીતે તો બચાવી લીધો છે.

૯. તમારા પાત્રો વાચકોને ખૂબ જ ગમ્યા છે. તમને ક્યું પાત્ર આલેખવું સૌથી ચેલેન્જીંગ લાગ્યું હતું? રાજાવતનું પાત્ર પણ ઘણું મહત્વનું હતું. ઘણા બધાને આ 'બેડ બોય' ગમ્યો હશે, એના માટે શું વિચાર છે તમારો?

અફકોર્સ, માય ફેવરિટ ઈઝ રાજાવત. મને તેની સંકૂલ મનોસ્થિતિ રજૂ કરવામાં બેહદ મજા આવી છે. વાસ્તવિક જિંદગીમાં જોયેલા એક સદાકાળ બિનહરિફની માનસિક વિકૃતિ મેં એ પાત્રમાં મૂકી છે. રાજાવત પોતે ય વિરમ જેટલો જ સક્ષમ છે પરંતુ ખરી ક્ષમતા બૌધ્ધિક નહિ પરંતુ આંતરિક સ્વસ્થતાની હોય છે. વૈચારિક તંદુરસ્તીની હોય છે. બૌધ્ધિક ક્ષમતા તો બિલ ગેટ્સમાં ય છે અને ઓસામા બિન લાદેનમાં ય હતી. રાજાવતની ક્ષમતાનો પાયો નકારાત્મક છે. એ કેમ આવો છે તેના માટે તેની માનસિક સંકૂલતા દર્શાવવી મને બહુ જ પડકારજનક લાગી છે.

૧૦. લાઈટ હાઉસ વાંચતા અશ્વિની દાદા યાદ આવી જાય... એમની નવલકથાઓ એટલે અફલાતૂન પ્લોટ્સ, બળુકા પાત્રો, ઘટનાસ્થળોના ચુસ્ત વર્ણનો, સિલસિલાબંધ પ્રસંગો, નસો તંગ થઈ જાય-આખાયે શરીરમાં 'કરંટ' ફરી જાય એવા રોમાંચક ઐહિક સંવેગોના વર્ણનો અને વાચકને જકડી રાખે એવું રહસ્યનું જાળું...... તમને ચાહકો 'છોટે અશ્વિની'ના બિરુદથી નવાજે છે. કોઈ શક નથી કે આ બિરુદ સાર્થક કરી બતાવ્યું છે તમે... પણ લાઈટ હાઉસમાં આ ફેકટર- ઐહિક સંવેગોના વર્ણનો- લગભગ સાવ જ ગેરહાજર છે...

તમારી નવલકથામાં ઐહિક સંવેગો કેમ નથી એવો સવાલ થાય એ જ બતાવે છે કે નવલકથાઓમાં આવું બધું હોવું આપણે કેટલું આવશ્યક માનીએ છીએ. બસ, એ સવાલ થવાના કારણમાં જ મારો જવાબ છે કે શું ધરાર ઐહિક સંવેગો હોવા જ જોઈએ ? શું એ વગર નવલકથા લોકપ્રિય ન જ થાય ? મને ઐહિક સંવેગો લાવવામાં કશો જ વાંધો નથી, જો એ સહજ ક્રમમાં આવતા હોય તો. મારી નવલકથા ધારો કે કોઈ મહિનાની 3જી તારીખની ઘટનાથી શરૂ થાય છે તો, રાવી અને અભિ સરન્ડર કરે છે એ તારીખ ૨૯ હશે. મતલબ કે, ઘટનાપ્રવાહમાં તણાતાં વાચકને પહેલી નજરે ખ્યાલ ન આવે પણ હવે ઝિણવટપૂર્વક દિવસમાં આખી નવલકથાને ગોઠવતા જાવ તો કુલ ૨૬ દિવસની સમગ્ર ઘટમાળ છે. અભિ અને રાવી એકમેકને પૂર્વે ઓળખતા ન હતા. મળ્યા પછી બંને સતત કફોડી હાલતમાં મૂકાતા જાય છે એ સંજોગોમાં એ પ્રેમ કરે કે આવા કપરા સંજોગોમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે ? એમાં ય રાવી જેવી તેજતર્રાર છોકરી આવી તંગ હાલતમાં માત્ર બે-પાંચ દિવસની ઓળખાણમાં પ્રેમમાં પડે અને સેક્સ પણ એન્જોય કરી નાંખે એ શી વાતે ય મને તર્કસંગત ન લાગ્યું માટે મેં, ભલભલા કલમબાજોના સૂચનો અને ફેસબુક પર વાચકોની માગણી છતાં ન લખ્યું તો ન જ લખ્યું કારણ કે, એ મને એકપણ રીતે ગળે ઉતરતું ન હતું અને એ વગર પણ મારા કન્ટેન્ટ પર મને ચિક્કાર ભરોસો હતો. અન્યથા, કદીક તક મળ્યે એવું શૃંગારિક લખવું છે કે.... ઈન્શાલ્લાહ... લખું ત્યારે કહેજો...

૧૧. આજે જ્યારે લાઈટ હાઉસ પુસ્તક રૂપે પ્રગટ થઈ રહી છે, ત્યારે કેવી લાગણી અનુભવો છો?

પ્રલંબ સંતોષ અને એથીય વિશેષ તો, વધુ સારૂં લખવાની જવાબદારીનો અહેસાસ પણ ખરો.

૧૨. લાઈટહાઉસ ભાગ-૨ લખશો? નવી નવલકથા ક્યારે?

ના, લાઈટહાઉસ ભાગ-૨ જેવું કોઈ આયોજન કદી હતું નહિ અને છે પણ નહિ. નવી નવલકથાનો પ્લોટ મનમાં ઘૂંટાઈ ચૂક્યો છે. સ્થળો, પૃષ્ઠભૂનો અભ્યાસ ચાલુ છે. ત્રણેક મહિનામાં અખબારમાં આવે તેવી મારી ગણતરી છે. નવી નવલકથાનો આધાર પણ તાજેતરમાં જોયેલો એક વાસ્તવિક કિસ્સો જ હશે, જેને પછી અન્ય કેટલીક વાસ્તવિક ઘટનાઓ સાથે જોડીને હું વ્યાપક ફલકમાં લઈ જવા ધારૂં છું. એ સિવાય એક ફેસબુક લવસ્ટોરી પણ મનમાં તૈયાર છે. એનું ટાઈટલ, લોગો, પાત્રો, ઘટનાઓ બધુ જ મને યથાતથ દેખાય છે. પરંતુ અખબારના વાચકો માટે મને એ જરા અઘરી અને વધારે પડતી લાગણીસભર લાગે છે. શક્ય હશે તો નવનીત-સમર્પણ જેવા પ્રબુધ્ધ સામયિક માટે અથવા કોપીરાઈટ, પ્રકાશન વગેરે મુદ્દા સંતોષાતા હશે તો અહીં ફેસબુક પર પણ લખીશ. પણ લખીશ તો ખરો જ... કારણ કે એ કથાનક આલેખ્યા વગર મારો મોક્ષ થવાનો નથી એ મને ખબર છે.

૧૩. લાઈટ હાઉસના સર્જન દરમિયાન થયેલો કોઈ ખાસ અનુભવ?/લાઈટ હાઉસ નો કોઈ યાદગાર પ્રસંગ કે જેના લખાયા પછી કોઈ વિશિષ્ટ લાગણી થઈ હોય?

આમ તો સમગ્ર સર્જનપ્રક્રિયા યાદગાર રહી છે. ખાસ તો, નવલકથા લખવાનો આત્મવિશ્વાસ ઘડાયો એ જ મારા માટે સૌથી વધુ આનંદની વાત છે. છેક અમેરિકા બેઠેલો મારાથી તદ્દન અજાણ્યો વાચક અશ્વિની દાદા પાસે જઈને લાઈટહાઉસના વખાણ કરી આવે અને એથી પોરસાયેલા દાદા તેની હાજરીમાં મને ફોન કરીને પીઠ થાબડે... આટલું સુખ કદી કલ્પ્યું જ ન હતું. પહેલી જ નવલકથામાં વાચકોનો આટલો પ્રેમ મળશે, આટઆટલા વાચકો મારા દોસ્તો બનશે એ બધું જ ધારણા કરતાં ય અનેકગણું છે. લાઈટહાઉસના પ્રકાશનનો મારા કરતાં ય આવા વાચકમિત્રોને વધુ ઉત્સાહ હોય... સફળતાનો આનંદ મારે મન આટલામાં જ સમાઈ જાય છે.

૧૪. પત્રકાર-તંત્રી-કટારલેખક-નવલકથાકાર પછી પ્રકાશક ધૈવત ત્રિવેદીનો જન્મ કઈ રીતે થયો? સાર્થક પ્રકાશનની સંકલ્પના કઈ રીતે ઉદ્દભવી?

આમ તો એ રોજિંદી વાતો અને પરસ્પરના અનુભવોમાંથી જ નિપજેલી બાબત છે. લેખકનું સ્વમાન અને વાચકની સંતુષ્ટિ જળવાય, લખ્યું-વાંચ્યું સઘળું સાર્થક થાય એ જ સાર્થક પ્રકાશનના અસ્તિત્વનો ઉદ્દેશ છે. પ્રકાશન કેટલું દોહ્યલું કામ છે એ તો હવે ક્રમશઃ સમજાતું જાય છે પરંતુ જો કન્ટેન્ટમાં દમ હશે, પુસ્તકની ઉપયોગિતા કોટે વળગતી હશે તો વાચક એ ખરીદવા પ્રેરાશે જ એવો પ્રબળ આત્મવિશ્વાસ પણ છે. Dipak Soliya, Urvish Kothari અને હું, અમારા ત્રણેયમાં હું સૌથી નવો અને નાનો છું. એ બંને મારા સિનિયર છે. પ્રણવ, બિનિત, કક્કડ, કેતન, લલિત જેવા દોસ્તો છે. એટલે સઘળી ચિંતા એ સૌ પર નાંખીને હું તો જુઓ, મોજથી લખ્યે જાઉં છું. કારણ કે, મને (અને કદાચ એ સૌને પણ) બરાબર ખબર છે કે લખવા-વાંચવા સિવાય બીજું કંઈ મને આવડતું નથી.

૧૫. તમારા નાનપણમાં કરેલા પરાક્રમોના છૂટ્ટાછવાયા કિસ્સાઓ અહીં ફેસબુકની તમારી વોલ પર ક્યાંક ક્યાંક વાંચ્યા છે. (ને ઘણા તમારા સ્વમુખે સાંભળેલા છે!) આ બધાનો એક માતબર સંગ્રહ બહાર પાડી શકાય ને...

એ પણ વિચારાધિન છે જ. ફેસબુક પર લખવું અને પુસ્તક તરીકે ચીરસ્મરણિય બનાવવું એ બે વચ્ચે થોડોક ફરક છે. વાચનક્ષમતા જળવાઈ રહે, વિગતોનું સાર્વત્રિકપણું અનુભવાય એ રીતે કશુંક મનમાં આકાર લઈ રહ્યું છે. એ સિવાય પણ ઘણાં પ્રોજેક્ટ હાથમાં છે અને નવી નવલકથા પણ ખરી. આ ગતિએ તો, બોલિવૂડની ભાષામાં તદ્દન હળવાશભરી મજાકમાં કહું તો, બે વર્ષ સુધી મારી પાસે ડેટ્સ નથી, સોરી બોસ! અઢળક કામ નજર સામે દેખાય છે. પરિવાર, મિત્રો, નોકરી, નિજાનંદમાં હવે પ્રકાશક તરીકેની જવાબદારી પણ ઉમેરાઈ છે. પણ બહુ લાંબા આયોજન નથી કરતો. નવલકથાના પાત્રો ય મારા કહ્યામાં નથી રહેતાં તો જિંદગી તો મને ગાંઠે જ શાની? બસ, એટલી જ આશા રાખું કે કદીક સાક્ષીભાવે કાંઠા પર ઊભો રહીને ધસમસતી વહી ગયેલી જિંદગીને જોઈને, સંતોષ ન થાય તો કંઈ નહિ, મને વિતેલી કાલનો અફસોસ થાય એવું કંઈ ન થઈ જાય મારાથી... બસ, બાકી કોઈ ખ્વાહિશ નથી.




~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~O~

મિત્રો, ધૈવત ત્રિવેદી એ મિત્રતાનું માન રાખી મારી પ્રશ્નોત્તરી સ્વીકારી એના જવાબો દિલથી આપ્યા છે- એમ હું માનું છું. આશા છે આપ સૌને પણ આ ઇન્ટરવ્યુ પસંદ આવ્યો જ હશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો