મે 13, 2013

છ અક્ષરનું નામ!



રમેશ પારેખ (૨૭-૧૧-૧૯૪૦ થી ૧૭-૦૫-૨૦૦૬)
 
રમેશ પારેખ એટલે
દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ.
રમેશ પારેખ એટલે
નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર.
રમેશ પારેખ એટલે
ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય.
રમેશ પારેખ એટલે
લોહીમાં વહેતી કવિતા.
રમેશ પારેખ એટલે
છ અક્ષરનું નામ!

 
રમેશ પારેખ અને અનિલ જોષીની સહિયારી રચના 'ડેલીએથી પાછા માં વળજો' ફરી વાંચી ત્યારે રમેશ પારેખ વિશે કંઈક વધુ, કંઈક અવનવું વાંચવાની, જાણવાની તમન્ના થઈ આવી. લાયબ્રેરીમાંથી એક અદ્ભૂત પુસ્તક હાથ લાગ્યું- 'હોંકારો આપો તો કહું'.  
વર્ષો અગાઉ 'જનસત્તા'ની બુધવારની પૂર્તિમાં શ્રી ગુણવંત શાહના સંપાદન હેઠળ રમેશ પારેખની એક સરસ કોલમ ચાલતી 'હોંકારો આપો તો કહું'. ગુણવંત શાહ અને જાણીતા હાસ્યલેખક અશોક દવે- આ બંનેના પ્રેમાગ્રહને વશ થઈને કવિ રમેશ પારેખે કલમ ઊપાડી અને પદ્યના લયહિલ્લોળ પર અઢી દાયકાથી ગુજરાતી કવિતાને ઝૂલાવી રહેલા ગુર્જરીના આ લાડીલાએ ગદ્યમાં પણ દોમદોમ સમૃદ્ધિ ઠલવી. જનસત્તાની આ માતબર કોલમ ઉપરાંત કવિશ્રીએ 'સમકાલીન'માં 'કોફીના કપમાં વસંત' અને ફૂલછાબમાં 'મને ગમ્યું તે મારુ' શિર્ષક અંતર્ગત પણ કોલમ લખેલી. કેટલાક છૂટાંછવાયા લેખો 'જન્મભૂમિ-પ્રવાસી'માં પણ લખેલા. આ બધા જ લેખો પૈકીના મોટાભાગના લેખો 'અમરેલી સમાચાર' સાપ્તાહિકમાં પાછળથી રિપ્રિન્ટ થયેલા. તંત્રી લલિતભાઈ મહેતાની હાર્દિક ઈચ્છાને લઈને આ બધા લેખોમાંથી ચૂંટેલા લેખોને પુસ્તકદેહ આપવામાં આવ્યો.
'હોંકારો આપો તો કહું' આ જ નામથી પ્રકાશિત થયેલા આ પુસ્તકમાંની મને ગમેલી એક સરસ વાત આપ સૌ મિત્રો જોડે share કરવાની લાલચ રોકી શકતી નથી!
કવિશ્રી અનિલ જોષી અને રમેશ પારેખની દોસ્તી જગજાહેર. આ એ સમયની વાત કે જ્યારે બંનેના પરિચયનો શરૂશરૂનો કાળ. બનતા સુધી '૬૮ની સાલના સપ્ટેમ્બર કે ઓક્ટોબરની વાત. રોજની જેમ બેઉ મિત્રો અમરેલીના સ્ટેશનની બહાર ચાની કેન્ટીનની બાજુમાં મૂકેલા બાંકડે બેઠેલા.
અનિલજી એ પૂછ્યું, “ગુજરાતી સાહિત્ય પરિષદ આ વખતે દિલ્હીમાં મળવાની છે, આપણે જઈશું ને?
હાથમાં ચાની રકાબી સાથે ર.પા. એ જવાબ આપ્યો, “હા!” ત્યારે એમને ખબર ન હતી કે એમની આ “હા”થી ખૂલ જા સીમસીમ કરતાં કેટકેટલા વૈભવના દરવાજા ખૂલી જવાના હતા.
ર.પા. એ તો ત્યારે હજુ માંડ બે-ચાર કાવ્યો લખેલાં. એમાંથી એક-બે માંડ છપાયા હતા. આ મૂડી ખિસ્સામાં લઈને અમરેલી રેલ્વે સ્ટેશનેથી સોમનાથ મેલમાં બેઠેલા કવિને ત્યારે ખબર ન હતી કે આ એમની રેલયાત્રા સાથે એક સુંદર, સુદીર્ઘ સર્જનયાત્રા આરંભાઈ ચૂકી હતી. સર્જનયાત્રા જ નહીં, સુગંધમય જીવનયાત્રા પણ.
દિલ્હીમાં પરિષદના પ્રથમ દિવસે તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. ઝાકિરહુસેનજીનું પ્રવચન પત્યાં બાદ હોલની બહાર ચાની કેન્ટીન પર અનિલજી એ ર.પા.નો પરિચય કવિશ્રી રાજેન્દ્ર શુક્લ સાથે કરાવ્યો. દેખાવે રુક્ષ લાગતા કવિવરે ર.પા.ને પૂછ્યું, “કેમ છો બચુ? ત્યારે આવા તોછડા સંબોધનથી નારાજ થઈ ગયેલા ર.પા. ને હસીને અનિલજીએ સમજાવેલા એટલું જ નહીં એમની નારાજગીને મિત્રતામાં પણ બદલેલી.
ત્યારબાદ નામી-અનામી કંઈ કેટલાય સાહિત્યકારોનો પરિચય અનિલજીએ ર.પા.ને કરાવ્યો. પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, સુરેશ દલાલ, ઉમાશંકર જોશી, પ્રિયકાંત મણિયાર અને કેટકેટલા દિગ્ગજો!
નવાઈની વાત એ બનેલી કે કોઈએ પૂછ્યું “અમરેલીથી કેટલા લોકો આવ્યા છે?” એના જવાબમાં ર.પા.એ કહ્યું કે “ચાર જણ!” ત્યારે પ્રિયકાંત મણિયારે કહ્યું કે, “ચાર નહીં, પાંચ જણ કહો. મારું તો મોસાળેય અમરેલીમાં અને સાસરું ય અમરેલીમાં.”
ત્યારબાદ ચાલેલા હસીમજાકના માહૌલમાં પ્રિયકાંત મણિયારે ર.પા.ને પાસે બોલાવીને તેમનું નામ પૂછ્યું અને નામ સાંભળીને તરત જ એ સમયે 'નવનીત'માં છપાયેલી ર.પા.ની ગઝલ 'હવાઓ'ના વખાણ કર્યાં. તદુપરાંત ર.પા.ની પીઠે થપ્પો લગાવ્યો અને કહ્યું, “દોસ્ત! તારી ગઝલ ગમી હો!”
પછીની વાત ખુદ ર.પા.ના જ શબ્દોમાં.... “એ સાંભળીને હું મનોમન ઝળહળી ઊઠ્યો. આટલા બધા સિદ્ધ સર્જકોના મેળામાં મારી જેવા તદ્દન અજાણ્યાની નોંધ લેનાર ઝીણી નજરવાળોય કોઈ છે! અને એ પણ કોઈ જેવોતેવો નહીં, પ્રિયકાંત મણિયાર જેવો, મોભાદાર સર્જક છે! કોઈએ મને દિલ્હીના તખ્ત પર બેસાડી દીધો હોય એટલો હું ખુશખુશાલ થઈ ગયો. થેંક્યુ પ્રિયકાંત. મારા મનના ખૂણામાં સંકોચાઈને ઊભેલા આત્મવિશ્વાસને તમે ખોબો ભરીને જૂઈના ફૂલ આપ્યાં'તાં... થેંક્યુ!”

5 ટિપ્પણીઓ: