એપ્રિલ 05, 2013

સુહાની



એનું નામ સુહાની.... નાજુક, નમણી, ગોરી ગોરી સુહાની.
ઊંચી, પાતળી, સુડોળ દેહયષ્ટિ, કાળા ભમ્મર વાળ ને કાજળઘેરી આંખો. એક પણ ડાઘ વિનાની સ્વસ્થ, ચમકદાર ત્વચા અને પ્રસન્નચિત્ત સ્વભાવની ચાડી ખાતો હસમુખ ચહેરો.
સુહાની એના માતાપિતાનું એકમાત્ર સંતાન. સુહાની હજુ પારણામાં હતી ને એના પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા. કુટુંબમાં નજીકનું કોઈ શકાય એવું કોઈ સગું નહીં. સુહાનીના મમ્મીએ નાનકડી સુહાનીને લઈને પિયરની વાટ પકડી. ઉચ્ચ જગ્યાઓ પર નોકરી કરતા સુહાનીના બંને મામાઓ અન્ય શહેરમાં રહે. સુહાનીના નાના-નાની પણ હયાત ન હતા. સુહાનીની મમ્મીને અહીં પણ એકલા જ રહેવાનું હતુ. પણ પિયરમાં રહેવાનો એક મોટો ફાયદો એ હતો કે મદ્રાસ જેવા મોટા શહેરમાં એકલપંડે રહેવા કરતા પિયરના નાના ગામમાં આજુબાજુ બધા સગાસંબંધીઓની હૂંફમાં રહેવું વધારે સારું.
નાનપણથી જ અત્યંત ધાર્મિક વૃતિના ભાનુબેન-સુહાનીના મમ્મીએ નાની ઉમરે આવી પડેલા વૈધવ્યને ધર્મધ્યાનના સહારે પસાર કરવા માંડ્યું. ઘરની બાજુમાં જ ઉપાશ્રય અને સંતો-ભગવંતોના સતત સહવાસમાં, ભાનુબેન સુહાનીને આસાનીથી ધર્માભિમુખ કરી શક્યાં. નાની નાની બાળકીઓ ઢીંગલા-ઢીંગલીથી રમે એ ઉમરે સુહાની નવકારમંત્રની માળા ફેરવતી. શાળામાં અભ્યાસની સાથે સાથે પાઠશાળામાં સામયિક, પ્રતિક્રમણ વગેરે શીખવા લાગી. એનો નિત્યક્રમ પણ એવો. સવારમાં જાગીને સીધી જ ઉપાશ્રયમાં પહોંચી જાય. મહાસતીજીને વંદન કરે, માળા કરે ને પછી તૈયાર થઈને કોલેજ જાય. બાવીસ વર્ષની સુહાની ભણવામાં પણ એવી તેજ. ગણિતના વિષય સાથે M.Sc. નો અભ્યાસ કરતી સુહાની ડ્રોઈંગના અને કમ્પ્યુટરના ક્લાસ પણ ભરે. મા-દિકરી ની એકલવાયી જિંદગીમાં આમ જોઈએ તો કશી તકલીફ ન હતી. બે જીવને ખાવા પૂરતું મળી રહે, એટલી આર્થિક વ્યવસ્થા તો હતી જ અને બાકી કોઈ તકલીફ હોય તો બંને મામાઓ હાજર જ હોય!
એક દિવસ, સવારમાં ઊઠીને સુહાનીએ માથામાં અતિશય ખંજવાળ આવવાની ફરિયાદ કરી. ભાનુબેન નજીકના ચશ્માં આંખે ચઢાવી સુહાનીનું માથું જોવા બેઠા. જ્યાં વાળની લટો આઘીપાછી કરીને તાળવાની ત્વચા ખુલ્લી કરી તો ભાનુબેન ચોંકી ગયા! ચાર-પાંચ  જગ્યાએ ગુમડા જેવા મસ મોટા ઢીમચા દેખાયા!
“રે છોકરી! તને તો ગુમડા થયા છે માથામાં. બેન.... ખંજવાળતી નહીં. તને હું ગુમડાની ટ્યૂબ લગાવી આપું. પછી ડોકટરમામા આવે એટલે એમને બતાવી આવીએ.” મોસાળના ગામમાં રહેતી સુહાની માટે હર કોઈ પુરુષને મામા કહેવાની ટેવ, ભાનુબહેને નાનપણથી જ પાડેલી. હળવે હાથે ટ્યૂબ લગાવીને ભાનુબહેને એના છૂટ્ટા, લાંબા વાળને એક સેરમાં બાંધી લીધા. પોતાના કાયમી ક્રમથી વિપરીત જઈને સુહાની આજે ફરી પથારીમાં લાંબી થઈને સૂઈ ગઈ. મોડેથી ભાનુબેન સુહાનીને સોસાયટીના છેડે આવેલા મકાનમાં ક્લિનિક ચલાવતા ડો. મહેતા પાસે લઈ ગયા. સામાન્ય પૂછપરછ કરીને ડોકટરે દવાઓ લખી આપી. “બે દિવસમાં મટી જશે! ખંજવાળતા નહીં.” ચાર-પાંચ જાતની રંગીન ટીકડીઓનું પડીકું વાળતા ડોકટરે કહ્યું.
બે દિવસ થયા. માથામાં થયેલા ગુમડા સ્હેજ સુકાયા હોય એમ લાગતું હતું. સહેજ નંખાઈ ગયેલી લાગતી સુહાનીને ક્યાંય જીવ લાગતો ન હતો. બાજુના મોટા શહેરમાં આવેલી યુનિવર્સિટીમાં વર્ગો ભરવા જતી સુહાનીને ઊભા થઈને પાણીનો ગ્લાસ પણ જાતે ભરીને પીવાની જાણે કે ત્રેવડ ન હતી, તો ભણવા જવાની તો ક્યાં વાત હતી. ધીમે રહીને સુહાનીએ પોતાના માથામાં હાથ ફેરવ્યો. જ્યાં જ્યાં ગુમડા થયેલા ત્યાં હળવે હળવે આંગળીઓથી સ્પર્શ કર્યો.
“મટી જશે દીકરા...” સુહાનીની પીડા સ્હેજ પણ  જોઈ ન શકતાં ભાનુબહેને પોતાની વ્યથા ચહેરા પર દેખાઈ ન આવે એની કાળજી રાખીને કહ્યું. કંઈક અજંપાથી ભરેલી આંખો મીંચી દઈને સુહાની પથારીમાં લાંબી થઈને સૂતી.
બીજે દિવસે માથામાં ફરી એક નવી જગ્યાએ ગુમડું થયું. જૂના ગુમડા પણ જાણે નવેસરથી ફૂટ્યા હોય એમ લાગવા માંડ્યા. ગભરાઈ ગયેલા ભાનુબહેને ડોકટરને ફોન જોડીને ઘરે જ બોલાવી લીધા. ફરી બે દિવસની દવાઓ અને ફરી એ જ ઘટનાનું પુનરાવર્તન. ડોકટર બદલ્યા. સ્કીન સ્પેશિયાલીસ્ટને બતાવવામાં આવ્યું પણ પરિસ્થિતમાં લેશમાત્ર ફર્ક નહીં. મહિનો થવા આવ્યો. ગુમડા ધીરે ધીરે આખા શરીર પર જ્યાં ને ત્યાં દેખાવા લાગ્યા. કોઈ કહે, “નજર લાગી ગઈ છે છોકરીને”,તો કોઈ કહે કે “કંઈક વળગાડ છે.” આ બધામાં ન માનતા ભાનુબહેન પણ કોઈ કંઈ ટૂચકો બતાવે તો એ મુજબ કરવા લાગ્યા. સાધુ-સંતોને રોગ મટી જાય એવા આશીર્વાદ આપવા વિનવવા લાગ્યા.
દોઢેક મહિના જેવું થયું. કોઈ ડોકટરની કોઈ જ કારી ફાવતી ન હતી. રોગ કોઈ હિસાબે પકડમાં આવતો ન હતો. ધીરે ધીરે આખા શરીરે ફેલાઈ ચૂકેલા ગુમડાઓથી ઘેરાયેલું સુહાનીનું આખું શરીર અત્યંત વિકૃત લાગવા માંડ્યું. હવે તો આ ગુમડા દૂઝવા લાગ્યા. પસ, પરુથી સુહાનીના કપડા ખરડાઈ જતા. મોંમાં પણ ભયંકર ચાંદા પડેલા. ખોરાક લેવાનું તો સાવ જ ઘટી ગયેલું. સાવ જ નંખાઈ ગયેલી સુહાની આખો દિવસ પથારીમાં પડી રહેતી. આજુબાજુ બધે જ દુર્ગંધ ફેલાયેલી હોય એવા વાતાવરણમાં સુહાની જાણે કે એક જીવતી લાશ હોય એની જેમ પડી રહેતી.
આખરે સુહાનીને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો. જો કે,કોઈ પ્રાઈવેટ હોસ્પિટલવાળા આ કેસ લેવા તૈયાર ન હતા. ચેપ ફેલાવાની બીકથી. અંતે સિવિલ હોસ્પિટલમાં સુહાનીને દાખલ કરવામાં આવી. આખાયે શરીર પર હવે તલભાર પણ જગ્યા બચી ન હતી. સિવિલ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં રખાયેલી સુહાનીને આજુબાજુના દર્દીઓના સગાવહાલાઓની વાતચીતના અવાજો, મોબાઈલની ચિત્રવિચિત્ર રીંગટોનના અવાજો મગજ પર જાણે હથોડા ઝીંકાતા હોય એવી પીડા આપતા. ડ્રેસિંગ કરવા આવતી નર્સ પણ ચિતરી ચઢતી હોય એમ કંઈક અજબ ભાવ મોં પર લાવીને ડ્રેસિંગ કરતી. શરીર પર ખાલી મલમલનું કપડું ઢાંકીને સુહાનીની એક સમયની કંચનવરણી કાયા ઢાંકી રાખવામાં આવતી. એક પણ સીવેલું કપડું એના શરીર પર પહેરાવવું કે કાઢવું કેમ એ સવાલ થઈ પડતો. શરીર જોડે ચોટી જતા કપડાં, મોટેભાગે કાપીને કાઢવા.પડતા.
સુહાનીનો કેસ દિવસે દિવસે ‘કોમ્પ્લિકેટેડ’ બનતો જતો હતો. અંતે બાજુના મોટા શહેરમાં એક મોટી હોસ્પિટલમાં સુહાનીને દાખલ કરવામાં આવી. અહીં સુહાનીને આઈ. સી. યુ.માં રાખવામાં આવી. દિવસ અને રાત સુહાનીને માટે હવે સરખા જ હતા. ન તો એ ઊંઘી શકતી કે ન એને કશું યે ભાન રહ્યું હતું. ઘેનના ઈંજેક્શનની અસર તળે અમુક સમય એ નિશ્ચેત થઈને પડી રહેતી. પણ જ્યારે ભાન આવતું ત્યારે આખા શરીરે થતી અસહ્ય પીડાનો દર્દભર્યો અહેસાસ એના વિકૃત થઈ ગયેલા ચહેરા પર ભયાવહ રીતે પથરાઈ જતો.
ક્યારેક એ લવારે ચડી જતી. “મેં કોઈનું કશું બગાડ્યું ન હતું. ધર્મને અનુસરીને જીવન જીવી હતી. મારે હાથે કોઈ જીવની હિંસા ન થાય એનો હંમેશા ખ્યાલ રાખેલો. આટલી ઉંમરમાં થઈ એટલી તપશ્ચર્યા કરી. કંદમૂળ કદી ચાખ્યાં પણ નથી. ઠંડા પીણાં, બહારનો ખોરાક, હોટલનું ખાવાનું ક્યારેય શરીરમાં નાંખ્યુ નથી. અને મને જ આવી અસહ્ય પીડા? ક્યા ગુના માટે થઈ છે મને આવી ક્રૂર સજા? એવો ક્યો અપરાધ કર્યો છે મેં?”
બિચારા ભાનુબહેન... બંને આંખમાંથી વહેવા જઈ રહેલા  શ્રાવણ-ભાદરવાને મહા-પરાણે રોકી રાખીને દીકરીને સમજાવતા જાય.. “હશે મારી વહાલી દીકરી....આ જન્મના નહીં તો ગયા જન્મના પાપ હશે. તને તો ખબર નથી ને કે આ ક્યા પાપ તું ભોગવે છે? એમ મને પણ ખબર નથી કે મારા ક્યા જન્મના ક્યા પાપની સજા તરીકે હું તને આટલી અસહ્ય પીડા વેઠતી જોઉં છું. તે કરેલા સત્કર્મો છતાં તને મળેલી આવી પીડા માટે અફસોસ કરીને નવા પાપકર્મોનું ભાથું ન બાંધ. ફરી ક્યારે, ક્યાં, કઈ રીતે તારે આ સંચિત કર્મો ભોગવવા પડશે, શું ખબર...”
માના શબ્દોની જાદૂઈ અસર થઈ હોય એમ સુહાની શાંત થઈ જતી. પોતે પોતાના જ શરીરે હળવે હળવે હાથ પસવાર્યા કરતી અને મનમાં ને મનમાં શાંતિમંત્રનો જાપ જપ્યા કરતી. ભાનુબહેન પાસે એકની એક દીકરીની આ પીડા દિવસ-રાત જોયા વિના કોઈ ઈલાજ ન હતો. રૂંવે રૂંવે ફૂટી નીકળેલા વ્રણથી છવાયેલા શરીર પર એઓ હાથ પણ ન ફેરવી શકતા. અસીમ પીડા ભોગવતી સુહાનીને જ્યારે શરીરે ડ્રેસિંગ કરવામાં આવતું ત્યારે આઈ.સી.યુ. વોર્ડને ચીરીને બહાર આવતી એની કારમી ચીસોથી હોસ્પિટલની વિશાળ લોબીમાં ભયાનક ઓથાર છવાઈ જતો.
આ રીતે અઠવાડિયું વીતી ગયું. ડોકટરો તમામ પ્રકારના ઉપાય અજમાવી ચૂક્યા. અન્ય નિષ્ણાત ડોકટરને સ્પેશિયલ વિઝીટ પર બોલાવવામાં આવ્યા. સુહાનીને એક નવા જ શોધાયેલા ઈંજેક્શનનો કોર્સ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. ભારે મોંઘા એવા આ ઈંજેક્શન  બહારથી ખાસ મંગાવવા એવું નક્કી થઈ ગયું. પણ આંખના એક ખૂણે બાઝેલું આંસુનું ટીપું લૂછી નાખીને પથારીમાં લગભગ નિશ્ચેત પડેલી સુહાનીએ માનો હાથ પકડી લીધો.
“મમ્મી, ઈંજેક્શન માટે ના કહી દે. મારે હવે નથી લેવા કોઈ ઈંજેક્શન કે નથી ખાવી દવા. મને બસ તું હાથ ફેરવ મારા શરીરે...” કંઈક ડઘાયેલા ભાનુબહેન કંપતા હાથે સુહાનીનું લોહીઝાણ શરીર પસવારવા લાગ્યા. લેશમાત્ર ઊંહકારો કર્યા વિના સુહાની શાંતિથી પડી રહી. ધીરે ધીરે સ્નેહપૂર્વક ફરી રહેલા માતાના હાથની ઉષ્માથી જાણે કે સુહાનીના બળતા શરીર પર શીતળ ચંદનનો લેપ થઈ રહ્યો હોય એમ એના દિવસોથી ત્રસ્ત ચહેરા પર ગજબની રાહત છવાતી ગઈ. કોઈ અજબ પરિતોષથી સુહાનીએ આંખો મીંચી દીધી.
આમને આમ કલાક વિત્યો. એકીટશે સુહાનીને નિરખી રહેલા ભાનુબહેન સામે આંખો ઊઘાડીને સુહાનીએ મધમીઠું સ્મિત કર્યું... નાનપણમાં પારણામાં સૂતે સૂતે અચાનક જ જાગી ગયેલું કોઈ બાળક અનાયાસ જ હસી પડે એવું.

"આ નવા ડોકટર આવેલા એ નક્કી જાદૂગર લાગે છે હોં.. આજે મારી દીકરી વગર દવાએ શાંતિથી થોડીવાર ઊંઘી અને મને હાથ પણ ફેરવવા દીધો. હવે કાલથી નવા ઈંજેક્શન આપશે એટલે એકદમ સારું થઈ જશે... "
ગળામાં બાઝેલી ખરાશ શબ્દોમાં ન આવે એની લાખ કોશિષ કરવા છતાં, ગળગળા થઈ ગયેલા અવાજે, નાના બાળકને ફોસલાવતા હોય એમ ભાનુબહેન સુહાનીને કહેવા લાગ્યા...
"કાલથી તો નવા ઈંજેક્શન આપશે એટલે એકદમ સારું થઈ જશે. આ ડોકટરના હાથમાં જશરેખા હોવી જોઈએ. અહીંથી સીધા ઘરે જઈશું અને પછી તુ કહે ત્યાં આપણે બેઉ ફરવા જઈશું .."
દિવસોથી પોતાની આસપાસ ચૂપચાપ ઘુમરાયા કરતી માને કંઈ કેટલું ય બોલ્યા કરતી જોઈને આવી પરિસ્થિતિમાં પણ સુહાનીના હોઠ મલકી ગયા.
"એ મા! તું હવે બંધ થા." તદ્દન સ્પષ્ટ, સ્વસ્થ અવાજે સુહાની બોલી. "કંઈ ઈંજેક્શન મગાવવા નથી. કાલે તો હું જતી રહેવાની છું. પપ્પા પાસે. તું મારી ચિંતા ન કર હવે....” કંઈક અજબ સ્વસ્થતાપૂર્વક બોલી રહેલી સુહાનીના ચહેરા સામું જોવામાં એ શું બોલી રહી છે એ જાણે ન સમજતા હોય એમ ભાનુબહેન તલ્લીન થઈ ગયા. “મારાથી આ જન્મે જાણ્યે, અજાણ્યે કોઈ પણ પાપ થયું હોય તો હું મારા એ પાપકર્મની માફી માંગું છું. મારાથી કોઈપણ પ્રકારે કોઈપણ જીવની અશાતના થઈ હોય તો હું માફી માંગું છું. તારે પેટે જનમ લઈને તને પણ મેં કેટલાય દુખ આપ્યા હશે. હું એ બદલ તારી માફી માંગું છું મા...."
કેટલીય વાર સુધી બોલવાનો થાક લાગ્યો હોય એમ સહસા જ સુહાની એકદમ શાંત થઈ ગઈ. મુદુતાથી સુહાનીના શરીરે હાથ ફેરવી રહેલા ભાનુબહેન પણ દિવસોના દિવસો વિત્યા બાદ આજે ખુરશીમાં બેઠે બેઠે  ઝોકે ચડી ગયા. 

મળસ્કે અચાનક ભાનુબહેન સફાળા જાગી ગયા. પળવાર માટે જાગી હોય એમ સુહાનીએ આંખો ખોલીને જોયું. “મમ્મી, હું જાઉં છું. જય જિનેન્દ્ર!” જાણે હંમેશની માફક ઘરની બહાર નીકળતી વેળાએ બોલતી હોય એમ... ને એક મીઠું સ્મિત ચહેરા પર ઓઢી લઈ પરમ સંતોષથી સુહાનીએ આંખો મીંચી દીધી.... હંમેશને માટે...

8 ટિપ્પણીઓ:

  1. Saumyaji, ......I can feel that pain which suhani's mother is feeling as the father of two little daughters. May god never do such things with anyone.

    જવાબ આપોકાઢી નાખો
  2. As a Doctor-Surgeon I have experienced the pain of dying patients, due to bad accidents, terminal cancers and post burns cases! It is really appreciable that writer has empathized with patient & the mother to write such a story! Congratulations!

    જવાબ આપોકાઢી નાખો
  3. Adbhoot! Every word, every sentence, every paragraph and the whole story... I did not read, I experienced! Dikri ane Ma banne ne dhanya chhe! Thanks for sharing!

    જવાબ આપોકાઢી નાખો
  4. priy bahen saumyaa , agaau tamaaru naajuk namanu sundar git , ane have ek smvedanshil - vaignaanik dil halaavi naakhanaari vaartaa vaanchine mane tamaaraamaa bahumukhi pratibhaanaa darshan thaay chhe .hu vitela daayakaaono vaartaakaar - naatyakaar ashvin desai 87thi australia sthaayi thayo chhu , pan 94maa jivlen stroke maathi bachi gayaa pachhi ' lakawaagrast ' jivan vitaavu chhu . hamanaa maaraa guru madhu raay saahebe mane jamanaa saaraa haathe farithi vaartaa lakhato karyo , tethi 3 lakhi temaani kone khabar kem mamataa diwaali ank 1 maa pragat thai chhe .[ mamaacirculation@gmail.com ].tamaari saathe maare gujaraatimaa charchaa karavi chhe , te maate tamaaru email aaidi joie chhe , to satvare mane email kari shako ? dhanyawaad , tamaaro pan , ashvin desai australia . [ ashvindesai47@gmail.com]

    જવાબ આપોકાઢી નાખો
  5. સૌમ્યા !
    શબ્દો શાન્ત અને મન અશાન્ત બની ગયુ....ઈશ્વર પરથી શ્રદ્ધા ઉઠી જાય તેવી વાત ! આમા કોણ કોને આશ્વાસન દે દ્રેકે પોતનુ સ્વજન ખોયુ હોય એવુ લાગશે અને દરેકે જાતેજ આશ્વાસન લેવાનુ રહેશે

    જવાબ આપોકાઢી નાખો
  6. સૌમ્યા હ્ર્દયદ્રાવક વાર્તા..સ્પર્શી ગઈ મનને...

    જવાબ આપોકાઢી નાખો
  7. કેટકેટલી આશા અપેક્ષા સાથે તેનું નામ સુહાની રાખ્યું હશે !man propses and God.......

    જવાબ આપોકાઢી નાખો