ઑક્ટોબર 31, 2017

મેરે સાજન હૈ ઉસ પાર...


વીસમી સદીની શરૂઆતનો એ સમય. અખંડ ભારતના પૂર્વીય પ્રાંતના એક હરિયાળા પ્રદેશમાં રહેતા બાર-તેર વર્ષના કિશોરોની એક ટોળકી, ઘરે જાણ કર્યા વિના ટ્રેઈનમાં બેસીને બાજુના ગામે ભરાયેલા મેળામાં જવાને નીકળી પડી. સમી સાંજનું અંધારું છવાય તે પહેલા જ વળતી ટ્રેઈનમાં પાછા ફરી જવાનો મનસૂબો કરીને મેળામાં મહાલી રહેલા એ કિશોરોને પરત ફરતા ખાસ્સું મોડું થયું. સ્ટેશનમાં દાખલ થતાં જ જોયું કે ગામ તરફ જતી એકમાત્ર ટ્રેઈન તો ધીરે ધીરે પ્લેટફોર્મ છોડી રહી હતી! પળવારનોય વિચાર કર્યા વિના સૌકોઈ દોડીને ચાલતી ટ્રેઈનમાં ચડી બેઠા! ઘરેથી કોઈને કહ્યા વિના મેળામાં ફર્યાનો આનંદ અને ટ્રેઈનમાં વગર ટીકીટે ચડી બેસવાના સાહસની ઉત્તેજના શમે ન શમે ત્યાં ઘર આંગણના હરિયાળા ખેતરો અંને તરફની બારીએથી લહેરાતા દેખાવા લાગ્યા! પણ સ્ટેશન પર ઉતરતા જ આ ‘ખુદાબક્ષ’ મુસાફરો આબાદ ઝડપાઈ ગયા! ગિન્નાયેલા સ્ટેશન માસ્તરે સજા રૂપે બધાને ઝાલીને સ્ટેશન પર જ એક ઓરડામાં પૂરી દીધા! ઘડીવાર પહેલાની આનદ અને ઉત્તેજનાની લાગણીએ હવે ગંભીર ચિંતાનું સ્વરૂપ ધારણ કર્યું! સાંજનું આછું અજવાળું તો ક્યારનું અંધકારની પછેડી ઓઢીને લપાઈ ગયેલું.  છેલ્લી ટ્રેઈન પસાર થઇ ગયા પછી સૂમસામ સ્ટેશન પર છવાયેલા સન્નાટા વચ્ચે, ‘ઘરના લોકોની શું પરિસ્થિતિ હશે! ઘરે પહોંચ્યા પછી સૌના શું હાલ થશે....’ એ વિષે વિચાર કરી કરીને થાકેલા સૌ નિરાશ થઈને બેઠેલા ત્યારે એક કિશોરે સમય પસાર કરવાના હેતુથી કે કોઈ એ વેરાન સ્ટેશન પર આવીને એમને છોડાવી જાય એવા વિચારે બુલંદ અવાજે કોઈ ભજન લલકારવા માંડ્યું!

મુક્ત કાંઠે વિહરતો, રાતના સન્નાટાને ચીરતો એ અવાજ, નજીકમાં જ આવેલા સ્ટેશન માસ્તરના આવાસ સુધી પહોંચીને સ્ટેશન માસ્તરની જૈફ વયની માતાના કાને પડ્યો! ધાર્મિક વૃતિના માજીએ આ કોણ ગઈ રહ્યું છે એવી સાહજિક પૃચ્છા કરી. માસ્તરે ચીડભર્યા સ્વરે વગર ટીકીટે પકડાયેલા કિશોરોની વાત માજીને જણાવી. બીજી જ પળે ઉભા થઇ ગયેલા માજીએ સ્ટેશન તરફ ચાલતી પકડી! દીકરાએ પૂરી રાખેલા એ કિશોરોને મુક્ત કરીને માજીએ ત્યાંથી જવા દીધા. ત્યારે તેમને કદાચ સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે અવાજની જે મીઠાશ હવાની લહેરો પર સવાર થઈને એમના કાન સુધી પહોંચી હતી એ મીઠાશ, આગળ જતા દુનિયાભરના સંગીત ચાહકોને મંત્રમુગ્ધ કરી દેશે એટલું જ નહીં, સૂરોનો આ જાદૂગર સંગીતના એવા એવા સૂર રેલાવશે કે આખી યે દુનિયામાં એના નામનો ડંકો વાગશે! એના બનાવેલા ગીતો, એના ગાયેલાં ગીતો પેઢી દર પેઢી સુધી ગૂંજતા રહેશે!

અલબત્ત, રાજવી પરિવારના ફરજંદ તરીકે જન્મેલા એ કિશોર માટે રાજસત્તા તો હાથવગી જ હતી. પરંતુ નિયતીએ તેમના માટે, એક પ્રાંતની સત્તા સંભાળવાને બદલે સંગીતના બેતાજ બાદશાહ બનીને દેશવિદેશના કરોડો ચાહકોના હૃદય પર શાસન કરવાની અદભૂત વિરાસત લખી હતી! ૧ ઓક્ટોબર, ૧૯૦૬ના  રોજ ત્રિપુરાના રાજવી ઇશાનચંદ્ર દેવ બર્મનના બીજા પુત્રને ત્યાં જન્મેલા કુમાર સચિન એટલે કે આપણા મહાન સંગીતકાર અને અદભૂત ગાયક એવા સચિન દેવ બર્મન વિષે આજે વાત કરીએ. પિતા નબદીપચંદ્ર દેવ બર્મનના નવ સંતાનો પૈકીના પાંચ પુત્રોમાં સૌથી નાના એવા  સચિન દેવ બર્મનને સંગીતની પ્રારંભિક તાલીમ તો અચ્છા સિતારવાદક અને ધ્રુપદ ગાયકીના ઉસ્તાદ એવા પિતા પાસેથી જ મળી હતી. ત્યારબાદ ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય અને ઉસ્તાદ બાદલ સરકાર જેવા સંગીતના પ્રકાંડ પંડિતો પાસેથી તેમને શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી. પણ તેમનામાં જે સંગીત સહજ સ્ફૂર્યું તેનો સઘળો યશ તેઓ નાનપણમાં તેમણે આકંઠ સાંભળેલા ભટિયાલી લોકસંગીત અને બાઉલ ગીતોની અમીટ છાપ જે તેમના માનસપટ પર અંકિત થયેલી તેને જ આપે છે.

રાજવી પરિવારમાં જન્મ્યા હોવા છતાં તેમનો ઉછેર સામાન્ય રીતે જ થયો. કોમિલા કે જે હાલ બાંગ્લાદેશમાં સમાવિષ્ટ છે, ત્યાનાં હરિયાળા ખેતરો, ખળખળ વહેતી નદીઓ, ખેતમજૂરોના અને નાવિકોના કંઠે બુલંદ અવાજે ગવાતા લોકગીતો,  ફકીરો દ્વારા વિશિષ્ટ પ્રકારે ગવાતા બાઉલ ગીતો સાંભળીને મોટા થઇ રહેલા દાદાની ભીતરમાં વિકસી રહેલા સંગીત ઉપાસકને એક તરફ શાસ્ત્રીય સંગીતની તાલીમ મળી રહી હતી તો બીજી તરફ લોકસંગીતનો અણમોલ ખજાનો કે જે તેમને આવનારા વર્ષોમાં સંગીતના એક યુગ પ્રવર્તક તરીકે પ્રસ્થાપિત કરવામાં અપ્રતિમ ફાળો આપવાનો હતો તે તેમના અંતરતમમાં ખોબલે ખોબલે ઠલવાઈ રહ્યો હતો. એટલું જ નહીં, માધવ અને અનવર નામના મહેલના બે સેવકો દ્વારા કરાતા ધર્મગ્રંથોના સસ્વર પઠનના શ્રવણનો લાભ મળ્યો. રામચરિતમાનસની ચૂંટેલી ચોપાઈઓને હલક્ભેર ગઈ સંભળાવતા માધવ અને કુરાનની આયાતોનું પઠન કરતા અનવરે જાને અજાણે તેમનામાં ભક્તિસંગીત તેમજ સૂફી સંગીત પ્રત્યે અનુરાગ ઉત્પન્ન કર્યો.

જો કે, પિતા તેમજ પરિવારના અન્ય સભ્યોને દાદાનો સંગીત પ્રત્યેનો અનહદ લગાવ પસંદ ન હતો તેવું તો નહોતું પણ સંગીતને આજીવન સમર્પિત થઈને રહેવાની તેમની ઘેલછા જરાપણ પસંદ ન હતી. કોમિલામાં જ સ્નાતક થયા બાદ દાદાને  કલકત્તા મોકલવામાં આવ્યા.  રાજનીતિશાસ્ત્ર કે વકીલાતનું ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ રાજ્યના વહીવટી તંત્રમાં કોઈ મહત્વના હોદ્દા પર દીકરાને સ્થાન મળે તેવી તેમના પિતાની ખૂબ જ પ્રબળ ભાવના હતી. પણ તકદીરને કૈક બીજું જ મંજૂર હતું. ભણવા માટે કલકત્તા ગયેલા દાદાને કલકત્તાની ધરતી પર સંગીતની એક નવી જ દુનિયાનો પરિચય થયો. સુવિખ્યાત ગાયક કે. સી. ડે ની નિશ્રામાં તેમની સંગીત સાધના ચાલતી રહી. અભ્યાસથી દિનપ્રતિદિન વિમુખ બનતા જતા દાદા પર પિતાની સમજાવટભરી વિનવણીઓની કોઈ અસર ન થઇ. પણ ૧૯૩૧માં  પિતાના મૃત્યુ બાદ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયેલા દાદાને જ્યારે રાજ્ય પ્રશાસન તરફથી પિતાના સ્થાને વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દો સંભાળી લેવાની દરખાસ્ત કરાઈ ત્યારે પણ તેઓએ સફળતા અને સ્થિરતા ભરેલી ચીલાચાલુ જિંદગીને બદલે પળેપળ નવા રંગ બદલતી, અનિશ્ચિતતા ભરી સંગીતની કારકિર્દી પસંદ કરી.

શરૂઆતમાં કલકત્તા રેડીઓ પર બંગાળી લોકસંગીતના કાર્યક્રમ રજૂ કરતા દાદાએ પહેલા બંગાળી ફિલ્મોમાં અને ત્યારબાદ હિન્દી ફિલ્મોમાં સંગીત આપવાની શરૂઆત કરી. બહુ જલ્દીથી તેમને એ ખ્યાલ આવ્યો કે આસાનીથી લોકજીભે ચડી જાય એ જ સાચી ધૂન. ઓછામાં ઓછા વાદ્યોની સહાયથી અત્યંત સૂરીલું સંગીત નિપજાવવાની કલામાં દાદા માહેર હતા. પોતાના ગીતોને અત્યંત ચોકસાઈપૂર્વક પસંદ કરતા દાદાએ ફિલ્મ સંગીત ક્ષેત્રે એક નવો પ્રવાહ વહેતો કર્યો. એ સમયે ફિલ્મની વાર્તાને અનુરૂપ ગીતો પહેલા લખાતા, જ્યારે ગીતની ધૂન પાછળથી તૈયાર કરવામાં આવતી. દાદાએ પહેલા ધૂનો સર્જી અને એ ધૂનોને અનુરૂપ શબ્દો ગીતકાર પાસે લખાવ્યા. તેમના સંગીતમાં માનવીય સંવેદનોની ઇન્દ્ર્ધનુષી આભા જોવા મળે છે. ક્યાંક તદ્દન રમતિયાળ, અલ્લડ યુવાનીની મસ્તીભર્યા રોમાંટિક ગીત તો ક્યાંક ઘેરા અવસાદની લાગણીભર્યા કરુણ ગીત. ક્યાંક જીવનની સચ્ચાઈને સ્પર્શતા વાસ્તવિકતા ભર્યા અર્થપૂર્ણ ગીત તો ક્યાંક બધું જ ભૂલીને ‘સ્વ’ની શોધમાં નીકળેલા પ્રવાસીને માર્ગ ચીંધતા આધ્યાત્મિક ગીત. દરેક ગીતનો આગવો મિજાજ અને એમાંથી છલકાતો દાદાનો નિરાળો અંદાજ. આશરે ત્રણ દાયકાની ફિલ્મી કારકિર્દીમાં ચૂંટી ચૂંટીને પસંદ કરેલી નેવું જેટલી ફિલ્મોમાં સંગીત આપનારા દાદાની ધૂનોમાં એવો તે કેવો પ્રભાવ હશે કે દાયકાઓ વીતવા છતાં આ ગીતોનો જાદૂ બરકરાર છે!

દાદાના કંઠે ગવાયેલા કેટલાક ભાવપૂર્ણ હિન્દી ગીતોની મજા અહીં માણો.. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો