ઑક્ટોબર 11, 2017

સહચરી....




ડેલીની સાંકળ ખખડવાનો અવાજ આવતા જ ઓસરીના પગથીયે, થાંભલીને અઢેલીને બેઠેલી સરોજ સફાળી ઊભી થઈ ગઈ.

"આવી ગયા?" ડેલીથી ઓસરીના પગથિયાં સુધી ઊભા પટ્ટે પાથરેલા પથ્થરની પગથાર પર અર્ધે લગી આવી જઈને, માથા પર ઓઢેલો સાડીનો છેડો સરખો કરતા એણે પૂછયું. ડેલીએથી આવતા પગલાંનો અવાજ પારખીને, ફળિયાની એક કોરે ક્યારીઓ કરીને વાવેલી જામફળી ને લીંબુડીના છાંયે જમીન પર દોડાદોડી કરતી બે ખિસકોલીઓ દોડતી થડ પર ચડીને ડાળીએ ડાળીએ કૂદતી, વંડીની પાળી પર સરકતી પેલી તરફ અદ્રશ્ય થઈ ગઈ!

બે પગથિયાં ચડીને ઓસરીમાં આવતા ય હાંફ ચડયો હોય એમ ટોપી ઉતારીને ઓસરીના પગથિયે ધબ્બ દઈને બેસી પડતા અનુમાસ્તરે ટોપી પડખે મૂકીને હાથમાં પકડેલી લાકડી પર બંને હાથ મૂકીને માથું ટેકવી દીધું.

"બહુ થાકી ગયા આજે? આજકાલના છોકરાઓ ય ભારે  ખેપાની થઈ ગયા છે. કોઈ કહેતા કોઈને ગાંઠે એવા નથી. મગજ ફેરવી નાખે ઘડીકમાં શોરબકોર કરી મૂકીને.... બળી આ નોકરી.... મૂકો ને  આવી નોકરીને. જિંદગી આખી આમાં ને આમાં ગઈ. હવે ઘરડે ઘડપણ તો શાંતિ લ્યો..." સરોજની વાક્ ધારા હંમેશની માફક  અવિરત વહેતી રહી.

 માસ્તરે ઓસરીની કોરે ભીંતમાં જડેલા  પાણીયારે જઈને પિત્તળનો કળશો ઉપાડીને માટલામાં નાખ્યો. મોઢે ઠંડા પાણીની છાલક મારીને બે ચાર કોગળા કરીને વધેલું પાણી બંને પગ પર વારાફરતી ઢોળી દઈને ફરી લોટો ભર્યો. અધૂકડા અટકાવેલા રસોડાના બારણાને હળવેકથી ધક્કો મારીને રસોડામાં દાખલ થતા એમની નજર રસોડાના એક ખૂણે બાઝેલા કરોળિયાના જાળાં તરફ ગઈ. "આ કુશલી હમણા ઝટ ઝટ જેમતેમ બધું સાફ કરીને ભાગે છે. મારું તો સાંભળતી નથી. તમે બે'ક શબ્દ કહેતા હો તો! પગાર તો પૂરો લે છે ને રજા તો પાર વગરની પાડે છે! તો ય તમને એનું જ કામ ગમે છે! ગામમાં બીજી કોઈ કામવાળી જ નથી મળતી કે શું?..." સરોજે ઉકળાટ ઠલવી નાખ્યો.

રસોડામાં એક ખૂણે ઢાળેલા પાટલા પર ઢાંકેલી થાળી સામે ગોઠવાયેલા માસ્તરના હાથ પળ બે પળ માટે જોડાઈ ગયા. પડખે આવીને ચૂપચાપ બેસી ગયેલી સરોજ, બંધ આંખે મૂક પ્રાર્થના કરી રહેલા પતિને નીરખી રહી.

થાળીમાંથી ચૂરમાના બે લાડુ કાઢીને પાટલા પર મૂકી દઈને માસ્તરે જમવા માંડ્યુ. "અર્ધોક લાડવો તો લ્યો! તમને ક્યાં ડાયાબિટીશ છે? ને રોજેરોજ ક્યાં મિઠાઈ ખાવાનો વારો આવે છે? આ તો બાજુવાળાની દીકરીને મહેમાન જોવા આવેલા તે સગપણ નક્કી થઈ ગયું એટલે વેવાઈના ઘરનાને જમાડીને જ મોકલ્યા. એનું પીરસણું આવ્યું છે. છોકરો ભારે દેખાવડો છે હો! હસે તો ગાલમાં ખંજન પડે! ને પાછો એન્જિનિયર થયેલો છે. શહેરમાં મોટા પગારની નોકરી કરે છે. પણ અભિમાન જરાય નહીં હો. મોઢા ઉપરથી જ ખબર પડી જાય કે કેટલો સંસ્કારી છોકરો છે......"

સરોજની અવિરત વહેતી વાક્ધારા સાથે અનુમાસ્તરનું જમવાનું ચાલતું રહ્યું.  ભોજન પૂરું કરીને હાથ ધોઈને થાળી બહાર ચોકડીમાં મૂકી અનુમાસ્તરે ફરી રસોડામાં જઈને લાડવા ખાલી ડબ્બામાં મૂકીને ઓસરીમાં આવીને એક કોરે ઢાળેલી પાટ પર લંબાવ્યું. "અંદરના ઓરડે પંખો ચાલુ કરીને આરામથી સૂતા હો તો... અહીં ઓસરીમાં ગરમીમાં પડ્યા રહો છો એના કરતા.... પણ તમે ક્યાં કોઈ દિવસ મારી વાત સાંભળો છો? મને ય રહેવાતું નથી તમારી જોડે વાત કર્યા વિના...." માસ્તરના પગ પાસે બેઠેલી સરોજ, રિસાઈ હોય એમ મોં ફેરવી ગઈ.

બરાબર એ જ સમયે, દીવાલ પર લટકતા, સુખડનો હાર ચડાવેલા ફોટામાં હસતો સરોજનો ચહેરો જોઈને માસ્તરની આંખના છેડેથી આંસુનું એક ટીપું ચૂપચાપ સરકી ગયું!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો