ઑક્ટોબર 10, 2017

बिछड़े सभी बारी बारी...


इक हाथ से देती हैं दुनियाँ... सौ हाथों से ले लेती हैं...
ये खेल है कब से जारी... बिछड़े सभी बारी बारी...

વાત છે 1954-55 આસપાસની. મહેબૂબ સ્ટુડીઓમાં લગાડેલા એક સેટ પર પહેલી સીનેમાસ્કોપ હિન્દી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.  ફિલ્મના એક દૃશ્ય  માટે કેટલાક 'એક્સ્ટ્રા' તરીકે કામ કરે તેવા માણસોની જરૂરિયાત હતી. ફિલ્મના યુવાન દિગ્દર્શક સામે ઉભેલા ગુમનામ ચહેરાઓને ઝીણવટભરી નજરે  નીરખીને પોતાની ફિલ્મના પાત્રને અનુરૂપ વરણી કરતા હતા એ દરમિયાન,  આધેડ ઉંમરનો એક ચહેરો નજરો નીચી ઢાળીને કંઇક ક્ષોભપૂર્વક પોતાને કમ સે કમ એક દિવસની રોજીરોટી મળી જાય એ આશાએ ઉભો હતો. દિગ્દર્શક જ્યારે એ ચહેરાની સામે આવીને ઊભા ત્યારે શરમ અને સંકોચથી સાવ ઓઝપાઈ ગયેલા એ કરચલીયાળા ચહેરાની ઊંડી ઉતરી ગયેલી નિસ્તેજ આંખોમાંથી ટપકી રહેલી વેદનાની પેલે પારથી ડોકાઈ રહેલી એ માણસની ઓળખની સાવ ધૂંધળી છબી ક્ષણવારમાં જ એ દિગ્દર્શકના માનસપટ પર સ્પષ્ટપણે ઉભરી ગઈ! સેટ પર, તમામ લોકોની હાજરીમાં જ એ આધેડ વ્યક્તિના ચરણ સ્પર્શ કરી લઈને એ દિગ્દર્શકે અત્યંત માનપૂર્વક એ ગુમનામ વ્યક્તિને પોતાની એટલે કે દિગ્દર્શકની ખુરશી પર બેસાડ્યા.

આવું સન્માન મેળવીને ઓર છોભાઈ ગયેલા એ કલાકારને જ્યારે એ દિગ્દર્શકે કહ્યું કે તેણે હવેથી રોજ આ ફિલ્મના સેટ પર આવીને આમ જ આ ખુરશી પર બેસવાનું છે, ત્યારે લાગણીથી ગળગળા થઈ ગયેલા એ કલાકાર ના દિલોદિમાગ પર, 'પછી શું?' એવો ભારેભરખમ પ્રશ્ન તોળાઈ રહ્યો. પળવારમાં જ એના આ માનોભાવોને પામી જઈને દિગ્દર્શકે ચોખવટ કરતા કહ્યું કે 'આપે રોજ આ સેટ પર આવવાનું છે ને આ ખુરશી પર બેસવાનું છે. આ જ આપનું કામ છે અને આ કામ માટે જ આપને વેતન પણ ચૂકવવામાં આવશે!

ગુરુ દત્ત જેવી મહાન હસ્તીએ જેને આવું બહુમાન આપ્યું એ વ્યક્તિ એટલે હિન્દી ફિલ્મ જગતના સૌપ્રથમ 'સુપરસ્ટાર' જેને કહી શકાય એવા માસ્ટર નિસાર! ભલા કોણ માનશે કે એક સમયે અસ્ખલિત ઉર્દૂ જબાન અને હલકદાર સૂરીલો કંઠ ધરાવતા, બેહદ સોહામણા એવા માસ્ટર નિસાર, બોલતી ફિલ્મોના એક યુગપ્રવર્તક કલાકાર હતા! એ સમયે એમની લોકપ્રિયતાનો જુવાળ એટલો પ્રબળ હતો કે સ્ટુડીઓની બહાર એમની એક ઝલક જોવા લોકોના ટોળેટોળાં ઊમટતા! પૃથ્વીરાજ કપૂર, ઇ. બીલીમોરિયા, પ્રેમ નઝીર જેવા એ સમયના ખ્યાતનામ કલાકારો સાથે માસ્ટર નિસારનું નામ પણ અદબપૂર્વક લેવાતું. પણ કહેવાય છે ને કે સફળતાની ટોચે પહોંચ્યા પછી નીચે તો ઉતરવું જ પડે છે. પ્રારંભિક અસફળતા બાદ ધોધમાર સફળતાને પોતાની પાછળ પાછળ ખેંચી લાવેલું કુન્દનલાલ સાયગલ નામનું વિરાટ મોજું આવ્યું અને સફળતાની ટોચે બેઠેલા માસ્ટર નિસારને ગુમનામી અને પાયમલીના અંધકારમાં ગરક કરી ગયું. છૂટી છવાયી બે ચાર ફિલ્મોમાં એક્સ્ટ્રા કલાકાર તરીકે કામ મળ્યું પણ એ ય કેવું! પડદા પર ચહેરો દેખાય, ઓળખાય એ પહેલાં જ કેમેરો ફરી ગયો હોય! ભીંડીબજારની કોઈ ગુમનામ ખોલીમાં રહીને, હાજી અલી પર ભીખ માંગીને ગુજરાન ચલાવતા માસ્ટર નસીરે અત્યંત દયનિય હાલતમાં જીવનયાત્રા સમાપ્ત કરીને એક દિવસ ચૂપચાપ આ ફાની દુનિયા છોડી દીધી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો