જૂન 09, 2014

મૈને તેરે લિયે હી....





'મૈંને તેરે લિયે હી સાત રંગ કે...'

કેવું અજબનું ગીત છે! હું મારાથી બનતી સઘળી કોશિશ કરું તો યે આ ગીતના વિવરણને ન્યાય ન આપી શકું.
૧૯૭૧માં રજુ થયેલી હ્રીશીકેશ મુખરજી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'આનંદ'માં રાજેશ ખન્નાએ કેન્સર પીડિત દર્દીનું કિરદાર અદા કર્યું હતું. 'પીડિત' શબ્દ આ પાત્ર માટે બિલકુલ અયોગ્ય કહેવાય કારણકે પોતાને થયેલા રોગ અને બાકી રહેલી ફક્ત થોડા મહિનાની જીન્દગી વિષે સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં એ નક્કી કરે છે બાકી રહેલા અલ્પ દિવસો એણે વસવસો કરીને ગુજારવા નથી અને ખરા અર્થમાં 'જીવી' લેવા છે. જેમણે 'આનંદ' જોઈ છે એ સર્વેને આજે પણ ફિલ્મના સંવાદો બરાબર યાદ હોય જ એટલે અહી પુનરાવર્તન ની કોઈ જરૂર નથી.  (અને કહેવા બેસીએ તો એક થી તો અટકાય જ નહી!!)


સર્વ ફિલ્મ રસિયાઓની જેમ મેં પણ આ ફિલ્મ વારંવાર જોઈ છે, 'મૈંને તેરે લિયે હી...' ગીત પણ વારંવાર જોયું અને સાંભળ્યું છે છતાં ઉપર લખેલા ગીતનો સંદર્ભ હજુ બરાબર સમજી શકી નથી. રાજેશ ખન્નાનું પાત્ર કોને ઉદ્દેશીને આ ગીત ગાય છે એ પણ સ્પષ્ટ થતું નથી. શું એ પોતાના મિત્ર દંપતી માટે આ ગીત ગાય છે કે કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે પોતાને ગમતી સ્ત્રીને પ્રણયનો ઇજહાર ન કરી શકતા ડોક્ટર મિત્ર માટે? પોતાની કરુણ પરિસ્થિતિથી અલિપ્ત રાખવા દુર મૂકી આવેલ ખુદ પોતાની પ્રેયસીને યાદ કરી ને આ ગીત ગાય છે કે પોતાના ઉપર ખુબ જ મોટો અન્યાય કરનાર ભગવાનને સંબોધી ને?

પરંતુ આટલી હકીકત દીવા જેવી ચોખ્ખી દેખાય છે. કવિ યોગેશે લખેલ ગીતના શબ્દો બિલકુલ સાદા હોવા છતાં અત્યંત અસરકારક છે તેમજ ગીતની પૃષ્ઠભૂમિને સંપૂર્ણ ન્યાય આપે છે. 'તેરે બીના ભી, તેરે લિયે હી, દિયે જલાયે રાતોં મેં' બહુ ઓછા શબ્દોમાં ઘણું જ વર્ણવી જાય છે. ગીતનું સંગીત ઓછા વાદ્યોના સહારે કર્ણપ્રિય રચના બનાવે છે અને એમાં મુકેશજીનો દર્દીલો સ્વર તો સોનામાં સુગંધ! ફિલ્મમાં આંખોથી અદાકારી કરવા માટે જાણીતા રાજેશ ખન્નાની અદાકારી લાજવાબ છે. કરુણ સ્મિતની વ્યાખ્યા કોઈ એ કરવી હોય તો આ ગીતનું ફિલ્માંકન જોવું ફરજીયાત થઇ પડે!


હિન્દી ફિલ્મ જગતમાં આવી બેનમુન ફિલ્મો, ગીત-સંગીત-વાર્તા-સંવાદો અને અદાકારી પ્રેક્ષકોનો ઉત્સાહ જીવંત રાખે છે. એવા કલાકારોને દિલથી સલામ!!

http://www.youtube.com/watch?v=SC8DuvNCjbY

1 ટિપ્પણી:

  1. I think, Rajesh Khanna addresses his unseen lover in this poetry. In one of the scenes, old flower's remains are shown. Whether, she left him, or there was any break up etc are unanswered in, "ANAND". And that is the beauty.
    I never ask personal questions to most intimate friends, unless they come to confide.
    Acting wise, Rajesh Khanna, Amitabh,Ramesh & Seema Devs, & lastly Johny Walker are superb. And Direction of Hrishikesh Mukherjee is just divine, out of this world. Hrishi da actually wanted to make this film earlier with having Rak Kapur as ANAND. If RK had acted, whether, he would have surpassed Kaka, is quite speculative

    જવાબ આપોકાઢી નાખો