જૂન 30, 2014

હમેં તુમ સે પ્યાર કિતના...... પરવીન સુલતાના



"હમેં તુમ સે પ્યાર કિતના..યે હમ નહીં જાનતે.. મગર જી નહીં સકતે.. તુમ્હારે બીના.."

ફિલ્મ ‘કુદરત’નું આ બેહદ ખૂબસૂરત ગીત ગાનારી ગાયિકા પરવીન સુલતાના એટલે અત્યંત વિલક્ષણ પ્રતિભાશાળી શાસ્ત્રીય ગાયિકા, જેમને ૧૯૭૬માં માત્ર ૨૫ વર્ષની ઉમરે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવેલો જે એક કીર્તિમાન છે. ઉપરાંત, તેમને ૧૯૭૨માં ‘ક્લીયોપેટ્રા ઓફ મ્યુઝિક’, ૧૯૮૦માં ‘ગૌરવ કલાનિધિ’, ૧૯૮૬માં ‘મિયાં તાનસેન’ તથા ૧૯૯૯માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર ઉપરાંત નાનામોટા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં જ એટલે કે ૨૦૧૪માં પદ્મભૂષણ સન્માનથી તેમને નવાજવામાં આવ્યા છે.


જેની માતૃભૂમિ આસામ અને કર્મભૂમિ મુંબઈ છે એવી પરવીન સુલતાનાજીના પરિવારમાં વર્ષોથી સંગીતની પરંપરા રહી છે. માત્ર પાંચ વર્ષની ઉમરે ગાયકીની શરૂઆત કરનાર પરવીનજીએ ફિલ્મ ‘પાકીઝા’થી હિન્દી ફિલ્મોમાં ગાવાની શરૂઆત કરી. સોળ વર્ષની ઉમરે મુંબઈમાં કોઈ કાર્યક્રમમાં ભાગ લઇ રહેલા પરવીન સુલતાનાને નૌશાદજીએ ગાતા સાંભળ્યા અને તેમની ગાયકીથી પ્રભાવિત થઈને ફિલ્મ ‘પાકીઝા’નું એક ગીત ‘કૌન ગલી ગયો શ્યામ’ ગાવાનો મોકો આપ્યો. ‘પાકીઝા’નું સંગીત ખૂબ જ સફળ રહ્યું. ત્યારબાદ મદનમોહનજીએ ફિલ્મ ‘પરવાના’ માટે એક ગીત ગાવાનો તેમણે મોકો આપ્યો. પરવીનજીએ નૌશાદ, મદનમોહન ઉપરાંત લક્ષ્મીકાંત-પ્યારેલાલ, શંકર-જયકિશન તેમજ આર. ડી. બર્મન માટે પણ ગીતો ગાયા. પંચમદાનાં સંગીતમાં ફિલ્મ ‘કુદરત’નાં ઉપરોક્ત ગીત માટે તેમને ૧૯૮૧નો સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો. સંગીત રસિક મિત્રોને ફિલ્મ ‘ગદર’ માટે પરવીનજી અને અજય ચક્રવર્તીએ ગયેલી વિખ્યાત ઠુમરી ‘આન મિલો સજના...’ કેવી રીતે ભૂલાય?

ગણતરીની ફિલ્મોમાં જ પાર્શ્વગાયન કરનાર પરવીનજી એ ક્યારેય પોતાની ગાયકી સાથે કોઈ જાતનું સમાધાન નથી કર્યું. એમણે હંમેશા એવા જ ગીતો ગાયા કે જેમાં સૂરની સાથે શબ્દોનો અદભૂત સંયોગ હોય.

https://www.youtube.com/watch?v=DZ1X4MA8Hi0 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો