જૂન 15, 2014

અલ્લાહ મેઘ દે....


એકાદ ચોમાસે વરસાદ હાથતાળી દઈ ગયો હોય ને જેમ તેમ કરીને વરસ વીત્યું હોય ને કાળઝાળ ગરમીમાં ચૈત્ર વૈશાખ મહિના પસાર થાય ને જેઠ-અષાઢના દિવસો પણ વગર વરસાદે વિતવા લાગે ને ત્યારે  ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા માણસો જ નહીં, અબોલ પશુઓના મૂક હૈયાં પણ પોકારી ઊઠે....

'અલ્લાહ મેઘ દે!'

ફિલ્મ 'ગાઈડ'માં સચિનદેવ બર્મને ગાયેલા પ્રસિદ્ધ ગીતના આ શબ્દો તો આપણા સૌની જીભે હોય જ, પણ એના મૂળ તો બહુ દૂર સુધી જાય છે. બહુ વર્ષો પહેલા '40ના દાયકામાં બંગાળના  સુપ્રસિદ્ધ લોકગાયક અબ્બાસઉદ્દીને અત્યંત મધુરતાથી આ ગીત ગાયેલું અને પ્રખ્યાત રેકર્ડ કંપની એચએમવી એ તેની ૭૮ આરપીએમની ડિસ્ક પણ તૈયાર કરેલી. જેની બંને તરફ આ ગીતના બે ભાગ રેકર્ડ કરવામાં આવેલા.


કેવો સરસ સંયોગ! સચિન દા અને અબ્બાસઉદ્દીન બને લગભગ એક જ પ્રદેશના અને બંને એ પોતપોતાની રીતે બંગાળના લોકસંગીતને ધબકતું રાખ્યું....


અબ્બાસઉદ્દીને પોતે ગાયેલા બંગાળી લોકગાયનની વિવિધ શૈલીઓના ગીતો વડે અને સચિન દાએ પોતે કમ્પોઝ કરેલા કંઈ કેટલાય ગીતોમાં આ પ્રચલિત લોકગીતોની ધૂનોનો સુપેરે ઉપયોગ કરીને..... 


દેવદાસ(૧૯૫૫)નું ગીત 'આન મિલો, આન મિલો, આન મિલો શ્યામ સાંવરે' હોય કે પછી ગાઈડ(૧૯૬૫) નું ગીત 'અલ્લાહ મેઘ દે...' હોય. બંગાળી જ નહીં, પણ ભારતીય લોકસંગીતની મીઠાશ આવા ગીતોને દાયકાઓ વિતવા છતાં લોકજીભે રમતા રાખે છે.

'અલ્લાહ મેઘ દે...' આ ગીતનું એક સુંદર રૂપ જોઈએ તો ફિલ્મ 'પલકોં કી છાંવ મેં'(૧૯૭૭)નું આ ગીત કે જેમાં વરસાદની રાહ જોવા માટે ખૂબ જ સુંદર શબ્દો ગુલઝાર સાહેબે પ્રયોજ્યા છે.



થોડા વર્ષો પહેલા આવેલી એક ચર્ચાસ્પદ ફિલ્મ 'રામચંદ્ર પાકિસ્તાની'(૨૦૦૮)માં પણ આ ગીત શફાકત  અમાનત અલી અને શુભા મુદ્દ્ગલના અવાજમાં સાંભળવા મળે છે. અનવર મસૂદે લખેલું આ એક સુંદર ગીત છે.


વરસાદની પ્રતિક્ષા કરતાં જીવોની લાગણીને શબ્દોમાં  રજૂ કરતા આ અને આવા કંઈ કેટલાય ગીતો આપણા લોકસંગીતમાંથી તેમજ ફિલ્મસંગીતમાંથી મળી આવે. તો ગુલઝાર સહિત કેટલાયે ગીતકારોએ વરસાદ અને વાદળ પર આધારિત એક એકથી ચડિયાતાં મધુર ગીતો પણ આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપ્યા છે. આ વરસાદી ગીતોની વાત ફરી ક્યારેક......

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો