જૂન 29, 2014

હૂંફાળો માળો.... તુષાર શુક્લ




શ્રી તુષાર શુક્લ એક સિદ્ધહસ્ત કવિ અને લેખક હોવા સાથે કુશળ વક્તા અને કાર્યક્રમોના સંચાલક પણ છે. એમના સંચાલન હેઠળના કવિ સંમેલન અને બીજા સાહિત્ય વિષયક કાર્યક્રમો નીખરી ઉઠે છે. એમને સાંભળવા એ લ્હાવો છે.


એમના કાવ્યસંગ્રહો 'તારી હથેળીને', 'મારો વરસાદ', 'પૂછીને થાય નહીં પ્રેમ', 'આશકા' અને 'આ ઉદાસી સાંજની' વાચકો સાહિત્યપ્રેમીઓ અને વિવેચકોએ એકી અવાજે વખાણ્યા છે (વિવેચકો સાહિત્યપ્રેમી નથી હોતા એવો કહેવાનો મારો બિલકુલ આશય નથી!!) તો એમનો ગરબાનો સંગ્રહ 'અક્ષ' ગુજરાતી સાહિત્યમાં અજોડ છે.

એમનું ગીત 'હુંફાળો માળો' વાંચતા જ પ્રેમભરી હૂંફની લાગણીઓ ચારેકોર પ્રસરી ગઈ હોવાની અનુભૂતિ થયા વગર ન જ રહે.

હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો!

એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો!

મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો!

મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામા હોયે આપણો ફાળો
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો!

http://www.youtube.com/watch?v=7k2J9zNVe8k

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો