જૂન 16, 2014

તારી આંખનો અફીણી.... વેણીભાઈ પુરોહિત



આજથી આશરે ૬૩ વર્ષ પહેલાં એક ગુજરાતી ગીતે ધૂમ મચાવી દીધી હતી. આ ગીત આજે પણ એટલું જ તાજું અને પ્રસ્તુત લાગે છે. ગુજરાતી ચલચિત્ર 'દીવાદાંડી' ના 'તારી આંખનો અફીણી...' ગીતના ગાયક હતા દિલીપ ધોળકિયા, ગીતકાર વેણીભાઈ પુરોહિત અને સંગીતકાર અજીત મરચન્ટ.
વકીલ પિતાના સંગીતના શોખને કારણે અજીતભાઈને સંગીતનું જ્ઞાન આપોઆપ મળતું રહ્યું. પરંતુ અજીતભાઈ મૂળ નાટકના જીવ અને કારકીર્દીની શરૂઆત અભિનેતા તરીકે જ કરી. પાછળથી રેડિયો ઉપર સંગીતકાર તરીકે જોડાયા. ૧૯૪૫માં એમણે 'દીવાદાંડી' નામના ગુજરાતી ચલચિત્રનું નિર્માણ કર્યું અને તે સાથે શરુ થઇ એક સફળ સંગીતકાર તરીકેની સફર. ગુજરાતી - હિન્દી ચલચિત્રો સાથે એમણે આશરે ૨૫૦ જેટલા ગુજરાતી, હિન્દી અને મરાઠી નાટકોમાં પણ સંગીત આપ્યું છે. 'ચંડી પૂજા' (૧૯૫૭) માં કવિ પ્રદીપે લખેલું અને ગાયેલું 'કોઈ લાખ કરે ચતુરાઈ...' અત્યંત લોકપ્રિય થયું. અજીતભાઈએ ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે પણ ખાસું પ્રદાન કર્યું છે અને એમની ઘણી રચનાઓ આજે પણ સંગીત કાર્યક્રમોમાં અચૂક સાંભળવા મળે જ.

૧૯૬૯માં ગુજરાતી ચલચિત્ર 'બહુરૂપી'ના એક ભજન માટે અજીતભાઈએ જગજીત સિંઘને ગાયક તરીકેનો પહેલો મોકો આપ્યો હતો. જગજીત સિંઘે મુંબઈમાં એક મોટા કાર્યક્રમ દરમ્યાન આ હકીકતનો ઉલ્લેખ કરી અજીતભાઈને સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું હતું. અજીતભાઈની સંગીતરચના 'રાત ખામોશ હૈ....'નો જગજીત સિંઘે ૨૦૦૪ના એમના આલ્બમ 'મુન્તઝીર'માં સમાવેશ કર્યો હતો. કહેવાય છે કે રાજ કપૂર પણ અજીતભાઈના સંગીતથી પ્રભાવિત હતા. એમણે 'શ્રી ૪૨૦'નું 'મેરા જૂતા હૈ જાપાની...' 'તારી આંખનો અફીણી...' ઉપરથી પ્રેરિત થઈને બનાવડાવ્યું હોવાનું મનાય છે.

ઉર્વીશ કોઠારીએ એમના લીધેલા વિડીયો ઇન્ટરવ્યુ જોઈએ તો એમની સરળતા અને સાદગીનો અહેસાસ થયા વગર ન રહે. આવા મોટા ગજાના કલાકાર અને માનવને એમની પુણ્યતિથીએ સ્મરણાંજલિ!

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પૂરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.

પાંખોની પરબે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરાવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો.

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો.

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી કૃષ્ણકળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો.

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો.

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો.

મિત્રો, બે વાતો કહેવાની રહી ગઈ હતી. બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રમાં હાર્મોનિયમ વગાડતા અજીતભાઈ છે અને સાથે જે બેઠા છે એ કવિ પ્રદીપજી છે. બીજું કે ફિલ્મ 'દીવાદાંડી' ની વાર્તા ચં. ચી. મહેતાએ અને પટકથા બરકત વિરાણી 'બેફામ' એ લખી હતી.

આ ગીતનો વિડીઓ અહી જુઓ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો