ડિસેમ્બર 22, 2014

વક્ત રુકતા નહિ કિસીકે લિયે....


મોટેભાગે એવું જ બનતું હોય છે કે કેટલીયે એવી અમર રચનાઓ કે જે આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ, ગણગણતા પણ હોઈએ છીએ, એના રચયિતા વિષે આપણને કશી પણ જાણકારી હોતી નથી. અરે એમનું નામ સુદ્ધાં જાણવાની તસ્દી આપણે ક્યારેય લેતા નથી. આપણે બસ, એ કવિતા, ગીત, ગઝલ સાંભળીએ છીએ ને મહદઅંશે તો ગાયકનાં નામથી જ એને યાદ રાખીએ છીએ.

“વો કાગઝ કી કશ્તી... વો બારીશ કા પાની...” જગજીત સિંહે ગાયેલ આ મશહૂર ગીતથી કોણ વાકેફ નહિ હોય? ઓહ... હું પણ આ ગઝલને જગજીત સિંહ સાહેબના નામથી જ યાદ કરી રહી છું ને! એમ તો, “આદમી, આદમી કો ક્યા દેગા...”, “ઝીંદગી તુઝ કો જીયા હૈ, કોઈ અફસોસ નહીં....”, “ચરાગ-ઓ-આફતાબ ગુમ, બડી હસીન રાત થી.. “મેરે દુખ કી કોઈ દવા ન કરો....”, “અગર હમ કહેં ઔર વો મુસ્કુરા દે.....” “ઇશ્ક મેં ગૈરતે જઝબાત ને રોને ના દિયા....”, “શાયદ મેં ઝીંદગી કી સહર લે કે આ ગયા.....” - આ બધી જ ગઝલો જગજીત-ચિત્રા સિંહના કંઠે ગવાઇને અમર થઇ ગઈ છે. જિંદગીના કડવા મીઠા અનુભવોને સરળ સહજ શબ્દોમાં પરોવીને જનસામાન્યનાં હૃદયમા ઊંડે ઉતરી જાય એવી એક એકથી ચડિયાતી રચનાઓ આપનારા આ બિનમુસ્લિમ ઉર્દૂ શાયર એટલે સુદર્શન ‘ફાકિર’ (‘ફાકિર’ ઉપનામનો ફારસીમાં અર્થ થાય છે ‘ચિંતક’.)


૧૯૩૪માં પંજાબમાં ફિરોઝપુર નજીક ગુરુહરસહાય પંથકમાં આવેલા ગામ રત્તાખેડામાં ડોક્ટર બિહારીલાલ કામરાને ત્યાં જન્મેલા આ શાયર, કોલેજના દિવસોથી જ શાયરી અને રંગમંચ સાથે જોડાયેલા હતા. જલંધરની જ કોલેજમાં ૧૯૬૫માં અંગ્રેજી અને રાજનીતિશાસ્ત્ર સાથે એમ. એ. કર્યા બાદ તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો જલંધરમાં સ્ટાફ આર્ટીસ્ટ તરીકે જોડાયા અને અઢળક કાર્યક્રમો તેમણે તૈયાર કર્યા. “ગીતો ભરી કહાની”નો કન્સેપ્ટ પણ તેમણે જ આપ્યો. પણ ગમે તેમ, રેડિયોની નોકરીમાં તેમનું મન ન લાગ્યું અને ૧૯૭૦મા તેઓ મુંબઈ આવ્યા. અહીં ઓલ ઇન્ડીયા રેડીયોના એક ઉચ્ચાધિકારીએ તેમની મુલાકાત બેગમ અખ્તર સાથે કરાવી. બેગમ માટે તેમણે પહેલી ગઝલ લખી... “કુછ તો દુનિયા કી ઇનાયતને દિલ તોડ દિયા.. ઔર કુછ તલખિએ હાલાતને દિલ તોડ દિયા...” આ જ ગઝલનો એક પ્રખ્યાત શેર.. “હમ તો સમજે થે કિ બરસાત મેં બરસેગી શરાબ... આયી બરસાત તો બરસાતને દિલ તોડ દિયા...” આ વાત એટલા માટે પ્રસ્તુત છે કે એ દિવસોમાં બેગમ ફક્ત પાકિસ્તાની શાયરોની લખેલી ગઝલ જ ગાતા હતા. ફાકિર સાહેબ પહેલા એવા ભારતીય શાયર હતા કે જેમની લખેલી છ ગઝલ બેગમે ગાઈ. ત્યારબાદ સંગીતકાર જયદેવે તેમને ફિલ્મ ‘દૂરિયાં’ માટે ગીત લખવા આમંત્ર્યા. આ ગીત ‘ઝીંદગી મેરે ઘર આના....’ને સ્વર આપ્યો હતો ભૂપિન્દરે. પોતાના આ પહેલવહેલા ફિલ્મગીત માટે સુદર્શનજીને ફિલ્મફેર અવોર્ડ એનાયત થયો હતો. ત્યારબાદ અન્ય કેટલીક ફિલ્મો માટે તેમણે ગીતો પણ લખ્યા અને સંવાદ પણ. જો કે, સુદર્શન ફાકિરને ખરી ઓળખ મળી, એંસીના દશકમાં જગજીત સિંહ અને ચિત્રા સિંહ દ્વારા ગવાયેલી તેમની ગઝલો થકી. આ જોડીએ તેમની પચાસથી યે વધુ ગઝલોને પોતાના કંઠના કામણથી શણગારી. એવું પણ માની શકાય કે જગજીત ચિત્રાને મળેલી અપ્રતિમ સફળતામાં સુદર્શન ફાકિરની ગઝલોનો ફાળો બહુમૂલ્ય છે.


ન કેવળ ગઝલ, ગીત અને સંવાદ... દુર્ભાગ્યે આજે શબવાહિનીની ‘સિગ્નેચર ટયૂન’ બની ગઈ છે એવી, જગજીત સિંહના અવાજે ગવાયેલી તેમની ભક્તિસભર રચના ‘હે રામ.. હે રામ....’ પણ એટલી જ પ્રસિદ્ધ છે. એનસીસીનું ગીત ‘હમ સબ ભારતીય હૈ...’ પણ તેમણે જ લખેલું. તો એક સમયે પંજાબમાં ફેલાયેલા આતંકવાદની સ્થિતિનું હૃદયસ્પર્શી બયાન કરતી તેમની ગઝલ ‘પત્થર કે સનમ, પત્થર કે ખુદા, પત્થર કે હી ઇન્સાં પાયે હૈ..... આજે પણ સાંભળીએ ત્યારે પંજાબના એ આતંકિત સમયની યાદ તાજી થઇ જાય છે.


‘૮૫ની સાલમાં એક ફિલ્મ આવેલી, ‘ફિર આયેગી બરસાત’. દૂરદર્શનનાં જમાનામાં કોઈ કોઈ મિત્રો એ કદાચ એ ફિલ્મ જોઈ હશે. કુલદીપ સિંહના સંગીતમાં જગજીત સિંહનાં એક્દુમ યુવાન અવાજમાં સુદર્શન ફાકિરની એક ગઝલ સાંભળીએ તો આ શાયરના હૃદયમાં પડેલી એક ભગ્ન હૃદય પ્રેમીની તીવ્ર વેદના આપણને સ્પર્શ્યા વિના ન રહે...

આજ ગીત અહીં સાંભળો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો