જાન્યુઆરી 08, 2015

Amitabh Bachchan: The Living Legend





“આદર! આદાબ! અભિનંદન! આભાર! સ્વાગત ! સ્વાગત ! સ્વાગત ! આપ સબ લોગો કા…… મૈં અમિતાભ બચ્ચન ઉસ મંચ સે જો આપકી હંસી સે ખિલ ઉઠતા હૈ.......”


ફરી એક વખત આ સંમોહક અવાજ આપણા ઘરોમાં ગુંજતો થઈ ગયો છે. ફરી એક વખત ટીવીના પડદે ”કૌન બનેગા કરોડપતિ” થોડા દિવસો અગાઉ જ શરૂ થઈ ચૂક્યું છે. યુ.એસ. ના રિઆલિટી શો ‘Who Wants To Be A Millionaire' (hosted by Meredith Vieira) પરથી, ‘ઇન્ડિયન ક્વિઝ માસ્ટર’ સિદ્ધાર્થ બસુ દ્વારા નિર્મિત આ શોની હાલ રજૂ થઈ રહેલી આ આઠમી સિઝન છે. આજથી બરાબર ચૌદ વર્ષ પહેલા જ્યારે KBC તરીકે જાણીતા બનેલા આ શોની પહેલી સિઝન શરૂ થયેલી ત્યારે એમ કહેવાય છે કે, ભારતીય ટીવી મનોરંજનની દુનિયામાં આગ લાગી ગયેલી. એવું શું છે આ શો માં? શું આકર્ષે છે લોકોને? ઇનામની જંગી રકમ? કે ટીવી પર આવવાની તક? જો કે સ્પર્ધકો હોય કે દર્શકો – બંનેને માટે સમાન આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે – ‘સદીના મહાનાયક’, ‘શહેનશાહ’, ‘બિગ બી’ જેવા વિશેષણોથી જેને નવાજવામાં આવ્યા છે તેવા,પ્રભાવશાળી અવાજ અને છટાદાર વ્યક્તિત્વના માલિક – લિવિંગ લેજન્ડ અમિતાભ બચ્ચન! આ શૉના દર્શકો, બેશકપણે અમિતાભ બચ્ચનના ચાહક હોવાના જ…


ઉમરના એકોતેરમાંમાં વર્ષે પણ આ માનવી કેવો અદ્ભુત ચમત્કાર કરી શકે છે! હજુ આજે પણ ‘બોલિવુડનો શહેનશાહ’ મનાતી આ હસ્તી, યુવા ફિલ્મસ્ટારોની આખીયે પેઢીને એક ઝાટકે ક્યાંય પાછળ મૂકી દે તેવો ‘ટૅમ્પરામેન્ટ’ ધરાવે છે. જો કે, બિગ બી નું સ્ટારડમ, બિગ બી ના ફેન્સ અને બોલિવુડની માયાવી દુનિયા… કે જ્યાં કોઈ પણ કલાકારનું હસવું, રડવું, બોલવું કશું જ સાચું નથી, આ બધી જ બાબતોને બાજુ પર રાખીનેવિચારીએ તો આપણને ખ્યાલ આવે કે, આ કાર્યક્રમમાંથી જ નહીં, ‘બિગ બી’ના સમગ્ર જીવનમાંથી આપણને ઘણું શીખવાનું મળે છે. સામાન્ય રીતે, હાલના સમયમાં, ઉમરના પચાસ વર્ષ પૂરા થાય એટલે માણસનેનિવૃતિનો વિચાર આવવા માંડે. એની સામે આ ઉમરે પણ અભિનય, એન્કરીંગ અને જાહેરાતની દુનિયામાં નંબર વન એવા અમિતાભ બચ્ચને, “પિક્ચર અભી બાકી હૈ દોસ્ત....” એવો, મનમાં સ્ફૂર્તિ લાવનારો જે વિચાર આપણને આપ્યો છે એ સાચે જ કાબિલે તારીફ છે. ફરજ અને ઉત્કૃષ્ટતાને ઉમર સાથે કોઈ જ સંબંધ નથી – આ હકીકતની જીવતી જાગતી મિસાલ એટલે બિગ બી. પોતાની જીંદગીમાં અનેક ચઢાવ-ઉતાર જોઈ ચૂકેલા અમિતજી અવરોધોને અવગણીને હંમેશા આગળ વધતા રહ્યાં છે. નસીબની બલિહારી જુઓ… એક સમયે બોલિવુડ જેના ઇશારા પર ચાલતું, જેના નામના સિક્કા પડતા, એ જ બચ્ચન, ઉમરના પચાસમાં વર્ષ પછી સંપૂર્ણપણે પડદા પાછળ સરી પડે છે. જાણે કે એક યુગ આથમી જાય છે. અને થોડા વર્ષો પછી, અચાનક, સિત્તેર એમ.એમ. ના સિલ્વર સ્ક્રીનના શહેનશાહને ટીવીના ટચૂકડા પડદે સામાન્ય જ્ઞાનને લગતી પ્રશ્નોત્તરી જેવા રિઆલિટી શોનું એન્કરીંગ ઑફર કરવામાં આવે છે. શું હાલત હશે ત્યારે એમની? ખુદ અમિતાભના જ શબ્દોમાં,


“પહેલીવાર મેં આ શોનું સંચાલન કરવાનું સ્વીકાર્યું ત્યારે મારા સંજોગો સાનુકૂળ નહોતા. મારી પાસે ફિલ્મો નહોતી, માથે દેવું હતું. એવામાં મને કેબીસીનું સંચાલન કરવાની ઑફર આવી. જો કે, હું ટીવી પર આવું એની સામેઘરવાળાઓનો સખત વિરોધ હતો.”


આવી હાલતમાં બચ્ચને કેબીસીનું સંચાલન સંભાળ્યું અને પોતાના ઘેરા, આકર્ષક, પ્રભાવશાળી, સુસંસ્કૃત અવાજ અને આગવી છટાથી ટેલિવિઝનના ટચૂકડા પડદે ઇતિહાસ સર્જી દીધો! ફરી એક વાર પોતે મનોરંજનના મહારથી હોવાનું સાબિત કરી દીધું. શું કહેવું આ માટે? એક જ વાત..


….જીવનમાં આવતી અડચણોથી આપણે જ્યારે દબાઈ જઈએ કે નાસીપાસ થઈ જઈએ ત્યારે બચ્ચનનો દાખલો આપણી નજર સામે રાખવામાં કોઈ જ વાંધો નથી. ખુદ અમિતાભની પણ જો કુદરત કસોટી કરતી હોય, તો હમ ક્યાં ચીજ હૈ?! એક વાત માનવી જ પડે. આ ઉમરે પણ ઉત્સાહ અને ધગશથી કામ કરતા બિગ બીનો ‘રોકિંગ’ અંદાજ, યુવાનોને પણ શરમાવે એવો છે. અને આ જ અંદાજ છે, જે મોટાભાગના સ્પર્ધકોને આકર્ષે છે. ઇનામ જીતવાની તમન્નાથી નહીં, પણ અમિતાભની એક ઝલક મેળવવાની ઇચ્છાથી, એમની સામે રૂબરૂ વાત કરવાની ખ્વાહિશથી લોકો આ શો સુધી ખેંચાઈ આવે છે.


“દેવીયોં ઔર સજ્જનો, અબ હમારે સામને હોટ સીટ પર બિરાજમાન હૈ….”


અમિતજીના મુખે આ રીતે પોતાનું નામ બોલાતું સાંભળવા માટે ન જાણે કેટકેટલા લોકો ઉત્સુક રહેતા હશે.. હોટ સીટ પર અમિતજીની સામે બેસવા મળે એ કેટલા લોકોનું સ્વપ્ન હશે! પણ જૂજ લોકોના નસીબમાં આ લ્હાવો લખાયેલો હોય છે. અને આવી તક જ્યારે મળે ત્યારે કોઈ કમભાગી વ્યક્તિ એ લ્હાવો ન લઇ શકે તો એ વ્યક્તિ કેટલી હતાશ થઇ જાય! આવું જ કૈક બન્યું મધ્યપ્રદેશના પન્ના વિસ્તારના અજાયગઢ જેવા નાનકડા ગામમાંથી આવતી સમાજ સેવિકા ખૂશ્બૂ સિંઘ જોડે. વર્ષ ૨૦૧૨માં કેબીસીના ટેલીફોનીક રાઉન્ડમાં પસંદગી પામેલી ખૂશ્બૂ આ શોમાં ભાગ ન લઇ શકી. કારણ? ત્રીજી જુલાઈનાં રોજ ઓડિશન હતું અને બરાબર તેના બે દિવસ અગાઉ જ એટલે કે પહેલી જુલાઈના દિવસે જ ખૂશ્બૂએ એક સુંદર મજાની સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો. અને આ જ કારણસર તે ઓડિશનમાં ભાગ ન લઇ શકી.


બસ, પછી તો જોઈતું જ શું હતું? આ વાત જાણનારા મોટા ભાગના લોકોએ, ખૂશ્બૂની દીકરીને તેની કમનસીબી ગણાવી દીધી. સૌ કહેવા લાગ્યા કે દીકરીના જન્મને કારણે જ ખૂશ્બૂને સાંપડેલી મહામૂલી તક એના હાથમાંથી જાણે કે સરકી ગઈ. જો કે, ખૂશ્બૂને આ વાતની કોઈ જ પરવા ન હતી. તેને મન તો દીકરીનો જન્મ એ જીવનની અણમોલ ખુશી જ હતી. પરંતુ પોતાની દીકરીના માથે સમાજે લગાડેલું કમનસીબનું લેબલ ફગાવી દેવા આ મજબૂત મનોબળ ધરાવતી યુવતી કટિબદ્ધ હતી. એમાં એને પોતાના શિક્ષક પતિ મહેન્દ્રનો પૂરેપૂરો સાથ મળ્યો. ફરી એક વાર ખૂશ્બૂએ કોશિશ કરી અને નસીબની બલિહારી જુઓ! અન્ય સ્પર્ધકોની સરખામણીમાં સૌથી ઝડપી જવાબ આપીને હોટ સીટ પર અમિતજીની સામે બેઠેલી આ યુવતીએ પોતાનું આ અનન્ય સ્વપ્ન સિદ્ધ કર્યું, એટલું જ નહિ, આઠ પ્રશ્નોના સાચા જવાબ આપીને રૂ.૬,૪૦,૦૦૦ જેવી માતબર રકમ પણ જીતી. પણ સૌથી વધુ ખુશીની વાત એ હતી કે તેણીએ, ત્યાં હાજર તમામ પ્રેક્ષકોની સામે પોતાની દીકરીને જ પોતાની જીતનું શ્રેય આપ્યું. જે દીકરીના જન્મને કારણે પોતે આ શોમાં ભાગ લેવાથી વંચિત રહી ગયેલી, એ જ દીકરીનાં માથે લાગેલું ‘કમનસીબ’નું કલંક દૂર કરવા માટે જ પોતે ફરી એકવાર આ શોમાં ભાગ લેવા માટે કમર કસી હતી, એવું જણાવીને એક્દમ રૂપકડી, ઢીંગલી જેવી લાગતી માસૂમ દીકરીને તેડીને ઉભેલી ખુશખુશાલ ખૂશ્બૂએ પોતાની દીકરીનું જન્મ પ્રમાણપત્ર અમિતજી સામે રજૂ કર્યું. જેમાં દીકરીના નામ સિવાયની બાકીની બધી વિગતો ભરેલી હતી. ખૂશ્બૂની ઈચ્છા હતી કે ખુદ મહાનાયક તેની દીકરીનું નામકરણ કરે! તેની આ વાત સાંભળીને સુખદ આશ્ચર્યમાં પડી ગયેલા અમિતજીએ પૂરી આત્મિયતાથી પૂછ્યું કે આપ લોકોએ કોઈ નામ વિચાર્યું છે? એ પણ પૂછ્યું કે રાશિ અનુસાર ક્યા અક્ષર પરથી નામ પાડવું જોઈએ?


....અને પછી થોડી ક્ષણો વિચારણામાં ગાળ્યા બાદ, બિગ બીએ બાળકીનું નામ પાડ્યું, “નવેલી”! આ કાવ્યાત્મક/કાવ્યમય નામ પાછળનો ઈતિહાસ એ હતો કે તેઓ પોતાની દીકરી શ્વેતાની દીકરી એટલે કે પોતાની દોહિત્રીનું નામ ‘નવ્યાનવેલી’ રાખવા ઇચ્છતા હતા, પણ આ નામ લાંબુ લાગતા ટૂંકાવીને ‘નવ્યા’ નામ પસંદ કરવામાં આવેલું. અહીં તદ્દન અનપેક્ષિત સંજોગોમાં એક બાળકીને પોતાની પસંદનું નામ આપીને જો કે, બિગ બીને પણ અનહદ આનંદ થયો હોય એ સ્વાભાવિક છે. જો કે, આ સમયે બાળકીને ભેટસ્વરૂપે આપવા માટે અમિતજી પાસે તત્કાલ કશું જ ન હતું. શૂટિંગ દરમિયાન વિરામના સમયમાં જ ભેટવસ્તુની વ્યવસ્થા કરવામાં આવી અને ફરી કેમેરા શરુ થયો, બાળકીને ભેટસ્વરૂપે અમિતજીએ સોનાના કંગન આપ્યા. અને ત્યારબાદ કાર્યક્રમ આગળ ચાલ્યો.


સૌ જાણે છે તેમ, આ પ્રકારના કાર્યક્રમોમાં થોડું નાટકીય તત્વ ઉમેરવા માટે કેટલાક દ્રશ્યો પાછળથી શૂટ કરીને જોડવામાં આવે છે. અહીં પણ બાળકીને ભેટરૂપે સોનાના કંગન આપવામાં આવ્યા એ દ્રશ્ય ફરી ફિલ્માવાયું. મહાનાયક આ દ્રશ્યના પુન:સંસ્કરણમાં આ મુજબ સંવાદ બોલ્યા..


“હમારી માતાજી શ્રીમતિ તેજી બચ્ચન, હમારી પત્ની જયા બચ્ચન, બહુ ઐશ્વર્યા બચ્ચન, બેટી શ્વેતા નંદા, નાતિન નવ્યા ઔર પોતી આરાધ્યા... હમારે પરિવાર કી ઇન પાંચ મહિલાઓં કી ઔર સે યે સોને કે કંગન આપ કી બેટી કો શુભકામનાઓં કે સાથ....”



નિર્દેશકે ‘કટ’ કહ્યું અને શોટ પૂરો થયો. થોડીવાર પછી સહાયક નિર્દેશકે અમિતજીને જણાવ્યું કે તેમણે નામ છ કહ્યા અને ઉચ્ચાર્યા પાંચ. અમિતજીએ પળભર પોતે બોલેલા શબ્દોને જાણે કે મનમાં જ દોહરાવ્યા. જરા વાર વિચાર્યું અને પછી સ્વગત્ જ બોલતા હોય એમ શબ્દો ઉચ્ચાર્યા..


“નહીં.... પાંચ હી ઠીક હૈ........ ક્યોંકિ..... માતાજી અબ નહીં હૈ...”


આ બે વાક્યો ઉચ્ચારતી વખતે વચમાં તેમણે લીધેલો પળ બે પળનો વિરામ જાણે એક યુગ જેટલો લાંબો ચાલ્યો અને અંતે ભારેખમ મૌન પથરાઈ ગયું. કેમેરાની પાછળનાં આ વાસ્તવિક દ્રશ્યના આશરે ચારસો લોકો સાક્ષી હશે. એમાંના કેટલાકને અદાકાર અમિતાભ બચ્ચનના વાસ્તવિક ભાવવિશ્વમાં ઉદભવેલા આ આંદોલનો સ્પર્શ્યા હશે, કોને ખબર... પોતાની વ્હાલસોયી માને યાદ કરતા એક દીકરાના ચહેરા પર એ સમયે જે ભાવ ઉભર્યા હશે, તેનો હૃદયસ્પર્શી અનુભવ તો વાસ્તવમાં જોયું હોય તે જ કરી શકે. કેમેરાની સામે આવા ભાવ કદીયે ન ઉભરી શકે.

1 ટિપ્પણી: