મે 31, 2014
મે 21, 2014
મે 18, 2014
ગુલઝાર
ફિલ્મ જગતમાં કિશોરકુમાર પછી જો કોઈ ગીતસંગીત સાથે વિભિન્ન અને સફળ પ્રયોગો કરવા માટે પ્રખ્યાત હોય તો તે છે ગુલઝાર સાહેબ... પોતાની કારકિર્દીની શરૂઆતથી જ અમૂલ્ય ગીતો લખતા આ શાયરે પોતાની રચનાસફરમાં અસંખ્ય પ્રખ્યાત ગીતો આપ્યાં છે. સરળ શબ્દોમાં ગહન વાતોને અત્યંત ઋજુતાથી રજૂ કરતા સંવેદનશીલ શાયર એટલે ગુલઝાર!
મે 17, 2014
એક ગુલઝારિશી ગીત... મનોજ યાદવની કલમે...
બ્લોગ પર અલક મલકની નિતનવી વાતો શેર કરતા, વાંચતા, માણતા કેટલો સમય વીતી ગયો... ખ્યાલ જ ન રહ્યો..... બ્લોગની આ દુનિયા મારે મન જાણે કે નિત્ય વહેતી વિશાળ જલધારા...... ને હું એ જલધારાના એક બૂંદ રૂપે આ પ્રવાહમાં વહી રહી છું......
ના ના... આ કોઈ પદ્યાત્મક ગદ્ય નથી લખી રહી.... તાજેતરમાં જ ધ્યાનમાં આવેલા એક ગીતને ફરી ફરી સાંભળી રહી છું અને 'ગુલઝારિશી' મૂડમાં આ ગીત વિશે વાત કરી રહી છું!
મે 16, 2014
કહ મુકરની... અમીર ખુશરો..
સૂફી સંત અમીર ખુશરો ઈ.સ. ૧૨૫૩ થી ૧૩૨૫ દરમિયાનના સમયના કવિ, સંગીતકાર, સંશોધક, તત્વજ્ઞાની અને ભાષાશાસ્ત્રી ગણાય છે. સૂફી સંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય એવા ખુશરોને નામે બીજી અનેક સિદ્ધિઓ છે. ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખયાલની રચનાની શરૂઆત કરવાનો યશ ખુશરોને ફાળે જાય છે. ભારતીય સૂફીઓનું ભક્તિસંગીત કહેવાય એવી કવ્વાલીના જનક પણ ખુશરો જ છે. ભારતીય તબલાંની શોધ પણ તેમણે કરી હોવાનું મનાય છે. મૂળભૂત રીતે ફારસી ભાષાના આ કવિએ વ્રજ, હરિયાણવી અને ખડી બોલીના શબ્દોનું ફારસી અને સંસ્કૃત શબ્દો સાથે સંયોજન કરીને એક નવી જ ભાષા કે જેને તેઓ ‘હિન્દવી’ તરીકે ઓળખાવતા, તેમાં ખૂબ જ સુંદર કોયડા(Riddles), દોહા(couplets) અને ગીતોની રચના કરી છે.
'ઈસક'નું એક મધમીઠું ગીત
કેટલાક ગીતો માત્ર એક જ વાર કાને પડી જાય તો હંમેશા માટે મનમાં વસી જાય છે. 2013માં રજૂ થયેલી ફિલ્મ 'ઈસક'નું એક ગીત સાંભળીને બળબળતા તાપમાં શીળી છાંયા મળી જાય અને જેવી અનુભૂતિ થાય એવી જ કંઈક લાગણી થઈ. ગીત સાંભળીને નક્કી કરવું મુશ્કેલ છે કે આટલા સુંદર ગીત માટે કોને કોને દાદ આપવી.... ગીતકાર, સંગીતકાર, કે પછી ગાયકો....
કાલી ઘોડી દ્વાર ખડી.....
'કાલી ઘોડી દ્વાર ખડી...' પ્રેમની અનુભૂતિ વ્યક્ત કરતું સુંદર ગીત....
'૬૦ ના અને '૭૦ના દશકની કંઈ કેટલીયે ફિલ્મગીતોમાં રાગમાલાનો ઉપયોગ ઉલ્લેખનીય રીતે થયેલો જોવા મળે છે. અગાઉ આપણે ૧૯૮૧ની ફિલ્મ 'ઉમરાવજાન'ના રાગમાલા ગીત વિશે વાત કરી ચૂક્યા છીએ. આજે ૧૯૮૧માં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ચશ્મેબદદૂર'ના એક સરસ મજાના ગીત વિશે વાત કરીએ.
એક હસીન શામ કો....
એક હસીન શામ કો...દિલ મેરા ખો ગયા....
કો’ સલૂણી સાંજે એકલા બેઠા બેઠા રફીસાહેબના અવાજમાં ફિલ્મ ‘દુલ્હન એક રાત કી’નું આ ગીત સાંભળો ત્યારે ચોક્કસ તમારું દિલ કોઈ જૂની યાદોની સફરે ના ઉપડી જાય તો જ નવાઈ! મદનમોહનજીનાં સંગીતની જાદુઈ કરામત ગીતની શરૂઆતથી જ આપણને એક અનોખા ભાવ જગતમાં લઇ જાય છે. એમાયે મોહમ્મદ રફી સાહેબના મખમલી અવાજનો જાદૂ અને તેમના અવાજમાં રેલાતી મસ્તી શ્રોતાઓના કાનમાં અદભૂત મીઠાશ ઘોળે છે. પરંતુ આ ગીતના જાદુનું એક અનોખું કારણ છે એના શબ્દો.
મે 15, 2014
એક હતો રસૂલ....
રસૂલ... રસૂલ લંગડો... એક પગે જરા ખોડંગાઈને ચાલતો એટલે સૌ એને લંગડો કહેતા. ગેબનશા પીરની દરગાહ પાસેની ફૂટપાથ પર એનો અડ્ડો... આખો દિવસ ફૂટપાથ પર પડી રહેવું ને દરગાહે આવતા શ્રદ્ધાળુઓએ ફેંકેલા પૈસા ભેગા કરીને ચરસની બીડી ફૂંક્યા કરવી એ જ એનું કામ. આમ તો એના જેવા કેટલાયે ભિખારીઓ દરગાહની આસપાસ બેસી રહેતા પણ રસૂલ જેવી બાદશાહી કોઈના બાપની યે નહીં. મેલીઘેલી કાળી કફની અને રંગ ઉડી ગયેલી ચોકડાવાળી લૂંગી.. ગળામાં રંગબેરંગી પથ્થરની માળા. કફનીની બાંયો હંમેશા ચડાવેલી જ હોય. માથે કાળો રૂમાલ અને ડાબા બાવડે કાળા દોરામાં પરોવેલું તાવીજ.
મે 14, 2014
કાન્હા બોલે નાં....
કાન્હા બોલે ના.... કાન્હા બોલે ના...
પૂછું બાર બાર બાર કાન્હા બોલે ના...
ક્યા હૈ પ્રીત, ક્યા હૈ પ્યાર...
કાન્હા બોલે ના...
હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયનું વાસ્તવિક અને કલાત્મક પાસું એટલે મુસ્લિમ કવિઓએ રચેલા કૃષ્ણભક્તિના ગીતો.
ઈતિહાસમાં જરા ડૂબકી લગાવીએ તો, સમ્રાટ અકબરના નવરત્નો પૈકી એક એવા, નવાબ અબ્દુલ રહીમ ખાન એ ખાના, દિલ્હીના શાહી ખાનદાનના સૈયદ ઈબ્રાહીમ, કે જે પાછળથી રસખાન તરીકે ઓળખાયા તે, આગ્રાના શાયર મિયા નઝીર અકબરાબાદી - આ બધા શાયરોએ કૃષ્ણપ્રેમના રંગે રંગાઈને અદ્ભૂત કહી શકાય એવી એવી ભક્તિરચનાઓ આપી. તો અઢારમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા મુસ્લિમ કવિ રાજેએ રચેલી મોટાભાગની કૃતિઓ કૃષ્ણભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિના રંગે રંગાયેલી છે.
આ જ પરંપરા કદાચ હિંદી ફિલ્મી શાયરોમાં પણ ઊતરી હોય એવું લાગે છે. જાંનિસાર અખ્તર સાહેબે લખેલું આ ગીત સાંભળીએ ત્યારે આ વાતનો ખ્યાલ આવે. લતાજી અને મન્ના ડેએ અત્યંત તાજગીભર્યા અવાજે ગાયેલું આ ગીત, આમ તો બાસુ ચેટર્જીની 'સંગત' નામની અનરિલીઝ્ડ ફિલ્મનું છે. 'રેર' કહી શકાય એવું આ ગીત યુ ટ્યૂબ પર ખાંખાખોળા કરતા હાથ લાગ્યું તો અહીં શેર કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. કજરી અને રાકેશ પાંડે જેવા અનામી કલાકારો પર ફિલ્માવાયેલું આ ગીત, શબ્દ, સૂર અને અર્થ - એ ત્રણેય પ્રકારે અનન્ય છે. સલિલ ચૌધરીએ વાયોલીન, પિયાનો, સિતાર અને બાંસુરીના મનમોહક સૂરોથી સજાવેલા આ ગીતની વિશિષ્ટતા એ છે કે રાધા-કૃષ્ણના પ્રેમને પ્રકટ કરતા આ ગીતની તરજ પાશ્ચાત્ય છે.
http://m.youtube.com/watch?v=eoeB2vCEbWU&desktop_uri=%2Fwatch%3Fv%3DeoeB2vCEbWU
'પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયાં ચલી....'
કન્યાવિદાય જેવા પ્રસંગને લઈને આપણે ત્યાં અનેક સુંદર કાવ્યો લખાયા છે. તો ફિલ્મોમાં પણ આ પ્રસંગને એટલી અસરકારક રીતે રજૂ કરવામાં આવેલો હોય છે કે મોટાભાગના દર્શકોની સંવેદના ઝંકૃત થઈ ઊઠે. પિતાનું ઘર છોડીને પિયુ સંગ સાસરવાસે સીધાવી રહેલી કન્યાના મનમાં હર્ષ અને શોકના મિશ્ર ભાવોનું દ્વંદ્વ ચાલી રહ્યું હોય એ સમયના તેના મનોભાવને વ્યક્ત કરતું એક સરસ ગીત એટલે ફિલ્મ 'મધર ઈન્ડિયા'નું શમશાદ બેગમે ગાયેલું ગીત, 'પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયાં ચલી....'
ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્માં......
ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્માં......
ફેસબુક પર એક મિત્રનો ચશ્માં પહેરીને પાડેલો ફોટોગ્રાફ જોઈને ઉપરના ગીતની યાદ આવી ગઈ. જ્યારે પણ આ ગીત સાંભળું ત્યારે મનમાં એમ થાય કે બિચારો હીરો આ ગીતમાં વખાણ કોના કરી રહ્યો છે? ચશ્માના કે પછી ફૂટડી, નમણી હીરોઈનના? એ જે હોય તે. પણ એક વાત તો ખરી જ... ચશ્માં પહેરવાથી માણસનું આખું યે વ્યક્તિત્વ બદલાઈ જાય, એ વાત તો નક્કી જ. પેલી જાહેરખબરમાં આવે છે એમ, 'એક આઈડિયા જો બદલ દે આપ કી દુનિયા' એમ 'એક ચશ્માં જે બદલી દે આપનું વ્યક્તિત્વ....' તમારી બાજુમાં બેઠેલો કોઈ માણસ અચાનક ખિસ્સામાંથી ચશ્માં કાઢીને આંખ પર લગાવી દે અને એવું યે બને કે તમે એને ઓળખી પણ ન શકો!
પિયાનો....
એક સમયે સંગીતકાર નૌશાદ અલીને, તેમના નિવાસસ્થાને એક ખૂણામાં પડેલા વિશાળ પિયાનો જોઈને પૂછ્યું હતું કે આપ તો હિન્દુસ્તાની સંગીતના ચુસ્ત પુરસ્કર્તા છો, તો પછી આ પિયાનો અહીં શા માટે રાખ્યો છે? સવાલનું મહત્વ સમજીને નૌશાદસાહેબે સ્પષ્ટતા કરી: "આપકો શાયદ જાનકારી નહીં હોગી, લેકિન પિયાનો મેરા બહોત હી અઝીઝ સાઝ હૈ. વો જિતના મઘરીબી હૈ ઉતના હી હિન્દુસ્તાની ભી."
તે પછી નૌશાદસાહેબે જે કહ્યું તેનાથી હરકોઈ સંગીત ચાહકની ઉત્સુકતા ઉત્તેજનામાં પરિવર્તિત થઇ જાય! પિયાનો પાછળની ખુરશી તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું: "વહાં બેઠકર રફીસા'બને 'મેરે મહેબૂબ' કે ઉસ નગમે કી રિહર્સલ કી થી......." મેરે મહેબૂબ ફિલ્મમાં સાધનાના સૌંદર્યથી મોહિત રાજેન્દ્રકુમાર માટે રફીએ "એ હુસ્ન જરા જાગ તુજે ઇશ્ક જગાયે" ગીતનું રિહર્સલ આ જગ્યાએ કર્યું હતું.
અન્ય કેટલાંક ગીતોમાં પણ પશ્ચિમી પિયાનોનો ઉપયોગ હિન્દુસ્તાની સંગીતરચનાઓ માટે નૌશાદસાહેબે કુશળતાથી કર્યો હતો. તે ગીતોમાં લતા મંગેશકરે ગાયેલા "યે કૌન આયા રોશન હો ગઇ મહેફિલ જીસકે નામ સે" (સાથી) અને ''કલ કે સપને આજ ભી આના" (આદમી) ઉલ્લેખનીય છે. રફી-મહેન્દ્ર કપૂર અને રફી-તલત મહેમૂદે ગાયેલાં "કૈસી હસીન આજ બહારોં કી રાત હૈ" ગીતમાં પણ પડદા પર દિલીપકુમાર પિયાનો બજાવતા દેખાયા હતા. સંગીતકાર ઓ. પી. નૈયરે પણ ફિલ્મ ગીતોમાં પિયાનોનો ઉપયોગ જાદુઇ અસર નિપજાવવા માટે કર્યો હતો. રફીએ ગાયેલા "આપ કે હસીન રૂખ પે આજ નયા નૂર હૈ" ગીતમાં પડદા પર પડછંદ ધર્મેન્દ્ર અત્યંત સોહામણા લાગતા હતા. ગુરુદત્તની "બહારેં ફિર ભી આયેંગી" ફિલ્મની આ સૌમ્ય સ્વરરચનાને રફીએ પોતાનો રેશમી અવાજ આપ્યો હતો. આ ગીત આજે પણ સૂચક પિયાનો ગીત બની રહ્યું છે.
પિયાનોનો પ્રભાવ કેવો જાદુઇ છે તે સમજવા માટે શંકર-જયકિશન દ્વારા સંગીતબદ્ધ ફિલ્મ"સંગમ" નિહાળવી પડે. "દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા" ગીતમાં મુકેશના સ્વરમાંથી છલકાતો તીવ્ર સંતાપ મહદઅંશે પિયાનોના કુશળતાપૂર્ણ ઉપયોગને આભારી હતો. ખુદ શંકરે આ ગીતમાં પિયાનો વગાડેલો.
"મેં વોહી હું" નામની ઓછી જાણીતી એક ફિલ્મમાં રફીએ ગાયેલું "બહુત હસીન હો બહુત જવાન હો" ગીત પણ પિયાનો આધારિત હતું. . સંગીતકાર ઉષા ખન્ના તેમની આ સંગીતરચના માટે આજે પણ ગર્વ અનુભવે છે.
હિંદી ફિલ્મી સંગીતમાં પિયાનોનો ઉપયોગ સૌપ્રથમવાર શ્રી પન્નાલાલ ઘોષે 1942ની ફિલ્મ 'બસંત'માં કરેલો. બાળકલાકાર તરીકે મધુબાલા પર આ ગીતનું ફિલ્માંકન થયેલું. ત્યારથી લઈને આજ સુધી લગભગ બધાજ સંગીતકારોએ આ અદ્ભૂત વાદ્યનો ઉપયોગ કરીને કેટલીયે અવિસ્મરણીય રચનાઓ આપી છે.
જેમાં પિયાનોનો ઉપયોગ થયો હોય એવા આપના મનપસંદ ગીતો વિષે જણાવશો તો આનંદ થશે!
રાગમાલા... ઉમરાવજાન...
ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરામાં, જ્યારે કોઈ એક ગીતમાં, એક કરતાં વધુ રાગનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને દરેક રાગ પોતાના મૂળભૂત સ્વરૂપમાં હોય તો આવી રચનાને 'રાગમાલા' કહે છે. જોકે, સંગીત વિષયક ગ્રંથોમાં રાગમાલાની પરંપરા વિશે કશો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ એમ કહી શકાય કે, રાજદરબારોમાં, સંગીતકલા વડે રાજવીઓને રીઝવવાનું ચલન વધ્યું હશે, ત્યારે કદાચ રાગમાલાનો પ્રયોગ કરવામાં આવ્યો હશે. એક રાગમાંથી બીજા રાગમાં પલટાતી ગાયકી રજૂ કરીને સંગીતમાં કશુંક નાવિન્ય લાવવાની આ યુક્તિ, આજે પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે.
વક્તને કિયા ક્યા હંસી સિતમ...
અંગ્રેજીમાં એક ઉક્તિ પ્રચલિત છે:-
"To make simple thing complicated is commonplace. But, to make complicated things awesomely simple is Creativity."
અનોખી પ્રતિભાના માલિક એવા ગુરુદત્તના વ્યક્તિત્વને આ ઉક્તિ સંપૂર્ણપણે યથાયોગ્ય છે. સર્જનાત્મક અને કલાત્મક ફિલ્મો માટે જેને ચિરકાળ સુધી ફિલ્મરસિકો ભૂલી ન શકે એવા ગુરુદત્તે આપણને એક એકથી ચડે એવી, વૈશ્વિક સ્તરે 'Masterpiece' કહેવાય એવી ફિલ્મો આપી.
રાતના રંગ... શકીલને સંગ..
શાયર પોતાની શાયરીમાં ક્યા શબ્દોનો સૌથી વધુ ઉપયોગ કરે છે? ચાંદ, રાત, પાની, ઝિંદગી, આઈના...... થોડા દિવસ અગાઉ શકીલ બદાયૂંનીના ગીતો સાંભળતા સાંભળતા અચાનક ખ્યાલ આવ્યો કે આ શાયર 'રાત' ને કેટલો પ્રેમ કરે છે! 'રાત'ના કેટકેટલા અલગ અલગ રંગ શકીલ બદાયૂંનીની રચનાઓમાં જોવા મળે છે. અને દરેક વખતે આ 'રાત' શબ્દથી ઉત્પન્ન થતો ધ્વનિ, સાંભળનારને કંઈક અલગ જ અનુભૂતિ કરાવે છે.
'કેબરે ક્વિન' હેલન...
આજે મોટાભાગની ફિલ્મોમાં આઈટમ સોંગ જોવા મળે છે, ચાહે એની જરૂરત હોય કે ન હોય. ગંભીર વિષય પર ફિલ્મ બનાવનારા પ્રકાશ ઝા(ફિલ્મ: ગંગાજલ અને અપહરણ) તેમજ મધુર ભંડારકર(ફિલ્મ: હીરોઈન) જેવા ફિલ્મસર્જકો પણ આઈટમ સોંગનો ઉપયોગ પોતાની ફિલ્મોમાં કરવાનો મોહ ટાળી શક્યાં નથી. જોકે, સામાન્ય રીતે 'આઈટમ નંબર'ને જે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે મુજબ, કાન ફાડી નાંખે એવું સંગીત, અર્થવિહીન યા તો દ્વિઅર્થી શબ્દો અને અભદ્ર ભાવભંગિમાઓ સાથેનું વરવું નૃત્ય.
ક્યાંક મુન્ની બદનામ થઈ રહી છે તો ક્યાંક શીલા જવાન થઈ રહી છે. ક્યાંક દિલ મફતમાં મળી રહ્યું છે તો ક્યાંક જવાની હલકટ થઈ રહી છે.(આ બધાની વચ્ચે ક્યારેક ક્યારેક અપવાદ રૂપે 'જુબાં પે લાગા લાગા રે નમક ઈશ્ક કા' જેવા ગીતોમાં વિશાલ ભારદ્વાજના સંગીતમાં ગુલઝારસાહેબની કલમના ચમકારા જોવા મળી જાય!)
જો કે, આવા ગીતો આવે છે અને બહુ જ જલદીથી ભૂલાઈ પણ જાય છે. કોને યાદ હશે કે ફિલ્મ 'ગંગાજલ'માં ક્યું આઈટમ સોંગ હતું અને તે સંજય દત્તની પત્ની માન્યતા પર ફિલ્માવવામાં આવેલું! ફિલ્મ જેણે જોઈ હશે એણે પણ કદાચ આ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય. અથવા તો જેમને ખ્યાલ હશે તેમને પણ કદાચ યાદ નહીં હોય. પણ 'મેરા નામ ચિન ચિન ચૂં', 'પિયા તુ અબ તો આ જા', 'ઓ હસીના ઝૂલ્ફોંવાલી જાને જહાં', 'યે મેરા દિલ પ્યાર કા દીવાના', ઇસ દુનિયામેં જીના હો તો', 'મહેબૂબા મહેબૂબા' જેવા ગીતોની વાત નીકળે તો જેમણે પણ આ ફિલ્મો જોઈ હશે તેમને હેલનનું નામ યાદ કરવા માટે દિમાગ પર જોર નહીં કરવું પડે! આ જ તો ફરક છે, આજના કઢંગા 'આઈટમ ગીતો' રજૂ કરનારી નાયિકાઓ અને હેલન વચ્ચે.
હેલનનો ખ્યાલ દિલમાં આવતાની સાથે જ એક એવી કેબરે ડાન્સરનું ચિત્ર દિમાગમાં ઊભરે છે, જેના શરીરમાં લચક, જેના અંગમરોડમાં લય અને જેની ભાવભંગિમાઓમાં રહસ્યમયી માદકતા જોવા મળે છે. ગીતની ગતિ તેજ હો કે સૌમ્ય, હેલનનું નૃત્ય ગીતને એક નવું જ પરિમાણ બક્ષે છે અને દર્શકોને રોમાંચની એક અનેરી દુનિયામાં લઈ જાય છે.
યાદ કરો ફિલ્મ 'હાવડા બ્રિજ'નું ગીત 'મેરા નામ ચિન ચિન ચૂં....' જાપાની ગુડિયાની વેશભૂષામાં પડદા પર નાચતી, થિરકતી હેલન, બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મમાં પણ રંગીનીનો માહૌલ જમાવી દે છે! તો ફિલ્મ 'ડોન'નું ગીત 'યે મેરા દિલ યાર કા દીવાના' યાદ કરો... તદ્દન ટૂંકા વસ્ત્રોમાં માદક નૃત્ય દ્વારા અમિતાભ બચ્ચનને રિઝવવાની કોશિષ કરતી નૃત્યાંગના તરીકે દર્શકો પર પોતાના કામણનો જાદૂ ચલાવનારી હેલનની આંખોમાં જે ખુમાર, જે ખૂની ચમક અને કાતિલતા જોવા મળે છે... પોતાના ભાઈના મોતનો બદલો લેવા તડપતી એક વેર પિપાસુ બહેન પોતાના મનોભાવ આંખો વડે કઈ રીતે પ્રગટ કરે છે તેનો અદ્ભૂત અભિનય હેલને આ ગીતમાં કર્યો છે. તો પોતાના પ્રેમીના વિરહમાં તડપતી સ્ત્રીની મનોવ્યથા અને પ્રેમીના મિલનની ઉત્તેજના અને ઉલ્લાસની મનોસ્થિતિ - આ બંને લાગણીઓને કઈ રીતે એક જ ગીતમાં નૃત્યાત્મક રીતે હેલને રજૂ કરી છે તે જોવા માટે ફિલ્મ 'કારવાં'નું ગીત - 'પિયા તુ અબ તો આ જા' જોઈ લેવું. હેલનના નૃત્યના આવા એક બે નહીં પણ ડઝનબંધ ઉદાહરણ મળી આવે. અને આ જ તો હેલનની ખૂબી છે. અભિનયસહ નૃત્ય રજૂ કરવાની આ કુશળતા આજની આઈટમ ડાન્સરોમાં શોધી જડે એમ નથી. '૬૦ અને '૭૦ના દશકમાં હેલન પર ફિલ્માવાયેલા કેબરેનૃત્યો આજે પણ આંખ (કે કાન) સમક્ષ આવે તો પગ આપોઆપ થરકવા માંડે! જો કે, એ વાત પણ અહીં નજરઅંદાજ કરી ન શકાય કે આ બધા જ ગીતોની સફળતા પાછળ હેલનના નૃત્ય કૌશલ્ય ઉપરાંત ગીતકાર, સંગીતકાર અને નૃત્યનિર્દેશકનું પણ અમૂલ્ય યોગદાન રહેલું છે.
એમાં કોઈ બેમત નથી કે હેલને પોતાના સમયમાં ખૂબ જ ઓછા વસ્ત્રોમાં કેબરે અને બીજા પ્રકારના નૃત્યો રજૂ કર્યાં. પણ આની સાથે એ વાત પર પણ સૌ મિત્રો સહમત થશે કે હેલનના નૃત્યોમાં ક્યારેય કંઈ ભદ્દાપણું લાગતું ન હતું. ટૂંકા વસ્ત્રો અને ભારે મેકઅપના ઠઠારા વચ્ચે હેલન દ્વારા જે પાશ્ચાત્ય નૃત્યો રજૂ થતાં એમાં એક પ્રકારની ગરિમા રહેતી, એક નૃત્યાંગનાનું વિશિષ્ટ કૌશલ પ્રકટ થતું. નૃત્યને અત્યંત માદક રીતે રજૂ કરવાની જે કલા હેલન પાસે હતી એ આજપર્યંત કોઈ અભિનેત્રી પાસે જોવા મળી નથી. કેબરે હોય, લોકનૃત્ય હોય, મુજરો કે પછી શાસ્ત્રીય નૃત્ય - હેલન પોતાની 'બોડી લેંગ્વેજ' અને ચહેરા પરના ભાવથી દરેક પ્રકારના નૃત્યમાં જીવંતતા લાવી દેવામાં અત્યંત કુશળ હતી. જ્યારે કોઈ ગીતની ધૂન પર હેલનનું શરીર થરકતું તો એની લચક જોઈને એમ લાગે કે જાણે કોઈ રબ્બરની ઢીંગલી, ગીતના શબ્દોને તેના યોગ્ય અર્થ આપી રહી છે! અને આ જ કારણ હતું કે દર્શકોની નજર હેલનના ટૂંકા વસ્ત્રો કરતા તેની નૃત્યશૈલી પર વિશેષ રહેતી.
હેલને પોતાના પર ફિલ્માવાયેલા ગીતોને જે ભવ્યતાથી, માદકતાથી અને સુંદરતાથી રજૂ કર્યા છે, હેલન અને કેબરે એકબીજાના પર્યાય બની ગયા છે, એમ કહીએ તો ખોટું નહીં લેખાય. ૧૯૫૧માં ફિલ્મ 'શબિસ્તાન' અને 'આવારા'થી માત્ર બાર જ વર્ષની વયે ગ્રુપ ડાન્સર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર હેલને પોતાના સમયમાં એક પછી એક ડઝનબંધ ફિલ્મોમાં પોતાના કામણથી દર્શકોને રિઝવ્યાં. પાંચ દશક લાંબી કારકિર્દી દરમિયાન પાંચસો જેટલી ફિલ્મોમાં કામ કરનાર હેલનને '૭૯માં મહેશ ભટ્ટની ફિલ્મ 'લહૂ કે દો રંગ' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળેલો. ૨00૯માં હેલનને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલો. ૨00૬માં જેરી પિન્ટો નામના લેખકે, હેલન પર લખેલા પુસ્તક, 'ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ એન એચ-બોમ્બ' ને સાલ ૨00૭માં સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુસ્તક માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયેલો.
રિટાયરમેન્ટના વર્ષો વિત્યા છતાં લોકો તેમને 'કેબરે ક્વિન' તરીકે હજુ યે પ્રેમપૂર્વક યાદ કરે છે. વર્ષો બાદ, સાઠ વર્ષથી પણ વધુ ઉમરે હેલને ફિલ્મ 'મોહબ્બતેં'માં શાહરૂખ ખાન સાથે જે સ્ફૂર્તિથી ડાન્સ કર્યો છે એ જોવાલાયક છે. આ ગીતમાં હેલનની 'એનર્જી' સામે 'ડાયનેમિક' શાહરૂખ ખાન પણ ઝાંખો લાગે છે......
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
.jpg)

















