જાન્યુઆરી 14, 2018

સંગીતકાર ચિત્રગુપ્ત


''ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...''

દૂર આકાશમાં શાનથી ઊડી રહેલી પતંગની દોર હાથમાં હોય અને એને જોતા જોતા દિલમાં અનેરો નશો છવાયે જતો હોય, એવા સમયે આપોઆપ જ ''ભાભી'' ફિલ્મનું આ સદાબહાર ગીત યાદ આવ્યા વિના નથી રહેતું. રફીસાહેબ અને લતાજીના યુગલ સ્વરમાં ગવાયેલા આ સદાબહાર ગીતના ગીતકાર હતા રાજેન્દ્ર ક્રિષ્ણજી અને  સંગીતકાર હતા ચિત્રગુપ્તજી. પતંગના વિષય પર રચાયેલા ફિલ્મી ગીતોમાંનું ઓર એક યાદગાર ગીત એટલે 'યે દુનિયા પતંગ, નિત બદલે રંગ, કોઈ જાને ના, ઉડાનેવાલા કૌન હૈ'. જીવનનું દર્શન પતંગના પ્રતિક વડે બખૂબી રજૂ કરતું ફિલ્મ 'પતંગ'નું આ ગીત પણ રફીસાહેબે ગાયું હતું. ગીતકાર-સંગીતકાર હતા  રાજેન્દ્ર ક્રિષ્ણ અને ચિત્રગુપ્તજી.

યોગાનુયોગે, આજે ચિત્રગુપ્તજીની પુણ્યતિથી છે.

50' થી 60'નો સમય, હિંદી ફિલ્મસંગીતનો સુવર્ણ યુગ મનાય છે. પણ દુ:ખની વાત છે કે આ જ સમયમાં સક્રિય હોવા છતાં અત્યંત પ્રતિભાવાન એવા ચિત્રગુપ્તજી,  કંઈક અંશે ઉપેક્ષિત જ રહ્યાં. આજે પણ, લોકજીવનની મીઠાશભર્યા સૂરીલા સંગીતથી મઢેલા તેમના અત્યંત કર્ણપ્રિય ગીતોની ફિલ્મોના નામ સાંભળીએ તો એવું પ્રતિત થયા વિના ન રહે કે આવા દિગ્ગજ સંગીતકારની પ્રતિભાને પૂરતો ન્યાય મળે તેવી ફિલ્મો તેમને મળી નથી. બહુ ઓછી અને મોટેભાગે ઓછા બજેટની હિંદી ફિલ્મોમાં સંગીત આપવાનો તેમને મોકો મળ્યો. આજે આમાંની મોટાભાગની ફિલ્મો, જૂની પેઢીના સંગીતચાહકોને યાદ હશે તો પણ માત્ર ચિત્રગુપ્તજીના સંગીતને કારણે જ.

16 નવેમ્બર, 1917ના દિવસે બિહારના ગોપાલગંજ જિલ્લાના કરમૈની ગામમાં  ચિત્રગુપ્ત શ્રીવાસ્તવનો જન્મ થયો. અર્થશાસ્ત્ર અને પત્રકારત્વ- એમ બે વિષયોમાં એમ. એ. ની ડીગ્રી ધરાવતા ચિત્રગુપ્તજી, પટના કોલેજમાં પ્રોફેસર હતા. સંગીત પરત્વેની રૂચિ તેમને 1946માં મુંબઈ ભણી ખેંચી લાવી. વિખ્યાત સંગીતકાર એસ. એન. ત્રિપાઠીના સહાયક તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. એ જ વર્ષે 'તુફાન ક્વિન' નામની ફિલ્મમાં તેમને સંગીત આપવાનો મોકો મળ્યો, પરંતુ ફિલ્મ અસફળ રહી અને ચિત્રગુપ્તજી પણ. છ વર્ષના લાંબા સંઘર્ષ બાદ, 1952માં તેમણે ફિલ્મ 'સિંદબાદ ધ સેલર'માં સંગીત આપ્યું. રફીસાહેબ અને શમશાદ બેગમના અવાજમાં ફિલ્મનું એક ગીત ખાસ્સું લોકપ્રિય થયું અને સંગીતકાર તરીકે ચિત્રગુપ્તજીને પણ ઓળખ મળી. તેમની સંગીત પ્રત્યેની ઊંડી સૂઝથી પ્રભાવિત થયેલા સચિનદાએ તેમને એવીએમ સ્ટુડિયોઝમાં કામ અપાવ્યું. એવીએમના નેજા હેઠળ તેમણે શિવ ભક્ત, ભાભી, બરખા, મૈ ચૂપ રહૂંગી, મૈ ભી લડકી હૂં જેવી ફિલ્મો માટે સંગીત આપ્યું.

સારા સંગીતકાર હોવા ઉપરાંત ચિત્રગુપ્તજી સારા ગાયક અને ગીતકાર પણ હતા. હિંદી ફિલ્મોમાં ભલે તેઓને સીમિત ફિલ્મોમાં કામ મળ્યું પરંતુ ભોજપુરી ફિલ્મોમાં તેમની ગણના અગ્રણી સંગીતકાર તરીકે થતી હતી. અનેક ભોજપુરી ફિલ્મોમાં તેમણે ગ્રામ્ય સંસ્કૃતિને અનુરૂપ અત્યંત સૂરીલી ધૂનોની રચના કરી.

માત્ર લોકસંગીત જ નહીં, પરંતુ શાસ્ત્રીય સંગીતની પણ તેમને ઊંડી સૂઝ હતી. 'એક રાઝ' નામની ફિલ્મમાં કિશોરકુમારે તેમના સંગીત નિર્દેશનમાં ગાયેલું ગીત, 'પાયલ વાલી દેખના...' સાંભળીએ તો આ વાતની પ્રતીતિ થયા વિના ન રહે.

ભલે નાના બજેટની ફિલ્મો તેમણે કરી, પરંતુ સાહિર લુધિયાનવી, મજરૂહ સુલ્તાનપુરી, આનંદ બક્ષી, પ્રેમ ધવન, રાજેન્દ્ર ક્રિષ્ણ જેવા  એ સમયના નામાંકિત ગીતકારો સાથે કામ કરવાનો તેમને મોકો મળ્યો. ફિલ્મ 'ભાભી'નું અજરામર ગીત, 'ચલ ઊડ જા રે પંછી કે અબ યે દેશ હુઆ બેગાના' હોય કે પછી 'આકાશદીપ'નું 'મુઝે દર્દે દિલ કા પતા ન થા', રાગ માલકૌંસમાં ફિલ્મ 'બડા આદમી'  નું ગીત 'અખિયન સંગ અખિયન લગી', ફિલ્મ 'વાસના' માટે 'યે પરબતોં કે દાયરે' અને 'ઈતની નાજુક ના બનો' - આ બધા રફીસાહેબે ચિત્રગુપ્તજીના સંગીત નિર્દેશનમાં ગાયેલા ચાદગાર ગીતો છે.

1965માં આવેલી ફિલ્મ 'ઉંચે લોગ' અભિનેતા ફિરોઝ ખાનની અત્યંત સફળ ફિલ્મ સાબિત થયેલી. રફીસાહેબ અને ચિત્રગુપ્તજીની જોડીની ઓર એક કમાલ એટલે આ ફિલ્મનું ગીત, 'જાગ દિલે દિલ દીવાના રૂત જાગી'. સોલો ગીતો જ નહીં, રફીસાહેબે લતાજી જોડે 'મૈ ચૂપ રહૂંગી' માટે 'કોઈ બતા દે દિલ હૈ જહાં',  'કાલી ટોપી લાલ રૂમાલ' માટે 'લાગી છૂટે ના', 'ઝબક' માટે 'તેરી દુનિયા સે દૂર'  અને 'આધી રાત કે બાદ' માટે સુમન કલ્યાણપુર સાથે 'બહુત હસીન હૈ તુમ્હારી' જેવા અત્યંત સુમધુર  યુગલ ગીતો પણ ગાયાં છે.  તો ભોજપુરી ફિલ્મોમાં પણ ચિત્રગુપ્તજી અને રફીસાહેબની જોડીએ અનેક કર્ણપ્રિય ગીતો આપ્યાં છે.

પોતાની રચનાઓમાં લોકસંગીત, શાસ્ત્રીય સંગીતના સફળ ઉપયોગ ઉપરાંત તેમણે ફિલ્મ સંગીતમાં અવનવા પ્રયોગો કર્યા. 'દેખો મૌસમ ક્યા બહાર હૈ'(ઓપેરા હાઉસ) અને 'હમ મતવાલે નૌજવાં'(બરખા) જેવા ગીતો સાંભળીએ ત્યારે આ 'વર્સેટાઈલ' સંગીતકારની  પ્રતિભાની એક ઓર સંગીન બાજુનો ખ્યાલ આવે છે. (જો કે, સંગીતમાં વિવિધ પ્રયોગો પ્રત્યેના અભિગમને કારણે જ તેમને એસ. એન. ત્રિપાઠી જોડે મતભેદ થયેલા અને બંને અલગ થઈ ગયેલા!)

14 જાન્યુઆરી, 1991ના રોજ આ ફાની દુનિયા છોડી જનારા ચિત્રગુપ્તજી આજે ભલે આપણી વચ્ચે હયાત નથી પરંતુ ભાભી, એક રાઝ, મૈં ચૂપ રહૂંગી, ઉંચે લોગ, ઓપેરા હાઉસ, વાસના, ઝબક, ગંગા કી લહરેં, આકાશદીપ, પતંગ જેવી ફિલ્મોના તેમના સદાબહાર ગીતોનો જાદૂ આજે આટલા વર્ષો પછી પણ ચાહકોના દિલોદિમાગ પર યથાવત છે. એટલું જ નહીં, તેમના પુત્રો સંગીતકાર બેલડી આનંદ-મિલિન્દે પણ પિતાનો સંગીતમય વારસો યથાવત જાળવ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો