જાન્યુઆરી 11, 2018

ના ઉમ્ર કી સીમા હો...



પ્રેમ કઈ ઉંમરે થાય? હિન્દી ફિલ્મો જ જોતા હો તો એમ માનવા મજબૂર થઇ જાવ કે પ્રેમ તો ફક્ત વૃક્ષોની આસપાસ ગીતો ગાતા કોલેજીયન હીરો-હિરોઈન વચ્ચે જ થાય! પરંતુ હકીકત તો એ છે કે પ્રેમ તો કોઈ પણ ઉંમરે થઇ શકે. બાળપણમાં પાંગરેલો પ્રેમ જીવનસાથી બનાવી દે એવા કિસ્સાઓ બન્યા જ છે તો ઢળતી ઉંમરે અમર્યાદ પ્રેમનો અનુભવ થવો એ પણ કઈ નવું નથી. હિન્દી ફિલ્મોમાં પણ સમયાંતરે આધેડ-યુવાન યુગલની પ્રેમકથાનું આલેખન થયું હોય એવા સુખદ અપવાદ જોવા મળી જાય છે. આવી જ ભૂમિકા ઉપર બનેલી એક સુંદર વિદેશી ફિલ્મ બ્રીઝી(Breezy) અનાયાસે જોવા મળી ગઈ અને એ આપની સાથે share કર્યા વગર રહી શકતી નથી.

ફિલ્મની વાર્તાના બે મુખ્ય પાત્રો છે, ફ્રેન્ક હર્મન (William Holden) અને એલીસ ‘બ્રીઝી’ બ્રીઝરમેન (Kay Lenz). વનપ્રવેશ કરી ચૂકેલો ફ્રેન્ક વર્ષો અગાઉ પોતાની પત્નીથી અલગ થઇ ચુકેલો એક ધનાઢય એસ્ટેટ એજન્ટ છે. વિશાળ મકાનમાં એકલા જ રહેતા ફ્રેન્કને એકલવાયું જીવન જીવવાની આદત થઇ ગઈ છે. એક સીધી જ રેખામાં એની જિંદગી ચાલી રહી છે. કામ અને કામથી કંટાળે તો આંગળીને વેઢે ગણાય એવા બે ચાર મિત્રો કે જેમની સાથે બારમાં બેસીને સાંજનો સમય વિતાવે છે. એકધારી જિંદગી, એકધારા મિત્રો અને એમની સાથેની એ જ એકધારી વાતો. પણ આ બધાથી ટેવાઈ ગયેલા ફ્રેન્કને માટે એવું  લાગે કે જો કદાચ તેના આ રૂટીનમાં કશો ફેરફાર થાય તો કદાચ એ ખુદ અસ્વસ્થ થઇ જાય! એટલી  હદે આ એકધારાપણું તેને વીંટળાઈ વળ્યું છે.

પણ પરિવર્તન એ તો સંસારનો નિયમ છે. એક દિવસ બ્રીઝી નામનું સત્તર-અઢાર વર્ષનું નવયુવાન વાવાઝોડું ફ્રેન્કની એકલવાયી જિંદગીમાં પ્રવેશી જાય છે. હિપ્પીઓ જોડે પોતાનું જીવન પસાર કરતી આ અનાથ યુવતી અને ફ્રેન્કની જીવન શૈલીમાં જ નહીં, જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણમાં યે જમીન આસમાનનું અંતર છે. ફ્રેન્ક જાણે કે એક સ્થિર સરોવરનું બંધિયાર જળ છે તો બ્રીઝી એ જળરૂપી જીવનતત્વથી ભરપૂર બેય કાંઠે છલોછલ વહેતી ઉન્મુક્ત સરિતા... જેના માટે વર્તમાનમાં જીવવું એ જ જીવનમંત્ર છે. ન તો એનો એક અનાથ વ્યક્તિ તરીકેનો ભૂતકાળ એને પીડે છે કે ન તો ભવિષ્યની કોઈ ચિંતામાં એ આજની પળને માણવાનું ચૂકે છે. જીવન પ્રત્યે એક સ્વસ્થ અભિગમ ધરાવતી બ્રીઝીના વિચારોમાં પણ અત્યંત સરળતા છલકે છે. એ પોતાની મનમરજી મુજબ વર્તે છે. કોઈ કામ કરવાથી મળતો તત્કાલીન આનંદ જ એને મન મહત્વનો છે. કોઈ દૂરગામી લાભ માટે કોઈ કામ કરવાનું એના સ્વભાવમાં જ નથી. ન તો એના જીવનમાં કોઈ લક્ષ્ય છે, કે મારે આમ બનવું છે, આ  હાંસલ કરવું છે. આજે આ ક્ષણે જે એની પાસે છે, એ જ એના આનંદનું કારણ છે. આવી અલગારી, મનમોજીલી બ્રીઝી અત્યંત સંવેદનશીલ પણ છે. સડકના એક કિનારે કોઈ વાહનની હડફેટે આવી ગયેલા ઘાયલ કૂતરાને ડોક્ટર પાસે લઇ જઈને એનો ઈલાજ કરાવતી બ્રીઝીની સંવેદનશીલતા દર્શકોને સ્પર્શ્યા વિના રહેતી નથી.

આવી તદ્દન વિપરીત પ્રકૃતિના મનુષ્યો ફ્રેન્ક અને બ્રીઝી એકબીજાને મળે છે અને એવી પરિસ્થિતિઓ નિર્માણ પામે છે કે ફ્રેન્કની લાખ નામરજી છતાં બ્રીઝી એના ઘરમાં જ નહીં, એના જીવનમાં પણ પ્રવેશી જાય છે. બ્રીઝીનો સરળ, સાલસ સ્વભાવ, એની નિખાલસતા, એની બેફિકરાઈ, જીવન પ્રત્યેનો અભિગમ.... ટૂંકમાં બ્રીઝીનું સમગ્ર અસ્તિત્વ, ન ચાહવા છતાંયે ફ્રાન્ક્ના દિલોદિમાગ પર છવાઈ જાય છે. અવશપણે ફ્રેન્ક બ્રીઝીના મોકળા જીવનપ્રવાહમાં વહેવા લાગે છે. બ્રીઝીનું આકર્ષણ ખાળવાની દરેક કોશિશમાં નાકામિયાબ જતો ફ્રેન્ક અંતે બ્રીઝી સામે હથિયાર હેઠા મૂકી જ દે છે. અને ફ્રેન્કની પાનખર સમી જિંદગીમાં બ્રીઝી નામની વસંત પૂરબહારમાં ખીલી ઉઠે છે. ફ્રાન્ક્ના હૃદયની મરૂભૂમિ પર બ્રીઝીના પ્રેમરૂપી અમીછાંટણાં થાય છે અને એક મૂરઝાયેલી, વેરાન જિંદગીમાં ખુશીઓની અગણિત કૂંપળો ફૂટી નીકળે છે.

ખુશખુશાલ ફ્રેન્ક અને બ્રીઝી તેમના આ વિશિષ્ટ સંબંધને ભરપૂર માણે છે. કોઈને પણ ઈર્ષ્યા થાય એવી આનંદમય જિંદગી જીવવાનું તેઓ શરુ કરે છે. ઉમરના અસામાન્ય તફાવતને અતિક્રમીને, ફ્રેન્કની વેરાન જિંદગીને ગુલઝાર કરનારી બ્રીઝીમાં ફ્રેન્ક એ હદે ખોવાઈ જાય છે કે પોતાના જૂના મિત્રોને પણ વિસારી દે છે. પણ આ જ મિત્રો સાથેની પુનઃમુલાકાતમાં ફ્રેન્કને અહેસાસ થાય છે કે આ પ્રેમસંબંધ યોગ્ય નથી!! અને વધારે કશું વિચાર્યા વિના જ ફ્રેન્ક, બ્રીઝીથી સંબંધો તોડી નાખે છે. પણ બ્રીઝીથી અલગ થયા બાદ ખાલીપો અનુભવતો ફ્રેન્ક, પોતાની જિંદગીમાં બ્રીઝીનું મહત્વ સમજે છે અને બ્રીઝીને શોધવા નીકળી પડે છે. કોઈ સ્થાયી આવાસ ન ધરાવતી, હિપ્પીઓના ઝૂંડમાં ફરતી બ્રીઝીને છેવટે ફ્રેન્ક શોધી લે છે.

ફરી એક વાર પોતાની જિંદગીમાં શામેલ થવા માટે હાથ લંબાવતા ફ્રેન્કના પોતાના પ્રત્યેના ખરાબ વર્તનને વિસરી જઈને ખુશખુશાલ બ્રીઝી ફરી એક વાર ફ્રેન્ક સાથે ચાલી નીકળે છે. ત્યારે પોતાના અકડુ સ્વભાવવશ ફ્રેન્ક બોલી ઉઠે છે...

“કદાચ આપણો સાથ એક વરસથી વધારે ન ટકે....”

ત્યારે ખોવાયેલો પ્રિયતમ પાછો મળ્યાની ખુશીમાં અત્યંત ખુશખુશાલ જણાતી બ્રીઝી ના શબ્દો અપ્રતિમ છે.

“એક વર્ષ.... જરા વિચારો તો ખરા... એક આખું વર્ષ.... !!”

અને કદાચ એટલે જ દિગ્દર્શક અહી ફિલ્મનો અંત આણે છે!

https://www.youtube.com/watch?v=F_5c4KFsKIE

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો