જાન્યુઆરી 04, 2018

લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર!



સરળ સહજ શબ્દોમાં, ભાષાનું આભિજાત્ય જળવાય તે રીતે લખાયા હોય તેવા, ગહન સાહિત્યિક મૂલ્ય ધરાવતા હ્રદયસ્પર્શી ગીતો આજે બહુ જૂજ પ્રમાણમાં સાંભળવા મળે છે. કદાચ એટલેજ આજે પણ આપણને ચાળીસ, પચાસ, સાઠના દશકના એ અર્થસભર, મીઠા મધુર ગીતો સાંભળવા ગમે છે.

આજે આ વાત યાદ આવવાનું કારણ એ જ કે, કવિશ્રી ગોપાલદાસ સક્સેના 'નીરજ' પોતાની ઉમરના ચોરાણુંમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. શિક્ષણ અને સાહિત્ય એમ બંને ક્ષેત્રે અનુક્રમે પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા દેશના સર્વોચ્ચ સન્માનથી જેમને નવાજવામાં આવ્યા છે એવા કવિશ્રી 'નીરજ'ની ઓળખાણ આપવી એ સૂરજને આયનો બતાવવા જેવું કામ છે.

4 જાન્યુઆરી, 1925ના રોજ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના એક નાનકડા ગામ પુરાવલીમાં, સાધારણ સ્થિતિ ધરાવતા કુટુંબમાં જન્મેલા 'નીરજ', માત્ર છ વર્ષની વયે જ પિતાને ગુમાવી બેઠેલા. અત્યંત સંઘર્ષમય સંજોગોમાંયે હાઈસ્કૂલની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને, પરિવારના ગુજરાન માટે કામે લાગી જનારા 'નીરજે' લાંબો સમય સામાન્ય ટાઈપીસ્ટની નોકરી કરતા કરતા પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને હિંદી સાહિત્યના વિષય સાથે એમ. એ. ની ડીગ્રી મેળવી.

નાનપણથી જ કાવ્યસર્જનમાં રૂચિ ધરાવતા 'નીરજ', અલીગઢની કોલેજમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા થયા તે પહેલાથી જ કવિસંમેલનો ગજાવતા થઈ ગયેલા. મુંબઈમાં તેમના એક સન્માન સમારંભ દરમિયાન જ તેમની રચનાઓ સાંભળીને આફરીન થઈ ગયેલા દિગ્દર્શક આર. ચંદ્રાએ તેમને પોતાની આગામી ફિલ્મ 'નયી ઉમર કી નયી ફસલ'ના ગીતો લખવા માટે આમંત્રણ આપ્યું! 'નીરજ'એ તેનો સ્વીકાર કરતા, તેમની કેટલીક પ્રારંભિક કાવ્યકૃતિઓનો આ ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો. ફિલ્મ તો ન ચાલી પણ 'નીરજ'ના લખેલા બધા જ ગીત 'હીટ' રહ્યાં. એમાંયે રફીસાહેબે ગાયેલું ગીત 'કારવાં ગુજર ગયા, ગુબાર દેખતે રહે' અત્યંત સફળ રહ્યું. રાતોરાત 'નીરજ' એક સફળ ગીતકાર તરીકે હિંદી ફિલ્મ જગતમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યા!

આમ તો 'નીરજ'ની ફિલ્મી ગીત લેખનની કારકિર્દી બહુ જ ટૂંકી રહી. પરંતુ મજાની વાત એ કે 1967 થી 1972 એટલે કે માત્ર પાંચ જ વર્ષની કારકિર્દીમાં નીરજે લખેલા મોટાભાગના ફિલ્મી ગીતો સફળ રહ્યાં. સળંગ ત્રણ વર્ષ માટે એટલેકે 1970, 1971અને 1972 માટે 'નીરજ'ને સર્વશ્રેષ્ઠ ગીતકાર તરીકેના ફિલ્મફેર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. જ્યાં એક તરફ, રાજ કપૂર અને દેવ આનંદ જેવા કસબીઓએ 'નીરજ'ની પ્રતિભા પારખીને તેમની નવતર પ્રયોગશીલ, ઊંચુ સાહિત્યિક મૂલ્ય ધરાવતી રચનાઓને અદ્ભૂત રીતે કચકડે કંડારી. તો બીજી તરફ ખ્યાતનામ ગાયકોએ પોતાના સ્વર થકી તો એસ. ડી. બર્મન, શંકર જયકિશન, રોશન જેવા સંગીતકારોએ પોતાના સંગીત થકી 'નીરજ'ની પ્રતિભા દેશ-વિદેશમાં વિસ્તારી.

પાંચ વર્ષની અલ્પ કારકિર્દીમાં એકસો ત્રીસ જેટલા ગીતો 'નીરજે' લખ્યાં. તેમાંના લગભગ બધાં જ ગીત સફળતા અને પ્રસિદ્ધીને વર્યા. બાલિશ અને છીછરા શબ્દોને બદલે ગહન વિચારો તેમજ ભાવ અને ઊર્મિની અત્યંત સરળ અને સાહિત્યિક અભિવ્યક્તિ એ 'નીરજ'ની કલમનું સશક્ત જમાપાસું હતું. ફિલ્મી ગીત લેખનની બધી જ વિદ્યામાં પારંગત એવા નીરજની પ્રયોગશીલતાનો આ એક નમૂનો જુઓ:

'ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે, તુઝ કો લિખી રોજ પાતી...
કૈસે બતાઉં કિસ તરહ સે પલ પલ મુઝે તુ સતાતી
તેરે હી સપને લેકર મેં સોયા, તેરી હી યાદોં મેં જાગા
તેરે ખયાલોં મેં ખોયા રહા મેં જૈસે કી માલા મૈં ધાગા
બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર!
ઈતના મદિર ઈતના મધુર તેરા મેરા પ્યાર'

ઈતના મદિર, ઈતના મધુર તેરા મેરા પ્યાર, લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર... ગીતનું આ મુખડું છે, જે પાછળથી ગાવામાં આવ્યું છે, તેમ છતાં ગીતમાં જરા પણ રસક્ષતિ થતી નથી.

પહેચાન, પ્રેમ પુજારી, ગાઈડ, તેરે મેરે સપનેં, શર્મિલી, મેરા નામ જોકર, ગેમ્બલર જેવી મોટા બેનરની ફિલ્મોની સાથેસાથે ચા ચા ચા જેવી સાવ ઓછી જાણીતી ફિલ્મોમાં પણ નીરજે લખેલા મેઘધનુષી ગીતોના રંગો આજે પણ એટલા જ ચમકદાર જણાય છે. નીરજના લખેલા કેટલાક ગીતોની યાદી પર નજર ફેરવીએ તો, શોખિયોંમેં ઘોલા જાયે ફૂલોંકા શબાબ, લિખે જો ખત તુઝે, જૈસે રાધાને માલા જપી શામ કી, બસ યહી અપરાધ મેં હર બાર કરતા હૂં, ધીરે સે જાના ખટિયન મેં, મેઘા છાયે આધી રાત, દિલ આજ શાયર હૈ, જીવન કી બગિયા મહેકેગી, મેને કસમ લી, ફૂલોં કે રંગ સે દિલ કી કલમ સે, રંગીલા રે તેરે રંગ મેં, સુબહ ન આયી શામ ન આયી, વો હમ ન થે વો તુમ ન થે.... એકએકથી ચડે એવા આ સુમધુર ગીતો આજે પણ સંગીતચાહકોના હ્રદયમાં અનેરા સ્પંદનો જગાવી દે છે. પણ આ બધા યે ગીતોમાં શિરમોર સમાન ગીત છે, 'એ ભાઈ જરા દેખ કે ચલો!'

રાજ કપૂર જ્યારે પોતાની જિંદગીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે કે ફિલ્મ 'મેરા નામ જોકર' ના ગીત-સંગીત વિશે નીરજ સાથે ચર્ચા કરી રહ્યાં હતા, ત્યારે નીરજે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા રાજ કપૂરને જણાવ્યું કે, સરકસના જોકરના મુખે, સરકસના મંચ પર જો કોઈ ગીત મૂકવાનું હોય તો એ કંઈક અલગ જ પ્રકારનું હોઈ શકે. રાજ કપૂર જેવા અભિનેતા જ્યારે જોકરનું પાત્ર ભજવી રહ્યાં હોય તો એમાં મામૂલી ઠઠ્ઠા મશ્કરી કે હસી મજાકની વાત ન ચાલે. નીરજે પોતાની કલ્પનાશીલતાનો એક ઓર ઉત્કૃષ્ટ પરિચય આપતું ગીત લખ્યું: એ ભાઈ જરા દેખ કે ચલો... આગે હી નહીં પીછે ભી... દાયેં હી નહીં બાંયે ભી... ઉપર હી નહીં નીચે ભી...

નીરજ જ્યારે રાજ કપૂર તેમજ સંગીતકાર બેલડી શંકર જયકિશનને આ ગીત બતાવવા ગયા ત્યારે શંકર જયકિશનને લાગ્યું કે આ તે કેવા શબ્દો?! આને બંદિશમાં કેમ ઢાળવા? ત્યારે નીરજે પોતે જાતે આ ગીતની ધૂન બનાવી અને સંગીતકારો સમક્ષ ગાઈ સંભળાવી. કમનસીબે એ સમયે 'મેરા નામ જોકર'ને લોકોએ સ્વીકારી નહીં, પરંતુ 'ફ્રીવર્સ લિબરે' જેવી એકદમ નિરાળી શૈલીમાં લખાયેલું આ ગીત લોકજીભે ચડીને અત્યંત લોકપ્રિય બન્યું. ગીતના શબ્દો, ધૂન અને ખાસ તો, સરકસના માધ્યમથી જીવન દર્શન રજૂ કરવાનો વિચાર- બધું જ હટ કે કહી શકાય એવું. નીરજના શબ્દોની જાદૂગરી તો જુઓ:

ગિરને સે ડરતા હૈ ક્યૂં,
મરને સે ડરતા હૈ ક્યૂં,
ઠોકર તુ જબ તક ન ખાયેગા, પાસ કિસી ગમ કો ના જબ તક બુલાયેગા,
જિંદગી હૈ ચીજ ક્યા નહીં જાન પાયેગા,
રોતા હુઆ આયા હૈ રોતા હુઆ જાયેગા...

સરળ શબ્દોમાં જીવનની કઠિન પરિસ્થિતિઓનો સહજ સ્વીકાર કરવાની શીખ આપે એવા આ ગીત માટે નીરજને સો સો સલામ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો