જૂન 21, 2016

અખંડ હેવાતણ



વાતાવરણમાં સખત બફારો હતો.

''ભીમી ઈગ્યારૈશ તો હાવ કોરી ગૈ ને આજ તો પૂયનમેય થૈ ગૈ."

અધરાતે પતરાની ઓરડીની બહાર નીકળીને ખુલ્લી હવામાં મોકળાશથી શ્વાસ ભરતા રમલી બે ઘડી ચાંદનીમાં ઝાકમઝોળ કોરાધાકોર આકાશ સામું જોઈ રહી. આજે સવારથી નકોરડો ઉપવાસ હતો.

'વરતની પૂયનમ રૈયે તો હતીમા અખંડ હેવાતણ રાખે' - આમ કહીને સવિભાભીએ આજે  ધરાર એને વટસાવિત્રી  વ્રતની પૂનમ 'રે'વા'નું નીમ લેવરાવેલુ. 

'ધણી હાટુ હું એક દિ' ભૂયખા નો રે'વાય???' વહેલી સવારે માથાબોળ નહાઈને, પતરાના ટંકમાં સાચવીને મૂકી રાખેલું ઘરચોળું  પહેરીને થાળીમાં પૂજાપો લઈને ઉઘાડા પગે વડલા હેઠે પોતાનો અસબાબ પાથરીને બેઠેલા અદા આગળ 'હાથજોડ' કરાવીને સવિભાભી ને બીજી સ્ત્રીઓ જોડે વડની પૂજા કરતા કરતા એના કાનમાં શબ્દો અફળાતા રહ્યાં.  

'હેવાતણ અખંડ રે ઈ તો મું ય જાણું સુ, પણ આ 'હેવાં' પઈડા હોય ઈનું હું? હાંજ થાય ને હોય એટલાનું ઢીંસી જાય સે. સોકરા નથી તી હારું સે, નૈ તો બાપડા હું ખાત....' મનમાં જ બબડતા,  ફળફળતા નિ:શ્વાસ મૂકીને રમલીએ વડ ફરતે કાચા સૂતરનાં તાંતણાને વીંટતા જઈને પ્રદક્ષિણા કરવા માંડેલી. 

'.......જેવુ સાવિત્રીને વટસાવિત્રી વ્રત ફળ્યું એવું સૌને ફળજો! દિવસ ઉગ્યા કેડે ત્રીજીવાર એકની એક કથા મોઢે જ ગગડાવીને 'વાંચી' જઈને 'અદા' એ  દક્ષિણાના રૂપિયો બે રૂપિયો લેવા માટે અબિલ ગુલાલ કંકુ વેરેલી ઘોબા વાળી થાળી આગળ કરી. 

'દખણા દેતા જાયજો, દખણા દીધા વયના વરત ફળશ્યે નૈ....' - બધી સ્ત્રીઓની જવાબદારી પોતાના પર હોય એમ સવિએ હાકોટો કર્યો.  ...

ગઈકાલ રાતના ખાધેલો  સુકો રોટલો ને પાણી જેવું  શાક તો રાતે ને રાતે હજમ થઈ ગયેલા. આજ સવારથી ભૂખ્યા પેટે આઠ  ઘરના કામ કરીને આવ્યા પછી સાંજે તો જરીકેય હામ નહોતી. માંડ માંડ જીવલા સારુ બે રોટલા ઢીબીને રમલીએ સોડ તાણી લીધેલી. પાણી પી પી ને દિવસ કાઢયો. હવે રાત નીકળી જાય એટલે ભયો ભયો! 

મોડી રાતે બે કોથળી ઠપકારીને આવેલો જીવલો ઢાંકેલી થાળી ઉંચકાવીને ટેસથી જમ્યો. આજે એક્કો દુગ્ગી તીગ્ગીમાં એનો આંકડો લાગી ગયેલો. નહીં તો કાયમ આંકડામાં પૈસા ગુમાવીને ઘરે આવીને એ રમલીને ગડદાપાટુ કરીને પૈસા પડાવીને પીવા જતો. આજે પોતાના પૈસે પીધાના ગુમાનમાં એણે દીવાલ તરફ મોં કરીને ટૂંટિયું વળીને સૂતેલી રમલી સામું જોયું પણ નહીં. બે'ક ઘરેથી રમલીને વાળુમાં વધ્યું ઘટ્યું ખાવાનું ય મળતું. એ બધું ય સફાચટ કરીને દરવાજા વચ્ચે બેઠે બેઠે જીવલાએ બીડી જગાવી. આખી ઓરડીમાં બીડીના ધૂમાડાની કડવાટ પ્રસરી ગઈ. 

'બાર્ય જયીને ધુંવાડા કાયઢને....' આખા દિવસના કામથી થાકેલી, ભૂખથી ટળવળતી રમલીએ છાતી પરથી ઉતારી નાખેલા  સાડલાના ગંધાતા છેડાથી ચહેરો ને ડોક લૂછીને આંખો મીંચીને ઊંઘી જવા કોશિશ કરી. એમ ઊંઘેય કયાં આવે એમ હતી? રમલીના બોલવા પર  ધ્યાન દીધા વિના, ત્યાં જ બેઠે બેઠે ઉપરાછાપરી કશ મારીને બીડીના ઠૂંઠાને બહાર ફગાવી દઈને જીવલો રમલીના પડખામાં ભરાયો. ઘડીભર આમતેમ હાથ પસારીને એ ચત્તોપાટ સૂઈ ગયો. બહારથી એકધારા આવતા તમરાંના અવાજ સાથે એના નસકોરાંનો ભયાનક અવાજ સૂર પૂરાવી રહ્યો. રમલીની આંખમાંની રહીસહી ઊંઘ પણ ઊડી ગઈ. કયાંય લગી એણે પડખાં ફેરવ્યે રાખ્યા. બે ફેરે તો ઊભા થઈને કળશ્યો ભરીને પાણી ય પીધું. પેટની આગ તો મંદ પડી ગઈ પણ પેચુટી માથે દબાણ વધી ગયું. હળવેક રહીને એ ઊભી થઈ. 

ઉઘાડા દરવાજામાંથી ઓરડીમાં રેલાતા ચંદ્રકિરણોના આછા અજવાળે એણે એક નજર આરામથી ઘોરતા જીવલા સામું જોયું. જરીકેય અવાજ ન થાય એની તકેદારી રાખીને ઓરડીની બહાર આવીને આમતેમ જોતા જોતા ડગ ભરવા માંડયા. કોઈ જોતું તો નથી ને, એની ખાત્રી કરીને, એકબીજાને અડોઅડ, ખીચોખીચ ઊભી કરાયેલી પતરાની ઓરડીઓની લગારની પછીતે એ હળવેકથી સરી ગઈ.  ઓરડીની પછીતે માંડ દસ બાર ડગલા છેટે શહેરની ગંદકીને લઈને બારેમાસ વહેતા  વોંકળાનું કાળુમેંશ, ગંધાતું પાણી, ચાંદનીના તેજને પોતાના મલિન કલેવરમાં રહેંસી નાખતુ હોય એમ ખળ ખળ વહેતું રહ્યું!  

'થૂં' કરતા થુંકીને રમલી લૂગડા સંકોરીને અધૂકડી બેસી ગઈ. 'ખાલી પેટે હત્તર વાર જાવું પડે! પોતે જ સાંભળી શકે એમ  બબડતા એ ઊભી થઈ. અચાનક એક તરફથી ઠંડા  પવનની લહેરખી આવી. 'હાઈશ!' બોલતાકને એણે ઊંડો શ્વાસ ભર્યો! પવનમાં ભળેલી માટીની ભીની ભીની મહેકથી એનું મન તરબતર થઈ ગયું! 'મારો વાલિડો! આયજ વરહે તો સે કયાંક!' સ્વગત બબડતા એણે આકાશ તરફ મીટ માંડી. ચોખ્ખાચણાક આકાશમાં કયાંકથી ઝીણી ઝીણી વાદળીઓ ચડી આવી હતી. હાથ એકની થાળી જેવડા ચાંદાને જોઈને ન જાણે કેમ પણ એના હૈયામાં અનેરો આનંદ છવાયો.

'સાંદો ઉયગો સોકમાં ઘાયલ સાંદો ઊયગો સોકમાં..... હે લે'રીડા... લે'રીડા.... હે લે'રીડા.... હર્ણયુ આથમી રે હાલાર શે'રમાં અરજણીયા.....' 

બંને હાથ એક જ તરફ કેડે ટેકવીને ઊભા ઊભા પગની પાની ઠપકારતા એ ઝીણા અવાજે ગણગણતી રહી. કાળઝાળ ગરમીથી તપ્ત અને ભૂખથી ત્રસ્ત એના શરીર પર જાણે ચાંદનીનો શીતળ લેપ લગાવ્યો હોય એમ રાહતની લાગણી ફરી વળી. એમ જ કેટલીયે પળો વીતી એનું એને ભાન ન રહયું. દૂર ક્રોસિંગ નજીકથી ટ્રેન પસાર થઈ કે એના કાન ચમક્યા! 'તઈણ વાગી ગ્યા! કયુની આયા ઊભી સુ! કાય ખબર્ય જ નો રઈ...' બોલતા એ ઝડપથી ઓરડીમાં પાછી વળી અને અર્ધો કળશ્યો પાણી ગટગટાવી જઈને  જીવલાની પડખે જઈને આડી પડી. 

ઘડીભર પહેલાની ઠંડક ઓરડીની ગરમ હવામાં ચપટી વગાડતા જ ઊડી ગઈ. જો કે, એની આંખમાં તો ઘડીભર પહેલા ઝિલાયેલું પૂર્ણ ચંદ્રનું પ્રતિબિંબ હજુયે એના કાળજાને ઠંડક આપી રહ્યું હતું. એના હોઠ આછું આછું મલકી રહ્યાં હતા. અચાનક એક કાળોમેંશ ઓળો એના ચહેરા પર ઝળૂંબી રહ્યો. ક્ષણવારમાં એના ચહેરા પરનો મલકાટ ગાયબ થઈ ગયો. એ હડબડાઈને ઊભી થવા ગઈ પણ જીવલાએ દાંત ભીંસીને એના સૂકાભઠ્ઠ વાળને મુઠ્ઠીમાં પકડી રાખેલા. 

'રાં.... છિનાળ.... અટાણે અહૂર વેળાએ કયાં હાલી મયરી'તી રાં.... કેની હાયરે મોઢું કાળું કરવા ગઈતી ભાયડાને હુતો મેલીને...રાં....' આંખોના ડોળા ફાડીને અસ્ખલિત ગાળો બોલ્યે જતા જીવલાની પક્કડમાંથી છૂટવા તરફડિયા મારી રહેલી રમલીની આંખમાં આંસુ તગતગી  ઉઠયા. આ કાંઈ આજકાલની વાત નહોતી. પરણીને આવ્યા પછી ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે કે જીવલાએ એના પર હાથ ન ઉપાડ્યો હોય. 'ફાટય ડાસામાંથી.... કયાં મયરી'તી.... એક હાથમાં પકડેલા માથાના વાળને ઓર સખ્તાઈથી પકડતા બીજા હાથે રમલીના જડબાને અંગુઠા અને આંગળીઓ વચ્ચે દબાવીને હચમચાવતા જીવલાએ ગોઠણ વતી એની જાંઘો પર દબાણ વધાર્યું. ભોંય પર અધૂકડી બેઠેલી રમલીના ગળામાંથી મ.... મ....પ.... જેવો અસ્પષ્ટ ઉદગાર નીકળ્યો. એક હાથની ટચલી આંગળી ઊંચી કરીને એ સંજ્ઞા કરતી રહી. જીવલાનું ધ્યાન એ તરફ દોરાયુ એટલે જડબુ તો મૂકી દીધું પણ જોરથી વાંસામાં એક ધબ્બો ઠોકી દીધો. 'રાં..... તારા બાપને મૂરખ બનાવે સે?' 

'હાસુ કવ સું. કયાય નો'તી ગય..... આજ ઉપ્પાસ રઇ સું તો ખાલી પેટે પાણી પી પી ને બો વાર જાવું પડે સે.....' રમલી કરગરતા અવાજે બોલી રહી. 'આ હૂકલ ઠૂંઠા જેવી કાયા હામું તો જો. કોણ હાથ અડાડવા આવતુ હયશે?

'કોક તો આવતુ હયશે ને...  અમથી અધરાતે ઘરબારી નિકરી'તી....છિનાળ.... કહેતા જીવલાએ હાથમાં પકડેલા વાળને એકદમ છોડી દીધા. નીચે પટકાયેલી રમલીના મોં પર એ હાક.... થું કરીને થૂંકયો. 
એક હાથ માથા નીચે દબાવીને પડેલી રમલીએ બીજો હાથ ચહેરા પર ફેરવીને થુંક હટાવ્યું. અચાનક એ બેઠી થઈ ગઈ. 'હા, જાઉં સું કોઈને મળવા.... તને ય ખબર્ય જ સે તો હોધી લેજે કે કયાંકે જાઉં સું. કોથળી ઢીંસીને આયા પસી તારામાં તો કયાં તેવડ હોય સે?'

'સાલી..... કમજાત.... તું હું એમ હમજે સે કે પીધા પસી હું મરદમાં નથી હોતો?' 

'બાયલા.... ઈ યે મારે તને કેવુ જોસે? પીધા પસી હું, પીધા મોર્યેય તું  કે'દિ' મરદમાં હતો?'  - હાંફતી છાતીએ ફાટેલી આંખે જીવલા સામું જોઈ રહેલી રમલી એટલું જ બોલી ત્યાં પડખે જ પડેલો કમાડને અફળાતું અટકાવવા રાખેલો મોટો  પથ્થર  બે હાથે ઊંચકીને જીવલાએ રમલીના માથા પર ફટકારી દીધો! 

વહેલી સવારે આછા અંધકારમાં પરવારવા જઈ રહેલી સવિભાભીએ દોડીને ભાગતા જીવલાને જોઈ લીધો. બેય માણસની ખટપટ, ઝઘડા અને મારપીટના અવાજો કંઈ આજકાલના તો નહોતા તો યે કૂતુહલવશ સવિએ રમલીની ઓરડીમાં ડોકિયું કર્યું અને..... 

સરકારી હોસ્પિટલમાં માથે પાટો બાંધીને સૂતેલી રમલીએ છેક બીજે દિવસે સાંજે આંખો ઉઘાડી હતી. એના કૃશ શરીરમાંથી ખાસ્સું લોહી વહી ગયા પછી પણ એનું આમ ભાનમાં આવવું જાણે કે મોટો ચમત્કાર હતો! પોલીસકેસ થયો હતો. સવિ અને બીજા લોકોએ પણ જીવલાનું નામ લીધું હતું. ચોકીમાં પૂરાયેલા જીવલાની સારી એવી ધોલધપાટ કરવામાં આવેલી. ભાનમાં આવેલી રમલી એકવાર જીવલાનું નામ દઈ દે કે પૂરું. સજ્જડ કેસ તૈયાર જ હતો. 

'સાયેબ.... હું અંધારે અંધારે પરવારવા જાવા હારુ ઊઠી'તી. આયગલા દિ'નો ઉપ્પાસ હતો તી સકર આવી ગ્યા ને હેઠી પયડી. મરી ગ્યો પાણો ન્યાં જ હેઠે હસે ઈ મને ખબર નૈ. મારો વર જીવો તો ઘરમાં ય નોતો. ઇનો કાંય વાંક ગનો નથી સાયેબ.... કટકે કટકે ત્રુટક ત્રુટક અવાજે રમલી આટલું માંડ માંડ બોલી શકી. નિવેદન પર એના અંગુઠાની છાપ લઈને પોલીસ ઓફિસર રવાના થયા. બીજી જ પળે રમલીએ આંખો મીંચી દીધી.... સદાને માટે!

4 ટિપ્પણીઓ: