જુલાઈ 11, 2015

એક વરસાદી સાંજ.....




પ્રિયમ,

આજ સવારથી જ અષાઢી માહોલ છવાયો છે. ઠંડી ઠંડી હવાની લહેર વહી રહી છે ને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મનના કોઈ ખુણે કોઈ ધૂન વાગી રહી છે.

તને યાદ છે, એ દિવસે પણ સવારથી જ આમ જ ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. હું ઇચ્છતી હતી કે તું આ માહોલમાં મારી સાથે જ હોય. સવારથી તને કેટ-કેટલા ફોન કર્યા, મેસેજ કર્યા પણ એકપણ જવાબ નહીં. ન જાણે તું ક્યાં ગુમ હતો?

ને અચાનક જ, બંધ દરવાજાની પેલે પાર, તારા આગમન ની તીવ્ર અનુભૂતિ થઈ આવી.
દોડી ને મેં દરવાજો ખોલ્યો. ટકોરો મારવા માટે ઊંચકાયેલો તારો હાથ એમ જ તોળાઈ રહ્યો ને ચાર આંખો નું તારામૈત્રક રચાયું ને દરવાજામાં જ જાણે આનંદનો સાગર હિલ્લોળાયો. તારો હાથ મારા ડાબા કાનની બૂટ ને સહેલાવતો રહ્યો ને હું તારી આંખોમાં ઘૂઘવાતા લાગણીના પૂર માં આકંઠ ડૂબતી રહી.

‘ચલ બહાર જઈએ...’ તારો અવાજ કાને પડ્યો ને અચાનક જ હું સભાન થઈ. કંઈક અવશ કરી દે એવું સંમોહન છે તારા સ્વરમાં... તારા સ્પર્શ માં...

‘એક મિનિટ...’ કહીને હું બેડ રૂમમાં ઘૂસી ગઈ. આદમ કદ ના આયના માં એક નજરે મારી જાતને નીરખી. આંખમાં કાજળ ની એક લકીર ખેંચી અને હોઠ પર લિપસ્ટિક નો એક આછો લિસોટો... ને વાળને નિતંબ પર હિલ્લોળાતા જ છોડીને, સફેદ સલવાર કમીઝ પર આસમાની દુપટ્ટો ઓઢી ને નીકળી પડી તારી સાથે.

હાઈવે તરફ પૂરપાટ દોડી જતી બાઈક પર, તને ચપોચપ ચીપકી ને, કસોકસ પકડીને બેઠે બેઠે તારા કાન ઉપર મોં રાખી ને હું ન જાણે કેટલી ય વાતો કહેવા માગતી હતી, જે તું વિના બોલ્યે તારી પીઠ પર અથડાતા મારા હૃદય ના ધબકારાને ઝીલતો સાંભળી રહ્યો હતો.
શહેર ના છેવાડે પહોંચી ને, બાઈક એક તરફ પાર્ક કરીને તેં મારી સામું જોઈને રસ્તાની એક તરફ ચાલવા માંડ્યું. ખાસ કોઈ અવર જવર વિના ના રસ્તે, દૂર દૂર એકલ-દોકલ પાન નો ગલ્લો અને ચા ની કૅબિન દેખાતા હતા.

ઉફ્ફ... તારી ઝડપે ચાલવા નું હું ક્યારે શીખી શકીશ? પણ ત્યાં સુધી તો જરા ધીરે ચાલ! રેસ માં ઊતર્યો છે કે શું? ઝરમર વર્ષા માં પલળી ને સહેજ ભીના થઇ ગયેલા ચહેરા પર હળવેથી દુપટ્ટો ફેરવતી હું રસ્તાની ધારે ઊભી રહી ગઈ હતી ને જરા ચિડાઈ ને બોલી હતી.

તું સહસા ઊભો રહ્યો. પાછળ ફરીને મારી સામું જોયું અને મીઠું હસતો મારી તરફ પાછો ફર્યો. હાથ લંબાવી ને મારો હાથ તારા હાથમાં લીધો અને મૃદુ અવાજે બોલ્યો, ‘સોરી જાના.. તું સાથે હોય છે ત્યારે એટલો ઉત્સાહિત થઈ જાઉં છું કે...’ ને તું પૂરું બોલી રહે તે પહેલાં જ વરસાદ નાં ઝીણાં ઝીણાં ટીપાં મોટા મોટા ફોરાં માં બદલાઈ ગયા. સમી સાંજમાં જ જાણે અંધારું છવાતું લાગ્યું. મારો હાથ પકડીને તેં પેલી ચા ની કૅબિન તરફ ચાલવા માંડ્યું.

ઝટઝટ ચા ની કૅબિન પર પહોંચી ને તાડપત્રી ની છાપરી નીચે ઊભા રહીને તેં મારી સામું જોયું પણ હું તો છાપરી ની કોરે થી લગાતાર ટપકી રહેલા મોતી જોવામાં મશગૂલ હતી. પ્રાઇમસ ના કર્કશ અવાજ સાથે ઊકળતી ચા ની સોડમ હવામાં પ્રસરી રહી હતી. ચા વાળા સામે જોઈને તે બે ચા નો ઈશારો કર્યો. એણે જવાબમાં ડોકું હલાવ્યું. એણે પ્રાઇમસ બંધ કરીને કાચ ના બે ગ્લાસ માં ચા ભરીને તને આપ્યા. અને પછી એ પોતાની જગ્યાએ જઈને બેસી ગયો.

છાપરી નીચે પહોંચતાં સુધીમાં આપણે બંને ખાસ્સા પલળી ગયેલા. ચા ની ચુસ્કી ભરતા ભરતા તું મને એવી નજરે જોતો હતો કે જાણે નજર થી મને પી ન રહ્યો હોય! સહસા મેં દુપટ્ટો ઉર પ્રદેશ પર ખેંચી ને વ્યવસ્થિત કર્યો. તો ય તારી નજર જાણે મને આરપાર વીંધી રહી હતી!

પ્રાઇમસ બંધ થવા ની સાથે જ, ચા ની કેબિનમાં એક ખુણે વાગી રહેલા રેડિયો નો અવાજ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. કોઈ મહિલા અનાઉન્સર મધુર અવાજે કહી રહી હતી. ‘‘રાજ્યમાં ચોમેર વર્ષાનું સામ્રાજ્ય છવાયું છે. આકાશમાં નજર પડે ત્યાં સુધી ઘનઘોર કાળાડિબાંગ વાદળો સર્વત્ર છવાયેલા છે. કદાચ, આ વાદળો ને વરસતા જોઈને જ આ કજરી ની રચના થઈ હશે. તો ચાલો સાંભળીએ...”

અને આપણે બંને એ ગરમ ચા ની ચુસ્કી લેતાં લેતાં, એકબીજા સામે જોતાં જોતાં, બહાર વરસતા વરસાદ માં ભીતરે જલતી આગ વધુ પ્રજ્વલિત થઈ રહી હતી ત્યારે આ કજરી સાંભળી હતી.

આજે પણ મારા મનના રેડિયો પર એ જ કજરી વાગી રહી છે. આજે પણ ચા ના મગ માંથી સોડમ પ્રસરી રહી છે. આજે પણ બહાર અનરાધાર વરસાદ છે. ફરક માત્ર એટલો જ છે કે આજે તું મારી સમીપ નથી. આ પાગલ છોકરીની ભીતર તારા વિયોગ ની આગ છે.... બીજું તો શું લખું તને... સમજદાર છે તું...









કજરી...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો