જૂન 21, 2015

ઝાંઝવામાં ડૂબી નાવ....





એ દિવસે વાતાવરણમાં સખત ગરમી હતી. ઑફિસ થી નીકળતા જ છ ને દસ થઈ ગયેલી. સાડા છ ની બસ ચૂકી જાઉં તો એક કલાક મોડો ઘેર પહોંચું. ઑફિસથી બસસ્ટોપનું સહેજે દસ મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ કાપતાં મને આજે પંદર મિનિટ થઈ ગઈ. બસ હજુ આવી નહોતી. લાઈન ખાસ્સી લાંબી હતી. બસ આવીને સ્ટોપથી જરા આગળ ઊભી રહી. ધક્કામુક્કી કરતા ટોળા સાથે હું પણ બસમાં ધકેલાયો. ભરચક ભરેલી બસ માં ઊભા રહેવાની ય જગ્યા માંડ માંડ મળી.

આજે સવારથી જ તબિયત જરા નરમ લાગતી હતી. ચાલતા આવીને પછી ધક્કામુક્કી કરીને બસમાં ચડતા ખાસ્સો શ્રમ પડ્યો હોય એવું લાગતું હતું. જાણે મેરેથોન દોડી ને આવ્યો હોઉં એમ મોં ખુલ્લું રાખીને હું જોર જોર થી શ્વાસ લેતો રહ્યો. આખો ચહેરો પસીનાથી તરબતર થઈ ગયેલો. અચાનક કોઈએ મારા શર્ટ ને પાછળથી ખેંચ્યું. મેં ફરીને જોયું તો કોઈ યુવતી પોતાની સીટ પર મને બેસી જવા માટે ઈશારો કરી રહી હતી. કદાચ એને આગલા સ્ટોપ પર ઊતરી જવાનું હશે એમ વિચારી ને હું બેસી ગયો અને એ યુવતી બસ ની ભીડમાં ઊભી રહી ગઈ. એના ચહેરા પરથી લાગતું હતું કે એ આસપાસ ના કોલાહલ ને અવગણી ને કાનમાં ખોસેલા ઈયરપ્લગ માંથી વહેતું સંગીત માણવા માં મસ્ત હતી. આગળના સ્ટોપ પર કેટલાક મુસાફરો ઊતરી ગયા અને થોડા ચડ્યા. બસ ની ભીડ જરા ઓછી તો થઈ પણ બેસવાની જગ્યા તો હજુ ય ભરેલી જ રહી. પેલી યુવતી, સામેની સીટ પર બેઠેલી કોઈ જાડી મહિલા ની બાજુમાં સાંકડ-માંકડ બેસી ગઈ હતી. એનું ધ્યાન મારા તરફ પડતા જ  આભાર ભર્યું સ્મિત મારા ચહેરા પર ફરકી ગયું. એણે જરા જેટલા હોઠ પહોળા કર્યા તે સાથે જ એના ચહેરા ની સાથે આંખો પણ જાણે મલકી ઊઠી. મને દૂરદર્શનની એક જમાનાની એનાઉન્સર સાધના શ્રીવાસ્તવ યાદ આવી ગઈ! બેસવાની જગ્યા મળી જવાને કારણે અને બારીમાંથી આવતા પવનને કારણે મને સારું લાગતું હતું. પણ જે હાલતમાં બસમાં ચઢ્યો હતો એ હાલતમાં ઊભા ઊભા કઈ રીતે ઘરે પહોંચ્યો હોત, એ વિચાર આવતા જરા ધ્રુજારી આવી ગઈ. બસમાંથી ઊતરીને પણ પાછું આઠ-દસ મિનિટ ચાલતા જવાનું. સંચાલકોએ સોસાયટી ની લિફ્ટ પણ દિવસ દરમ્યાન બંધ રાખવા નો તઘલખી નિર્ણય કરેલો. તો ચાર માળ ચડીને જવાનું... ભગવાન! શું હાલત થઈ હોત મારી! ટેક્સી જ કરી લેવાની જરૂર હતી મારે…

મનમાં ને મનમાં જાતને કોસતા મેં ફરી એ યુવતીની તરફ જોયું. એ એના સ્માર્ટ ફોન પર કશું જોવામાં મગ્ન લાગી. હું આજુબાજુ વાળા ની પરવા કર્યા વિના એ યુવતીનું નિરીક્ષણ કરવા લાગ્યો. આમ તો ખાસ ગોરી દેખાતી નહોતી. જરા ભીનેવાન પણ ભારે નમણાશભર્યા એના ચહેરાની ત્વચા એકદમ ચમકદાર હતી. ડાઘાડૂઘી વિનાની સ્વચ્છ અને સુંવાળી જણાતી હતી. સુરેખ નાક ને કાળી ગોળ આંખો. સહેજ ગુલાબી ઝાંય વાળા, લિપસ્ટીક લગાડ્યા વિનાના હોઠ. ગરદન પાસે નાનકડા બટરફ્લાયમાં જકડેલા જથ્થાબંધ વાંકડિયા વાળ. એના વાંકડિયા વાળની બે ચાર લટો ગાલ પર ઝૂલતી હતી. ટાઈટ જિન્સ અને સફેદ એમબ્રોયડરી વાળા શોર્ટ સ્લીવ ટોપ માંથી ઊભરાતા એના કમનીય વળાંકો જોનાર ની નજરને ઘડીકમાં પાછી ન જ વળવા દે.

કલાકેક ની કંટાળાજનક મુસાફરી જાણે ગણતરીની સેકન્ડમાં પૂરી થઈ ગઈ! મારે ઊતરવાનું સ્ટોપ આવી ગયું. પાછળથી ઊતરનારા મુસાફરો આગળ આવીને ઊભા રહી જવા માંડેલા. હું પણ ઊભો થઈ ગયો. બસની ભીડને ચીરી ને સામેની તરફ બેઠેલી એ મને દેખાય એ શક્ય નહોતું. અન્ય મુસાફરોના ધક્કાથી આગળ ધકેલાતા ધકેલાતા હું પણ આગલા દરવાજે પહોંચીને ઊતરી ગયો. નીચે ઊતરીને મેં એ બેઠી હતી એ જગ્યા પાસેની બારી તરફ નજર દોડાવી. હું કશું જોઈ શકું એ પહેલા જ બસ રવાના થઈ ગઈ. કંઈક ખિન્ન મને હું ઊભો રહ્યો. હવે ચાલવાના હોશ નહોતા. ઓટો કરીને ઘેર પહોંચવું જ હિતાવહ હતું. આ સમયે ખાલી ઓટો મળવી જરા મુશ્કેલ. મેં આમતેમ નજર કરી. મારા આશ્ચર્ય વચ્ચે એ આગળ ચાલી જતી હતી! મારા ઘરથી વિપરીત દિશામાં. હવે શું કરવું? રસ્તા પર કંઈક અવઢવ માં હું પળ બે પળ ઊભો રહ્યો ત્યાં તો તે નજર થી ઓઝલ થઈ ગઈ. આમતેમ ફાંફા મારીને મેં એક ઓટો પકડી ને ઘર તરફ રવાના થઈ ગયો!

ઘરનું  તાળું ખોલીને પંખો ફૂલ સ્પીડ પર મૂકીને જેમતેમ શર્ટ ના બટન ખોલીને મેં ખુરશીમાં પડતું મૂક્યું. પળવાર માટે આંખો મીંચીને દિમાગ ને શાંત કરવા હું મથી રહ્યો. પણ આંખ સામે વારે વારે પેલી છોકરીનો ચહેરો જ આવી જતો હતો. ઘડીકમાં એ મારી સામું જોઈને હસતી હતી તો ઘડીકમાં બસમાંથી ઊતરીને ભીડમાં ગુમ થઈ જતી હતી. ખબર નહીં મને આ શું થઈ રહ્યું હતું. શ્રોફ એન્ડ અસોસિએટ્સની પેઢી કે જ્યાં હું ચીફ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરું છું ત્યાં ઘણી સ્ત્રીઓ કામ કરે છે. પણ મારે ભાગ્યે જ કોઈની સાથે સીધા કે આડકતરા સંપર્ક માં આવવાનું થતું. છેક અઠ્ઠાવીસ ની વયે, મારા બાપુજી ના ગુજરી ગયા પછી એમની જગ્યાએ મને નોકરી મળી હતી. બાપુજી મારા જન્મ પહેલા પાલનપુર થી મુંબઈ આવીને વસેલાં. હું એમ.કોમ. ના પ્રથમ વર્ષમાં હતો ને એમને પેરેલિસિસ નો એટેક આવેલો. હું એમનું એક જ સંતાન. બાઈ ને  - મારી મા ને હું બાઈ કહેતો- બહુ અરમાન હતા મને પરણાવવાના. પણ મારું આગળ ભણવાનું સ્વપ્ન ને બાઈના મને પરણાવવાના અરમાનો બાપુજી ની બીમારીમાં હોમાઈ ગયા. પાંચેક વર્ષનો મંદવાડ બાપુજી ની વર્ષો ની બચત ખાઈ ગયો. ઉપરાંત થોડું કરજ થયું તે જૂદું. જો કે, નસીબની બલિહારી કે બાપુજી ના ગયા પછી મને તરત જ એમની જગ્યાએ નોકરીએ રાખી લેવામાં આવેલો. પણ ત્યારે પગારની ત્રીજા ભાગની રકમ કરજના હપ્તા ચૂકવવામાં જતી રહેતી. બાપુજીના ગયા પછી બાઈ પાંચેક વરસ રહી. અને એક દિવસ એ પણ મને આ ફાની દુનિયામાં એકલો મૂકીને ચાલી ગઈ.

મારે માથે છત હતી. કાયમી કહેવાય એવી નોકરી હતી. થોડો સમય બાઈનો વિરહ મને ખૂબ સાલ્યો. પછી ધીરે ધીરે બધું સામાન્ય થતું ચાલ્યું. મારા ખપ પૂરતું હું બે ટંક જાતે રાંધી લેતો. બાઈની સુઘડતા અને ચીવટ વારસામાં મળેલા. એકલ હાથે પણ હું ઘરને સરસ સંભાળી શકતો. હા, જાત ક્યારેક વિચારોના વમળમાં ગોથાં ખાતી,  ત્યારે એને સંભાળવી બહુ મુશ્કેલ લાગતી. મને પણ થતું કે કોઈ મારું પોતાનું કહેવાય એવું મારી સાથે હોય. મારો ય એક નાનકડો પરિવાર હોય. વેવિશાળ કેન્દ્ર ચલાવતા મારા એક દૂરના સગાએ મારું ઘર મંડાય એવા ભરચક પ્રયત્નો કરી જોયા. પણ કેમેય મેળ જ ન પડ્યો. કદાચ, એક ખાનગી પેઢી માં ટાંચા પગારે નોકરી કરતા મારા જેવા એકલા માણસને દીકરી આપતા ઘણા માબાપનો જીવ નહોતો ચાલતો. એક બે ત્યક્તા કે વિધવા સ્ત્રીઓના માગા પણ આવેલાં. પણ ન જાણે કેમ, ત્યારે મને એ ગોઠેલું નહીં. એકલતાની હદ ગુંગળામણ સુધી વધતી ચાલી. રાત પડ્યે મારા ઘરની દીવાલો મને ખાવા ધાતી. ચાર દીવાલો ની વચ્ચે હું એકલો અટૂલો ધીરે ધીરે ભીંસાતો જતો હોઉં એવી અનુભૂતિ મને રોજ રાત્રે થતી. વાંચનના શોખ ના કારણે એમાં રાહત રહેતી. ઘરકામ, નોકરી અને વાંચન - આ ત્રણ બાબતોમાં જાતને મેં એવી તો ખૂંપાવી દીધેલી કે બાઈના ગયા પછીના વીસ વર્ષ ક્યાં વિતી ગયા એ પણ મને ખબર ન રહી. બાવનમું બેસી ગયું ગયા શ્રાવણમાં. કદાચ યોગ્ય ઉંમરે પરણી ગયો હોત તો એ છોકરી જેવડી ઉંમરના સંતાનો ય હોત. દિવસો, મહિનાઓ જ નહીં - વર્ષો વિતતા ગયા. મારી એકાકી જિંદગીમાં હું ગોઠવાઈ ગયેલો.

શરીરમાં સખત બેચેની લાગતી હતી. એકાદ દિવસની રજા મૂકીને બધા રિપોર્ટ કરાવવા જવું પડશે- મનોમન વિચારતાં મેં ચા ઉકળવા મૂકી. ચા ને ખાખરા ખાઈને જ હું સૂઈ ગયો. આજે કશું બનાવવાની ઈચ્છા નહોતી. બહાર પણ જવાની હામ નહોતી. પાંચ નવકાર ભણીને મેં પથારીમાં લંબાવ્યું. વહેલી પડે સવાર!

બીજી સવારે રોજ કરતા કંઈક વહેલો જ હું ઊઠી ગયો. દૂધ લેવા ગયો ત્યારે કોઈ દિવસ નહીં ને આજે પહેલી વાર ત્યાં ઊભેલી સ્ત્રીઓ ધ્યાનમાં આવી. એમના ચહેરા સામું જોયું- અનાયાસ જ જોવાઈ ગયું. ક્યાંક પેલી છૂપાઈને જોતી તો નથી ને આ બધાની વચ્ચે.... એવો બાલિશ વિચાર મનમાં આવી ગયો! તૈયાર થઈને બસ સ્ટોપ પર થોડો વહેલો જ પહોંચી ગયો. મારી નિયત સમયની બસ આવીને ચાલી ગઈ તો ય હું થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. વીસેક મિનિટ આમતેમ ડાફરિયા મારીને અંતે ચોથી ભરચક ભરેલી બસ નો ડંડો પકડીને લટકી ગયો! કોલેજ સમયે શોખથી શરૂ કરેલી કસરત, સમય જતા આદત બની ગઈ હતી. ને બાઈ હતી ત્યાં સુધી જ નહીં, તે પછી પણ આજ દિન સુધી ઘરના રાંધેલા સાદા નિયમિત ખોરાકને લીધે હજુ ય બાવડામાં એટલું જોર ખરું કે આમ લટકીને બસની મુસાફરી કરી શકું!

સાંજે ઑફિસથી થોડો વહેલો નીકળીને બસસ્ટોપ પર આવીને ઊભો રહ્યો. ક્યાંક મારી પહેલા આવીને એ નીકળી ન જાય! આમ તો, એના આવવા જવાના સમયની મને ક્યાં ખબર હતી! એના વિશે બીજી કશી પણ ખબર નહોતી. બસ, એક ખૂબસૂરત સ્વપ્નની માફક એની છબી મારા મનોચક્ષુ સમક્ષ વારે વારે આવ્યા કરતી હતી. ક્યાંય સુધી રાહ જોવા છતાંય એ દેખાઈ જ નહીં. ખાસ્સું અંધારું છવાઈ ગયેલું. મેં પણ કંટાળીને બસ પકડી.

ચારેક દિવસ સુધી મેં રોજ જતા આવતા બંને સમયે એને જોવા માટે તપ કર્યું. પણ વ્યર્થ! ન જાણે ક્યાં હવામાં ઓગળી ગઈ! એ દિવસે પહેલી તારીખ હતી. હું રોજના સમયે બસસ્ટોપ પર પહોંચ્યો. મારા આશ્ચર્ય વચ્ચે એને ત્યાં ઊભેલી જોઈને હું રોમાંચિત થઈ ઊઠ્યો! એની સામે જોઈને મારા ચહેરા પર સ્મિત ફરકી ગયું! એણે પણ બરાબર એ જ સમયે મારી સામું જોયું. મને ઓળખી લીધો હોય એમ એણે પણ જવાબમાં સામું સ્મિત કર્યું. ત્યાં જ બસ આવી અને એકબીજાના ધક્કે મોટાભાગના મુસાફરો બસ માં ઠલવાયા. બેસવાની તો શું, વ્યવસ્થિત ઊભા રહેવાની પણ જગ્યા નહોતી. ખાસ્સી વારે બેસવાની જગ્યા મળી તો મેં બેઠા બેઠા ચારે તરફ નજર ફેરવી ને એને શોધવા પ્રયત્ન કર્યો. પણ આટલી ભીડમાં એ વ્યર્થ હતું. મારા સ્ટોપ પર ઉતરી ને મેં આમતેમ જોયું તો એ રસ્તાની એક તરફ ઊભી રહીને ફોન પર વાત કરવામાં મશગૂલ હતી. બે-ચાર-પાંચ મિનિટ હું રાહ જોતો થોડે દૂર ઊભો રહ્યો. એને એકાદ વખત મારી સામું પણ જોયું પણ પછી પાછી પોતાના ફોનમાં ખોવાઈ ગઈ. અને એમ જ ફોન પર વાત કરતા કરતા જ મારાથી વિરુદ્ધ દિશામાં ચાલવા લાગી. હું પળવાર માટે ખમચાઈ ને ઊભો રહ્યો. ને પછી આપોઆપ મારા પગ પણ ઘર ભણી વળ્યા. એકવાર પણ પાછું ફરીને જોયા વિના હું ઘરે આવી ગયો.

બીજે દિવસે સવારે મારા આશ્ચર્ય વચ્ચે એ બસ સ્ટોપ પર ઊભેલી હતી. મારી સામું ધ્યાન પડતાંની સાથે જ એણે પરિચય સૂચક સ્મિત કર્યું. મારા ચહેરા પર પણ સુકાયેલ ડાળ પર ફૂટતી કોઈ નાની શી લીલીછમ કૂંપળ જેવું સ્મિત મહોર્યું. ન જાણે કેમ પણ મારા અંતરમાં અનહદ આનંદ છવાયો હતો. બસ આવી અને લગભગ બધા જ મુસાફરો ને પોતાની અંદર સમાવી ને ચાલતી થઈ. મારા પહેલા જ એ ઝડપથી બસ માં ચડી ગયેલી. હું અંદર દાખલ થયો કે તરત આગળની સીટ પર એને બેઠેલી જોઇને જરા ઉતાવળ માં જ એની બાજુની ખાલી સીટ કબજે કરતી લેવા માટે આગળ વધ્યો. એણે મને જોઇને જરા સંકોરાઈ ને એની બાજુની ખાલી જગ્યા પર મૂકેલું પર્સ ઊંચકી લઈને બેસી જવા માટે ઇજન આપ્યું. હું જરા સંકોચાઈ ને બેઠો.

"થેંક યુ!"

મારો જ અવાજ મને સાવ જુદો જ હોય એવો લાગતો હતો! પણ એણે તો બારીની બહાર જ જોયે રાખ્યું. સહસા મને ખ્યાલ આવ્યો. કાનમાં ઈયર પ્લગ ભરાવી દો એટલે પત્યું! આ યુવાનોને બાજુમાં બોમ્બ ફૂટે તો એના ધમાકાનો ય અવાજ સંભળાતો હશે કે કેમ? દુનિયાથી બેખબર થઈને બસ, એમના જ તાનમાં ગુલતાન. દૂર દેશાવર ના મિત્રો સાથે ચેટ પર લાંબી લાંબી વાતો કરે પણ બાજુમાં કોણ બેઠું છે એનાથી તદ્દન બેપરવા. પણ એક વાત રહી રહીને મારા મનમાં આવ્યા કરતી હતી. કંટાળાજનક લાગતી બસની લાંબી મુસાફરી તે દિવસે ન જાણે કેમ બહુ જ આનંદદાયક લાગી રહી હતી! એ તન્વીશ્યામા સાથે એકપણ શબ્દની આપલે વિના પણ આ સહ પ્રવાસ મારે મન યાદગાર બની રહ્યો. આંખને ખુણે થી ચોરીછૂપી થી મેં વારંવાર એની સામું જોઈ લીધું. એકવાર તો એનું ધ્યાન પડી ગયું તો મેં ચહેરાને જરાય ખાસિયાણો પાડવા દીધા વિના બેધડક હસી લીધું. ન જાણે કઈ રીતે આવું મારાથી થઈ શક્યું,  કોને ખબર?

બાકી ઑફિસમાં મારી છાપ સોગિયાની! કામથી કામ, બીજી કોઈ લપ્પન છપ્પન નહીં. સ્ટાફ ના પુરુષો  ઘણીવાર નાસ્તો મંગાવે, બૉસ ની ગેરહાજરીમાં કોઈ એક ટેબલે એકઠા થઈને તડાકા મારે. પુરુષો તો સમજ્યા,  સ્ત્રીઓ પણ જેવો સમય મળે કે તરત એમની મંડળી જમાવી ને ન જાણે શું ઝીણી ઝીણી વાતો કર્યા જ કરે. ક્યારેક તો બધા ભેગા થઈને જાતજાતની ખરીદીના પ્લાન બનાવતા હોય. હું તો ભાગ્યે જ કશામાં શામેલ હોઉં. ન તો મને કામના સમયે વાતોનાં વડા કરવા ગમે, ન હું એમના કાંદા-લસણ વાળા તીખાં તમતમતા નાસ્તામાં સાથ આપી શકું. હા, કોઇપણ સમયે કોઈને પણ મારી મદદની જરૂર હોય તો મેં ના પાડી હોય એવું મને યાદ નથી. એ રીતે તો ઘણીવાર લોકોએ મારો ફાયદો પણ ઉઠાવ્યો હશે, પણ મેં ક્યારેય એ બાબતે માઠું લગાડ્યું નથી. પણ આ વિવાન જ્યારથી આવેલો ત્યાર નું મારું મગજ વારે વારે નાની નાની બાબતોમાં છટકી જવા માંડેલું.

વિવાન... સરસ દેખાવડો હસમુખ છોકરો...આમ તો એ મારો જુનિયર કહેવાય. ઉમરમાં પણ મારા કરતા અર્ધો જ હશે. એમ.બી.એ. થયેલો ને પાછું કોમ્પ્યુટરમાં એક્કો! ચપટી વગાડતામાં બધા કામ કરી નાખે ને પાછો જબાનનો એવો તો મીઠો. સ્ટાફ ની સ્ત્રીઓ માં ‘મેમ...! મેમ...!’ કરતો ફરી વળે ને લંચ ટાઈમ માં બધી સ્ત્રીઓના ટીફીનમાં હાથ મારી આવે! બધી ગોપીઓ કાલીઘેલી થઈને એના માટે કૈંકને કૈંક લાવી જ હોય! પુરુષ સહકર્મચારીઓમાં ઘણાંને વિવાનનું આમ સ્ત્રીઓમાં ‘ફેવરીટ’ હોવું મારી જેમ પેટમાં દુખતું તો હશે પણ તો ય સાલાને કોઈ કશું કહેતું તો નહીં જ. આમ જોઈએ તો મારે એની સાથે કોઈ અંગત દુશ્મની તો ક્યારેય ન હતી. બસ, નાની ઉંમરે એણે મેળવેલી કામયાબી, સરખામણીમાં ઊંચો કહેવાય એવો પગાર અને સ્ત્રી કર્મચારી વૃંદ માં એની ચાહનાને જોઇને મારા હૃદયના છાના ખુણે એક ટીસ ફૂટી આવતી.

મારા ઊતરવાનું સ્થળ આવી ગયું. નછૂટકે મારે આ સુંદર સાથ છોડીને ઊભાં થવું પડ્યું. અમે બંને એક જ ઠેકાણે ઉતર્યા. એ સડક પર ઉતાવળે ચાલે આગળ નીકળી ને પળવારમાં દેખાતી પણ બંધ થઇ ગઈ. હું એ વિચારે જરા ખિન્ન હતો કે આટલી વાર સુધીમાં મેં એની જોડે એકપણ શબ્દની આપલે ન કરી! એના વિષે મને કશી જ ખબર ન પડી. એ કોલેજ જતી હોય એમ તો ન લાગ્યું. કોઈક ઓફિસમાં નોકરી કરતી હશે કદાચ. કાલે બધું પૂછી લઇશ.-એવું મનોમન વિચારતાં જ મને હસવું આવી ગયું. હું અને આ રીતે કોઈ છોકરી સાથે વાત કરી શકું? –અસંભવ! જો કે આખો દિવસ મારો મિજાજ ફૂલગુલાબી રહ્યો. પેલો વિવાન તો થોડા દિવસોથી એના સેલ ફોન પર જ ચોંટેલો રહેતો. જ્યારે જુઓ ત્યારે કૈંક ગુસપુસ વાતો કર્યા કરતો હોય. યા તો ફોન પર કશુંક ટાઈપ કર્યા કરતો હોય. એ દિવસે બપોર પહેલા જ એ રજા લઈને ચાલ્યો ગયેલો તો એને જોઇને ય મૂડ ખરાબ થાય એવા કોઈ ચાન્સ ન હતા.

બપોરની ચા પીતાં પીતાં મેં મિસિસ મહેતા ની એક પેન્ડીંગ ફાઇલ તૈયાર કરી આપી અને બદલામાં એમણે સ્મિત સહ થેંક યુકહ્યું તો મેં પણ હસતા ચહેરે યુ આર વેલકમકહીને મિસિસ મહેતા ના ગોળમટોળ ચહેરા પર આશ્ચર્ય નું મોજું ફેલાવી દીધું! બપોર પછી સૌએ નાસ્તો મગાવ્યો તો મિસિસ મહેતાએ મારા માટે પણ દહીં વડા મંગાવ્યા અને આજે ન જાણે કેમ મેં પણ એમના સૌની જોડે બેસી એને ન્યાય આપ્યો. જો કે, ત્યારબાદ તરત જ હું મારા કામમાં લાગી ગયો તો ક્યારે પોણા છ વાગી ગયા તે પણ ખબર ન પડી. ઝટપટ મારું ટેબલ સંકેલી, વોશરૂમ માં જઈને મેં પસીના થી ચીકટો થયેલો ચહેરો ધોયો. વાળ સહેજ ભીના કરીને ઓળ્યા. રૂમાલ થી ચહેરો બરાબર લૂછી ને શર્ટ વ્યવસ્થિત ટક ઇન કર્યું. કોલર સરખા કરતા કરતા ફરી એકવાર વોશરૂમ ના ઝાંખા થઇ ગયેલા અરીસામાં ચહેરો જોયો. આમ તો મને, સહેજ ગોરો કહેવાય એવો વાન અને કાળા સુંવાળા વાળ બાઈ તરફથી વારસામાં મળેલા. જો કે, વરસ દિવસ થયા કાન પાસે થોડી થોડી સફેદી ડોકાવા માંડેલી. પણ હજુ વાળમાં ડાય કરાવવા ની જરૂર લાગતી ન હતી.

નિયત સમય કરતા પાંચેક મિનિટ મોડી આવેલી બસમાં જેમતેમ કરીને હું ચઢ્યો. ભરચક ભીડમાં પણ દૂરથી મેં એને જોઈ લીધી. આછી ફલોરલ પ્રિન્ટ ધરાવતા સફેદ ટોપ માં એને દૂરથી જ મેં ઓળખી લીધી. એક હાથે બસ નો ડાંડો પકડીને બીજા હાથમાં ભરાવેલું મોટી ઝોળી જેવું પર્સ બગલમાં દબાવી રાખીને સેલ ફોનમાં કશુંક ટાઈપ કરી રહી હતી. આટલી ભીડમાં આમ ઊભા ઊભા ફોનમાં મેસેજ લખવું કેમ ફાવતું હશે! કે પછી ફોન માં કશુંક સર્ચ પણ કરતી હોય! ખેર.. જે હોય તે. આગળના સ્ટેન્ડ પર ઊતરતા ને ચડતા મુસાફરો ની ભીડ વચ્ચે ધીરે ધીરે સરકતો હું  એની સાવ લગોલગ પહોંચવા માં જ હતો કે મારું ય ઠેકાણું આવી ગયું. બસમાંથી ઊતરતા જ એ ફોન પર વાતો કરતી કરતી પોતાને રસ્તે ચાલી ગઈ! હું ઘડીભર રસ્તાની વચ્ચોવચ બાઘાની માફક ખોડાયેલો રહીને એને જતી જોઈ રહ્યો. પછી અચાનક હોશમાં આવ્યો હોઉં એમ માથું ઝાટકી ને ઘર તરફ રવાના થયો.

ઘરે જઈને જમી પરવારી ને આરામખુરશીમાં આડો પડીને ઝૂલતા ઝૂલતા, છત સામું તકાયેલી મારી નજર ન જાણે કઈ સ્વપ્ન સૃષ્ટિમાં ખોવાઈ ગઈ! ઘડીકમાં એ મારી સામે મીઠું હસતી હતી તો ઘડીક માં પલંગ પર ઊંધી પડી પડી બંને પગ વારાફરતી હીંચોળતી મને વગર દોરી એ પોતાના તરફ ખેંચતી હતી. એક રૂમ રસોડાનો મારો ફલેટ એની હાજરીથી રાજમહેલ ની જેમ ઝગમગતો હતો! અચાનક સ્ટોપર વિનાની રસોડાની બારી હવાના ધક્કે ધડામ દઈને પછડાઈ અને હું સ્વર્ગમાંથી ધરતી પર આવી ગયો! વર્ષોથી ચૂનો ય ધોળ્યા વિનાની, ઝાંખી, નિસ્તેજ દીવાલોએ મને ધીરે ધીરે ચારે બાજુથી ભરડો લેવા માંડ્યો. હું હાથ પગ માથું બધું સંકોરીને, એ દિવાલો મને ક્યાંય સ્પર્શી ન લે એમ પથારીમાં સંકોચાઈને સૂઈ રહ્યો. મારા પલંગની ધાર પાસે આવીને બધી દીવાલો ઊભી રહી ગઈ! અચાનક મેં બાઈને પલંગ ની પાંગોતે બેઠેલી જોઈ. સૂઈ જા ભાઈ, થાક્યો હોઈશ!હંમેશ ની જેમ બાઈ બોલી ને હું એના મમતાળુ ચહેરા સામું જોતા જોતા નવકાર મંત્ર સ્મરતાં ક્યારે સૂઈ ગયો તે ખબર ન પડી.

પછીના દિવસે સવારે નાહીને દીવાલ પર એક ખૂણે લગાડેલા કુળદેવીના મંદિરમાં દીવો કરીને પગે લાગ્યા બાદ, બાજુમાં ટીંગાડેલી, સુખડનો હાર પહેરાવેલી બાઈ ને બાપાની છબીને પગે લાગતાં મનોમન કોઈ છાના આશીર્વાદ માંગી લીધાનો ખ્યાલ આવતા જ સમગ્ર અસ્તિત્વમાં એક મીઠી ઝણઝણાટી ફેલાઈ ગઈ! રોજ કરતા કૈંક વધુ ચીવટથી તૈયાર થયો. ચીવટથી દાઢી કરી ને ચકચકિત કરેલા ચહેરા પર આફ્ટરશેવ લોશન લગાડ્યું. મંદ મંદ સુગંધવાળું ચીકાશરહિત તેલ વાળમાં લગાડ્યું. એકાદવાર પહેરેલી નવાનકોર શર્ટ-પેન્ટની જોડ કાઢીને પહેરી. રસોડામાં ઊભા ઊભા લૂસલૂસ બે કોળિયા જમીને ફરી એકવાર અરીસામાં પ્રતિબિંબ જોયું. કઈ ઘટતું હોય તો....

"બધું બરાબર છે..."

દરવાજાની વચ્ચોવચ ઊભી રહી ને એ મારી સામું હસીને જોઈ રહી હતી! ક્ષણવાર માટે થયેલો આ સુખદ અનુભૂતિનો આવિષ્કાર મને છેક ઊંડે સુધી સ્પર્શી ગયો! કોઈ નહોતું છતાં એક મીઠી સુગંધ મારા રોમ રોમમાં ફેલાઈ ગઈ. કબાટના ખાનામાં સાચવીને મૂકેલી પરફ્યુમની બોટલ કાઢીને શર્ટ પર જરા સ્પ્રે કર્યો. ચપ્પલને બદલે પોલિશ કરેલા બૂટ પહેર્યા. એક નજર અરીસામાં જોઈ લઈને ઘર બંધ કરીને હું બહાર નીકળ્યો. હું બહુ જ ખુશ હતો. આવું બધું જિંદગીમાં પહેલી વાર થઇ રહ્યું હતું. યુવાન વયે બાપુજી ની બીમારીમાં આવા બધા રોમેન્ટીક કહેવાય એવા વિચારો નું ક્યાંય બાષ્પીભવન થઇ ગયેલું. ત્યાર પછીના સમયમાં ટૂંકી આવક ની મામૂલી રકમમાં મારું અને બાઈનું ગુજરાન માંડ માંડ ચાલતું,  ત્યારે રોમાન્સ જેવો શબ્દ મારી આસપાસ ભૂલેચૂકેય ફરકતો નહીં. કરજ પૂરું થયા પછી પણ પગાર તો ખાસ વધ્યો ન હતો. પણ મારા જેવા એકાકી માણસ માટે ભવિષ્યમાં કોઈ જરૂરિયાત ઊભી થાય તો ખપ લાગે એ હેતુથી મેં કરકસર કરી પૈસા બચાવવા માંડેલા. ઠીક ઠીક કહેવાય એવી મૂડી મારી પાસે જમા થઇ ગયેલી. એ પૈસા માંથી એક કાર ખરીદી હોય તો.... એને રોજ મારી કારમાં લિફ્ટ આપું!એવા બાલિશ તુક્કા લગાડતો હું ઘરની બહાર નીકળ્યો.

ધીરે ધીરે એવું બનવા માંડ્યું કે અમારા બંનેના આવવા જવાના સમય એક થવા માંડ્યા. જતી વેળાએ એ સ્ફૂર્તિથી બસમાં ચડી જતી ને હું પણ ગમેતેમ કરીને એની નિકટ જઈને જ ઊભો રહી જતો. એક દિવસ એક જ સીટમાં બાજુબાજુમાં અમે બેઠા હતા. એના શરીરમાંથી આવતી ભીની ભીની મહેક મને બહેકાવી રહી હતી. એના કાનમાં હમેશ મુજબ ઈયર પ્લગ નાંખેલા ન હતા. એના મસ મોટા ફોન પર એ કોઈ ન્યુઝ ચેનલની વેબસાઇટ પર સમાચાર વાંચી રહી હતી. હું આંખને ખુણે થી એમાં નજર નાખી  રહ્યો હતો કે સહસા એણે મારી સામું જોયું. નાના બાળક જેવી નિર્દોષતાથી મેં એની સામે સ્મિત કરીને પૂછી લીધું...

આપ સર્વિસ કરતી હૈ ક્યા?’ મુંબઈ માં અજાણ્યા લોકો સાથે વાત શરૂ કરો તો હિન્દી માં બોલવાનો શિષ્ટાચાર છે.

હા જી...કહેતા એણે પણ હસી લીધું.

બેંક ઓફ મહારાષ્ટ્ર મેં?’

મને એટલી તો ખબર હતી કે એ બેંક ઓફ મહારાષ્ટ્ર ની બાજુમાં નવા બનેલા બિલ્ડીંગમાંની કોઈ ઑફિસમાં જાય છે, તેમ છતાં અજાણ બનીને પૂછ્યું. જવાબમાં એણે હસીને ના કહી. ને પછી સાવ સહજતા થી એની ઓફિસ વિષે વાત કરી. પોતે એમ.બી.એ. કરીને હજુ હમણાં જ નોકરીમાં જોડાઈ છે ને આ પહેલી જ નોકરીમાં પહેલા જ પ્રયત્નથી જોડાઈ છે....

આમ જ અમારી વચ્ચે વાતચીતનો દોર શરુ થયો. હું ગુજરાતી અને એ મરાઠી. પણ અમે બંને એકબીજાની ભાષામાં સહજતા થી વાતો કરી લેતા. સમયે સમયે અમારી વચ્ચે ખાસ્સી વાતો થતી. રાજકારણમાં એને ખાસ્સો રસ હોય એમ લાગતું. ઘણા બધા સાંપ્રત વિષય માં મારા કરતા પણ વધારે જાણકારી ધરાવતી હતી. મોદી સરકારની સફળતા વિષે તો એની વાકધારા અસ્ખલિત પણે  વહેતી. હું ધીરે ધીરે એની બુદ્ધિ પ્રતિભા થી અંજાતો જતો હતો. ત્રણેક મહિનામાં અમે કેટલી ય વાર સાથે પ્રવાસ કરતા કરતા આમ વાતો કરી. મને ઘણીવાર મન થતું કે લંચ અવરમાં હું એને, એની ઓફિસથી જરા આગળ જતા આવેલી એક સરસ રેસ્ટોરાંમાં લંચ માટે લઇ જાઉં. પણ હિંમત જ ન ચાલી. હા, ક્યારેક એ ઘરે બનાવેલી કોઈ વાનગી, પર્સ માં રાખેલા નાનકડા લંચ-બોક્સ માંથી કાઢીને ચખાડતી. એણે જ બનાવી હશે, એમ સમજીને વાનગીના હું વખાણ કરતો, તો નિખાલસપણે એ કહી દેતી કે આ તો એની માના હાથની કરામત છે! અને મને બાઈ યાદ આવી જતી. બાઈ પણ બધા જ પરંપરાગત વ્યંજન સરસ રીતે બનાવી જાણતી.

ક્યારેક ક્યારેક સાંજની વેળાએ એ સાથે ન આવતી. એ દિવસે મારો મૂડ એવો તો ઓફથઇ જતો તે બીજે દિવસે એને જોયા પછી જ ઠેકાણે આવતો. એ આગલી સાંજની પોતાની ગેરહાજરી વિષે કશું બોલતી નહીં. મને ય એવી બધી પડપૂછ કરવાનું ઠીક ન લાગતું. પણ એ પોતાની ગેરહાજરીનું સાટું વાળી દેતી હોય એમ ખુશખુશાલ ચહેરે કોઈને કોઈ વાતો કર્યે જ જતી. આટલા સમયના અનુભવે મને સમજાયું હતું કે એ મૂળભૂત રીતે આનંદી પ્રકૃતિ ધરાવતી હતી. મારી સાથેનું એનું સહજ, સરળ અને આત્મીય લાગે એવું વર્તન એના વ્યક્તિત્વ નો જ એક ભાગ હતો.

એકવાર રવિવારની સાંજે ઘર નજીકના એક ડીપાર્ટમેન્ટલ સ્ટોર માં મારી અઠવાડિક ગ્રોસરી ની ખરીદી દરમ્યાન એ કોઈ પ્રૌઢા અને યુવાન સાથે દેખાઈ ગઈ. જોતા વેંત આનંદ તો થયો પણ એમને બોલાવું કે ન બોલાવું એની અસમંજસ માં પડી ગયો. પણ એણે મને જેવો જોયો કે તરત જ સામે ચાલીને પોતાની  મા અને નાના ભાઈની મારી સાથે ઓળખાણ કરાવી જ દીધી.

આ મારી ઘરથી છેક ઓફિસ સુધીની કાયમની કંપની...એણે ઘરે પણ મારા વિષે વાત કરી હોય એવું તરત જ મને લાગ્યું કારણ કે એની મા અને ભાઈએ તરત જ નમસ્તે સાહેબ...કરીને મારું અભિવાદન કર્યું. મેં પણ યથાયોગ્ય પ્રત્યુત્તર વાળીને નજીકમાં જ આવેલા મારા ઘરે આવવા સહજ જ આમંત્રણ આપી દીધું. એમણે પણ મને સામો આગ્રહ કર્યો. તેમના ઘરના સરનામાનો અછડતો ખ્યાલ તો એમની દીકરીએ વાતવાતમાં જ મને આપી દીધો હતો. મેં ત્યાં જ મનોમન નક્કી કરી લીધું કે એક દિવસ જરૂર હું તેમને ત્યાં જઈશ. પણ મને ત્યારે ખબર ન હતી કે મારી જિંદગીમાં એ દિવસ યાદગાર બની રહેવાનો હતો.

એક દિવસ મેં વાતવાતમાં કહ્યું મારે પણ નવો ફોન લેવો છે!અને ખલ્લાસ! એણે તો સેલ ફોન ના લેટેસ્ટ મોડેલો વિષેના એન્સાયક્લોપીડિયા જ ખોલી નાંખ્યાં! “આ ફોન લો તો આમ કરી શકો અને આમ નહીં કરી શકો, આ ફોન ની કિમત આટલી અને આ ફોન નો ડિસ્પ્લે સારો અને ટકાઉ.....” જુદાજુદા ફોન વિશેની લેટેસ્ટ માહિતીથી ઉલટભેર એ મને વાકેફ કરતી રહી! ઓફિસ છૂટ્યા પછી રસ્તામાં જ મને સેલ ફોનનાં એક મોટા શોરૂમમાં લઈ જઈને એક સરસ ફીચર્સ ધરાવતો લેટેસ્ટ ફોન ખરીદ કરાવી ને જ જંપી! બસની રાહ જોતાં હતા ત્યાં સુધીમાં તો એણે વ્હોટ્સએપ અને મેસેંજર ની માયાજાળ ફોન પર ડાઉનલોડ કરીને મને એનો ઉપયોગ શીખવી પણ દીધો!

ધીરે ધીરે હું વ્હોટ્સએપ પર એની જોડે ચેટ પણ  કરતા શીખી ગયો. વર્ષોથી ઘરમાં થોડી મરમ્મત રંગ-રોગાન કરાવવા નો જે વિચાર માત્ર જ કર્યા કરતો,  તે આ વખતે બચતમાંથી થોડો ઉપાડ કરીને કરાવી લીધો. રસોડા માં ઊભા ઊભા પણ જોઈ શકાય તે રીતે રૂમમાં નાનકડું કલર ટીવી લગાડ્યું. ચોકડાવાળા લીલા ઓછાડને બદલે ફૂલો ની ઝીણી ઝીણી મનમોહક પ્રિન્ટ વાળા આછા રંગની બેડશીટ લગાવી. એ ગમે ત્યારે મારા ઘરે આવી ચડે તો?’ એમ વિચારી ને હું ઘરને ચોખ્ખું અને સુઘડ રાખતો. મને પણ એની માએ એક બે વાર ફોન પર ઘરે આવવા માટેનું આમંત્રણ ભારપૂર્વક યાદ અપાવ્યું હતું. પણ પુરુષ વગરના એ ઘરમાં આમ અનૌપચારિક રીતે જવું મને ઠીક લાગતું ન હતું. એના પિતા વર્ષોથી એમનાથી અલગ રહેતા હતા. શા કારણે એવું થયેલું એ વિષે મને ખાસ ખબર ન હતી. બસ, એટલું જ મારી જાણમાં હતું કે એ પોતાના પિતાને ખૂબ જ મિસ કરતી હતી.

એક રવિવારે સવારે હિંમત કરીને મેં એના ઘરે મળવા જવાનો નિશ્ચય કરી લીધો. આમ અતડા રહ્યે થોડું ચાલશે, એક દિવસ તો મારે એ ઘરની જવાબદારી પણ લેવી જ પડશે....મનમાં ઉઠતા જાતજાતનાં તરંગોને દિલના ઉમળકા ની પોટલી માં ભરીને મેં એના ઘરનો રસ્તો પકડ્યો. રસ્તામાંથી ચોકલેટ અને મીઠાઈ ખરીદીને મેં ઉત્સાહભેર ચાલવા માંડ્યું. એની સોસાયટીના નાકે જ પહોંચ્યો હતો કે એનો ભાઈ એના જેવડા જ અન્ય છોકરાઓ સાથે મળી ગયો. મને જોઈને ઓળખી ગયો હોય એમ એ ઊભો રહ્યો. મેં ખબર પૂછવા નો વિવેક કર્યો. એની વાતથી જ મને ખબર પડી કે એની મા તો ગઈ કાલે જ એમના ગામ ગઈ હતી.

અંકલ... અમે બધા ફ્રેન્ડઝ મોર્નિંગ શોમાં ફિલ્મ જોવા જઈએ છીએ. મોડું થાય છે. પછી નિરાંતે મળીયે... બાય!કહેતા એ ચાલતો થઇ ગયો.

હવે?  હવે શું કરવું?  ઘરના અન્ય સભ્યો ની ગેરહાજરીમાં એને મળવા જવું? કે પછી માંડી વાળું? હું કશું નક્કી કરી શકતો ન હતો. મનોમન મેં સિક્કો ઉછાળ્યો અને પરિણામ મારી મરજી મુજબનું જ આવ્યું! પણ તો ય મારા ગળામાં શોષ પડતો હતો. કોઈ આમ મને એને ત્યાં જતો જોઈ લે તો?  એની માને ખબર પડે કે એની ગેરહાજરી ની ખબર હોવા છતાં હું એને ત્યાં આવેલો, તો એ કેવું વિચારે?  એના પડોશી મને આવેલો જોઈને શું અનુમાન કરે?  પાનવાળા ની દુકાન પર ઊભા  રહીને ઠંડી લિમ્કા ગટગટાવી જઈને મેં સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો.

મારે જવું જ જોઈએ...આવી તક બીજી વાર મળે ન મળે.... જિંદગીમાં પહેલી વાર કોઈ મનગમતી છોકરીને એકાંતમાં મળવાનો,  એને મારા મનની વાત કહેવા નો મોકો પછી ક્યારેય ન પણ મળે...મનમાં ઉઠતા વિચારોના ઘોડાપૂરને નાથવાનો પ્રયાસ કરતા મેં ઊંડો શ્વાસ ભર્યો. હાથમાં મીઠાઈ અને ચોકલેટના બોક્સ ની થેલી લઈને મેં ચાલવા માંડ્યું. કૈંક વિચાર આવતા મારા પગ ફરી થંભી ગયા. થોડું પાછળ ચાલીને એક હેર કટિંગ સલૂન માં હું ચઢ્યો. હજુ ગયા અઠવાડિયે જ વાળ કપાવેલા ત્યારે મારા હજામે મને ફેસિયલ કરાવવા આગ્રહ કર્યો હતો. એ દિવસે તો મારા કરકસરિયા જીવે ફેસિયલના પૈસા ખરચવા દીધા ન હતા. પણ આજે ચાલે એમ ન હતું! સલૂન ની આરામદાયક ખુરશીની પીઠ પર માથું ઢાળીને હું બેસી ગયો. વીસેક મિનિટ મારા ચહેરા પર પોતાની આંગળી નું કૌશલ્ય અજમાવીને એણે મને સીધો બેસાડીને બંને તરફ ઝગારા મારતી લાઈટ ના અજવાળામાં અરીસામાં ચમકતો મારો ચહેરો બતાવ્યો ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. બત્રીસ નો લાગુ છું...!હું અસ્ફૂટ જ બબડ્યો પણ પેલા ચાલાક કસબીએ મારા શબ્દો મારા ચહેરા પર વાંચી લીધા હોય એમ એ મારા કાનમાં બોલતો હોય એ રીતે મારી નજીક મોં લાવી ને બોલ્યો. બાવીસના દેખાશો, સાહેબ... નિરાંતે આવો!


મારા બેટાને ખબર કેમ પડી ગઈ હશે કે આજે ઉતાવળ માં છું?’  ફેસિયલ નાં ચાર્જ ઉપરાંત ટીપ પણ ચૂકવી ને ફરી એકવાર અરીસામાં મારો ચહેરો જોતા મને વિચાર આવ્યો. પણ હવે બહુ વિચાર કરવાનું પાલવે એમ નહોતું. મોર્નિંગ શો છૂટે એ પહેલા મારે એને મળીને ઘરે પહોંચી જવું હતું. મારે લીધે કોઈને કશી ગેરસમજ ન થવી જોઈએ. હાથમાં થેલી લઈને મેં ઉતાવળા પગલે ચાલવા માંડ્યું. એના ઘરની નીચે આવીને ઊભા રહીને એને ટેક્સ્ટ કરવા મેં ખિસ્સામાંથી ફોન હાથમાં લીધો. પણ પછી સરપ્રાઈઝ આપું તો?’ એવું વિચારી ને ફોન પાછો સરકાવી દીધો અને ખખડધજ બિલ્ડીંગના અંધારિયા પગથિયાં ચડવા માંડ્યા. બિલ્ડીંગની હાલત અમારા બિલ્ડીંગ કરતાં ય ખાસ્સી બિસમાર હતી. ત્રણ માળ  ચડતા તો ખાસ્સી હાંફ ચડી ગઈ. ત્રીજે માળે આવીને જરાવાર શ્વાસ લેવા ઊભો રહ્યો. ચારમાંથી બે ફલેટના દરવાજા બંધ હતા અને બે ના દરવાજે તો તાળા લટકતા હતા. અહીં શહેરમાં કોણ કોઈનો ભાવ પૂછવા નવરું હોય! ચહેરા પર રૂમાલ ફેરવીને પસીનો લૂંછીને હું જરા સ્વસ્થ થયો. હવે બસ, બાર તેર પગથિયાં અને મારી મંઝીલ મારા હાથ વેંતમાં! ઉત્સાહમાં જોશભેર ધબકતા હૃદયે હું ચોથે માળે પહોંચ્યો. ૪૧૬ નંબરની તકતી મારેલા ફ્લેટ ના દરવાજે આમતેમ નજર ફેરવી ને મેં હળવેથી ટકોરા માર્યા.

"કુરિયરવાલાઆઆ...." મને ન જાણે કેમ મજાક સૂઝી! ક્ષણો વહેતી ચાલી... ક્યારે દરવાજો ખૂલે અને ક્યારે એના આશ્ચર્યથી ઉઘાડા રહી ગયેલા મોં સામે મરક મરક હસતો ઊભો રહું! અંદરથી  કશો ન સમજાય એવો અવાજ આવતો હોય એવું મને લાગ્યું. ફરી એકવાર ટકોરા મારવા માટે મેં હાથ ઊંચો કર્યો કે દરવાજો ખૂલ્યો. આશ્ચર્યાઘાત થી હું અવાચક બની ગયો!

કોણ છે વિવાઆઆઆન???’

ઊંડેથી એ જ કર્ણમંજુલ સ્વર મારા કાને પડ્યો, જેની મોહિની માં લપેટાઈ ને હું અહીં સુધી આવી ચઢ્યો હતો. અચાનક ધડામ દઈને દરવાજો મારા મોં પર જોશભેર ભટકાઈ ને બંધ થયો. પણ તેની પહેલા અંદરના ભાગે થી બહારના કમરામાં આવેલી  ટુવાલમાં લપેટાયેલી એની નાજુક દેહાકૃતિને મેં જોઈ લીધી હતી.


કુરિયરવાળો છે!વિવાન ના નશાર્ત અવાજમાં મારો જ જવાબ જાણે કે મને સંભળાવી દેવો હોય એમ દરવાજાની આરપાર મારા કાને અથડાયો. મારી આંખે અંધારું છવાયું. બે જુવાન હૈયાઓ વચ્ચે પ્રજ્વળી ઉઠેલ આતશ મને વધુ  દઝાડે એ પહેલા હું ભારે પગલે પગથિયાં ઉતરી ગયો

4 ટિપ્પણીઓ:

  1. સરસ પ્રયાસ. પણ અપેક્ષિત અંત.

    જવાબ આપોકાઢી નાખો
  2. સૌમ્યાજી, મુંબઈના વરસાદમાં જેમ ભીંજાયા કરીએ એમ આપની આ વાર્તામાં તરબોળ થયા કર્યું. આપની કલમમાં શબ્દાંકન જ નહિ, પણ ચિત્રાંકન નો જાદુ છે. વાંચતા એમ જ લાગે કે જાણે આપણે પોતે એ જ બસ સ્ટોપ ઉપર કે એ જ બસમાં ઉભા ઉભા કથાનાયક અને એ યુવતીને દુરથી જોઈને એ બંને વચ્ચે નો નોન-વર્બલ સંવાદની અનુભૂતિ કરી રહ્યા છીએ. કથાનાયક ના જીવનનો સંઘર્ષ, સંજોગવશાત એના જીવનમાં romance નો અભાવ અને એક અજાણ યુવતી માટેનું એનું ખેંચાણ - આ બધાનું ચિત્રાંકન આપે આપની વિશિષ્ટ શૈલીમાં એટલું સરસ રીતે કર્યું છે કે જાણે વાંચકની નજર સામે એક ચિત્રપટની જેમ બધા દ્રશ્યો એક પછી એક આવતા હોય. આપ શરૂઆત કરીને જે રીતે કથાવસ્તુ build up કરો છો અને વાંચકને જકડી રાખો છો એ પ્રશંશનીય છે. એક તો મુંબઈનું background અને એક રહસ્યપૂર્ણ જમાવટ - મેં વાંચવાની શરૂઆત કરી પછી પૂરી કર્યા વગર મારાથી ઉઠાયું નહિ. (મારી સાંજની mandatory ચા પળવાર માટે તો ભુલાઈ ગઈ.) વિવાન નું પાત્રાલેખન શરૂઆતમાં વાંચીને એક વિચાર તો આવેલો જ કે એ યુવતી અને વિવાન જ કદાચ ફોન ઉપર વાતચીત કરતા હશે. કથાનાયકમાં કદાચ એ યુવતીને પોતાના missing પિતાનો આભાસ દેખાતો હોય અને એટલે એ યુવતી કથાનાયકને ફક્ત એ જ સ્વરૂપે જોતી હોય. આ મારું અંગત નિરૂપણ છે. ખુબ જ મસ્ત અને રસપ્રદ. સંજય દેસાઈ ૨૧.૦૬.૨૦૧૫.

    જવાબ આપોકાઢી નાખો
  3. આ તે કેવું? આટલા લાંબા સમયથી ચારે દિશામાંથી સૌમ્યા જોષી, સૌમ્યા જોષીની રાડો સાભળતો હોઉં અને મને એમના બ્લોગની કબર જ નહિ, અત્યારે તો ઉપલક નજર જ કરી છે. પછી બરાબર ભેજું સરખું રાખીને વાંચીશ. હું તો શાક વેચવાવાળીની જેમ બુમ પાડી પાડીને લોકોને કહું છું કે મારા બ્લોગમાં પધારો પધારો. તમે તો કશું બોલતા જ નથી. જેટલું વાચ્યું તે બહુ જ ગમ્યું.

    જવાબ આપોકાઢી નાખો