માર્ચ 22, 2015

વાત એક સાંજ ની....

આજે રોજર ખૂબ ખુશ હતો. સવારે સમય કરતાં કંઈક વહેલો જ ઊઠી ગયો. આમ તો આખી રાત ઊંઘ જ ક્યાં આવી હતી? મોડી રાત સુધી મેરીના વિચારમાં ને વિચારમાં જ પડખા ઘસ્યે રાખ્યા. મોડેથી જરા ઝોકું આવ્યું ન આવ્યું ને સફાળી ઊંઘ ઊડી ગઈ. સપનામાં એ મેરી સાથે દરિયા કિનારે હતો. આછા વાદળી રંગનું ફ્રોક પહેરેલી મેરી એની સાથે ઊભી ઊભી નાળિયેરપાણી પી રહી હતી. એ નાળિયેરપાણી પીતી હતી અને પોતે નજરથી એને પી રહ્યો હતો.
પચીસેક વર્ષની મેરી વાતવાતમાં હસી પડતી ને એ હસતી ત્યારે તો સાવ નાની છોકરી જેવી લાગતી. એના ખભા સુધી આવતા વાંકડિયા વાળની લટો પવનને કારણે વારેવારે ચહેરા પર ધસી આવતી હતી.  અદેખાઈ આવી જતી હતી એ લટોની કે બિન્ધાસ્ત આ રીતે મેરીના ચહેરાને સ્પર્શી લેતી હતી. નાળિયેરપાણી પી રહ્યાં કે એક ફુગ્ગાવાળા જોડેથી મેરીએ એક મોટો ફુગ્ગો લીધો. પોતે એના પૈસા ચૂકવી રહે ત્યાં જ કોઈ રીતે ફુગ્ગો હવામાં ઊઠ્યો ને પાછળ પાછળ મેરી પણ એ પકડવા દોડી.

"મેરી, સ્ટોપ... બીજો લઈ લે... જવા દે એને..." દોડતી મેરીની પાછળ પોતે પણ હાંફતો હાંફતો દોડી રહ્યો હતો. એક તો બથડું શરીર ને હમણાં હમણાથી જરા બ્લડ પ્રેશર પણ વધી જાય છે, મેરીને જોઈ જોઈને જ સ્તો... દરિયા કિનારાની રેતીમાં દોડતા દોડતા એ અડબડિયું ખાઈ ગયો ને ધડામ દઈને નીચે પછડાયો. અચાનક એની આંખ ખૂલી ગઈ. સપનામાં જ નહીં, હકીકતમાં ય એ પડી ગયેલો. બેડ પરથી નીચે! સારું છે, નીચે કાર્પેટ બિછાવેલી છે, એટલે ખાસ વાગ્યું નહીં.  જરા વાર એ નીચે જ પડ્યો રહ્યો. છતમાં મેરીનો, ખિલખિલાટ  હસી રહી હોય એવો ચહેરો એને દેખાયો. પરાણે  ઊભા થઈને એણે સાઈડ ટેબલ પર પડેલો ફોન હાથમાં લીધો.

''છ જ વાગ્યા છે હજુ તો. અત્યારમાં ફોન કરું એને? ઊંઘતી હશે તો? ના ના, ક્યાંક ચિડાઈ જશે ને ડિનર કેન્સલ કરી નાંખશે તો?'' ફોન પાછો ઠેકાણે મૂકી દઈને એ વોશરૂમમાં ઘૂસ્યો. હવે આમ પણ ઊંઘ આવવાની ન હતી. વોશરૂમમાં બેઝિન સામે ઊભા રહીને એણે અરીસામાં  જોયું. સહેજસાજ કરચલી પડેલા ચહેરા સામું એ રોજ જોતો હતો. પણ હમણાં હમણાંથી ચહેરામાં કંઈક નિખાર આવ્યો હોય એમ એને લાગ્યું. ચાલીસ થવા આવેલા, પણ ફૂલી ગયેલા પેટ અને માથા પર કાબરચિતરા વાળને કારણે ઉમરના પાંચ વર્ષ વધી ગયા હોય એમ લાગતું.

પણ આજકાલ તો એમ લાગે છે કે જાણે પોતે હજું અઠ્ઠાવીસનો છે! જ્યારથી મેરી ઓફિસમાં પર્સનલ સેક્રેટરી તરીકે જોડાઈ છે, ત્યારથી એક એક દિવસે ઉંમરનો એક એક મહિનો કપાઈ ગયો હોય એવું લાગે છે!

''મેરી એટલે ફટાકડી!''  અરીસા સામે ઊભા ઊભા દાઢીનો બીજો હાથ મારતા મારતા અચાનક એ એક હાથે ચપટી વગાડતા મોટેથી બોલી ઊઠ્યો અને પછી હસી પડ્યો. ચકચકિત છોલેલી દાઢી પર આફટરશેવ લોશન લગાડીને એણે ચહેરો થપથપાવ્યો. આમ તો મેરી સાથે ડિનર પર જવાનું છે, છેક સાંજે. ત્યારે ફરી એકવાર હાથ મારી લેવાશે. આ તો અત્યારે અચાનક મેરીનો ફોન આવે ને મળવા બોલાવે, તો? તૈયાર રહેવું સારું.

મનોમન જ બોલતો કંઈક ગીત ગણગણતો એ કિચનમાં ગયો. ચાર ઈંડાની ઓમલેટ, બદામ નાંખેલું દૂધ અને બે કેળાંનો નાસ્તો કરીને એણે કિચનમાં બધું ઠીકઠાક કરીને મૂક્યું. 'મેરી અચાનક ઘરે આવવા માંગે તો?' એ વિચાર આવતા જ એનું મોં હસુ હસુ થઈ રહ્યું. સુઝાન પાંચ વર્ષ પહેલા છોડીને ચાલી ગઈ, પછી ત્રણ બેડરૂમના આ વિશાળ ફ્લેટમાં પોતે એકલો જ રહેતો હતો.

સુઝાનની યાદ આવતા એનું મોં કડવાશથી ભરાઈ ગયું. ખબર નહીં, શું જોઈને પોતે સુઝાન જોડે લગ્ન કરેલા. દસ વર્ષના લગ્નજીવનમાં ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે કે પતિ પત્ની વચ્ચે ચકમક ન ઝરી હોય. સુઝાનને એના પિયેરિયાઓનું બહુ જ વળગણ હતું. બાકી, પોતાના તરફથી ક્યાં કશી તકલીફ હતી? પોશ એરિયામાં ઘર, ગાડી, ખાસ્સો નફો રળી આપતી કંપની અને પોતાના પક્ષે કોઈની ઝંઝટ નહીં. તો યે સુઝાનને નહોતું જ રહેવું તો કોઈ શું કરે?

શરીરે ટુવાલ વીંટીને ભીના વાળને આંગળીઓ વડે ઝટકીને એણે જોરથી માથું ધૂણાવ્યુ, સુઝાનના વિચારોને દિમાગ માંથી ખંખેરી નાંખતો હોય એમ. અરીસામાં જોઈને એ કાળજીપૂર્વક તૈયાર થયો. 'મેરી માટે કંઈક ગિફ્ટ ખરીદવા જવું છે.' પેટને જરા વધારે અંદર ખેંચીને પટ્ટો બાંધતા એ બોલ્યો. 'શું લઉં? ઈયરિંગ્સ કે પછી બ્રેસલેટ? કે પછી ડાયમંડ રિંગ જ લઈ લઉં? મેરી હા કહે તો તે જ ઘડીએ પહેરાવી દઉં!' મનમાં મલકાતા મલકાતા એણે ફરી એકવાર વાળમાં બ્રશ ફેરવ્યું. 'ભલેને ડાય કર્યા વિનાના હોય, તમને શોભે છે.' એકવાર વાતવાતમાં મેરીએ કહેલું, ત્યારપછી ડાય કરવાનો વિચાર પડતો મૂકી દીધેલો.

માંડ માંડ બપોર નમી. કેટલીવાર ફોન સામું જોયું પણ મેરીનો ફોન ન આવ્યો તે ન જ આવ્યો. પોતે ગિફ્ટ ની ખરીદી કરીને લંચ પતાવીને પાછો આવ્યો તો યે કોઈ ફોન ન આવ્યો.  જો કે, સાંજે ડિનર પર મળવાનું નક્કી જ હતું. તેમ છતાં. એને એમ થયા કરતું હતું કે વચ્ચે એકવાર વાત થઈ હોત તો સારું. ચારેક વાગ્યે ન રહેવાયું એટલે પોતે સામે ચાલીને ફોન કરેલો પણ સામે છેડેથી મેરીનો ઊંઘરેટો અવાજ સાંભળીને પોતે જરા છોભાયો ને આમતેમ વાત કરીને ફટાફટ ફોન મૂકી દીધો. 'હશે, બિચારીને સોમથી શુક્ર તો ઓફિસમાં કામ, કામ ને કામ જ હોય છે. વીક એન્ડમાં તો જરા બપોરે શાંતિથી ઊંઘ કરે ને.  ને આમેય, પછી રાતે તો ઊજાગરો થવાનો જ છે! રાત્રે ડિનર પછી જો એ હા કહે તો લોંગ ડ્રાઈવ પર લઈ જવી છે.' વિચારમાં ને વિચારમાં મલકાતા મલકાતા ટીવી જોતા જોતા એને સોફા પર જ ઝોકું આવી ગયું.

સાંજના ફરી એકવાર એ નહાયો, જરૂર ન હતી તો યે દાઢી કરી. 'શું પહેરવું' એ પ્રશ્ન એને ક્યારેય ન સતાવતો. ગણતરીની સેકન્ડોમાં એ કોઈપણ પ્રસંગ માટે કપડાની પસંદગી કરી લેતો. અને ખરેખર એની 'ચોઈસ' પરફેક્ટ જ રહેતી. કપડાનો આમેય એને અનહદ શોખ હતો. છેલ્લામાં છેલ્લી ફેશનના કપડાં એના વોર્ડરોબમાં લટકતા.

પગથી માથા સુધી પોતાને એક નજર અરીસામાં જોઈ લઈને એ ઘરની બહાર નીકળ્યો. ગાડીમાં બેસીને પેન્ટના ખિસ્સામાં પડેલી ડાયમંડ ઈયરિંગ્સની ડબ્બીને સ્પર્શી લેવાનું એ ન ભૂલ્યો. 

'તુમ જો આયે ઝિંદગી મેં, બાત બન ગઈ...' કારની સાઉન્ડ સિસ્ટમમાં મધુર ગીતો ગૂંજી રહ્યાં. રસ્તામાં ફ્લોરિસ્ટને ત્યાંથી અગાઉ ઓર્ડર આપીને તૈયાર કરાવેલ સ્પેશિયલ બુકે લઈને એણે સેન્ટ્રલ મોલ પાસે રોડની સાઈડ પર જ ગાડી પાર્ક કરી.

મેરીએ અહીં જ તેને લેવા માટે આવવા કહેલું. પોતે તો છેક એને ઘરેથી લઈ આવવા ય તૈયાર હતો. પણ મેરીએ અહીં મોલમાં કોઈ કામ પતાવવાનું હતું. એણે મેરીને ફોન લગાડ્યો. પોતે અહીં રાહ જોઈ રહ્યો છે, એમ જણાવવા. પણ ફોનની રિંગ વાગે એ પહેલા જ વિન્ડ સ્ક્રીનની સામે જ મેરીનો ચહેરો ડોકાયો. એ ફોન હાથમાં જ લઈને ગાડીની બહાર નીકળી આવ્યો.

''હેલ્લો મેરી!'' કહેતાં એણે શેક હેન્ડ માટે હાથ લંબાવ્યો.

''હાઈ રોજર!'' ઊંચી, પાતળી, સ્હેજ શ્યામળી પણ બેહદ નમણી મેરીએ એની નાજુક આંગળીઓ રોજરની હથેળી તરફ લંબાવી. મેરીનો હાથ પકડેલો રાખીને એ જરા ઝૂક્યો અને એના પહોંચા પર હળવેકથી હોઠ લગાડ્યા. અને પછી હાથ પકડેલો જ રાખીને એ ડ્રાઈવર સીટની સામેની તરફ એને દોરી ગયો. કારનો દરવાજો ખોલીને એણે સલૂકાઈથી મેરીને અંદર બેસવા માટે નિર્દેશ કર્યો. પછી પાછળની સીટનુઁ બારણું ખોલીને બુકે લઈને એ ડ્રાયવર સીટમાં ગોઠવાયો અને મેરીના હાથમાં બુકે થમાવ્યો. ''શેલ વી ગો?'' એણે પૂછ્યું અને હળવેથી કાર હંકારી.

શહેરની આ સૌથી મોંધી હોટલમાં મેરીનો હાથ એક હાથમાં પરોવીને દાખલ થતા એને અનેરો રોમાંચ થઈ રહ્યો. ઠીક ઠીક માણસો દેખાઈ રહ્યાં હતા. ખૂણા પરનું, બે વ્યક્તિ બેસી શકે એવું ટેબલ પોતે બુક કરાવેલું. ટેબલને અડીને આવેલી કાચની દીવાલની પેલે પાર દરિયાનો નઝારો જોવા જેવો રહેતો. જો કે, એને તો, મેરીની આંખોમાં આંખો નાંખીને ખોવાઈ જવું હતું. દરિયો જોવાની અહીં કોને ફૂરસદ હતી?

વાત ક્યાંથી શરૂ કરવી એ એને સમજાતું ન હતું. સ્લીવલેસ મરૂન ઈવનિંગ ગાઉનમાં બેહદ ખૂબસૂરત દેખાતી મેરીના વખાણ કર્યા વિના એનાથી ન રહેવાયું. ''યુ આર લુકિંગ ગોર્જિયસ!'' એણે ખરા દિલથી કહ્યું. એની પ્રશંસા સાંભળીને શરમાતી મુસ્કાતી મેરી પણ બોલ્યા વિના ન રહી: ''યુ આર અલ્સો લુકિંગ વેરી સ્માર્ટ!''

'સ્માર્ટ તો છે જ! જાતમહેનતથી ઊભી કરેલી આવડી મોટી કંપની કંપની એકલે હાથે ચલાવે છે. સકસેસફૂલ છે. યંગ નથી તો શું થયું, ચશ્માં પહેરે છે તો યે સ્માર્ટ લાગે છે! સ્વભાવ પણ સારો છે. અ જોલી ગુડ ફેલો!" પ્રશંસાભરી નજરે એના તરફ જોઈ રહેલી મેરી મનોમન વિચારી રહી. વીસ વર્ષની ઉંમરે એક અકસ્માતમાં માબાપ બંનેને ગુમાવીને અનાથ બની ચૂકેલી મેરી, ગ્રેજ્યુએટ થઈને નાનીમોટી નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે રાખતી. જો કે, આજ દિવસ સુધીમાં કેટલીયે જગ્યાએ નોકરી કરી ચૂકેલી મેરીને દરેક જગ્યાએ પુરુષ માલિક કે સહકર્મીની સતામણીનો ભોગ બનવું પડતું. પણ કોઈ એની નબળાઈનો લાભ ઊઠાવે એ પહેલા જ એ સામેથી નોકરી છોડીને ચાલી જતી એટલે બચી જતી. પણ આ નોકરીમાં એવું કશું બન્યું ન હતું. રોજરની એ પર્સનલ સેક્રેટરી હતી. એની ચેમ્બરમાં જ કાયમ એને બેસવાનું રહેતું. તેમ છતાં રોજરે ક્યારેય એની જોડે કોઈ અજુગતી હરકત કરી ન હતી. હા, ઓફિસનો પ્યુન એને કંઈક વિચિત્ર નજરે જોયા કરતો. એ એને ગમતું ન હતું. પણ નવી નવી નોકરીમાં કે જ્યાં માલિક કે અન્ય કોઈ સહકારી તરફથી કોઈ જાતની પરેશાની ન હતી ત્યારે પ્યુનની આ રીતે જોઈ રહેવાની ફરિયાદ શું કરવી? એમ વિચારીને એણે મન મનાવેલું. ક્યારેક રોજરે ડિટેક્ટ કરાવેલા લેટર્સ  કોમ્પ્યુટર પર ટાઈપ કરતી વેળાએ એ ત્રાંસી નજરે રોજર તરફ જોઈ લેતી. ચાલીસીએ પહોંચેલો, ડીવોર્સી, હસમુખા સ્વભાવનો રોજર ભલે આમ કંઈ બહુ દેખાવડો ન હતો. પણ એને વ્યવસ્થિત રહેતા આવડતું હતું.  પોતાની એક વિશિષ્ટ છાપ, એના પરિચયમાં આવતા લોકો પર પડ્યા વિના ન રહેતી

ક્યારેક મેરી વિચારતી. પચીસની  ઉમર તો પોતે કહેતી, પણ આમ તો અઠ્ઠાવીસ થવા આવેલા.  ક્યાં સુધી ચાલશે આ નોકરી બદલતા રહેવાની કવાયત?  એના કરતા કોઈ સારુ પાત્ર શોધી ને ઠરીઠામ થઈ જવુ શું ખોટું?  ને  આ રોજર પોતાને માટે પરફેક્ટ હસબંડ મટિરિયલ ધરાવે છે, એવું એને શરૂથી જ લાગ્યા કરતું હતું. તો મેરીની સાદગી અને સરળ  સ્વભાવથી અંજાયેલા રોજરને પણ લાગતું કે મેરી ભલે બહુ રૂપાળી નથી, પણ સહ્રદય તો છે. ને પાછી અનાથ. જો એ મને સાચવી લે તો હું એના પર દુનિયાની તમામ ખુશીઓ ન્યોચ્છાવર કરી દઈશ.' મનોમન એ વિચારી રહેતો. અને એક દિવસ એણે હિંમત કરીને મેરીને ઓફિસમાં જ લંચ પર આવવા માટે કહ્યું. જો કે, ત્યારે તો મેરીએ સિફતથી ઈન્કાર કરી દીધો પણ પોતે ય કંઈ કમ થોડો હતો? એક સાંજના ડિનર માટે સમય ફાળવવા મેરીને રાજી કરી જ લીધી.

અને આજે બંને સામસામે બેઠા હતા. એકબીજાના વખાણથી શરૂ થયેલી વાતને એક હળવી જોક વડે આગળ ધપાવીને મેરીના મુખે એની સ્કૂલ કોલેજની વાતો રમતી કરવામાં એને સફળતા મળી હતી. શરમાળ મેરી ધીરે ધીરે ખૂલીને ખીલી રહી હતી. રોજર રસપૂર્વક એની વાતો સાંભળતો રહ્યો. ત્યાં જ અચાનક એનો ફોન વાઈબ્રેટ થયો. પેન્ટના ખિસ્સામાંથી ફોન કાઢીને એણે સ્ક્રીન સામું જોઈને ફોન રિસિવ કર્યો. પણ સામે છેડેથી કોઈ બોલતું ન હતું.

''સ્ટ્રેઈન્જ!'' એ મનોમન જ બોલતો હોય એમ બબડ્યો. એને ક્યારેય આવા બ્લેન્ક કોલ મળતા નહીં.

''યુ પ્લીઝ કેરી ઓન!'' એણે મેરી સામું જોઈને સ્મિત કર્યું.

''હું ક્યાં હતી?'' વાતમાં અચાનક વિક્ષેપ પડવાથી જરા ગંભીર થઈ ગયેલી મેરીએ વાત આગળ ચલાવતા કહ્યું. થોડી વાર એમ જ હળવી વાતો ચાલતી રહી. સૂપ, સ્ટાર્ટર વિ. ને ન્યાય અપાતો રહ્યો. રોજરનો હાથ એના ખિસ્સામાં પડેલી ઈયરિંગ્સ ની ડબ્બી પર બે ચાર વાર ફરી ગયો પણ એનાથી એ બહાર ન કાઢી શકાઈ. ફરી એકવાર એનો ફોન વાઈબ્રેટ થયો. આ વખતે તો ટેબલ પર જ પડેલો હતો. એ ફોન ઊઠાવે એ પહેલા મેરીની ચકોર આંખોએ નોંધ્યું કે ફોન આવે ત્યારે રોજર જરા વિહ્વળ થઈ જતો હતો. આ વખતે પણ ફોન પર કોઈ કશું બોલ્યું નહીં. રોજરે બે ચાર વાર હલો હલો કરીને ફોન મૂકી દીધો.

'કોનો ફોન હશે?' મેરીના મનમાં જરા ઈંતેજારી થઈ આવી. પણ એ વિશે પૂછવાનું એને ઠીક ન લાગ્યું. રોજરે ખૂણામાં એક તરફ ઊભેલા વેઇટર તરફ જોયું. એ નજીક આવ્યો એટલે રોજરે ઓર્ડર સર્વ કરવા જણાવ્યું.  થોડી વાર માટે બંને વચ્ચે ચુપકીદી છવાઈ ગઈ. એ મનમાં ને મનમાં વાતનો દોર આગળ કેમ ચલાવવો તેના વિચાર કરી રહ્યો હતો કે ફરી ફોનની રિંગ વાગી.

''એક્સક્યૂઝ મી!'' એ જરા હડબડાહટમાં ઊભો થઈ ગયો. ટેબલ જોડે એનું પેટ અથડાતાં પ્લેટ્સ, બાઉલ્સ બધું જરા હલબલી ગયું. ''સિગ્નલ્સ જરા વીક આવે છે અહીંયા...'' કહેતો એ વોશરૂમ તરફ ધસ્યો. વોશરૂમની એક તરફ એક ગેલેરી પડતી. ત્યાં ખુલ્લી હવામાં ઊભા ઊભા એણે ફોન પર હલો... હલો કર્યું. પહેલા જરા ધીમેથી અને પછી, આજુબાજુ કોઈ જોતું નથી ને, એની ખાત્રી કરીને જરા જોરથી એ ચિલ્લાયો... હ.....લ્લો!

મેરીને જરા અજુગતું તો લાગી રહ્યું હતું, પણ શું થાય? એ બધા વિચાર પડતા મૂકીને ઘડીક આખાયે હોલ તરફ અને પછી ગ્લાસ વોલની પેલે પાર ચાંદનીમાં નહાતા દરિયાના ઊછળતા મોજાં તરફ જોઈ રહી. આવડી ઉંમરમાં એ પહેલવહેલી વાર જ આટલી મોટી હોટલમાં ડિનર માટે આવી હતી. જમવાનું પ્લેટ્સમાં સર્વ થઈ ચૂક્યું હતું અને ભૂખ પણ કકડીને લાગી ગઈ હતી. પણ રોજરની રાહ તો જોવી જ રહી.

પાંચેક મિનિટમાં જ રોજર પાછો આવ્યો. ન જાણે કેમ પણ એના ચહેરા પર થોડી વ્યગ્રતા સ્પષ્ટપણે દેખાતી હતી. ''ઈઝ એવરીથિંગ ઓકે?'' મેરીના આ પ્રશ્નના જવાબમાં એણે ખોખલું હસવાનો પ્રયત્ન કર્યો. એ બેસવા જાય ત્યાં જ ફરી એકવાર ફોનની રિંગ વાગી. ફરી એ વોશ રૂમ તરફ લપક્યો. આ વખતે જરા વધારે વાર થઈ તોયે એ આવ્યો નહીં.

છોભાયેલી મેરી આમતેમ જોઈ રહી. એટલામાં એક વેઇટર આવીને અદબથી એની સામે ઝૂક્યો. હાથમાંની ટ્રે એણે મેરી સામુ ધરી રાખી હતી. પળવાર માટે મેરી સમજી નહીં કે ખાલી ટ્રેનું એ શું કરે? એણે કંઈક અસમંજસમાં વેઇટર સામું જોયું. એણે નજરથી જ ટ્રેમાં પડેલા પેપર નેપકીન તરફ ઈશારો કર્યો. મેરીએ નેપકીન ઊંચક્યો એ સાથે જ એ ત્યાંથી રવાના થઈ ગયો.

ગેલેરીમાં વ્યગ્ર થઈને આમથી તેમ ડગલાં ભરી રહેલા રોજરને સમજાતું ન હતું કે શું કરવું. આ રીતના બ્લેન્ક કોલ એની સમજની બહાર હતા. સામેનો નંબર દેખાતો ન હતો. એણે પળવાર કશો વિચાર કરીને કોન્ટેક્ટ લિસ્ટ સ્ક્રોલ કરવા માંડ્યું.  પણ જોઈતો નંબર મળ્યો નહીં. ''ઓહ નો! એ નંબર તો બીજા ફોન પર છે!'' એ હંમેશા બેય ફોન સાથે જ રાખતો પણ આજે ન જાણે કેમ એ સાદો ફોન સાથે રાખવાનું એને જરૂરી ન લાગ્યું. મનોમન જ એ ફોન તેમજ આ જરૂરી નંબર બંને ફોન પર ન રાખવાની પોતાની ભૂલ પર એ અફસોસ કરતો રહ્યો...


'જસ્ટ ડાયલ' લીસ્ટમાં જોઈને રોજરે એક નંબર પર ફોન લગાડ્યો. સામે છેડે ડો. નાયરની સાયકિયાટ્રીક ઇન્સ્ટીટયુટની નાઈટ ડ્યૂટીની રિસેપ્શનિસ્ટ ઓળખીતી નીકળી. એની જોડે વાત કર્યા પછી રોજરને રાહત થઇ. છેલ્લા કેટલાયે વર્ષોથી રોજરની માં હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. એ હોસ્પિટલ દ્વારા સમયે સમયે પેશન્ટના સગાંને પેશન્ટ વિશે બધી જ માહિતી ઈમેઈલ કરવામાં આવતી તેમ જ ફોન પર પણ થોડી વાતચીત કરવામાં આવતી. પેશન્ટના સગાંવહાલાં ભૂલી ન જાય કે આપણું માણસ ત્યાં સારવાર હેઠળ છે, કંઈક અંશે એ હેતુથી પણ પેશન્ટના સગાઓ જોડે હોસ્પિટલના સંપર્ક અધિકારી સંપર્કમાં રહેતા. એમનો નંબર પણ અનલિસ્ટેડ હતો. આ ઉપરાઉપરી આવેલા બ્લેન્ક કોલ પણ હોસ્પિટલના હશે, એમ વિચારીને એ જરા ઉદ્વેગમાં આવી ગયો કે રખે ને માને કંઈ થયું હશે તો?

''હવે કોઈક રીતે મેરીને આખીયે વાત સમજાવવી પડશે.'' એણે બહાર નીકળતા નીકળતા ચહેરા પર બાઝેલાં પરસેવાના બૂંદ રૂમાલથી લૂછ્યાં. બે ચાર ઊંડા શ્વાસ લીધાં અને ચહેરા પર એક સ્મિત લાવી દઈને એ ટેબલ તરફ ચાલ્યો. ખિસ્સામાં પડેલી ઈયરિંગ્સની ડબ્બી પર હાથ ફેરવી લેવાનું એ ન ભૂલ્યો.

મેરી ટેબલ પર ન હતી. જમવાની પ્લેટ્સ એમ ને એમ પીરસાયેલી પડી હતી. એણે વિચાર્યું કે વોશરૂમમાં ગઈ હશે, પોતે વાતોમાં મશગૂલ હશે તો ધ્યાન નહીં પડ્યું હોય. મિનિટો વહેતી ચાલી. એણે બે ચાર વખત ફોન હાથમાં લઈને આમતેમ ફેરવ્યો. એને થયું કે કંઈક વધારે જ વાર લાગી રહી છે મેરીને. કશું વિચારીને એણે મેરીનો નંબર લગાડ્યો. મોબાઈલ સ્વીચ્ડ ઓફ હતો. ''વોટ ધ હેલ ઈઝ ધીસ?'' એ જરા અસ્વસ્થ થઈ ગયો. હજુ હમણા કલાક પહેલા તો મેરીને પિક અપ કરવા જ્યાં ઊભેલો ત્યાંથી તો એનો ફોન લાગ્યો હતો. એ કશું યે ન સૂઝતાં આમ તેમ જોઈ રહ્યો. એક વેઇટર એની પાસે આવીને જરા ઝૂક્યો. એના હાથમાં પકડેલી ટ્રેમાં એક પેપર નેપકીન હતો.

''મિ. અનનોન! તમે જે ફટાકડીને સાથે લઈને આવેલા, એ કોઈ અન્ય પુરુષ જોડે એની લક્ઝુરીયસ કારમાં બેસીને ચાલી ગઈ છે. સોરી ટુ સે પણ એ માણસ તમારા કરતા ખાસ્સો યંગ અને હેન્ડસમ હતો. તમે એની રાહ ન જુઓ એ જ બેટર છે.''


રસ્તા પર પૂરપાટ દોડી રહેલી ટેક્સીની પાછલી સીટ પર બેઠેલી મેરી હજુ યે સ્તબ્ધ હતી. એને હજુ યે વિશ્વાસ નહોતો આવતો કે રોજર આવું કરે?  ''ઈમ્પોસિબલ!'' એણે બોલવા ચાહ્યું પણ એના મોં માંથી શબ્દો બહાર નીકળે એ પહેલા જ ગળામાં ડૂમો બાઝ્યો. એને થયું કે એ રડી પડશે. રોજર વિશે જાણવા મળેલી હકીકત માનવાને મન તૈયાર થતું ન હતું તો ન માનવા જેવું યે ક્યાં કોઈ કારણ હતું? અગાઉની બધી જ નોકરીઓમાં થયેલા પુરુષ બોસના કડવા અનુભવો એની નજર સામે જ હતા. મેરીનું આખું યે શરીર કોઈ અજ્ઞાત ભયથી ધ્રૂજી રહ્યું હતું.  ''જે  માણસ જોડે તમે આવ્યા છોજે તમારો બોસ છેએ ખતરનાક માણસ છે. મીઠું મીઠું બોલીને તમને ભરમાવી દેશેતમારો બધી રીતે લાભ લેશે  અને પછી તમને પડતા મૂકી દેશે. આ માણસ જુદી જુદી સ્ત્રીઓનો શોખીન છે. નવી નવી છોકરીઓને નોકરી પર રાખીને શરૂશરૂમાં સજ્જન હોવાનો ડોળ કરીને આ માણસ ધીરે ધીરે એનો વિશ્વાસ જીતી લે છે અને પછી ચવાઈ ગયેલી ચ્યુઈંગ ગમની જેમ થૂંકી નાખે છે. પણ તે પહેલા એ છોકરીને બરબાદ કરી મૂકે છે. ચેતવું હોય તો ચેતજો! અત્યારે પણ એ વોશરૂમમાં જવાને બહાને બીજી કોઈ છોકરી સાથે ફોન પર ચક્કર ચલાવી રહ્યો છે. તમારે માનવુ હોય તો ભલે. ને ન માનોતો તમારી બરબાદીના જવાબદાર તમે પોતે જ હશો! યાદ રાખજો.''

અંદરની તરફ ઝીણા ઝીણા અક્ષરે,  ધમકી કહો કે સમજાવટએ લખેલો પેપર નેપકીન એના પર્સમાં જ પડેલો હતો.

અગાઉની જેમ આ નોકરીને પણ એણે અત્યારથી જ અલવિદા કહી દીધી.


ખીજાયેલા, દૂભાયેલા રોજરે કશું જ બોલ્યા વિના બિલ પે કરીને ચાલતી પકડી. એનો બધો જ મૂડ માર્યો ગયેલો. મેરી પ્રત્યેની કડવાશથી એનું મોં ભરાઈ ગયેલું. મનમાં ને મનમાં એણે ગાડીમાં બેઠે બેઠે જ મેરીનો ડિસમિસલ ઓર્ડર સાઈન કરી નાખ્યો.


રોજર બહાર નીકળ્યો એની થોડીવાર પછી એક મહિલા ઊભી થઈ. એના ટેબલ પર પાણીના ગ્લાસ સિવાય કશું ન હતું. એણે પેલા વેઇટર  સામે જોઇને એક સ્મિત ફેંક્યું અને સાથે પોતાના પર્સમાંથી ૫૦૦ની નોટે કાઢી ટેબલ પર મુકી અને એણે એક નજર રોજર અને મેરી બેઠા હતા એ ટેબલ પર ફેંકી. ''માય ડિયર એક્સ હસબંડ! તે મને તો તારી જિંદગીમાંથી બેદખલ કરી નાખી, પણ હું તારી જિંદગીમાં કોઈ સ્ત્રીને દાખલ થવા નહીં દઉં. મારા નાના ભાઈને તે બિઝનેસમાં સાથે ન રાખ્યો. મારી મંદબુદ્ધિની બહેન અને માબાપ માટે હું કશું યે કરું એ તને પસંદ ન હતું. તને એકલે હાથે તે કમાયેલી સંપતિનો બહુ જ અહમ હતો. તુ યે જોઈ લે. મારી જિંદગી વેરાન કરીને તું ખુશ રહે એવું હું ક્યારેય નહીં થવા દઉં. તારી ઓફિસમાં તારા પ્યુનને પગાર ભલે તું ચૂકવે, પણ એ માણસ મારો છે. આ મેરી જ નહીં, ભવિષ્યમાં કોઈપણ છોકરીને તારી નજીક નહીં આવવા દઉં.''

એક વિજયી સ્મિત સાથે સુઝાન હોટલ છોડીને બહાર નીકળી ગઈ!

1 ટિપ્પણી:

  1. સૌમ્યાજી
    વાર્તા સારી લખાઈ છે. ભાષા શુદ્ધિ અને શૈલી પણ ઘણી સારી છે. અંત અપેક્ષિત જ નીકળ્યો. એટલે સરળ લાગી. લખતા જ રહો.
    -અજય પંચાલ

    જવાબ આપોકાઢી નાખો