જુલાઈ 27, 2016

મોરા ગોરા અંગ લઇ લે....



રામ અને કૃષ્ણ જેવા શ્યામવર્ણ દેવતાઓ જયાં પૂજાય છે તે દેશમાં ગૌર વર્ણ એ સુંદરતાની નિશાની ગણાય છે. લગ્નવિષયક જાહેરખબરોમાં ગોરો વાન એ ઉમેદવાર કન્યા પ્રથમ લાયકાત ગણાય છે. અખબાર
કે સામયિકનું પાનું ખોલો કે પછી ટીવી પર આવતી ઢગલાબંધ ચેનલો પૈકી કોઈ એક ચેનલ શરૂ કરો. બોલીવુડ કે ક્રિકેટ જગતના જાણીતા ચહેરાઓને ચમકાવતી  કોઈને કોઈ ફેરનેસ ક્રીમની જાહેરખબર જોવા ન મળે તો જ નવાઈ! 'ફલાણું ફેરનેસ ક્રીમ લગાવો અને ગોરા બનો' - આવી જાહેરાતો જોઈ જોઈને અનેક યુવતીઓ જ નહીં, યુવાનો પણ આવા કહેવાતા ફેરનેસ ક્રીમ, લોશન, પાઉડર ખરીદતા થયા છે. માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષો માટેના ફેરનેસ પ્રસાધનોની પણ વિશાળ શ્રુંખલા બજારમાં હવે ઉપલબ્ધ છે. હિંદુસ્તાન લિવર કંપનીએ 1978માં પહેલવહેલી ફેરનેસ ક્રીમ 'ફેર એન્ડ લવલી' બજારમાં ઉતારી ત્યારથી આજ સુધીમાં કયારેય પણ ફેરનેસ ક્રીમના વેપારમાં મંદી આવી નથી.
 મુંબઈની માર્કેટ રિસર્ચ  કંપની 'નિલ્સન ઇન્ડિયા' ના એક સર્વેક્ષણ મુજબ, હાલ ભારતમાં ફેરનેસ ક્રીમનો વેપાર વર્ષે 43 કરોડ ડોલર જેટલો થાય છે.


માત્ર ફેરનેસ ક્રીમ જ નહીં, ગોરી ત્વચા માટે નિતનવા નુસખા અજમાવાય છે. ઘરેલૂ દેશી ઉપચારોથી માંડીને બ્યુટીપાર્લરની ખર્ચાળ  સારવાર વડે ગોરા દેખાવાની કવાયત ચાલતી રહે છે. ગોરા દેખાવાની ઘેલછા એ હદે વ્યાપક છે કે હજુ યે આપણા દેશમાં કેટલીક માતાઓ પોતાના વયસ્ક સંતાનોને પણ ચા પીવા નથી દેતી. એવો એક દ્રઢ ખ્યાલ પ્રવર્તે છે કે ચા પીવાથી વાન કાળો થઈ જાય!!  છોકરીઓ માટે તો આ વાત જરા પણ ન ચાલે! છોકરી જરા શામળી કે ભીનેવાન હોય તો સારો છોકરો ન મળે!!

આમ જો સૌ કોઈને ગોરા જ દેખાવું હોય તો વિચાર કરો કે  કુદરતી ગોરો વાન ધરાવતી કોઈ યુવતી એમ કહે ખરા કે 'મોરા ગોરા અંગ લઈ લે, મોહે શામ રંગ દઈ દે.....' !!! તો એનો જવાબ છે, હા!


હિંદી ફિલ્મી ગીતોને એક નવું પરિમાણ, એક નવી તાજગી આપનાર  ગુલઝાર જેવા પ્રયોગશીલ ગીતકારની ઓળખ સ્વયં તેમની રચનાઓ જ છે. ફિલ્મ 'બંદિની' માટે તેમણે લખેલું ગીત 'મોરા ગોરા અંગ લઈ લે...' એ તેમની કારકિર્દીનું પ્રથમ ગીત મનાય છે. (એવું કહેવાય છે કે 'બંદિની' અગાઉ તેમણે અન્ય ત્રણ ફિલ્મો માટે ગીતો લખ્યાં હતા, પરન્તુ તેઓ હંમેશા 'બંદિની'ના ગીતથી જ પોતાની કારકિર્દીની શરૂઆત થયાનું જણાવે છે.)


વાત છે 1963ની. ફિલ્મ 'બંદિની'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. બિમલ રાય નિર્દેશિત આ ફિલ્મના સંગીતકાર તરીકે સચિન દેવ બર્મન અને ગીતકાર તરીકે શૈલેન્દ્ર નિયુક્ત થયેલા. પરંતુ કોઈ કારણોસર સચિનદા અને શૈલેન્દ્ર વચ્ચે ખટરાગ ઊભો થયો. લાખ સમજાવવા છતાં યે સચિનદા શૈલેન્દ્ર જોડે કામ કરવા તૈયાર ન હતાં. બિમલદા માટે ફિલ્મનું એક ગીત શૂટ કરવું બેહદ જરૂરી હતું. તેમણે   જ્યારે આ વાત શૈલેન્દ્રને જણાવી તો સરળ સ્વભાવના આ ગીતકાર આસાનીથી ફિલ્મ છોડવા માટે તૈયાર થઈ ગયા. એટલું જ નહીં, બિમલદાની સાહિત્યિક કસોટીએ ખરા ઊતરે એવા બીજા ગીતકાર માટે તેમણે ગુલઝારનું નામ સૂચવ્યું. પોતાના સંઘર્ષના એ દિવસોમાં ગુલઝાર એક મોટર ગેરેજમાં કામ કરતા હતા અને લેખક બનવા માટેના સ્વપ્ન જોતાં હતાં. કિશોરકુમારના પ્રથમ પત્ની રૂમાદેવી સંચાલિત એક સાહિત્યિક વર્તુળના સહસદસ્ય તરીકે શૈલેન્દ્ર તેમનાથી પરિચિત હતા. તેમણે ગુલઝારને બિમલ રાયને મળવા સૂચવ્યું.


ગુલઝારને એ સમયે ગીતલેખનમાં ખાસ રૂચિ ન હતી. પરંતુ શૈલેન્દ્રના આગ્રહથી તેઓ પોતાના એક બંગાળી મિત્ર દેબૂ જોડે બિમલ રાયને મળવા માટે ગયા. બિમલદાએ ગુલઝાર સામે પગથી માથા સુધી નજર ફેરવી અને પછી દેબૂ કે જે તેમના સહાયક તરીકે કામ કરતા હતા, તેમની સામું જોઈને બંગાળીમાં પૂછ્યું, ''ભદ્રલોક કિ બૈષ્ણવ કોબિતા જાને?'' દેબૂએ જ્યારે જણાવ્યું કે ગુલઝારને બંગાળી ભાષા આવડે છે તો બિમલદા ગુલઝાર પાસે ગીત લખાવવા માટે તૈયાર થઈ ગયા અને સંગીતકાર સચિનદાને મળીને ગીતની ધૂન સાંભળી લેવા જણાવ્યું. દાદાની ખાસિયત હતી કે તેઓ હંમેશા ગીતની ધૂન પહેલા તૈયાર કરતાં અને પછી જ તેના પર ગીત લખાવતા.


સચિનદાએ બીજે દિવસે ગુલઝારને બોલાવીને ગીતની સિચ્યુએશન કંઈક આમ સમજાવી. - ફિલ્મની હીરોઈન કલ્યાણીના પાત્રમાં નૂતન એક સીધી સાદી ઘરેલુ યુવતી છે. જે પોતાના પિતા પાસેથી નિત્ય વૈષ્ણવ પદો સાંભળતી રહે છે. કલ્યાણી મનોમન કોઈ યુવક વિકાસને ચાહે છે. એક રાત્રે ઘરકામ નિપટાવીને બસ એમ જ પોતાના પ્રિયપાત્રને યાદ કરતાં એ કોઈ ગીત ગણગણતા બહાર નીકળે છે.


અહીં ફરી એકવાર વિવાદ ઊભો થયો. બિમલદાના મતે, કલ્યાણીનું પાત્ર એટલું સંયમિત છે કે એ ઘરની બહાર જઈને તો પોતાના પ્રિયતમને યાદ કરીને ગીત ગાય એ શક્ય જ ન હતું. એની સામે બર્મનદાનું કહેવું એમ હતું કે તો પછી ઘરમાં પિતાની હાજરીમાં ય એ આવું કોઈ ગીત ગાય એ પણ કેવી રીતે સંભવ બને? પણ બિમલદા પોતાની વાત પર મક્કમ હતા. તેમણે પોતાની વાતને સમર્થન આપતાં કહ્યું કે કલ્યાણી પિતા પાસેથી કાયમ વૈષ્ણવ કવિતાઓ સાંભળતી આવી છે તો કોઈ દિવસ એ પોતે પણ કવિતા સંભળાવી ન શકે? પણ ફિલ્મની જરૂરિયાત મુજબ કલ્યાણી ગીત ગાય છે, નહીં કે કવિતા પાઠ કરે છે... -બર્મનદાએ પણ પોતાની વાત ન મૂકી. તો બિમલદાએ ગુલઝાર સામું જોઈને કહ્યું કે કવિતા લખો, વૈષ્ણવ કવિતા. પછી તો પિતા સામે એ ગાઈ શકાય ને.


પણ સચિનદાના મગજમાં એ વાત બેસતી ન હતી. તેમને લાગતું હતું કે ઘરના વાતાવરણમાં ગીત બરાબર નહીં જામે. એટલે જ તેમણે આઉટડોર સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને જ ધૂન તૈયાર કરેલી. અંતે, કલ્યાણી ઘરના આંગણમાં આવીને ગીત ગાય એવું નક્કી થયું.


આ થઈ ગીતની સિચ્યુએશન. ગુલઝારે દેબૂ પાસેથી ફિલ્મની આખી ય વાર્તા સાંભળી. ત્યારબાદ બિમલદાના અન્ય એક આસિસ્ટન્ટ સરન પાસેથી એ વૈષ્ણવ કવિતાપદ સાંભળ્યા, જે કલ્યાણી પોતાના પિતા પાસેથી સાંભળતી હોય છે. હવે ગુલઝારની કસોટી શરૂ થતી હતી. બિમલદાએ સમજાવેલી સિચ્યુએશન મુજબ, ચાંદની રાતમાં ઘરના આંગણામાં, કોઈ જોઈ ન લે એ વિચારે મનોમન ડરતા ડરતા ગીત ગાતી એક શરમાળ યુવતી કે  પ્રણયનિવેદનને કઈ રીતે શબ્દોમાં ઢાળવું?  


બીજે દિવસે સચિનદાએ ગુલઝારને ગીતની ધૂન સંભળાવી. આર. ડી. બર્મન કે જે એ સમયે પોતાના પિતાના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતાં, તેમણે ગીતના બોલ કંઈક આમ સંભળાવ્યા: 'દદદ દા દદા દદા દા'. તો સચિનદાએ એમાં સુધારો કર્યો: 'લલલ લા દદા દા લલા લા'.


આ રીતે ગીતલેખન કરવાનો કોઈ અનુભવ ન ધરાવતા ગુલઝાર બંને પિતાપુત્ર સામે જોઈ રહ્યાં. પછી દાદાએ હાર્મોનિયમ પર ધૂન વગાડવી શરૂ કરી. ગુલઝાર મનોમન કલ્યાણીના પાત્રને આત્મસાત્ કરતાં રહ્યાં. પોતાનું પ્રણય નિવેદન કોઈ સાંભળી ન જાય એવું ઈચ્છતી કલ્યાણીના મનમાં ચાલતી મીઠી મૂંઝવણને તેઓ અનુભવતા રહ્યાં. ચાંદનીના દૂધમલ પ્રકાશમાં ઝળકી ઊઠતા પોતાના ગૌરવર્ણને જોઈને કલ્યાણી જાણે કે વિચારે છે કે કાશ, પોતે ગોરી ન હોત, શ્યામ હોત, તો રાતના સમયે ચૂપચાપ પોતાના પ્રિયતમને મળીને પાછી આવી જાય તો પણ કોઈને ખબર ન પડે. પણ હાય રે, કોઈ નથી તો આ વેરી  ચંદ્ર વાદળને ખસેડીને આંગણામાં ઊભેલી કલ્યાણીને જોઈને મલકાઈ રહ્યો છે.  એનાથી ચિડાતી કલ્યાણી એવું ઈચ્છે છે કે ચંદ્રને જો રાહૂનું ગ્રહણ લાગે તો કેવું સારું! આમ વિચારતા  ધીરે ધીરે ગુલઝાર થોડા થોડા શબ્દો ગોઠવવા લાગ્યા. દાદાએ એ શબ્દો પોતાની ધૂન પર ગાઈને ચકાસી જોયા. અને પછી તો આખું યે ગીત સડસડાટ વહી આવ્યું. 'મોરા ગોરા અંગ લઈ લે... મોહે શામ રંગ દઈ દે... છૂપ જાઉંગી રાત હી મેં... મોહે પી કા સંગ દઈ દે...'


અદ્ભૂત મીઠાશભર્યા આ ગીતને લતાજીએ કંઠ આપ્યો. ગીતને અને ફિલ્મને પણ અપ્રતિમ સફળતા મળી અને આ રીતે ગુલઝારની ગીતકાર તરીકેની એક મજબૂત ઓળખ સિનેજગતમાં સ્થાપિત થઈ. જો કે, એ અલગ વાત છે કે પછીથી સચિનદાએ શૈલેન્દ્ર જોડે સમાધાન કરી લીધું અને ફિલ્મના બાકીના ગીતો શૈલેન્દ્ર જ લખે એવો આગ્રહ રાખ્યો. બિમલદા અને શૈલેન્દ્ર બંને એવું ઈચ્છતા હતા કે ગુલઝાર જ ફિલ્મના બાકીના ગીતો લખે. પણ એ સમયે સચિનદાની આણ એવી પ્રવરતી હતી કે તેમની સામે કોઈ અવાજ ન ઊઠાવી શકતું. ગુલઝારે એક ગીતથી સંતોષ માની લીધો અને સ્વેચ્છાએ ફિલ્મમાંથી હટી ગયા. તેમ છતાં, 'બંદિની' માટે લખેલું આ ગીત ગુલઝારની કારકિર્દીનું એક સીમાચિહ્ન ગણાય છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો