માર્ચ 22, 2013

St. Valentine's Day

St. Valentine's Day
એક ચમચી જ હતો જીવ, ને ભરતીઓ ચડી...
શી રીતે, કોને ખબર, કઈ પળે વસંત અડી....
આજે ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન્સ ડે. અને આજે જ વસંતપંચમી એટલે કે ભારતીય સંસ્કૃતિનો વેલેન્ટાઈન્સ ડે. વસંત એટલે ઋતુઓનો રાજા! ફૂલોની મહેક, મોરલાની ગહેક, કોયલનું કૂજન અને ભમરાના ગુંજનને માણવાની ઋતુ એટલે વસંત. પાનખરની વેરાની પછી વસંતના આગમનથી નવપલ્લવિત થયેલી ધરતી, વસંતના આગમનની છડી પોકારતાં કેસૂડાં, ફૂલોથી લચી પડતી બોગનવેલ કે પછી વાતાવરણને મધુરતાથી ભરી દેતા કોયલના ટહુકા..... ન કેવળ ઘરના આંગણા સુધી, પણ માનવજાતના મન સુધી પહોંચી જઈને ઋતુરાજ વસંતનો વાસંતીવૈભવ, આ સમગ્ર ચેતન સૃષ્ટિમાં એક નવી જ ચેતના રેડે છે.

વસંત આવે છે ને કંઈ કેટલીય વાસંતી કવિતાઓ યાદ આવી જતી હોય છે. આપણી પાસે કાલિદાસ (ઋતુસંહાર) અને જયદેવ (ગીતગોવિંદ) જેવા કવિઓએ અદ્ભૂત વસંતવર્ણનો આપ્યાં છે. ફક્ત સાહિત્ય જ નહીં, સંગીતક્ષેત્રે પણ જોઈએ તો આપણી પાસે ઋતુરાજ વસંતને વધાવવા માટે અદ્ભૂત રચનાઓ છે. અત્યંત મધુર એવા રાગ વસંતમા કમ્પોઝ થયેલી કેટલીયે શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને ફિલ્મી રચનાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. જો કે વર્ષો પહેલા રજૂ થયેલી ફિલ્મ 'બસંત બહાર'ના અતિપ્રસિદ્ધ એવા ગીત “કેતકી ગુલાબ જૂહી ચંપક બન ફૂલ” માં મન્ના ડે અને પંડિત ભીમસેનની જુગલબંધી ઊભી કરીને શંકર-જયકિશનેએ બતાવી આપ્યું હતું કે તેઓ સંગીતક્ષેત્રે વર્ચસ્વ જમાવવામાં અન્ય કોઈ ધંધાર્થી કરતાં પણ ઘણાં ઉત્કૃષ્ટ છે.

એક વખત મુલાકાત દરમિયાન મન્ના ડે એ કહેલું, "પંડિતજી જેવા મહાન ગાયક સાથે ગાવાની વાતથી મને ગભરામણ થઈ હતી. જો કે મારી સાથે કંઈક જુદુ જ બન્યું હતું, તેઓ તેમની ક્ષમતા કરતાં થોડા ઊતરતા સ્તરમાં ગાઈ રહ્યા હતા. પંડિતજીએ મને તેમનાથી પાછળ રાખી દેવાનો પ્રયાસ સહેજ પણ કર્યો નહોતો, હું ફિલ્મના હિરો માટે ગાઈ રહ્યો હતો અને ફિલ્મની પટકથાની જરૂરિયાત એવી હતી એટલે કદાચ તેમણે આવુ કર્યુ હશે એમ હું માનું છું."

http://www.youtube.com/watch?v=vcqmOaQSPDA

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો