જૂન 06, 2017

એક અનોખા ગીતકાર... રાજેન્દ્ર કૃષ્ણ


દેશ આઝાદ થયો એ પહેલાના ઘણા સમય અગાઉની આ વાત. હાલ પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતના જિલ્લા ગુજરાતના એક નાનકડા ગામ જલાલપુર જાટાની ધૂળિયા નિશાળમાં પાંચમી-છઠ્ઠીમાં ભણતો એક બાળક, સાંજના સમયે ફાનસના ઝાંખા અજવાળે ચોપડામાં માથું ઘાલીને બેઠો છે. મોટા ભાઈ અને માતાપિતા સમજે છે કે કુંવર અભ્યાસમાં રત છે. પણ પાઠ્યપુસ્તકની વચમાં છુપાવીને એ બાળક ગઝલ અને શેરોશાયરીથી ભરેલી કોઈ ચોપડી વાંચી રહ્યો છે! માતા પાર્વતી અને પિતા જગન્નાથ દુગ્ગલના આ પનોતા પુત્રને ભણવામાં કોઈ ખાસ રુચિ ન હતી. પણ કવિતા, ગઝલ, શેરોશાયરી પ્રત્યેનો લગાવ અપ્રતિમ હતો. ભલા કોઈને કલ્પના ય હશે કે આ જ બાળક મોટો થઈને ફિલ્મ સંગીતના સુવર્ણ ઇતિહાસનો એક આખો ય અધ્યાય પોતાના નામે લખશે! સદીઓ સુધી એના લખેલા સુમધુર ગીતોથી આ સંસાર ગૂંજતો રહેશે! એ ઠોઠ નિશાળિયાની કલમેથી અવતરેલું એક ભક્તિગીત- 'તુમ્હી હો માતા પિતા તુમ્હી હો.... વર્ષો પછી પણ દેશની ઘણીખરી શાળાઓમાં પ્રાર્થના ગીત.... તરીકે ગવાતું રહેશે! હિન્દી ફિલ્મ જગતના સૌથી વિલક્ષણ અને અનોખા ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણને આજે તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કરીએ અને તેમના લખેલા કેટલાક અવિસ્મરણીય ગીતોને યાદ કરીએ....

6 જૂન, 1919ના રોજ ત્રણ ભાઈઓ અને એક બહેન સહિતના સામાન્ય મઘ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા રાજેન્દ્ર કૃષ્ણનું બાળપણ જલાલપુરમાં વીત્યું. સૌથી મોટા ભાઈ માધોલાલ પરિવારની આર્થિક જવાબદારીઓના વહન માટે સિમલા આવીને વસ્યા. થોડા સમયમાં જ નાનાભાઈ રાજેન્દ્રને આગળ અભ્યાસ થઈ શકે અને ત્યારબાદ સરકારી નોકરી મળી જાય તે હેતુથી તેમણે સિમલા બોલાવી લીધો. ભાઈની લગાતાર કોશિશ અને સમજાવટના પરિણામે રાજેન્દ્રએ સરકારી નોકરી મળી શકે એટલો અભ્યાસ તો કર્યો. નોકરી કરતા કરતા સુમિત્રા નામની સ્ત્રી સાથે લગ્ન કરીને સંસાર વસાવી લઈને એક સંતાનના પિતા પણ બન્યાં. પણ કવિતા અને શેરોશયરીનું વળગણ ન છૂટ્યું. સિમલામાં એ સમયે માલ રોડ પર આવેલા કોફી હાઉસમાં રોજ સાંજ પડયે અપ ટુ ડેટ તૈયાર થઈને સાહિત્યરસિક મિત્રોની સંગતમાં સમય પસાર કરતા રાજેન્દ્ર કૃષ્ણ, લગ્ન પછી પણ સિમલામાં યોજાયા કરતા મુશાયરાઓ અને કવિ સમેલનોમાં ભાગ લેવાનું ચૂકતા નહીં. એમની ઉપસ્થિતિમાં મહેફિલની રોનક બદલાઈ જતી.

તેમ છતાં, રાજેન્દ્ર કૃષ્ણને લાગ્યા કરતું કે એમના સ્વપ્નોની દુનિયા ક્યાંક બીજે જ છે. એમણે ભરવા ધારેલી ઉડાન માટેનું આકાશ, સિમલાની ધરતી પર રહ્યે આંબી શકાય એમ ન હતું. પણ ઘર, પરિવાર અને નોકરી વચ્ચે અટવાઈને મૂરઝાયા કરતા એમના મનની વ્યથા આખરે મોટાભાઈ માધોલાલને સમજાઈ ગઈ. ખુદ પોતે પણ લખવાના શોખીન એવા મોટાભાઈએ એકવાર રાજેન્દ્રએ લખેલી એક હ્રદયસ્પર્શી વાર્તા વાંચી તો તેમને પોતાના ભાઈના લખાણની સાહિત્યિક ઊંચાઈનો ખ્યાલ આવ્યો. એ પછી એમણે રાજેન્દ્રને પોતાના સ્વપ્નો સાકાર કરવા માટે મુંબઇ જવાનો માર્ગ મોકળો કરી આપ્યો. માસિક ચાલીસ રૂપિયાના પગારમાં ગુજરાન ચલાવતા માધોલાલે, બહોળા સંયુક્ત પરિવારની જવાબદારીમાંથી રાજેન્દ્રને મુક્ત કર્યા, એટલું જ નહીં, કાયમી નોકરી છોડીને, પત્ની-પુત્રીને ભાઈના હવાલે છોડીને પોતાની સ્વપ્નનગરી મુંબઇ જઇ રહેલા નાનાભાઇના હાથમાં રોકડા રૂપિયા સો મૂકીને વિદાય આપી.

1942ના સમયગાળામાં મોહમયી મુંબઈની ધરતી પર પગ મૂક્યા પછી બહુ જલ્દીથી રાજેન્દ્રને વાસ્તવિકતાનો પરિચય થઈ ગયો. ફિલ્મી ગીતલેખન ક્ષેત્રે મેળવવા ધારેલી સફળતા તો દૂરની વાત રહી, આજીવિકા પૂરતું રળવા માટે એમણે શહેરના રસ્તાઓ પર ફરીને રૂમાલ અને મોજાં પણ વેચ્યા. જો કે એ સમયે એમને એવા સહૃદયી મિત્રોનો પરિચય થયો, જેમણે રાજેન્દ્રને આ વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવાનું બળ પૂરું પાડયું. (જો કે, સફળતા મેળવ્યા પછી રાજેન્દ્ર આ મિત્રોને ભૂલ્યા ન હતા. નાના ભાઈની સફળતાને નજરે નિહાળવા માટે પહેલવહેલી વાર મુંબઇ આવેલા મોટાભાઈ માધોલાલની હાજરીમાં જ્યારે કોઈ સામાન્ય દેખાતા માણસે રાજેન્દ્ર સમક્ષ થોડી મદદની વાત મૂકી તો એ જ ક્ષણે વિના કોઈ ખચકાટ, વિના કોઈ પૂછપરછ, એ માણસના હાથમાં રાજેન્દ્રે એ જમાનામાં માતબર કહેવાય એવી દસ હજાર રૂપિયાની રકમ મૂકી દીધી! પાછળથી એમણે ભાઈ સમક્ષ એ વાતનો ખુલાસો કરતા જણાવ્યું કે સંઘર્ષના દિવસોમાં જ્યારે એમની પાસે ખાવાના ય પૈસા ન હોય ત્યારે આ મિત્રને ત્યાં ગમે ત્યારે વિના સંકોચે જઈ ચડતા રાજેન્દ્રને ભરપેટ ખાવાનું મળી શકતું!)

પાંચેક વર્ષના સંઘર્ષ બાદ 1947માં 'જનતા' નામની એક ફિલ્મની પટકથા લખવાનો રાજેન્દ્રને મોકો મળ્યો. એ જ વર્ષે 'જંજીર' નામની એક ફિલ્મમાં ગીત લખવાની પણ તક મળી. જો કે આનાથી એમને આગળ કોઈ બીજી તક ન મળી. એમની ઝળહળતી કારકિર્દીનો સૂરજ ઉગવાને બહુ ઝાઝી વાર ન હતી. 1948ની શરૂઆતમાં જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અકલ્પ્ય વિદાયથી આખો દેશ જ્યારે શોકગ્રસ્ત હતો ત્યારે રાજેન્દ્રએ બાપુને અંજલિ આપવા એક ગીત લખ્યું... 'સૂનો સૂનો એ દુનિયાવાલો... બાપુ કી યે અમર કહાની.....' સંગીતકાર જોડી હુસ્નલાલ-ભગતરામના નિર્દેશનમાં મોહમ્મદ રફીએ ગાયેલું આ બિનફિલ્મી ગીત રાતોરાત ઘરેઘરમાં ગૂંજતું થઈ ગયું! આ સફળતાને પગલે પગલે એ જ વર્ષે મોતીલાલ અને સુરૈયાની 'સ્ટાર' જોડીને ચમકાવતી ફિલ્મ 'આજ કી રાત' માટે રાજેન્દ્રએ લખેલા ગીતોએ તેમને માટે સફળતાનાં દ્વાર ખોલી નાખ્યાં! મીના કપૂર, જી. એમ. દુર્રાની અને સુરૈયાએ ગાયેલા આ ફિલ્મના ગીતો ખાસ્સા લોકપ્રિય થયા. પણ એ જ વર્ષે આવેલી ફિલ્મ 'પ્યાર કી જીત'નું સુરૈયાએ ગાયેલું મસ્તી ભર્યું ગીત 'તેરે નૈનો ને ચોરી કિયા, મેરા છોટા સા જિયા, પરદેસિયા હાયે...' આજે પણ હૃદયને સ્પર્શ્યા વિના રહેતું નથી.

સફળતા અને રાજેન્દ્ર કૃષ્ણ એ બંને હવે એકબીજાના પર્યાય બની ચૂક્યાં હતા. 1949માં આવેલી 'લાહૌર' અને 'બડી બહન' જેવી ફિલ્મો આ વાતનું પ્રમાણ આપે છે. 'બડી બહન'નું લતાજી અને પ્રેમલતા નામની ગાયિકાએ ગાયેલું યુગલ ગીત 'ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ...' એટલી હદે લોકપ્રિય થયેલું કે ઢોલક અને મંજીરા લઈને ભજન ગાતી મંડળીની બહેનો આ ગીતની ધૂન પર ભજનો ગાતી તો બીજી તરફ નાચગાન કરીને ગુજારો કરતી તવાયફો પણ આ ગીતની ફરમાઈશ પર નાચીને ધૂમ કમાણી કરતી! અલબત્ત, હુસ્નલાલ-ભગતરામના સંગીતની કમાલ તો હતી જ, પણ સામાન્ય બોલચાલની ભાષામાં લખાયેલા આ ગીતના શબ્દોમાં જે સાદગીપૂર્ણ મીઠાશ હતી તેનો ગીતની સફળતામાં બહુ મોટો હાથ હતો. 'બડી બહન'ના ગીતોએ જે ધૂમ મચાવી એનાથી ખુશ થઈને ફિલ્મના નિર્માતાએ રાજેન્દ્ર કૃષ્ણને ઓસ્ટિન જેવી વૈભવી મોટર ગાડી ભેટ આપી. એટલું જ નહીં, હજાર રૂપિયાના માસિક પગારે એમને પોતાની કંપનીની ફિલ્મો માટે ગીત લખવા માટે કરારબદ્ધ કરી લીધા!

હુસ્નલાલ-ભગતરામ સાથે સફળતાની પા પા પગલી ભર્યા બાદ, સી. રામચંદ્રની સંગતમાં રાજેન્દ્ર કૃષ્ણની કારકિર્દીની ગાડી પૂરપાટ વેગે દોડવા માંડી. એમાંયે લતાજી-સી. રામચંદ્ર-રાજેન્દ્ર કૃષ્ણની ત્રિવેણીએ આપેલા અવિસ્મરણીય ગીતો તો ફિલ્મ સંગીતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયેલા છે. ફક્ત એક જ ફિલ્મ 'અનારકલી'ની વાત કરીએ તો, આ ફિલ્મમાં હસરત જયપુરી અને જાંનિસાર અખ્તરના એક એક અને શૈલેન્દ્રના બે ગીત ઉપરાંત બાકીના નવેનવ ગીત રાજેન્દ્ર કૃષ્ણે લખ્યાં હતા. લતાજીએ ગાયેલાં 'યે ઝીંદગી ઉસી કી હૈ જો કિસી કા હો ગયા....' અને 'મહોબ્બત ઐસી ધડકન હૈ જો સમજાયી નહીં જાતી....' જેવા આ ફિલ્મના ગીતો લતાજી-સી. રામચંદ્ર-રાજેન્દ્ર કૃષ્ણના ત્રિવેણીસંગમનું ઉચ્ચસ્તરીય એવું આચમન છે. તો હેમંતકુમાર ના અવાજમાં 'ઝીંદગી પ્યાર કી દો ચાર ઘડી હોતી હૈ....' ગીત ભલા કોઈ કેવી રીતે ભૂલી શકે?!
ગીતલેખન ઉપરાંત પટકથા અને સંવાદ લેખક તરીકે પણ તેમણે કેટલીક હિન્દી અને તમિલ ફિલ્મો માટે કામ કર્યું. 1968માં આવેલી મશહૂર ફિલ્મ પડોશન માટે તેમણે પટકથા, સંવાદ અને ગીત એ ત્રણેય મોરચા સંભાળ્યા. આજ સુધી પ્રણય, સામાજિક ચેતના અને ધાર્મિક ભાવનાને વ્યક્ત કરતી એમની કલમે હળવી હાસ્યપ્રધાન ફિલ્મમાં પણ કમાલની ધમાલ મચાવી દીધી!

પોતાના જીવનકાળ દરમિયાન 300 જેટલી ફિલ્મોમાં 1500થી વધુ ગીતો લખનાર રાજેન્દ્ર કૃષ્ણે ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું. કોઈ પણ પ્રકારના વાદવિવાદથી દૂર રહીને સરળ હૃદયના આ શબ્દ શિલ્પીએ ગણ્યા ગણાય નહીં એટલા સુપ્રસિદ્ધ ગીતો આપ્યાં છે. ન જાણે કેમ પણ ફિલ્મફેર એવોર્ડને માત્ર એક જ વાર રાજેન્દ્ર કૃષ્ણના નામ સાથે જોડાવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું! 1968ની ફિલ્મ 'ખાનદાન'ના ગીત 'તુમ્હી મેરી મંઝિલ... તુમ્હી મેરી પૂજા...' માટે ગીત સાથે સંકળાયેલા ત્રણેય કસબીઓ- લતાજી, સંગીતકાર રવિ અને ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણને ફિલ્મફેર એવૉર્ડ મળ્યા.

ઘોડાદોડના શોખીન એવા રાજેન્દ્ર કૃષ્ણને એકવાર વિક્રમસર્જક એવો 49 લાખ રૂપિયાની અધધધ કહી શકાય એવી રકમનો જેકપોટ લાગેલો! સંપૂર્ણપણે કરમુક્ત એવી આ રકમનું તેમણે વ્યવસ્થિત રીતે કરેલું રોકાણ એમને જીવનપર્યંત વળતર આપતું રહ્યું. જે તેમને સુવ્યવસ્થિત જીવન જીવવા માટે પર્યાપ્ત હતું. તેમ છતાં, જીવનના અંત સુધી તેમણે વ્યવસાયિક વ્યસ્તતા જાળવી રાખી. 23 સપ્ટેમ્બર, 1988ના રોજ મુંબઇ ખાતે તેમનું અવસાન થયું તે સમયે તેઓ ફિલ્મ 'આગ કા દરિયા' માટે ગીતો લખી રહ્યા હતા. જે ફિલ્મ તેમના અવસાનના બે વર્ષ બાદ રજૂ થઈ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો