જૂન 04, 2017

યે ધક ધક ક્યા હૈ..



વિવિધ રાગ-રાગિણીમાં પરોવાઈને સરગમના સાત સૂરો એવી મીઠી મીઠી તરજોનું રૂપ લે છે કે એ મીઠાશની ચાસણીમાં ઝબકોળાયેલા ગીતો આપણને વારે વારે સાંભળવા ગમે છે. સામાન્ય માનવીને કદાચ શાસ્ત્રીય સંગીતની સૂઝ ન હોય તો પણ શબ્દો અને ધૂન થકી કોઈ ગીત એના હૃદયને ઊંડે સુધી સ્પર્શી જતું હોય છે. લોકપ્રિય ફિલ્મી ગીતો એ આ વાતનો જીવંત પુરાવો છે. જો કે, રોજેરોજ રચાતા સેંકડો ગીતોની ભરમારમાં, એક સંગીતકાર માટે કોઈ અનન્ય, નવીનતમ બંદિશ રચવી એ થોડું અશક્ય કામ છે. આપણા ફિલ્મ સંગીતકારોએ સાત સૂરોને શક્ય એટલા અલગ અલગ રીતે સંયોજીને કર્ણપ્રિય સંગીત રચ્યું છે અને હજુ પણ રચતા રહે છે. તેમ છતાં, ક્યાંક ને ક્યાંક તો કોઈ બે ગીતની ધૂનમાં સરખાપણું જાણે અજાણે પણ, આવી જ જતું હોય છે! સંગીતની દુનિયામાં આવી ‘સાહિત્યિક ચોરી’ના નમૂનાને ‘પ્રેરણા’ કહેવામાં આવે છે! પણ આપણે એવું યે વિચારી શકીએ કે કોઈ ગીતની ધૂન બનાવતી વેળાએ, સંગીતકારે ઈચ્છ્યું ન હોય કે કોઈ પ્રસિદ્ધ ગીતની ધૂનની ઉઠાંતરી કરીને એ ગીત રચી નાખવું. પણ ગીતના શબ્દો જ કંઈક એવા છંદમાં લખાયા હોય કે એને અનુરૂપ બીજી કોઈ યોગ્ય ધૂન બનાવવી શક્ય જ ન હોય! અલગ અલગ ધૂન અજમાવી જોઇને કદાચ છેલ્લે પેલી પ્રસિદ્ધ ધૂનને મળતી આવતી તરજમાં જ ગીતને ઢાળવું પડે!

એવું નથી કે ઓછા પ્રતિભાવાન સંગીતકારોએ જ જાણીતા સંગીતકારની ધૂન પરથી ગીત રચ્યા છે. સંગીતકાર મદન મોહન અને સજ્જાદ હુસેનનો જ દાખલો લો. બંને નામી સંગીતકાર કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી પણ અહીં એક વાત કહ્યા વિના રહી 
શકાતું નથી. સંગીત નિર્દેશકોના પ્રપિતામહ કહેવાય એવા શ્રી અનિલ વિશ્વાસજી કહેતા કે, “ફિલ્મ ઉદ્યોગમાં સજ્જાદ જ એવા બેજોડ સંગીતકાર છે, જેની તોલે આવી શકે એવું કોઈ નથી. અમે બધા ક્યાંકથી ને ક્યાંકથી અથવા તો કોઈ ને કોઈ વાતમાંથી પ્રેરણા લઈને તર્જ બનાવીએ છીએ, પણ સજ્જાદનુ સંગીત ક્યાંયથી પ્રેરિત નથી. એ એમનું ખુદનું મૌલિક સર્જન છે.”

આવા સજ્જાદ હુસેનની ફિલ્મ ‘સંગદિલ’નાં એક અત્યંત પ્રસિદ્ધ ગીત ‘યે હવા યે રાત યે ચાંદની' પરથી પ્રેરણા લઈને મદન મોહનજીએ ફિલ્મ 'આખરી દાવ'ના ગીત 'તુજે ક્યા સુનાઉં મેં દિલરુબા...' ની રચના કરેલી. દુર્વાસાનાં અવતાર સમા સજ્જાદ હુસેન આ વાતથી ખૂબ જ નારાજ થઇ ગયેલા. કોઈ સંગીત સમારોહમાં મદન મોહન જ્યારે એમની સામેથી પસાર થયા તો એમણે કહેલું કે, "ક્યા બાત હૈ! આજકલ તો પરછાઈયા ભી ઘૂમને ફિરને લગી હૈ!" જો કે, નખશીખ સજ્જન એવા મદન મોહનજીએ જે રીતે વળતો જવાબ આપ્યો એનાથી સજ્જાદ હુસેનને પણ અભિમાનથી છાતી ફૂલ્યા વિના નહીં જ રહી હોય! મદન મોહનજીએ કહ્યુંકે, "સજ્જાદ સાહેબ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમેં આપ કે સિવા કોઈ ઓર સંગીતકાર ભી હૈ, જીસકી મેં નકલ ભી કરું?" ખેર, બંને ગીતો યુ ટ્યુબ પર પ્રાપ્ય છે. સમય મળ્યે સાંભળશો તો ખ્યાલ આવશે કે સમાન તર્જ હોવા છતાં બંને ગીત આપના દિલોદિમાગ પર પોતાની આગવી છાપ છોડી જાય છે.

આવા તો અનેક ગીતના જોડકા હશે, કે જેમાં કોઈ એક ગીત, બીજા પરથી પ્રેરાઈને રચાયું હોય. સુધા મલ્હોત્રાએ ગાયેલું આ ગીત યુ ટ્યુબ પર સાંભળજો... "યે ધક ધક ક્યા હૈ, ક્યા દિલ કો હુઆ હૈ... કોઈ તો સમજાયે, યે કૈસા નશા હૈ..." ગીતકાર અન્જાને અત્યંત રમતિયાળ શબ્દોમાં પ્રેમમાં પડેલી એક નવયૌવનાના મનોભાવોનું મધુર આલેખન કર્યુઁ છે. મઝાની વાત તો એ છે કે ૧૯૫૬મા રજૂ થયેલી ફિલ્મ "હલાકૂ"ના ગીત "યે ચાંદ યે સિતારે, યે સાથ તેરા મેરા.... ની ધૂન પરથી "જંગલ બોય" નામની ફિલ્મના આ ગીતની ધૂન બનાવનારા સંગીતકાર હતા સુરેશ તલવાર, જેમણે 'જંગલ બોય' ઉપરાંત હોટેલ, સૈર-એ- પરિસ્તાન, તીર્થયાત્રા, ફેશનેબલ વાઈફ, સાહિલ, લેડી ઓફ ધ લેક, એલીફન્ટ ક્વીન, તીલસ્મી દુનિયા, ટારઝન ઔર જાદૂગર, રાષ્ટ્રવીર શિવાજી, ચાર ચક્રમ - આવા આવા શીર્ષકો ધરાવતી ફિલ્મોમાં સગીત આપ્યું છે. બંને ગીત સાંભળીએ તો ખ્યાલ આવ્યા વિના ન રહે કે શંકર જયકિશનના સંગીત નિર્દેશનમાં લતાજીએ ગાયેલા "હલાકૂ"ના ગીત કરતા સુરેશ તલવારના સંગીતમાં સુધા મલ્હોત્રાએ ગાયેલું "જંગલ બોય"નું ગીત વધારે ચડિયાતું છે! સુધાજીના અવાજમાં એક તાજગીભરી મધુરતાનો અનુભવ થાય છે.


સુધાજીના અવાજમાં ફિલ્મ 'જંગલ બોય'નું ગીત અહીં માણો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો